સહિયર સમીક્ષા .
- હું 19 વર્ષની યુવતી છું અને એક યુવકને મનોમન પ્રેમ કરું છું તે યુવક પણ મારા પ્રેમમાં હોય એવું મને લાગે છે. પરંતુ પ્રેમનો એકરાર કરતા મને શરમ આવે છે.
હું ૧૯ વર્ષની યુવતી છું અને એક યુવકને મનોમન પ્રેમ કરું છું તે યુવક પણ મારા પ્રેમમાં હોય એવું મને લાગે છે. પરંતુ પ્રેમનો એકરાર કરતા મને શરમ આવે છે. સામાજિક રીતે તે અમારાથી ઘણો ઊંચો છે. એ મારા પ્રત્યેના પ્રેમનો એકરાર કરે તો મારે શું કરવું?
ગૌતમી પંડયા (મુંબઈ)
* એ તમારી સમક્ષ પ્રેમની માગણી કરે તો નિશ્ચિંત બની હા પાડી દેજો. સામાજિક ભેદભાવ સિવાય ના પાડવા માટે કોઈ અન્ય કારણ છે ખરું? એક વાત છે કે એ લગ્નની માગણી નાખશે તો એ બધા પાસા સમજી વિચારીને જ આગળ વધવું જરૂરી છે. એના નિર્ણયની રાહ જુઓ. લગ્નની વાત આવે ત્યારે પુરુષો, પ્રેમ, હૂંફ, સલામતી, જેવી વસ્તુઓ પણ ઝંખે છે અને તેને આ અપેક્ષાઓ અને તેની અન્ય ઈચ્છાઓ તમારામાં પૂરી થતી લાગશે તો જરૂરથી લગ્નની માગણી કરશે. પ્રેમને નાત-જાત, ધન જેવા બંધનો નડતા નથી. સાચો પ્રેમ આ બધાથી ઉપર છે.
હું ૩૩ વર્ષની બે સંતાનની માતા છું. મારી પુત્રી ૧૫ વર્ષની છે અને પુત્ર ૮ વર્ષનો છે. મારા પતિ ૩૭ વર્ષના દેખાવડા, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. અમારા પ્રેમ લગ્ન છે. હું દેખાવામાં સામાન્ય છું. છેલ્લી સુવાવડ પછી શરીર જરા સ્થૂળકાય બની ગયું છે. સ્વભાવે જરા આળસુ, નફિકરી અને ધાર્યું જ કરનારી છું. મારી સમસ્યા એ છે કે મને મારા પતિ પ્રત્યે જરા પણ શારીરિક આકર્ષણ થતું નથી એવું પણ નથી કે હું અન્ય પુરુષ તરફ આકર્ષાઈ છું. કદાચ મને કોઈપણ પુરુષ પ્રત્યે આ જાતનું આકર્ષણ થતું નથી. ટૂંકમાં કહું તો સેક્સની મારી ઈચ્છા જ મરી પરવારી છે. મને લાગે છે કે એમને સંતોષ આપવા માટે બનતા પ્રયાસો કરવા જોઈએ. સેક્સ પ્રત્યેની મારી રૂચિ જાગૃત થાય એ માટે સલાહ આપવા વિનંતી.
એક બહેન (જામનગર)
* તમારા પત્ર પરથી તો લાગે છે કે તમારા પતિ ખૂબ જ પ્રેમાળ છે. પતિ અને સંતાનો પ્રત્યે તમને ખૂબ જ પ્રેમ છે. શું તમે કોઈ માનસિક તાણ કે ચિંતા અનુભવો છો? સેક્સનો આનંદ માણતી વખતે હળવાશ અનુભવવાની જરૂર છે. તમારે આળસ છોડી થોડાં એક્ટીવ બનવાની જરૂર છે. આ ઉપરાંત કોઈ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ તમારા હૉર્મોન્સની ચકાસણી કરાવો. કેટલીકવાર હાર્મોન્સમાં ફેરફાર થવાથી પણ આમ થાય છે. ઉપરાંત હળવો વ્યાયામ કરવાની આદત પાડો અને તે પણ કોઈ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ. જે સારવાર પસંદ કરો તે કોઈ ડૉક્ટરની સલાહ પછી જ કરજો.
લોકોની સમસ્યા વધુ પડતા વજનની હોય છે. પરંતુ મારી સમસ્યા તેનાથી વિરુદ્ધ છે. મારું વજન ખૂબ જ ઓછું છે. વજન વધારવા મેં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સફળતા મળી નહીં! આ કારણે હું એકલવાયી થઈ ગઈ છું. લોકોમાં ભળતા મને સંકોચ થાય છે. મારી ઉંમર માત્ર ૨૧ વર્ષની છે.
એક મહિલા (બોરીવલી)
* તમારે પૌષ્ટીક આહાર લેવાની જરૂર છે. તમારે વધુ પ્રોટીન ધરાવતો ખોરાક ખાવાની જરૂર છે. દૂધની બનાવટની વસ્તુઓ ખૂબ જ પ્રમાણમાં ખાવાનું રાખો. સૂકા મેવા, મધ અને કાંજીયુક્ત આહારનું પ્રમાણ વધારી દો. આ ઉપરાંત મેડીકલ ચેકઅપ કરાવી ટોનીક લેવા શરૂ કરો. ચોક્કસ પ્રકારના વ્યાયામ કરવાથી પણ વજન વધે છે આ માટે કોઈ વ્યાયામ નિષ્ણાતની સલાહ લો.
હું ૨૯ વર્ષની યુવતી છું. મારી સાથે કામ કરતા એક પુરુષ સાથે મને પ્રેમ છે. સમસ્યા એ છે કે આ પુરુષે છૂટાછેડા લીધા છે. આથી મારા કુટુંબીજનો અમારા લગ્નનો વિરોધ કરે છે. શું છૂટાછેડા લીધેલા યુવક સાથે પ્રેમ કરવો એ ગુનો છે? અમે બંને એક જ જ્ઞાાતિના છીએ. શું કટુંબીજનોના વિરોધ છતાં પણ મારે લગ્ન કરવા?
એક યુવતી (મલાડ)
* છૂટાછેડા લીધેલાં યુવક સાથે લગ્ન કરવામાં કોઈ ગુનો નથી. એણે શા કારણથી છુટાછેડા લીધા છે એ જાણવાનો પ્રયત્ન કરો. લગ્ન માટે માતા-પિતાની સંમતિની જરૂર છે. તેમને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરો. લગ્ન પછી તેમના પ્રત્યેની નિષ્ઠામાં કોઈ ફેર ન પડે એ પણ જણાવો. ગમે તેટલું સમજાવ્યા પછી પણ તેઓ ન માને તો તમારી પાસે તેમની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા સિવાય છૂટકો જ નથી.
- નયના