સહિયર સમીક્ષા .
- હું 32 વર્ષની ગૃહિણી અને બે બાળકોની માતા છું ત્યારે પુરુષ જાતિ સામે બદલો લેવાની ભાવના સાથે જીવી રહી છું. બહાર કેટલાય કલાકો પુરુષો સાથે સમય પસાર કરું છું. તેમની સાથે સિગારેટ અને શરાબ પણ પીઉં છું.
જ્યારે હું ૧૩-૧૪ વર્ષની સ્કૂલની વિદ્યાથની હતી ત્યારે કોઈ છોકરાએ મારા નામે બે પ્રેમપત્રો લખી નાખ્યા. સ્કૂલવાળાએ એ બંને પત્રો મારા ઘરના લોકોને આપી દીધા. એ દિવસથી મારા પરિવારની હું સૌથી ઉપેક્ષિત છોકરી બની ગઈ. જે ભૂલ મેં નથી કરી એના માટે મને બદનામી અને ઉપેક્ષા મળ્યાં.
હવે જ્યારે હું ૩૨ વર્ષની ગૃહિણી અને બે બાળકોની માતા છું ત્યારે પુરુષ જાતિ સામે બદલો લેવાની ભાવના સાથે જીવી રહી છું. મારા પતિ દુકાનદાર છે. તેમને દુકાનમાં અને બહારની ખરીદીમાં મદદ કરું છું. બહાર કેટલાય કલાકો પુરુષો સાથે પસાર કરું છું. તેમની સાથે સિગારેટ અને શરાબ પણ પીઉં છું. પતિ બધું જાણવા છતાં પણ ચૂપ રહે છે. જ્યારે કોઈ ગુના વગર જ બદનામી મળી તો શા માટે જીવનની ભરપૂર મજા માણીને બદનામ ન થવું. આ સમાજ માટે આ જ બદલો છે.
* અજાણતાં જ આવી બાબત માટે તમને ઘાયલ કરવામાં આવ્યા એ ખોટું હતું, પરંતુ બદલો લેવાની તમારી આ રીત તો સાવ ખોટી છે. આનાથી તમે સમાજ સામે બદલો તો શું લેશો, પરંતુ તમારો પોતાનો સર્વનાશ નોતરશો અને તમારા પછી તમારાં બાળકોનું શું થશે? ભૂતકાળને ભૂલી જવાની કોશિશ કરો. તમારા દામ્પત્ય અને બાળકો પ્રત્યે ધ્યાન આપો. તમારા માટે એ જ સારું રહેશે.
હું ૨૫ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારા લગ્ન સંયુક્ત કુટુંબમાં થયા છે. મારા પતિને છ ભાઈ છે. બધાં એકસાથે રહીએ છીએ. પહેલાં તો બધું ઠીકઠાક ચાલતું હતું, પરંતુ મારા પુત્રના જન્મ પછી સમસ્યા ઊભી થઈ. હું સ્કૂલમાં ટીચર છું. સ્કૂલ ઘરથી ખૂબ દૂર આવેલી છે. ઘરમાં પુત્રને સાચવવા માટે કોઈ રાજી નહોતું. એક નોકરાણી પણ રાખી હતી, પરંતુ તેને બધા પોતપોતાના કામમાં રોકી રાખતાં હતાં.
પુત્રનું સ્વાસ્થ્ય કથળતું જોઈને મેં તેને પિયરમાં મૂકવાનું શરૂ કરી દીધું. હવે દરરોજ સવારે મૂકી આવું છું અને સાંજે લઈ આવું છું. પુત્ર પ્રત્યે ઘરના લોકોની બેદરકારીથી ત્રાસીને હું પણ ઘણી ઉદ્ધત બની ગઈ છું. નાનામોટાનો કશો ખ્યાલ જ નથી રાખતી. શું મારી આ ઉદ્ધતાઈ યોગ્ય છે?
* નોકરિયાત સ્ત્રીઓને અમુક મુશ્કેલી પડતી જ હોય છે અને ઘરપરિવારમાં થોડી ઘણી બોલાચાલી પણ થતી હોય છે, પરંતુ જ્યારે તમે જાણો છો કે એકસાથે રહેવાનું છે તો વાતાવરણમાં કડવાશ ઊભી કરવાથી શો ફાયદો? જ્યાંસુધી સાથે રહેવાની મજબૂરી હોય તો બહેતર એ રહેશે કે હળીમળીને રહો. વ્યવહારમાં કડવાશથી ઘરકંકાસ થશે જે તમારા અને બાળક બંને માટે યોગ્ય નહીં ગણાય.
હું નવમા ધોરણનો વિદ્યાર્થી છું. માનસિક મૂંઝવણો અને પરેશાનીને કારણે નવમા ધોરણમાં બેવાર ફેલ થઈ ગયો છું. ફેલ થયા પછી ઘરવાળાનાં મહેણાંટોણાં સાંભળીને તો હું વધારે ટેન્શનમાં રહું છું. અભ્યાસમાં મારું મન નથી લાગતું. ઘરેથી ભાગી જવાની ઈચ્છા થાય છે. મને યોગ્ય માર્ગદર્શન આપો.
* તમે ખુલાસો કરીને લખ્યું નથી કે તમારી માનસિક પરેશાની કઈ છે? એવી કઈ મૂંઝવણ છે કે જે આટલી નાની ઉંમરે તમને મૂંઝવે છે? તમારા માટે ઉચિત એ રહેશે કે કોઈ મનોચિકિત્સક પાસે સારવાર કરાવો અને સલાહ લો. તે તમારી બધી મૂંઝવણ દૂર કરશે.
જ્યારે ફેલ થવાને કારણે હાંસીપાત્ર બનવાનો સવાલ આવે છે તો તમે જે વિષયમાં નબળા છો એનું ટયૂશન રાખો. ટેન્શન ફ્રી થઈને ભણો, જરૂર સફળતા મળશે. ઘરમાંથી ભાગી જવાનો વિચાર ન કરો.
- નયના