Get The App

સહિયર સમીક્ષા .

Updated: Apr 11th, 2022

GS TEAM


Google News
Google News
સહિયર સમીક્ષા                               . 1 - image


-  એક યુવકે મારી સામે મૈત્રીનો હાથ લંબાવ્યો અને તે સાથે જ લગ્ન ન કરવાની કે શારીરિક સંબંધ ન બાંધવાની શરત પણ મૂકી. મેં તેની આ વાત સ્વીકારી.

* મારાં લગ્નની વાત મારી પાડોશમાં જ રહેતા અમારી જ જ્ઞાાતના યુવક સાથે ચાલી, પરંતુ જ્યારે ઘરના લોકોને ખબર પડી કે છોકરો ક્યારેક ક્યારેક દારૂ પીએ છે અને પહેલાં તેણે ૨-૩ છોકરીઓ સાથે લફરાં કરેલાં છે ત્યારે તેમણે આ સંબંધની ના પાડી દીધી. મારી મુશ્કેલી એ છે કે આ વાત નકારાઈ ગઈ હોવા છતાં હું એને પત્ર લખી સમજાવી દઉં કે એને મારા કરતાં પણ સારી જીવનસંગિની મળી રહેશે, પણ એક બાજુ ડર પણ લાગે છે કે ક્યાંક આ પત્ર ભવિષ્યમાં મારા માટે કોઈ મુશ્કેલી ન ઊભી કરી દે.

* છોકરી માટે જ્યારે લગ્નની વાત નક્કી થવા લાગે છે ત્યારે તે એ યુવક સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. તમારી બાબતમાં પણ એવું જ થયું છે. તમારા ઘરના લોકોને એ યુવક તમારે લાયક ન લાગ્યો એટલે તેમણે આ સંબંધની ના પાડી દીધી. તમે પણ એને ભૂલી જાવ. તેને પત્ર લખવાની ભૂલ કદી ન કરતાં.

* હું ૨૪ વર્ષની યુવતી છું. સગાઈ થઈ ગઈ છે. લગ્નને હવે થોડોક જ સમય બાકી છે. પહેલાં હું ચશ્મા પહેરતી હતી, પરંતુ લગ્નની વાત શરૂ થાય તે પહેલાં જ મને કોન્ટેક્ટ લેન્સ પહેરાવી દેવાયાં. હું ઇચ્છતી હતી કે આ વાત છોકરાના સંબંધીઓને જણાવી દેવી, પરંતુ મારા ઘરના લોકોએ એની ના પાડી. હવે જેમ જેમ લગ્નનો સમય નજીક આવતો જાય છે, તેમ તેમ મારી ચિંતા વધતી જાય છે. મને થાય છે, લગ્ન પછી જો તેમને આ વાતની ખબર પડશે તો તેમનો મારા પરથી વિશ્વાસ ઊઠી જશે. મારે શું કરવું જોઈએ?

* તમે એકદમ સાચું વિચારો છો. લગ્નની વાત નક્કી થતી વખતે કોઈપણ હકીકત છુપાવવી ન જોઈએ. હવે તમે પોતે જ જ્યારે તમારા ભાવિ પતિને મળો, ત્યારે આ વાત તેને જણાવી દો  તો સારું. આથી છોકરાને પણ વાતની જાણ થઈ જશે અને તમને પણ ખબર પડી જશે કે આ વાતની છોકરા પર કેવી અસર થાય છે  જેથી ભવિષ્યમાં આ બાબતે તમારી વચ્ચે કોઈ વિવાદ થાય નહીં.

* મેં એક વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન કર્યાં છે. લગ્ન પહેલાં મારા પતિ મારા ઘરના સૌની સાથે સારી રીતે વર્તતા હતા, પણ લગ્ન પછી એક જ મહિનામાં એમણે જાણીજોઈને ઝઘડો કર્યો. હવે એ કોઈ જાતનો સંબંધ નથી રાખતા, જ્યારે હું મારાં સાસરિયાંનું ખૂબ માન જાળવું છું. હવે મને પણ તેઓ ગમતા નથી. પ્રેમલગ્ન કરીને મેં સારું કર્યું કે ખરાબ, તે સમજી શકતી નથી. ઘણી વાર પતિને છોડીને જતા રહેવાનું મન થાય છે, હું શું કરું?

* પ્રેમમાં ગળાડૂબ પ્રેમીપ્રેમિકા કંઈક જુદી જ દુનિયામાં વિહાર કરતાં હોય છે જ્યારે હકીકતની દુનિયા તેનાથી એકદમ જુદી છે. તમે લગ્ન કરવાનું જે પગલું ભર્યું તે સાચું હતું કે ખોટું, એ વિચારવાનો સમય વીતી ગયો છે. જો કોઈ કારણસર તમારા ઘરના સાથે પતિને મતભેદ થયો હોય, તેથી તમે પણ સાસરિયાંને અવગણો, તે યોગ્ય નથી. પતિ કંઈ ચીજવસ્તુ નથી કે તમને ન ગમે તો બદલી નાખો. લગ્ન એક સમાધાન છે, તેથી તેને નિભાવતાં શીખો.

 * હું ૨૫ વર્ષની સુખીસંપન્ન પરિવારની શિક્ષિત યુવતી છું. છેલ્લાં ચાર વર્ષથી એક યુવકને પ્રેમ કરું છું. એ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે અને મારા ઘરમાં પણ બધાંની મૌન સ્વીકૃતિ છે, પણ મુશ્કેલી એ  છે કે તે યુવક કશું કામ કરતો નથી. માત્ર કામ કરવાના વાયદા જ કરે છે. મારા ઘરમાં બધાં મારાં લગ્ન બીજે કરવાની ઉતાવળ કરે છે, પણ તે યુવક મને નુકસાન પહોંચાડવાની ધમકી આપે છે. 

* તમે શિક્ષિત અને સંસ્કારી ઘરનાં છો, માટે આવા બેરોજગાર અને સ્પષ્ટ ધ્યેયહીન યુવક સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળો, એ જ વધુ હિતાવહ છે. તેની ધમકીઓ પ્રત્યે ધ્યાન આપ્યા વિના તમારાં માતાપિતા જ્યાં ગોઠવી આપે ત્યાં લગ્ન કરી લો.

* હું ૨૧ વર્ષની યુવતી છું. થોડા સમય પહેલાં એક યુવકે મારી સામે મૈત્રીનો હાથ લંબાવ્યો અને તે સાથે જ લગ્ન ન કરવાની કે શારીરિક સંબંધ ન બાંધવાની શરત પણ મૂકી. મેં તેની આ વાત સ્વીકારી લીધી. હું એને ખૂબ ચાહું છું. એનું દિલ જીતવા શું કરું?

* તમારા પ્રશ્ન પરથી એવું લાગે છે કે તમારે પ્રેમ એકપક્ષીય છે. જો કે તમારા પ્રિય પાત્રે તમને મૈત્રી કરતી વખતે જ લગ્ન ન કરવા અને શારીરિક સંબંધ ન બાંધવા અંગેની સ્પષ્ટતા કરી દીધી હોવાથી આ બાબતે આગળ ન વિચારવું.

- નયના 

Tags :