Get The App

સૌંદર્ય સમસ્યા .

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
સૌંદર્ય સમસ્યા                                                                           . 1 - image

- હું ૨૨ વરસની યુવતી છું, કોમ્પ્યુટર પર લાંબો સમય કામ કરવાથી મારી આંખોની આસપાસ કાળા કુંડાળા થઈ ગયા છે.

પ્રશ્ન : હું ૩૫ વરસની મહિલા છું. મારા ચહેરા પર કરચલી પડી ગઈ છે. તેને દૂર કરવાના તથા ચહેરો ચમકીલો કરવાના ઉપચાર જણાવશો.

- એક મહિલા (મુંબઈ)

ઉત્તર :  મૂળાનો એક ચમચો લઈ તેમાં એક ચમચો માખણ બરાબર ભેળવી દેવું. આ મિશ્રણને અઠવાડિયે બે વખત ચહેરા પર રગડવું. લગાડયાના એક કલાક  બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોવો. ફાયદો થશે.

પ્રશ્ન :  હું ૨૨ વરસની યુવતી છું, કોમ્પ્યુટર પર લાંબો સમય કામ કરવાથી મારી આંખોની આસપાસ કાળા કુંડાળા થઈ ગયા છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.

- એક યુવતી (ગુજરાત)

ઉત્તર :  બદામના તેલનાં થોડાં ટીપાં લઈ તર્જની આંગળીથી આંખની નીચે અને ઉપર તરફ હળવે હળવે માલિશ કરવું. કોમ્પ્યુટર પર એન્ટીગ્લેયર સ્ક્રીન ન બેસાડી હોય તો બેસાડી દેશો. તડકામાં જતા પૂર્વે સનસ્ક્રીન લોશન લગાડવું. ૧૦-૧૫ ગ્લાસ દિવસમાં પાણી પીવું. રોજિંદા આહારમાં સલાડ, દૂધ, ફળનું અધિક માત્રામાં સેવન કરવું.

પ્રશ્ન : હું ૧૬ વરસની યુવતી છું. મારા વાળ જાડા તથા ચમકીલા હતા. થોડા વખતથી મારા વાળમાં ખોડો થવાથી તે ખરવા લાગ્યા છે. 'એન્ટીડેન્ડ્રફ શેમ્પુ'નો ઉપયોગ પણ કરી જોયો પરંતુ ફાયદો જણાતો નથી. હાલ હું હળવું 'માઇલ્ડ એલોવીરા શેમ્પુ' વાપરું છું. ઉપરાંત કોપરેલમાં કપૂર ભેળવી વાળમાં હળવા હાથે બે વખત મસાજ કરું છું. છતાં પણ મારી સમસ્યા દૂર થઇ નથી.

મારી ત્વચા તૈલીય છે. ખીલની સમસ્યા છે એટલું જ નહીં ખીલના ડાઘા પણ ચહેરા પર ઉપસી આવ્યા છે. હું લીમડાયુક્ત સાબુનો ઉપયોગ કરું છું. તથા લાલ મસૂર દાળ, હળદર, ચણાનો લોટ, ગુલાબજળની પેસ્ટ અઠવાડિયે એક વખત લગાડું છું. પણ ફાયદો નહીંવત્ છે. મારી સમસ્યાઓમાંથી છૂટકારો આપવાના ઘરગથ્થુ ઉપચાર જણાવશો.

એક યુવતી (બિલીમોરા)

ઉત્તર : વાળમાં કોપરેલથી મસાજ કરો (તેમાં કપૂર ભેળવશો નહીં) અને લીંબુનો રસ વાળમાં લગાડો. બે કલાક બાદ હળવા હર્બલ શેમ્પુથી વાળ ધોઇ નાખશો. વાળમાં મહેંદી લગાડવાથી પણ ફાયદાજનક રહેશે.

દિવસના ઓછામાં ઓછા ૧૦ ગ્લાસ પાણી પીઓ. આહારમાં પાંદડાયુક્ત ભાજી, સલાડ તથા મોસમી ફળોનું પ્રમાણ વધારશો. મીઠાઇ, ચોકલેટ, ઠંડા પીણાં, તળેલી મસાલેદાર વાનગીનું પ્રમાણ શક્ય હોય તેટલું ઓછં  કરશો. જે ફક્ત તમારી ત્વચા નહીં વાળ માટે પણ ફાયદાકારક રહેશે.

૧૦૦ મિલિલીટર ગુલાબજળમાં એક ચમચી કપૂર ભેળવી શીશીમાં ભરી રાખવું. દિવસમાં ત્રણ-ચાર વખત ત્વચા પર લગાડવું. આ ઉપરાંત અહીં જણાવેલ ફેસપેક લગાડવો.

બે ચમચા મસૂરની દાળનો લોટ (ભૂક્કો- પાવડર) બે ચમચા સુખડ પાવડર, બે ચમચા ફૂદીનાની પેસ્ટ, ચપટી કપૂર, બે ટીપાં લવિંગનું તેલ, ઇંડાની સફેદી. આ બધી સામગ્રી ભેળવી મુલાયમ પેસ્ટ બનાવવા ઠંડુ દુધ ઉમેરવું. ચહેરા પર લગાડવું. 

સુકાઇ જાય બાદ પૂમડાને દૂધમાં બોળી ચહેરા પરની સુકાયેલી પેસ્ટને ધીરે ધીરે રૂના પૂમડાથી દૂર કરવી. રૂનું પૂમડું ગોલાકાર દિશામાં (સરક્યુલર મુવમેન્ટ) ફેરવવું જેથી રક્તસંચાર થશે. એકાંતરે કરવાથી ટૂંક સમયમાં ફાયદો જણાશે.

- જયવિકા આશર