સહિયર સમીક્ષા .
- બે વર્ષથી એક યુવક સાથે હું મનોમન પ્રેમ કરતી હતી. એક મહિના પૂર્વે જ મેં તેને મારા મનની વાત કહી હતી અને તેણે મારા પ્રેમનો સ્વીકાર કર્યો હતો.
હું ૨૦ વર્ષની છું. મારા મમ્મી-પપ્પાના છૂટાછેડા થઈ ગયા છે. હું મારી મમ્મી સાથે મારી મોટી બહેન અને બનેવી સાથે રહું છું. મારે કંઈ બનવું છે પરંતુ મારી બહેન મારી સાથે ઘણો ઝઘડો કરે છે અને મને સાથ આપતી નથી. મારી મમ્મીને એક પુરુષ સાથે સંબંધ છે. નોકરી અને આ સંબંધને કારણે તે મને સમય આપી શકતી નથી. આથી મને એક યુવક સાથે પ્રેમ થયો હતો, પરંતુ તેણે પણ મને દગો આપ્યો હતો. મારું ધ્યાન ભણવામાં લાગતું નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
એક યુવતી (ગુજરાત)
તમારું ઘર વેરવિખેર થઈ ગયું હોવાનું જાણીને ઘણું દુ:ખ થાય છે. પરંતુ, તમારું ભણવામાં કેમ ધ્યાન લાગતું નથી. એની નવાઈ લાગે છે. એક બાજુ તમારે કંઈ બનવંુ છે અને બીજી બાજુ અભ્યાસમાં ધ્યાન લાગતું નથી તો કેમ ચાલે? તમારા જીવન સાથે સમાધાન કરીને તમારે તમારી જિંદગીમાં આગળ વધવું જોઈએ. ભણી-ગણીને તમારા પગ પર ઊભા રહેવું તમારે માટે જરૂરી છે જેથી તમે તમારું ભરણપોષણ કરી શકો કોઈના પર અવલંબન રાખો નહીં. તમારો સાથ નહીં આપવાના માટે તમારી બહેન પાસે કોઈ કારણ હશે. એ જાણી એ ફરિયાદ દુર કરવાના પ્રયત્ન કરો.
હું ૧૮ વર્ષની છું. બે વર્ષથી એક યુવક સાથે હું મનોમન પ્રેમ કરતી હતી. એક મહિના પૂર્વે જ મેં તેને મારા મનની વાત કહી હતી અને તેણે મારા પ્રેમનો સ્વીકાર કર્યો હતો. અમારે લગ્ન કરવા છે પરંતુ તે ગોરો છે જ્યારે મારો વર્ણ શ્યામ છે. આથી તે મને સાચો પ્રેમ કરતો હશે કે નહીં એની મને શંકા છે. શું તે મારી લાગણીઓ સાથે રમી રહ્યો હશે?
એક યુવતી (મુંબઈ)
પોતા પર શક હોય એ વ્યક્તિને પ્રેમમાં સતત ડર રહે છે. પ્રેમમાં ગોરી કે શ્યામ ત્વચાને કોઈ મહત્ત્વ હોતું નથી. અને આ વાત મહત્ત્વની પણ નથી. આ છોકરો છું કરે છે? તેની નોકરી કેવી છે? શું તે તમારા પરિવાર સાથે એકરૂપ થઈ શકશે? તમારા બન્નેની સંસ્કૃતિ એકસરખી છે? આ છોકરો બધી રીતે તમારે યોગ્ય હશે તો તમારા માતા-પિતા રાજી ખુશીથી આ સંબંધ માટે તૈયાર થઈ જશે. એ છોકરો તમને ખરેખર પ્રેમ કરે છે એ પ્રશ્ન છે તો તેની દિલની વાત કોઈ જાણી શકે તેમ નથી એ છોકરો તમારી સાથે લગ્ન કરવા માગે છે તો પછી શક કરવો છોડી દો અને તેના પર વિશ્વાસ રાખો. લગ્ન પૂર્વે તેને શારીરિક છૂટછાટ લેવા દેતા નથી. બાકી બધુ નસીબ અને સમય પર છોડી દો.
મારા લગ્નને ચાર વર્ષ થયા છે અમને પાંચ મહિનાનો એક પુત્ર છે. આમ તો મારા પતિ મને ઘણો પ્રેમ કરે છે, પરંતુ મને ત્રાસ આપનારા તેમના પરિવારના સભ્યોને કંઈ કહી શકતા નથી અને મને જ ચૂપ રહેવાનું કહે છે. મારા પતિ સારું કમાય છે. મારા જેઠ વર્ષો પહેલા જ છૂટા થઈ ગયા છે. મારી સાસુ અને ત્રણ પરિણીત નણંદ મને ઘણો ત્રાસ આપે છે. ઘરના નાના-નાના નિર્ણયો પણ તેઓ જ લે છે. મને ઘરની બહાર જવાની કે કોઈને મળવાની પણ મંજૂરી નથી મારે શું કરવું એનું માર્ગદર્શન આપવા વિનંતી.
એક બહેન (કાઠિયાવાડ)
તમારે તમારા પતિ સાથે આ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા કરવી જોઈએ. તેમની જિંદગીમાં તમારું કેટલું મહત્ત્વ છે એનું તેમને ભાન થાય એ માટે તેઓ માને નહીં તો કેટલાક મહિના તેમનાથી અલગ રહો. તેમને સમજાવો કે તેઓ તમારે સ્થાને હોત અને તમારી માતા તેમની સાથે આવા વ્યવહાર કરત તો શું તેઓ ચૂપ બેસી રહેત? તમે આ લોકોથી ગભરાતા રહેશો તો તેઓ તમારા પર વધુ દાદાગીરી કરશે. નવાઈની વાત તો એ છે કે નણંદો પણ પોતે કોઈની ભાભી છે. અને સાસુ પણ તેની દીકરી પણ કોઈના ઘરની વહુ છે એ વાત ભૂલી જાય છે.
અમારા પરિવારમાં છોકરીઓની કોઈ કિંમત નથી મારા લગ્ન નાની ઉંમરે જ કરી દેવામાં આવ્યા હતા. મારો વર્ણ શ્યામ છે પરંતુ મારા ફિચર્સ શાર્પ છે. પરંતુ સાસુ અને નણંદ મને કદરૂપી માને છે અને કોઈની સામે આવવા દેતા નથી. મારી દેરાણી ગોરી હોવાથી તેને ઘણા માન-પાન મળે છે. આ દરમિયાન મને એક પુત્રી જન્મી આ કારણે સાસુ મારા વધુ નારાજ થઈ ગયા. મનનો બધો જ આક્રોશ હું મારી પુત્રી પર ઉતારું છું અને ગુસ્સામાં તેને ઘણું મારું છું. શું કરવું ે મને સમજાતું નથી.
એક બહેન (ગુજરાત)
તમારી અંદર ભરાઈ ગયેલી હીન ભાવના દૂર કરો. તમે સહનશીલ છે. સુંદર છો, યુવાન છો. તમે કોઈથી પણ ઉતરતા નથી. તમારામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરો. તમારા પતિ સાથે વાત કરીને આ સમસ્યાનો કોઈ ઉપાય શોધો. પુત્રી કે પુત્રનો જન્મ પતિ પર નિર્ભર છે એ વાત વિજ્ઞાાને પણ પૂરવાર કરી છે. તમારા સાસુને આ વાત સમજાવો. આમા તમારી પુત્રીનો કોઈ વાંક નથી.'નાહક તેના પર ગુસ્સો ઉતારો નહીં. તેને પ્રેમ કરો. અને સારી રીતે ઉછેરો તેના મન પર કોઈ અવળી અસર પડે નહીં એ વાતનું ધ્યાન રાખો. તમે એને અતિશય મારશો તો તે પણ તમને ધિક્કારશે એ વાત સમજી લો.
-નયના