હૃતિક અને જેકી ચેન: અસ્થિ ગણતરી
'ફેન્સી મીટિંગ યુ હિઅર સર જ્રલચબંૈીબરચહ. માય બ્રોકન બોન્સ લૂક અપ ટુ યોર બ્રોકન બોન્સ. ફોરેવર એન્ડ ઓલવેઝ.' આને કહેવાય શોર્ટ, સ્વીટ અને ફની ઇન્સ્ટા કેપ્શન. હૃતિક રોશન રજાઓ ગાળવા વિદેશ ગયો ને એને ત્યાં એને પોતાના આઇડલ જેકી ચેન મળી ગયા. આજની મધ્યવયસ્ક પેઢી નાની હતી ત્યારે સ્ક્રીન પર જેકી ચેનના હેરતઅંગેજ રમૂજમિશ્રિત સ્ટંટ જોઈને ચકિત થઈ જતી. દુનિયાભરના હીરોલોગની એકાધિક પેઢીઓ જેકી ચેનની ફિલ્મો જોઈને ખૂબ શીખી છે. સહેજે કૂતુહલ થાય કે હૃતિક અને જેકી ચેને એકબીજા સાથે શું વાતો કરી હશે - આઇ મીન, આખી કરીઅર દરમિયાન પોતે કેટલી વાર હાડકાં ભાંગ્યા એનો હિસાબ ગણાવ્યા સિવાય? બાય ધ વે, ઇન્સ્ટા જાસૂસો કહે છે કે હૃતિકની વર્તમાન ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ એની સાથે વેકેશન માણી રહી હતી. એકબીજાનો હાથમાં હાથ પકડીને કોઈ વિદેશી શહેરમાં તેઓ વિન્ટર-વાક લઈ રહ્યાં હોય તેવી તસવીર ખુદ સબાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ક્યુટ!
મીઝાન જાવેદ જાફરી: નસીબ ક્યારે ચમકશે?
'દે દે પ્યાર દે-પાર્ટ ટુ'નું ટીઝર- ટ્રેલર રિલીઝ થતાં જ એકાએક ભાન થાય છે કે ડાન્સર-કોમેડિયન જાવેદ જાફરીનો હેન્ડસમ પુત્ર મીઝાન જાફરી અત્યાર સુધી કેમ ગુમનામ રહી ગયો છે? આ સ્ટેટમેન્ટ જોકે સાવ સાચું નથી, કેમ કે મીઝાનની ફિલ્મોગ્રાફીમાં આઠ-આઠ ફિલ્મો બોલે છે, એકાદમાં તો એ મેઇન હીરો પણ બન્યો હતો. મીન્સ કે મીઝાનની ગુમનામીનું મુખ્ય કારણ છે નસીબ, જેણે હજુ સુધી મીઝાનને સાથ આપ્યો નથી. જોઈએ 'દે દે.... ટુ'માં નસીબ મીઝાનને જશ દે છે કે નહીં. બાકી આ તસવીરમાં બાપ-બેટાની જોડી મસ્ત લાગે છે, નહીં?
અલવિદા... અલવિદા
બોલિવુડ માટે આ દિવાળી ભારે પૂરવાર થઈ. જુઓને, આપણા ત્રણત્રણ એક્ટરોએ એક વીકના ગાળામાં વિદાય લઈ લીધી - 'મહાભારત' સિરીયલ ફેમ પંકજ ધીર, 'અંગ્રેજોં કે જમાને' કે કોમેડિયન અસરાની અને આપણા સૌના ફેવરિટ સતીશ શાહ. પંકજ ધીરના બાયોડેટામાં કર્ણની ભૂમિકા સર્વોચ્ચ સાબિત થઈ. અસરાનીની માત્ર રમૂજી નહીં, પણ અન્ય કેટલાય શેડ્ઝ ભૂમિકાઓ આપણને હંમેશા યાદ રહેવાની છે. સતીશ શાહ વિશે તો શું કહેવું? આ એ એક્ટર છે જેણે 'જાને ભી દો યારોં' જેવી ક્લાસિક ફિલ્મમાં ડેડ બોડીના રોલને પણ જીવંત બનાવી દીધો હતો. સોશિયલ મીડિયા પર આ ત્રણેય કલાકારોને અંજલિ આપતી કેટલીય પોસ્ટ શેર થઈ, અંતિમ વિદાયના કેટલાય વીડિયો શેર થયાં, ખૂબ બધી રીલ્સ બની. સોશિયલ મીડિયા પર માત્ર ગોસિપ, ગ્લેમર કે ગંદકી જ ઉછળકૂદ થતી નથી, સંવેદનાઓ અને સ્મૃતિઓ પર શેર થતી હોય છે...


