વૂલન વસ્ત્રોની માવજત .
મોંઘાદાટ અને સારી ગુણવત્તાવાળાં ઊનનાં કપડાં ખરીદ્યાં પછી એમને યોગ્ય રીતે સાચવવામાં આવે એ પણ એટલું જ જરૂરી છે. જો એમને બેદરકારીપૂર્વક રાખવામાં આવે તો એમાં જીવાત પડી શકે છે.
હવામાં રહેલા રજકણો ઊનનાં વસ્ત્રો પર જમા થઈ જાય છે. જો એમને અમુક સમયના અંતરે સાફ ન કરતાં રહીએ, તો વસ્ત્રોનું ટકાઉપણું અને તેમની સુંદરતા જોખમાય છે. શિયાળામાં પણ ક્યારેક બગલમાં પરસેવો થાય ત્યારે કપડાંમાં પણ પરસેવાની વાસ પેસી જાય છે.
એમાંય જો ઊનનાં કપડાંમાં વાસ પેસી જાય તો વધુ નુકસાન થાય છે, કારણ કે એ રોજેરોજ ધોવા શક્ય નથી. આ માટે સૌથી સરળ ઉપાય એ છે કે ઊનનાં વસ્ત્રો પહેર્યાં પછી વાળીને કબાટમાં મૂકી દેવાના બદલે હવાની અવરજવર થાય એ રીતે અથવા તડકામાં સૂકવવા જોઈએ. એમ કરવાથી પરસેવો કે ભેજ સુકાઈ જાય છે. એ ઉપરાંત ઊનનાં કપડાં થોડા થોડા સમયના અંતરે તડકે નાખવાથી જીવાત થવાની શક્યતા રહેતી નથી. રંગીન ઊનનાં વસ્ત્રોને તડકામાં ઊંધાં સૂકવવા જોઈએ, જેથી એમનો રંગ ખરાબ ન થાય.
ઊનનાં વસ્ત્રોના દોરા નીકળી જાય કે તે ફાટી જાય તો એમને તરત સીવી લેવા જોઈએ, નહીંતર તેમાંથી એક પછી એક દોરા નીકળતાં જ જાય છે. જો સ્વેટરનું બટન નીકળી જાય તો તરત સાંધી લેવું જોઈએ.
ઊનનાં કપડાં પર ડાઘા પડે તો તરત ધોઈ નાખવા જોઈએ, કારણ કે એમ કરવાથી ડાઘા વધુ ફેલાતા અટકે છે. ઊનનાં મેલાં સ્વેટર, મોજાં વગેરે સાબુથી ઘસીને ધોવા ન જોઈએ તેમજ સોડા તથા સાબુના ફીણવાળા ગરમ પાણીમાં પલાળી પણ ન રાખવા જોઈએ, કારણ કે એમ કરવાથી વસ્ત્રોની ગૂંથણી તથા રંગ ખરાબ થઈ જાય છે. ઊનનાં કપડાં ખાસ પ્રકારના ડિટર્જન્ટથી હળવા હાથે જ ધોવા જોઈએ.
રંગીન કપડાં છાંયડામાં સૂકવવા જોઈએ. ઊનનાં વસ્ત્રો તાર પર સીધા નાખવાના બદલે ટુવાલ રાખી એના પર સૂકવવાં જોઈએ.
ઊનનાં વસ્ત્રો પર ગરમ ઈસ્ત્રી પણ ન ફેરવવી જોઈએ. એનાથી ઊનના મુલાયમ તાંતણા સંકોચાઈને ખરાબ થઈ જાય છે. હંમેશાં હળવી ગરમ થયેલી ઇસ્ત્રી જ ફેરવવી જોઈએ. એ સિવાય મલમલનું ભીનું કપડું ઊનનાં વસ્ત્રો પર પાથરી અને ઉપર ઈસ્ત્રી કરી શકાય છે.
ઊનનાં કપડાંની સાથે બજારમાં મળતી દવાઓ કે જંતુનાશક દવા પણ અવશ્ય રાખો. એ સિવાય જો તેને છાપામાં લપેટીને રાખવામાં આવે તો એમાં જીવાત પડતી નથી, કારણ કે છાપામાં વપરાતી શાહી જીવાત થતી રોકવાનું કામ કરે છે. સારી ગુણવત્તાવાળાં ઊનમાંથી બનેલાં વસ્ત્રો સાચવીને રાખવામાં આવે તો વર્ષો સુધી વાપર્યા પછી પણ એ નવા જેવા જ લાગે છે.