Get The App

એક સમયે જોધપુરના રાજવીની શાન ગણાતો બ્લ્યુ સ્ટાર સેફાયર આજે અમેરિકાના એક મ્યુઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
એક સમયે જોધપુરના રાજવીની શાન ગણાતો બ્લ્યુ સ્ટાર સેફાયર આજે અમેરિકાના એક મ્યુઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે 1 - image

વોશિંગ્ટનના વિશ્વ વિખ્યાત નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરીની દર વર્ષે ૭૦ લાખ લોકો મુલાકાત લે છે. આ સંગ્રહાલયમાં ૧૪૫૦ લાખ છોડ, પ્રાણીઓના અશ્મિ, રત્નો, પત્થર, વગેરે છે. વિશ્વના અનેક વૈજ્ઞાાનિકો પણ આ મ્યુઝિયમની મુલાકાત લે છે. એના રત્ન વિભાગમાં એક જવલ્લે જ જોવા મળતું રત્ન છે જે એક સમયે જોધપુરના રાજવી પાસે હતું. ૩૩૦ કેરેટ એટલે કે ૬૬ ગ્રામનું આ નંગ સ્ટાર ઓફ એશિયા સેફાયર તરીકે ઓળખાય છે અને એનો એક ઝળકતો ઈતિહાસ છે. આ રત્ન મ્યાનમારની મોગોક ખાણમાંથી મળ્યું હતું અને એક સમયે જોધપુરના મહારાજાના ખજાનાની શાન હતું. ૧૯૬૧માં આ રત્ન મ્યુઝિયમને મળ્યું.

જો કે આમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી કારણ કે જે સમયે બર્માની મોગોક ખાણોમાંથી આ રત્ન મળ્યું હતું ત્યારે આ બંને રાજ્યોમાં અલગ રાજાની સત્તા હતી. એથી મોગોક ખાણોમાંથી મળતા રત્નો મોટી સંખ્યામાં બર્માની બહાર ચોરી છૂપીથી મોકલી દેવાતા હતા અને અલગ રાજ્યોમાં વેંચવામાં આવતા હતા. શક્ય છે કે આવું જ એક જવલ્લે જ જોવા મળતું રત્ન જોધપુરના મહારાજાએ ખરીદી લીધું હોય. કેટલીક સદીઓ સુધી આ રત્ન જોધપુર રાજ્યના ખજાનાની શાન રહ્યું હતું. જો કે એ વખતનો ઈતિહાસ ધૂંધળો હોવાથી આ રત્ન ચોક્કસ કયા સમયગાળા દરમ્યાન જોધપુરના મહારાજ પાસે પહોંચ્યુ એની જાણકારી નથી પણ એટલું તો પાકું છે કે આ રત્ન અનેક હાથોમાં ફરીને છેલ્લે માર્ટિન લીઓ એરમેન, જે આવા રત્નોના સૌથી મોટા સંગ્રહક અને સોદાગર છે, તેમની પાસે પહોંચી ગયું. તેઓ અમેરિકામાં અનેક યુનિવર્સિટી અને સંગ્રહાલયોને રત્નો પૂરા પાડે છે. તેમના ખ્યાતનામ ગ્રાહકોમાં અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરી, ન્યુ યોર્ક, હાર્વર્ડ યુનિવર્સિટી, ધી નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ ઓફ લોસ એન્જલસ અને નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરી સામેલ છે. રત્નો ખરીદવાની તેમની ઘેલછા તેમને ભારત અને શ્રીલંકા સુધી દોરી ગઈ હતી.

જો કે જોધપુર રાજવી પરિવારના રેકોર્ડમાં સ્ટાર ઓફ એશિયા સેફાયરનો કોઈ ઉલ્લેખ નથી. પણ કેટલાક વર્ષો દરમ્યાન અમુક રત્નો વેંચવામાં આવ્યા હતા અને નવા ખરીદવામાં આવ્યા હતા. અનેક પ્રસંગોએ આવા રત્નો બ્રિટિશ રાજવીઓ અને અધિકારીઓને ભેટરૂપે આપવામાં આવતા હતા જ્યાંથી તે બીજે પહોંચી જતા હતા.

૧૯૬૧માં માર્ટિન લીઓ એરમેન પાસેથી સ્મિથસોનિયેનની નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરીએ સ્ટાર ઓફ એશિયા સેફાયર ખરીદી  લીધો. આ મ્યુઝિયમ માર્ટિન પાસેથી છેક ૧૯૩૨થી આવા રત્નો ખરીદતું હતું. એક અફવા મુજબ જોધપુરના મહારાજે ઉમેદ ભવન મહેલ બાંધવાનો ખર્ચ ઉઠાવવા પોતાની કેટલીક અંગત મિલકત વેંચી હતી અને એ જ સમયગાળા દરમ્યાન માર્ટિને મહારાજ પાસેથી આ રત્ન મેળવ્યું હોવાનું અનુમાન છે.

મહારાજા હનવંત સિંઘ, જેમણે બોલીવૂડ અભિનેત્રી ઝુબેદા સાથે લગ્ન કર્યા હતા, તેમનું મોત ૧૯૫૨માં એક વિમાન દુર્ઘટનામાં થયું હતું. તેમને ગજ સિંઘ નામે એક પુત્ર હતો. તેના બાળપણ દરમ્યાન જોધપુરના રાજવી ખજાનાનું ધ્યાન રાખવા અનેક સંચાલકો નિમાયા હતા. કેટલાક લોકોનું માનવું છે કે આ જૂજ રત્ન આ જ સમયગાળા દરમ્યાન વેંચાયો હતો અને તેને સંબંધિત તમામ રેકોર્ડ નષ્ટ કરાયા હતા.

સ્ટાર ઓફ એશિયા વિશે અવનવું

સ્ટાર ઓફ એશિયા ૩૩૦ કેરેટનો બ્લ્યુ વાયોલેટ સ્ટાર સેફાયર છે. તેનામાં છ સ્પષ્ટ કિરણવાળો સ્ટાર બરોબર વચ્ચોવચ છે. આ નંગમાં ફાઈબર હોવાથી તે અર્ધપારદર્શક છે અને એમાં એક તારા જેવો દેખાવ આવે છે.

વિશ્વમાં તે બીજા ક્રમાંકે સૌથી ઊંચી ગુણવત્તાનો બ્લ્યુ સ્ટાર સેફાયર છે. પહેલા ક્રમાંકે ન્યુ યોર્ક સ્થિત અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરીમાં રાખવામાં આવેલો ૫૬૩.૩૫ કેરેટનો સ્ટાર ઓફ ઈન્ડિયા સેફાયર છે.