Get The App

સહિયર સમીક્ષા .

Updated: Aug 2nd, 2021

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                         . 1 - image


- હું 17 વરસની છું. મને 20 વરસના એક છોકરા સાથે પ્રેમ છે. અમારી જ્ઞાાતિ અલગ હોવાથી બન્નેના ઘરમાંથી લગ્ન માટે મંજૂરી મળે તેમ નથી 

હું ૧૪ વરસનો છું. મારો સ્વભાવ શરમાળ અને ડરપોક છે. છોકરા-છોકરીઓ મારી સામે જુએ છે ત્યારે હું ઘણો નર્વસ થઈ જાઉં છું. કોઈ સાથે નજર મેળવવાની પણ મારામાં હિંમત નથી. મારે મારો સ્વભાવ કેવી રીતે સુધારવો એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (ગુજરાત)

તમારી ઉંમર હજુ નાની છે આથી તમને તમારું વ્યક્તિત્વ સુધારવામાં વાંધો આવે તેમ નથી. તમારી આ સમસ્યા સાથે તમારા વ્યક્તિત્વના વિકાસ તેમજ તમે જે વાતાવરણમાં રહો છો એનો સંબંધ હોઈ શકે છે. તમારા શહેરમાં આવેલા પર્સનાલિટી ડેવલપમેન્ટના કલાસાં તમે પ્રવેશ લઈ શકો છો. તેમજ વધુને વધુ લોકોને મળી તેમની સાથે વાતચીત કરો. રમત ગમતમાં રસ લો. આમ તમારા વ્યક્તિત્વના વિકાસમાં ઉપયોગી થાય એવી બધી જ બાબતોમાં રસ લો. ધીરે ધીરે તમારી આ આદત સુધરી જશે. ઉંમર તમારી સાથે છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. 

હું ૨૫ વરસની છું. મારા લગ્ન નક્કી થયા છે. પરંતુ આ લગ્ન માટે એ છોકરાની મંજુરી નથી તે બીજી યુવતીને ચાહે છે. પરંતુ તેના પરિવાર તરફથી દબાણ થવાથી તેણે મારી સાથે લગ્ન કર્યાં છે. આ વાત તેણે પ્રમાણિકતાથી મને જણાવી દીધી છે. તેના માતા-પિતા તે દુ:ખ પહોંચાડવા માગતો નથી. આથી મને લગ્ન માટે ના પાડવાની તેણે વિનંતી કરી છે. મારે શું કરવું?

એક યુવતી (મુંબઈ)

આ પરિસ્થિતિમાં તમે લગ્ન માટે ના પાડી દો એ જ યોગ્ય છે. આમ પણ લગ્ન થશે તો એક સાથે ત્રણ જિંદગી બરબાદ થવાની શક્યતા છે. આ છોકરો તેની પ્રેમિકાને ભૂલી જાય એ શક્ય નથી. તમે તમારા મમ્મી-પપ્પાને આ હકીકતની જાણ કરો અને કોઈ પણ બહાનુ બતાવી આ વેવિશાળ તોડી નાખવા માટે કહો તેમને સમજાવો કે તેઓ આ પગલું નહીં લે તો તમારી જિંદગી નરક સમાન બની જશે અને કોઈ પણ માતા-પિતા તેમના સંતાનની જિંદગી દાવ પર લગાડવા તૈયાર થશે નહીં એ વાતની ગેરન્ટી છે.

હું ૨૨ વરસની છું. મારે હજી આગળ ભણવંુ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મારા લગ્ન કરવવા  ઉતાવળા બન્યા છે. મારે લગ્નના બંધનમાં જકડાઈ શિક્ષણથી વંચિત રહેવું નથી. ભણી-ગણીને મારે મારા પગ પર ઊભા રહેવું છે. મારા મમ્મી-પપ્પાને કેવી રીતે સમજાવું એ ખબર પડતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (વલસાડ)

ભણી-ગણીને પગ પર ઊભા રહેવાની તમારી ઇચ્છાની હું કદર કરું છું. અને આજના જમાનામાં આ જરૂરી છે. અને આ માટે શિક્ષણ જરૂરી છે. આજે શિક્ષણ પ્રાથમિકતા બની ગયું છે. સાથે સાથે લગ્ન અને ગૃહસ્થી જીવનનું પણ મહત્ત્વ છે. તમે કારકિર્દીને કેટલું મહત્ત્વ આપો છે એ તમારા મમ્મી-પપ્પાને સમજાવો. આમ છતાં પણ તેઓ માને નહીં તો તેમની સમક્ષ એક શરત મૂકો કે લગ્ન પછી તમને આગળ ભણવાની મંજૂરી આપે એવા પરિવારમાં તમારા લગ્ન કરે. તમે શિક્ષણ પૂરું કર્યાં પછી નોકરી કરશો તો તમારા પતિને આર્થિક ટેકો પૂરો પાડી તમારા બન્નેના સપના સિધ્ધ કરવામાં પણ સહાય કરી શકશો. 

હું ૧૭ વરસની છું. મને ૨૦ વરસના એક છોકરા સાથે પ્રેમ છે. અમારી જ્ઞાાતિ અલગ હોવાથી બન્નેના ઘરમાંથી લગ્ન માટે મંજૂરી મળે તેમ નથી અને ભાગીને લગ્ન કરવાની અમારી ઇચ્છા નથી. તો અમારે શું કરવું?

એક યુવતી (અમદાવાદ)

ભાગીને લગ્ન કરવાની કોઈ જરૂર નથી. હજુ લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે. આથી યોગ્ય સમયની રાહ જુઓ. સમય આવતા જ શાંતિથી તમારા મમ્મી-પપ્પા સાથે વાત કરો. આજે નાત-જાતના બંધન રહ્યા નથી. આથી તમારા બન્નેના મમ્મી-પપ્પા તમારી વાત સાથે સંમત થાય એવી શક્યતા છે. આ ઉંમર હજુ નાદાન છે. તમારી પાસે સમય છે. પરિવારમાં લગ્નની વાત શરૂ થાય ત્યારે તમારો ઇરાદો મક્કમ હોય તો વાત આગળ વધારો. મોટે ભાગે આ ઉંમરનો પ્રેમ બાલિશ હોય છે અને આ ઉંમરે વિજાતિય આકર્ષણને પ્રેમ માનવાની ભૂલ થઈ જાય છે.  

- નયના

Tags :