FOLLOW US

'સોને' મઢાઇને બનો સુહાગણ .

Updated: Sep 19th, 2022


- નવવધૂઓમાં પ્રચલિત થઇ રહ્યાં છે સોનેરી ચણિયા-ચોળી-ઘરેણાં

સોનાના અલંકારો ભારતીય પરંપરા સાથે વણાઇ ગયા છે. કોઇપણ શુભ પ્રસંગે મહિલાઓ સુવર્ણાલંકારો પહેરવાની તક નથી છોડતી. પણ મઝાની વાત એ છે કે તેમને માત્ર સોનાનું જ આકર્ષણ નથી, તેમને સોનેરી રંગ પણ એટલો જ ગમે છે.ચાહે તે માનુનીઓ પ્રૌઢાવસ્થાએ પહોંચી હોય કે પછી કુંવારી કન્યાઓ હોય.કદાચ એટલે જ છેલ્લા ઘણાં સમયથી નવવધૂઓમાં ગોલ્ડન ચણિયા-ચોળી પહેરવાનો ટ્રેન્ડ પૂરબહારમાં ખિલ્યો છે. ફેશન ડિઝાઇનરો કહે છે કે વર્ષોથી આપણી નવોઢાઓ રાતા કે ઘેરા ગુલાબી રંગના ચણિયા-ચોળી પહેરતી આવી છે. પરંતુ હવે તેમની પસંદગી બદલાઇ છે. તેમને ગોલ્ડન શેડના લહંગા-ચોલી  બહુ ગમી રહ્યાં છે. એટલે સુધી કે ઑલ ગોલ્ડન ચણિયા-ચોળી ન પહેરવા હોય તો તેઓ આઇવરી શેડના મટિરિયલ પર ગોલ્ડન વર્ક કરાવે છે.પરંતુ સોનેરી રંગ પહેરવાનું નથી ચૂકતી.

ફેશન ડિઝાઇનરો વધુમાં કહે છે કે કોઇપણ કન્યા ગોલ્ડન રંગમાં શોભી જ ઉઠે. ઑલ ગોલ્ડલહંગામાં સિક્વન વર્ક ખૂબ જચે છે. ઘણી પામેલાઓ તેમાં ડાયમન્ડ કે મોતીવર્ક પણ કરાવે છે. અને આભલાની ફેશને તો હમણાં ફેશનનો રાજમાર્ગ સર કરી રાખ્યો છે. જોકે કેટલીક કન્યાઓને આટલો બધો સોનેરી ભપકો નથી ગમતો. આવી સ્થિતિમાં તેઓ ગોલ્ડન સાથે પેસ્ટલ શેડ લેેવાનું પસંદ કરે છે. તેઓ વધુમાં કહે છે કે સોનેરી રંગના ચણિયા-ચોળી સુંદર લાગે એ વાતમાં બે મત નથી. પરંતુ ગોલ્ડ શેડ પસંદ કરવા બાબતે અત્યંત સાવધાન રહેવું આવશ્યક છે.ક્યારેય અત્યંત ઝાકઝમાળ ધરાવતો,એટલે કે ડાર્ક ગોલ્ડન કલર પસંદ ન કરો. તેનો શેડ આંખોને વાગે એટલો ઘેરો ન હોવો જોઇએ. પરંતુ આંખો ઠારે એટલો સોબર હોવો ઘટે. તેની સાથે રોઝ ગોલ્ડના ઘરેણાં પણ ખૂબ સરસ લાગશે.

અલંકારોની વાત નીકળી છે તો ગોલ્ડન ચણિયા-ચોળી સાથે કેવા દાગીના વધુ સારા લાગે તે જાણવું પણ જરૂરી છે. ફેશન ડિઝાઇનરો કહે છે કે સોનેરી આભા ધરાવતાં લહંગા-ચોલી સાથે સોનાના આભૂષણો તો શોભશે જ. પરંતુ જો તમને એમ લાગે કે ગોલ્ડનનો અતિરેક થઇ રહ્યો છે તો સોનામાં જડેલા હીરાના  આભૂષણો પણ ખૂબ સુંદર લાગશે. તમે ચાહો તો જડાઉ ઘરેણાં પણ પહેરી શકો. તેમાંય જડાઉ હાંસડી ગજબની સુંદર લાગશે. તેવી જ રીતે જો તમારા આઇવરી લહંગા-ચોલી પર ગોલ્ડન વર્ક કરેલું હશે તો જડાઉ ઉપરાંત મોતીના દાગીના પણ આકર્ષક લાગશે. જ્યારે આભલાવર્ક  સાથે સોનામાં મઢેલા હીરાના અલંકારો શોભી ઉઠશે.જ્યારે નોખા તરી આવવા માટે કિંમતી અથવા અર્ધકિંમતી રત્નો જડેલા આભૂષણોથી રૂડું શું?ચાહે તે રૂબી હોય કે પછી એમેરલ્ડ.અને જો તમે સંપૂર્ણપણે ગોલ્ડ લુક ઇચ્છતા હો તો ગોલ્ડન ચણિયા-ચોળી સાથે સુવર્ણાલંકારો ધારણ કરો.હા,તેમાં તમારા પોશાકનો ગોલ્ડન ટોન હળવો હોવો જોઇએ. નહીં તો તે આંખોને વાગશે. છેલ્લા કેટલાક સમયથી આપણી બોલીવૂડ અભિનેત્રીઓ પણ ગોલ્ડન લહંગા-ચોલીમાં વધુ જોવા મળી છે. ચાહે તે આલિયા ભટ્ટ હોય કે પછી જાન્હ્વી કપૂર,કરીના કપૂર-ખાન,દીપિકા પાદુકોણ,અંકિતા લોખંડે અને સનમ કપૂર.ટૂંકમાં એમ કહી શકાય કે ઑલ ટાઇમ ફેવરિટ ગોલ્ડ હવે પોશાકમાં પણ માનીતું થઇ પડયું છે.

- વૈશાલી ઠક્કર

Gujarat
English
Magazines