- હું ૨૦ વરસની યુવતી છું. તડકામાં બહાર નીકળતાં જ ત્વચા પર બળતરા થવા લાગે છે. ઉપરાંત ખંજવાળ પણ આવે છે.
હું ૨૦ વરસની યુવતી છું. તડકામાં બહાર નીકળતાં જ ત્વચા પર બળતરા થવા લાગે છે. ઉપરાંત ખંજવાળ પણ આવે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
* તમારી સમસ્યા પરથી લાગે છે કે તમને એલર્જી હોવી જોઇએ. તડકામાં નીકળતી વખતે શક્ય હોય તેટલું શરીર ઢાંકો. જેથી સૂર્યના કિરણો સીધા ત્વચાના સંપર્કમાં ન આવે. ઘરમાંથી બહાર નીકળતા પૂર્વે સનસ્ક્રીન લોશન અથવા કેલેમાઇન લોશન લગાડવું. ખંજવાળ પર કોપરેલ અથવા યુડીકોલન લગાડવાથી રાહત થશે. ઉપરાંત દહીં,દહીંની મલાઇ,છાશ લગાડવાથી પણ રાહત થશે.
હું ૧૭ વરસની યુવતી છું. મારા હોઠ બહુ કાળા છે તેને ગુલાબી કરવાના ઉપાયો જણાવશો.
એક યુવતી (ભાવનગર)
* હોઠને કુદરતી ગુલાબી રંગ આપવા તેના પર નિયમિત મલાઇ લગાડશો. સાત-આઠ ગુલાબની પાંખડીઓમાં બે ટીપાં બદામનું તેલ નાખી પેસ્ટ તૈયાર કરી હોઠ પર લગાડવી. નિયમિત કરવાથી ફાયદો થશે. જરૂર ન હોય તો લિપસ્ટિક લગાડવાનું પ્રમાણ ઓછું કરવું જેથી હોઠને તાજી હવા મળી શકે.
હું ૧૯ વરસની યુવતી છું. મારા વાળમાં ખોડો થઇ ગયો છે તેને દૂર કરવાના ઉપાયો જણાવશો.
એક યુવતી (નાસિક)
* વાળમાં હુંફાળા તેલથી મસાજ કરશો. વાળમાં મસાજ કર્યા બાદ ગરમ પાણીમાં ટુવાલ ભીંજવી નીચોવી માથા પર મૂકો જેથી વાળને શેક મળે. અને તેલ બરાબર પથરાયેલું રહેશે. ખોડાને દૂર કરવાના ખાસ શેમ્પૂથી વાળ ધોશો.
હું ૩૨ વરસની ગૃહિણી છું. મારી આંખની આસપાસ કાળા કુંડાળા થઇ ગયા છે તેને દૂર કરવાના ઉપચાર જણાવશો.
એક યુવતી (રાજકોટ)
* કાળા કુંડાળા ઘણા કારણોસર થાય છે. જેમકે, અનિંદ્રા,લોહીમાં હેમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોવું,થાક અથવા તો કોઇ લાંબી બીમારી. પ્રથમ તમે કાળા કુંડાળાનું યોગ્ય કારણ શોધી તેનો ઇલાજ શરૂ કરો. તે દરમિયાન કાકડી અને બટાકાનો રસ મિક્સ કરી કોટનના પૂમડાને તેમાં ભીંજવી આંખની પાંપણ પર ૧૫-૨૦ મિનિટ મૂકશો. આંખને ઠંડા પાણીથી સાફ કરો. સવારે લીલાછમ ઘાસ પર ઉઘાડા પગે ચાલવાથી ફાયદો થશે.
હું ગુજરાતના ગામડામાં રહેતી યુવતી છું. અમારા ગામમાં આજે પણ બ્યુટી પાર્લર નથી. મારી બહેનપણીઓ શહેરમાં જઇને બ્લિચ લઇ આવી છે. મને પણ લગાડવાનું મન થાય છે. હવે મારે એ જાણવું છે કે બ્લિચથી મને એલર્જી છે કે નહીં તે કઇ રીતે જાણી શકાય.
એક યુવતી (ગુજરાત)
* તમે બ્લિચની ચકાસણી કર્યા વગર બ્લિચ નથી લગાડયું તે ડહાપણ કર્યું છે. બ્લિચનું મિશ્રણ તૈયાર કરી કાનની પાછળના ભાગમાં અથવા હાથ પર લગાડીને જોવું સલાહ ભરેલું છે.
- જયવિકા આશર


