Get The App

મેદ ઉતારી શરીરને સુડોળ બનાવવાના સોનેરી સૂચનો .

Updated: Jan 29th, 2024

GS TEAM

Google News
Google News
મેદ ઉતારી શરીરને સુડોળ બનાવવાના સોનેરી સૂચનો                          . 1 - image


તેજસ તેની ઉંમરના પ્રમાણમાં ખૂબ જ જાડો લાગતો હતો. ઉંમર હશે ૧૮ વર્ષની વજન ૮૮ કિલો અને ઉંચાઇ સાડા પાંચ ફૂટ કરતાં પણ ઓછી. મેં તેને પૂછયું, ''અલ્યા તેજસ, શરીરનું વજન ઘટાડવા તું શું પ્રયત્ન કરે છે.'' તેણે કહ્યું, ''આહારમાંથી જેટલી કેલરી મેળવું છું તે કરતાં વધુ બાળી નાખું છું. પણ જો માત્ર કેલરી બાળવાથી જ પાતળા થવાનું હોય તો વજન ઘટાડવા માટે તારે ફાંફાં કેમ મારવા પડે છે?'' મેં પૂછયું તે કંઇ જવાબ આપી શક્યો નહીં. મેં તેને સમજાવ્યું, ''એનું કારણ એ છે કે મહેનત કરતાં પહેલાં તું હારી બેઠો છે. તારા મનમાં એવી ગ્રંથી બંધાઇ ગઇ છે કે પાતળા થવાનું તારા ભાગ્યમાં જ નથી. અથવા તો તારું કુદરતી બંધારણ જ મેદસ્વીપણાનું છે. બીજું કારણ છે, ખાવાની લાલચ. જે એટલી જોરદાર હોય છે કે આત્મસંયમને ફગાવી દે છે. વળી, પૂરતા વ્યાયામનો અભાવ એપણ એક અવરોધ છે.''

વજન ઘટાડવામાં ખરેખર સફળ થવું હોય તો માત્ર કેલરી ગણ્યા કરવાથી નહીં ચાલે કે ચાલવા પ્રત્યે મનમાં અણગમો રાખવાથી ફાયદો નહીં થાય. વજન ઘટાડવા માટે માનસિક તૈયારી હોવી જરૂરી છે. એને માટે કોઇ પણ યુક્તિ કે ચાલાકીનો ઉપયોગ કરવો પડશે.

મધુ-મનજીતના જીવનમાં પણ કંઇક એવું જ બન્યું. પંજાબી હોવાને કારણે બન્ને શરીરે ભારેખમ હતા. શક્ય એટલા બધા રસ્તા અજમાવી જોયા, પણ નાકામયાબ. છેવટે નીચે પ્રમાણે પ્લાનિંગ કર્યું ત્યારે શરીર કંઇક સપ્રમાણ બન્યું.

૧ ઉતાવળે નિર્ણય ન લો. જે કોઇ નિર્ણય લો તેના ઉપર પૂરેપૂરો વિચાર કરીને તેને અમલમાં મૂકવાની રીત પસંદ કરો. મનને મક્કમ કરો. તે પછી કોઇ ચોક્કસ પ્રસંગ કે તારીખ જેવી કે વર્ષગાંઠ કે લગ્ન જયંતિ નજીકના ભવિષ્યમાં આવતી હોય તે દિવસથી શરૂ કરો. યાદ રાખો કે બહુ લાંબો સમય ગાળો ન રહે.

૨ ખૂબ જ કડક નિયમ પાલન ન કરો. ચોકલેટ કે આઇસક્રીમ હંમેશ માટે ત્યજી દઇશ એવો ચૂસ્ત નિયમ ન અપનાવો. કારણ તમે તે પાળી શકવાના નથી. એને બદલે અઠવાડિયે બે વાર આઇસક્રીમ ખાતા હો તો તેની જગ્યાએ મહિને બે વાર ખાવાનું રાખો.

૩ તમારા નિત્યક્રમમાં તમે સહેલાઇથી જે ફેરફાર કરી શકતા હો તેનું લિસ્ટ બનાવો. આ ફેરફાર નાના નાના હોય તો પણ ચાલે. એમાંથી જે સહેલામાં સહેલો હોય તેને પસંદ કરો. એક વખતે એક જ ફેરફાર કરો. દાખલા તરીકે તમે રોજ ઇડલી ખાતા હો તો તેની સાથે બનાવવામાં આવતી કોપરાની ચટણીનો ત્યાગ કરો. કારણ તેમાં ભરપૂર ચરબી છે. ફક્ત ઇડલી-સંભારથી સંતોષ માનો. આ ફેરફારથી તમને કંઇક ઓછપ કે અધૂર પન લાગે તો સમજી લેજો કે તમે કરેલા ફેરફાર યોગ્ય છે. અને હંમેશ માટે તમે એને વળગી રહેશો. આ એક મામુલી ફેરફાર છે. પણ, અગત્યનો છે. તે પછી ધીમેધીમે બીજો ફેરફાર કરો.

૪આહરની ડાયરી: આ એક નજીવી છતાં કિંમતી વસ્તુ છે. કાળજી રાખીને ઓછી ચરબીવાળો ખોરાક લેવા છતાં વધારાની કેલેરી ક્યાંથી આવે છે તેની નોંધ રાખવી જરૂરી છે. તમને ખ્યાલ આવશે કે ટાઇમપાસ કરવા ખાધેલી શીંગ કે બાળકોની પ્લેટમાં વધેલું ખાવાનું જે ફેકી દેવાને તમારું મન માનતું નથી કે ટીવી જોતા જોતા ફાકેલા ફરસાણમાંથી આ વધારાની કેલેરી મળે છે. એ ઉપરથી તમારે સંયમ ક્યાં જાળવવાનો છે તે તમે નક્કી કરશો.

૫ તાજા શાકભાજી અને ફળો ખૂબ ખાવ. કારણ તેનાથી વજન વધી જવાની શક્યતા ઓછી રહે છે. પણ, જમવામાં તળેલા શાકભાજી કે ડેસર્ટમાં ખવાતા ફળોને વધારે પડતા રાંધીને તેની ગુણવત્તાનો નાશ કરશો તો નુકશાન થશે.

૬ભાત અને બટાટા ખાવાથી નુકશાન નહીં થાય. આહારમાં પથ્યાપથ્ય પાળવાવાળા સામાન્ય રીતે એમ માને છે કે ભાત અને બટાટાથી વજન વધી જાય છે. પણ, આ માન્યતા ભૂલ ભરેલી છે. બન્નેમાં રહેલાં કાર્બોહાઇડ્રેટને લીધે એમાંથી ઉત્પન્ન થતી કેલરી જલ્દી બળી જાય છે. જ્યારે ચરબીમાંથી મળતી કેલરી બળતી નથી. કોર્નેલ યુનિવર્સિટીના આધુનિક સંશોધન પ્રમાણે ચરબી ઘટાડવાનો આ નવો ઉપાય છે. જેમાં રોજિંદી કેલેરીનું પ્રમાણ સરખું હોય એવો ખોરાક બે ગ્રુપની સ્ત્રીઓને આપવામાં આવ્યો. પહેલા ગ્રુપને મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટવાળો ખોરાક આપ્યો અને બીજા ગ્રુપને ચરબીવાળો. પહેલા ગ્રુપનું વજન ઘટતું ગયું જ્યારે બીજા ગ્રુપનું વજન વધતું ગયું. આ ઉપરથી સિદ્ધ થાય છે કે કેલરી કેટલી લીધી તે અગત્યનું નથી. કેલેરી શેમાંથી મળી તે અગત્યનું છે.

૭ખોરાક લેવાનું બંધ ન કરો. એક વખતનું ભોજન નહીં લો તો તમને થાક લાગશે, કમજોરી વર્તાશે, ચરબી ઉતારવા ખોરાક બંધ કરવો ઠીક નથી, કારણ તેની પણ એક હદ હોય છે. જેનાથી આગળ મનુષ્ય ભૂખ્યો રહી શકતો નથી. ભૂખને મારવા તમે હળવા પીણાં કે સિગારેટ ફૂંક્યા કરો. (જોકે બન્ને જોખમકારક છે) તો પણ લાંબો સમય ખાધા-પીધા વગર રહેવું મુશ્કેલ છે. પેટ ભરીને ખાવા માટે મન લલચાયા કરશે અને જ્યારે ખાવાનું શરૂ કરશો ત્યારે તમે ભૂખ્યા વરુની જેમ તેના ઉપર તૂટી પડશો. આથી થાળીમાં પોષણયુક્ત આહાર યોગ્ય પ્રમાણમાં પીરસાયેેલો છે એ ખ્યાલ સાથે નિયમિત ભોજન લો.

૮થાળી કે પ્લેટ નાની લો. આ એક દ્રષ્ટિભ્રમ જે કદાચ તમને ઉપયોગી થઇ પડે. મોટી થાળીમાં વાનગીઓનું પ્રમાણ ઓછું લાગે અને થાળી ખાલી લાગવાથી પેટ ભરીને જમ્યાનો સંતોષ આપણે માણી ન શકીએ. નાની થાળીમાં એટલી જ વાનગીઓ ભરપૂર લાગે.

૯ક્યારે અટકવું એ નક્કી કરો. થાળીમાં પીરસેલી બધી વાનગીઓ સફાચટ કરી જવાને મન થતું હોય તો શરૂઆત નાના કોળીયાથી કરો. જમી લીધા પછી પણ થોડી ભૂખ રહી ગઇ હોય તો બીજીવાર થોડુંક લઇ શકાય.

૧૦ કોઇવાર ખૂબ ભૂખ લાગે ત્યારે ફ્રૂટ જ્યુસનો એકાદ ગ્લાસ પીવાથી ભૂખનું શમન થાય છે. વળી, વધારાની કેલેરીમાંથી ચરબી વધારવાની શક્યતા રહેતી નથી.

૧૧ કોઇ પણ વસ્તુનો ત્યાગ હંમેશ માટે ન કરો. મનુષ્ય સ્વભાવ જ એવો છે કે જે વસ્તુ ન મળે તે મેળવવાની લાલસા હંમેશા મનમાં રહ્યા કરે છે. તેથી અમુક વસ્તુને હું કદી અડકીશ પણ નહીં એવી પ્રતિજ્ઞાા ન લો. જે વસ્તુ ખાવાનું મન થાય તે થોડા પ્રમાણમાં ખાઇ લેવી. ચોકલેટ ન ખાવાનો દ્રઢ નિશ્ચય કર્યો હોય તો તે આખો વખત તમને યાદ આવ્યા કરશે અને જ્યાં સુધી એ ખાશો નહીં ત્યાં સુધી મન બેચેન રહેશે. તેના ઉપાય તરીકે આખી ચોકલેટની જગ્યાએ થોડીક ખાવ. આથી સંતોષ થશે. સાથે સાથે તમને નવાઇ લાગશે કે જે ચોકલેટ ખાવાને તમે બેતાબ હતા એ કોઇ અદ્ભુત વસ્તુ નથી. જ્યારે તમને ખાત્રી થશે કે કોઇ પણ વસ્તુ તમારી પહોંચની બહાર નથી ત્યારે તે વસ્તુ મેળવવાની તમારી લાલસા કે તત્પરતા ઘટી જશે.

૧૨ પ્રવૃત્તિમાં મગ્ન રહો. જ્યારે કંઇ કામ ન હોય ત્યારે આપણું મન ખાવાનું શોધવા માંડે છે. ફ્રીજમાં કઇ આહાર લાયક વસ્તુ છે કે નહીં તે જોવા આપણે ખાંખાખોળા કરીએ છીએ. ઘણા મેદસ્વી લોકોનો એવો અનુભવ હોય છે. તેઓ ખાવાની વસ્તુને એક આધાર સમજે છે. અથવા તો બીજું કંઇ ન સૂઝતું હોય ત્યારે ખોરાક તરફ વળે છે. આ અટકાવવા મનગમતી પ્રવૃત્તિ તરફ મનને વાળો.

૧૩ વ્યાયામની ટેવ પાડો. ઘણા લોકોને ''વ્યાયામ શબ્દ સાંભળીને જ કંટાળો આવે છે. ખાસ કરીને જેઓ ખાઇપીને કંઇ કર્યા વગર આળસુની જેમ પડી રહેતા હોય તેમને શરીરને કસરત આપવી ગમતી નથી. વ્યાયામ એટલે સખત શારીરિક મહેનત જ કરવી એવું જરૂરી નથી. થોડું વધુ ચાલવાનું, લિફ્ટની જગ્યાએ દાદરા ઉતર-ચઢ કરવાના, થોડું થોડું ઘરકામ કરવાનું, આવા નિત્ય કરવાના કામો દ્વારા પણ તમને કસરતના ફાયદા મળી શકે છે.

૧૪ વજન ઘટાડવા અને શરીરને ચૂસ્ત રાખવા માટે એરોબિક્સની કસરતો સામાન્યપણે ૩૦થી ૪૫ મિનિટ અઠવાડિયામાં ૩થી ૪ વાર કરવાની હોય છે. આ સમય ક્રમ યોગ્ય છે. છતાંય શરૂઆત કરનારા પહેલા ડરી જાય છે. તેમણે પાંચ મિનિટથી શરૂ કરીને ક્રમશ: સમય વધારતા જવું જોઇએ.

૧૫ તમે પાતળા જ છો એમ વિચારો. પરંતુ માત્ર તમારી કાયા પાતળી અને નમણી છે એવી ફક્ત કલ્પના કરવાથી વજન ઘટવાનું નથી. એને માટે તમારે મહેનત કરવી પડશે. હંમેશા તમારી જાતને પાતળી વ્યક્તિ તરીકે જ .વિચારો તેથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પાતળા થવાનું તમારું સ્વપ્ન સાકાર થશે. તમે તમારા નિર્દિષ્ટ ધ્યેયને પહોંચી શકશો.

૧૬ કસરતનો હેતુ વજન ઘટાડવાનો હોય છે. તેથી વજન તો ઘટે છે પણ માંસપેશીઓ મજબૂત થાય છે. આ એક સારી આડઅસર છે. પણ ચરબી કરતા માંસપેશીનું વજન વધી જાય છે. આ વાતની ચાડી તમારું વજન કરવાનું મશીન ખાય છે. એ જોઇને તમે કદાચ નિરાશ થશો. એમાંથી બચવા વજન કરવાના મશીનને બાજુએ મૂકો અને મીટર માપવાની પટ્ટી (મેઝર ટેપ) વાપરો. તમારી ઘટતી ચરબીનું માપ એમાં દેખાશે.

૧૭ તમારી કાર્યસિદ્ધિની ઉજવણી કરો. તમે જે નાની-નાની સફળતા મેળવો એની ઉજવણી કરો. તમે ૧ કિલો વજન ઘટાડવામાં સફળ થયા હો કે એક સપ્તાહ સુધી રોજ ૨૦ મિનિટ ચાલ્યા હો તો તે ખરેખર શાબાશીને યોગ્ય છે. એ માટે તમે તમારી જાતને કંઇ ભેટ આપો. હા, પેંડા કે મીઠાઇ વડે નહીં પણ એવી વસ્તુ જેનાથી તમારી વજન ઘટવાની સફળતાને ઉત્તેજન મળે. દા.ત. જીન્સનું નવું પેન્ટ કે નવા ચાલવાની કસરતમાં ઉપયોગી એવા બુટ.

૧૮ નિરાશાવાદી ન થાવ. ગ્લાસ અડધો ખાલી છે એમ નહીં પણ ગ્લાસ અડધો ભરેલો છે એમ જુઓ. બે સપ્તાહમાં અડધો કિલો વજન ઘટયું હોય તો એમ ન વિચારો. ''અરે, હજુ અર્ધો કિલો વજન ઘટયું! એને બદલે ખુશ થાવ કે ''પંદર દિવસમાં અર્ધો કિલો ઘટ્યું સરસ! આ હિસાબે ૧૦ અઠવાડિયામાં ૪ કિલો વજન ઘટશે.'' આશાવાદથી તમારામાં ઉત્સાહ આવશે અને તમે કરેલા નિર્ધાર ટકાવી રાખવાની પ્રેરણા મળશે.

૧૯ ખોરાકમાંથી ચરબી યુક્ત પદાર્થોને બાદ કરો. ઘણી ખાદ્ય સામગ્રીઓ મૂળમાં પૌષ્ટિક હોય છે. પણ આપણે તેમને ચરબીયુક્ત પદાર્થોથી સજાવીને પચવામાં ભારે બનાવીએ છીએ. જેમ કે સલાડ ઘણા જ પૌષ્ટિક છે પણ તેના ઉપર મેયોનીઝ લગાડીને તેને ભારે બનાવીએ છીએ. ભાત ઉપર ઘીની ધાર કરીને રોટલી ઉપર ઘી ચોપડીને ચરબીવાળી વાનગી બનાવીએ છીએ. આ બધી તૈલી વસ્તુઓ મૂળ પદાર્થની પૌષ્ટિકતાને મારી નાંખે છે.

૨૦ સાચું સુખ બાહ્ય વસ્તુઓમાંથી નથી મળતું. આઇસક્રીમ ખાવાથી થોડો વખત આનંદ થાય પણ, મનનો સંતોષ કે આંતરીક સુખનો અનુભવ નહીં થાય. સ્વાસ્થ્ય અને સંતોષ બે અલગ વસ્તુ છે. વજન ઘટાડવામાં મળેલી સફળતા તેની સાથે સાથે મળતો વધુ શક્તિનો સંચાર, જોમ, આત્મવિશ્વાસ અને સ્ફૂર્તિ વડે તમે અડધો જંગ તો જીતી જ લીધો એમ સમજજો 

Tags :