ઉનાળાના બળબળતી ગરમીમાંથી કંટાળેલા લોકોને ઝરમર મેહુલિયો વરસતા મનને થોડી હળવાશની અનુભૂતિ થાય છે. વરસાદના આહલાદક આનંદથી જેમ માનવ મન ઝૂમી ઉઠે છે તેમ ફૂલ, ઝાડ પણ મોહરી ઉઠે છે.
અત્યારે ફ્લેટ , ટેનામેન્ટ, એપાર્ટમેન્ટ, ફાર્મ હાઉસ કે પછી પોતાના ઘર આગળ ખુલ્લુ ચોગાન ધરાવતા સૌ કોઈ ફૂલ-ઝાડના શોેખીન વરસાદ પડતાં પોતાના ઘરમાં પ્લાન્ટેશન માટે રોપાઓ ખરીદવા લાગ્યા છે. વરસના આડા દિવસો કરતા જૂન-જુલાઈ મહિનામાં વૃક્ષપ્રેમી લોકો પોતાના ઘરમાં (ઈનડોર) કે ઘરની બહાર બગીચામાં (આઉટડોર, પ્લાન્ટેશન) માટે જુદા જુદા પ્રકારના ફૂલ છોડ ખરીદે છે. મુંબઈના ગીરગામ વિસ્તારમાં રહેતા રીનાબેન પટેલ કહે છે કે, ''મને નાનપણથી જુદા જુદા પ્રકારનાં ફૂલ ઉછેરવાના શોેખ છે. દર વર્ષે હું નવા નવા પ્રકારનાં ફૂલોનાં રોપા ખરીદી ઘરની આગળ બગીચામાં રોપું છું. આ વર્ષે મેં રાતરાણી, જુઈ, ચમેલી અને ગુલતોરા જેવા છોડ ખરીદ્યા છે.''
વરસાદ પછીની આ સીઝનને લોકો રોપા રોેપવા માટે આદર્શ માને છે. આ વિશે એક નર્સરીના સંચાલક કહે છે કે, ''ચોમાસામાં કુદરતી પાણી મળે છે, તાપ ઓછો હોય છે અને વાતાવરણ સારું હોેય છે, જેથી છોડનો વિકાસ સારી રીતે થઈ શકે છે.'' વરસના અન્ય મહિનાઓ કરતા જૂન મહિનામાં પ્લાન્ટેશન વધારે થાય છે. વધુમાં તેઓ કહે છે કે, ''ચોમાસામાં હવામાન ભેજવાળું હોેય છે તેમ જ સૂર્યપ્રકાશ ઓછો હોવાથી છોડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે અને જમીન નરમ હોવાથી છોડનાં મુળીયા પણ સહેલાઈથી માટી સાથે ચોંટી જાય છે.''
સામાન્ય રીતે ઈન્ડોર અને આઉટડોર એમ બે પ્રકારના પ્લાન્ટેશન કરવામાં આવે છે. જોકે અમદાવાદ, વડોેદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોના અમુક વિસ્તારોમાં આઉટડોર પ્લાન્ટેશન વધુ જોવા મળે છે. આ વિષે વડોદરાના અલકાપુરીમાં રહેતા મીના બહેન કહે છે કે, ''હું દર વર્ષે મારા બગીચામાં નવા નવા પ્લાન્ટેશન કરું છું. આ છોડને કારણે અમને ફ્રેશ હવા મળી રહે તેમ જ પર્યાવરણની જાળવણી પણ થાય તે માટે પ્લાન્ટેશનને વધારે મહત્ત્વ આપું છું.'' તેમને એકઝોરા, જાસુદ, પારિજાત અને ગ્લેડીએટર નામનાં છોડ વધારે પસંદ છે. જોે કે હાલમાં અમદાવાદમાં તો આઉટડોર પ્લાન્ટેશન ફેક્ટરી, દવાખાના, ફાર્મહાઉસ અને મોટા બંગલાઓના ચોેગાનોમાં થાય છે. ક્યારેક લોકો પોતાનાં બંગલાને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવા વિવિધ પ્રકારનાં ફૂલોનાં પ્લાન્ટેશન પણ કરતાં હોય છે. આ અંગે વાત કરતા મણીનગરની એક નર્સરીના સંચાલક કહે છે કે, ''અમદાવાદમાં આઉટડોર પ્લાન્ટેશન વધારે થાય છે. કેમ કે એકઝોરા, જુઈ, ચમેલી, ગુલમહોર, વગેરેનો ઉછેર પણ અહિંયા જ થાય છે અને છોેડને અનુકૂળ હવામાન પણ મળી રહે છે. તેમ જ વરસાદની સીઝનમાં ફૂલો પણ આવે છે, તેથી નેચર પ્રેમીઓ આ સીઝનમાં પોતાના ઘરના બગીચા કે કંપાઉન્ડમાં વિવિધ પ્રકારનાં ફૂલોનું પ્લાન્ટેશન કરે છે.'' ઈન્ડોર પ્લાન્ટેશન વિશે વાત કરતા તેઓ વધુમાં કહે છે કે, ''ડ્રેસીના, ડાયફન બેકીયા, એકલીફા વગેરે ઈન્ડોર પ્લાન્ટેશન પુના, બેંગલોર, કોલકાતા વગેરે જગ્યાએથી મંગાવવામાં આવે છે. પણ આ છોડને અહિંયાનું હવામાન અનુકૂળ આવતું ન હોવાથી લાંબા સમય સુધી ટકી શકતા નથી.'' તેઓ ઉમેરે છે કે, 'એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં સંકડાશને લીધે પણ ઈન્ડોર પ્લાન્ટેશનનું પ્રમાણ ઓછું છે. તેમ છતાંય અનેક લોકો તે કરતા હોય છે તેમાં કોઈ બે મત નથી.''
જોકે તેની સાથે ઈન્ડોર પ્લાન્ટેશન માટે પણ અનેક લોકો પોતાની રીતે નાના નાના કુલડા કે પછી કુંડા ખરીદીને તેમાં અવનવા છોડ વાવતા હોય છે. આ વિષે એક ગૃહિણી કહે છે કે, ''હું દરેક ચોેમાસામાં તુલસીથી માંડી, ગુલાબના છોડ બોન્સાઈપ્લાન્ટ વગેરે જેવાં રોેપા વાવું છું. ગયે વર્ષે પણ જૂન મહિનાના મધ્યમાં મેં ઈન્ડોર પ્લાન્ટેશન કર્યું હતું.'' આ પ્રકારના પ્લાન્ટેશન માટે લોકો પોતાના ફ્લેટની ગેલેરીમાં આવા નાના છોડ મૂકી દેતા હોય છે જેતી તેમને સારી રીતે હવા-પાણી અને સૂર્યપ્રકાશ મળતો રહે.
અમુક નર્સરી સંચાલકો પ્રમાણે દર જૂન મહિનામાં તેમના ધંધામાં લગભગ ૮૦થી ૯૦ ટકાનો વધારો થઈ જાય છે. આ વિષે એક નર્સરી સંચાલક કહે છે કે, ''લોકો સીધા અમારી પાસે ખરીદવા માટે નથી આવતા પરંતુ લારી પર ફૂલ છોડ વેચતા લોકો મોટી સંખ્યામાં અમારાથી આ સીઝનમાં વિવિધ છોડ ખરીદી જાય છે. જેથી હોલસેલમાં અમારા ધંધામાં લગભગ ૮૦ થી ૯૦ ટકાનો વધારો થઈ જાય છે.


