ગૉગલ્સ : માત્ર ગ્લેમર નહિ, આંખોનું 'કૂલર' પણ .
અતિ સુંદર, આકર્ષક, હરણીની આંખોે જેવી આંખોેના સંમોહનથી કોણ બચી શક્યું છે? કોઈ પણ સ્ત્રીનું સૌથી વધારે સબળ અસ્ત્ર તેનાં નયનબાણ છે, જે સીધાં હૃદયપટલ પર જ ઘા કરે છે. આંખોેના સૌંદર્યને ટકાવી રાખવું કે વધારવું જરૂરી છે. તેવી જ રીતે તેમની સુરક્ષા અને ઉચિત સંભાળ પણ આવશ્યક છે.
આંખોની સુરક્ષાની દ્રષ્ટિએ ગોેગલ્સ કે 'ડાર્ક ગ્લાસીસ' પહેરવાનું પ્રચલન ખૂબ વધ્યું છે. કેટલાંક લોકો ફેશન અને ગ્લેમરને ખાતર પણ ગ્લાસીસ પહેરતાં હોય છે.
આવાં ગોગલ્સ પહેરવાથી વ્યક્તિ આકર્ષક લાગે તેમાં તો કોઈ જ શંકા નથી, પરંતુ તેના બીજા પણ અનેક ફાયદા છે. પહેલો ફાયદો એ કે આવાં ચશ્મા સૂર્યનાં કિરણોની ચમક, ઉગ્રતા અને ગરમીથી આંખોને બચાવી ઠંડક આપે છે.
આંખો ખૂબ જ નાજુક હોય છે. કુદરતી તકલીફો સામે તેમનું રક્ષણ કરવું આવશ્યક બની જાય છે. આંખોની આજુબાજુની ત્વચા પણ એટલી બધી સંવેદનશીલ હોય છે કે ઉગ્ર તાપથી આંખની આજુબાજુ કાળાં કુંડાળા થઈ જાય છે. સૂરજનાં અલ્ટ્રાવાયોલેટ અને ઈન્ફ્રારેડ કિરણોની આંખની જ્યોતિ પર પ્રતિકૂળ અસર પડે છે. ખૂબ તડકાને લીધે આપણી આંખો અંજાઈ જાય છે. તડકા સિવાય ધૂળ તથા માટીના કણ અને પાણીનાં ટીપાં પણ આંખના શત્રુ છે. ગોગલ્સ આ બધાંથી આંખને રક્ષણ આપે છે.
આ ઉપરાંત આંખની કોઈ ખામી છાવરવા માટે પણ ગોગલ્સ ઉપયોગી છે. આથી ઘણાં અંધ, કાણી તથા ત્રાંસી આંખોવાળી વ્યક્તિઓ કાળાં ચશ્મા પહેરે છે.
આધુનિક ફેશન તથા નેત્રસુરક્ષાને ધ્યાનમાં રાખીને ચશ્મા ઉદ્યોગમાં નિરંતર સંશોધન અને વિકાસ થતો રહે છે. ચશ્મા પહેરવાથી ચહેરો આકર્ષક લાગે, આંખોે સ્વસ્થ તથા સુરક્ષિત રહે, દ્રષ્ટિ માટે ફાયદાકારક રહે અને આંખોને આરામ પણ મળે, તે ખૂબ જરૂરી છે.
જે લોકો ઉત્પાદન કે નિર્માણ સ્થળ પર નિરીક્ષણનું કાર્ય કરતા હોય કે જેમને સતત ૨-૩ કલાક તડકામાં કામ કરવું પડતું હોય, તેમની દ્રષ્ટિક્ષમતામાં ૫૦% સુધી ઝાંખપ આવી શકતી હોય છે. આવા લોકોએ ડાર્ક ગ્લાસીસનો ઉપયોગ કરવો જોઈએ.
કેટલાંક લોકો એવું માનતા હોય છે કે માત્ર ઉનાળામાં જ ગોગલ્સ પહેરવાં જોઈએ, પરંતુ નેત્રવિશેષજ્ઞાોના અભિપ્રાય અનુસાર દરેક ઋતુમાં જ્યારે તમે ઘરની બહાર નીકળો, ત્યારે ગોગલ્સ અવશ્ય પહેરવાં જોઈએ. તમે ફરવા માટે કોઈ પહાડી સ્થળે જાવ, ત્યારે પરિવારનાં બધાં સભ્યો માટે ગોગલ્સ સાથે લો. હિમાચ્છાદિત પ્રદેશોમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને લીધે બરફ એટલો ચમકદાર લાગે છે કે તેનાથી હિમાંધતા (સ્નો બ્લાઈન્ડનેસ) નામનો રોગ થઈ શકે છે. આથી જ પહાડ પર ચડતી વખતે કે તરતી વખતે ખેલાડી ગોગલ્સ પહેરી લે છે.
આ ઉપરાંત કાર ચલાવતીવખતે અને સ્કૂટર કે ખુલ્લી જીપમાં મુસાફરી કરતી વખતે પણ ગોગલ્સ પહેરવાં સારાં. તે ઊડતી ધૂળ, ઊડતા કીટાણુ અને અન્ય ચીજો સામે આંખોને રક્ષણ આપે છે. જે લોકોે વધારે નંબરવાળાં ચશ્માં પહેરતા હોય, તેમને પણ સફેદ ગ્લાસને લીધે વધારે ચમક લાગે છે. આથી બહાર નીકળતી વખતે તેમણે પણ ગોગલ્સ પહેરવાં જોઈએ. જોે કે સાધારણ ચશ્માંથી પણ આંખોની રક્ષા કરી શકાય છે, પરંતુ ડાર્ક ગ્લાસીસ સર્વોત્તમ સાધન છે.
ગોગલ્સ કેવાં હોવા જોઈએ?
કોઈ પણ પ્રકારનાં ચશ્મામાં બે બાબતો મુખ્ય હોય છે : તેની ફ્રેમ અને તેના લેન્સ એટલે કે ગ્લાસ.
ફ્રેમ : આજકાલ ચશ્માંના મોટા મોટા શૉરૂમમાં જુદી જુદી અનેક પ્રકારની ફ્રેમ મળે છે. જેવી કે, ધાતુની ફ્રેમ, રિમલેસ, ગોલ્ડન ફ્રેમ વગેરે. આ ફ્રેમ સફેદ, કાળા, ભૂરા,ઍશ તથા અન્ય અનેક રંગોમાં મળે છે. ફ્રેમની પસંદગી કરતી વખતે તેના આકાર, રંગ તથા ધાતુને સારી રીતે પારખો. તમારો ચહેરો, તમારું વ્યક્તિત્ત્વ અને તમારી ઊંચાઈ અનુસાર જે ફ્રેમ સારી લાગતી હોય, તેવી ફ્રેમ પહેરી ફૂલ સાઈઝના અરીસા સામે ઊભાં રહી ફ્રેમની પસંદગી કરવી જોઈએ. નાકના ઘાટ અને ચહેરાની વ્યક્તિગત વિશેષતાઓને ધ્યાનમાં રાખીને જ ફ્રેમ પસંદ કરો.
ગ્રાહક હમેશાં ફ્રેમ ખરીદતી વખતે તેની યોગ્ય પસંદગી કરી શકતો નથી. ચશ્મા વિશેષજ્ઞા યોગ્ય ફ્રેમની પસંદગીમાં ઘણી મદદ કરી શકે છે. મોટા શોરૂમમાંથી જ ચશ્મા ખરીદો. ત્યાં ચશ્મા વિશેષજ્ઞા, નેત્ર વિશેષજ્ઞા તથા કોન્ટેક્ટ લેન્સ વિશેષજ્ઞા એ બધાની સલાહ લઈ શકાય છે. વળી, ગોગલ્સ ચહેરાની સુંદરતામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે, આથી ખૂબ સમજદારીપૂર્વક ગોગલ્સની પસંદગી કરવી જોઈએ.
નવી દિલ્હીના રાજીવ સેઠીનું કહેવું છે કે, તેઓએ એવી ટેક્નિકની શોધ કરી છે, જેનાથી કમ્પ્યુટર દ્વારા સ્ક્રીન પર ભિન્ન ભિન્ન ફ્રેમોમાં અલગ અલગ પ્રતિબિંબ એકસાથે દેખાશે. આવી રીતે તમે પોેતે જોઈને નક્કી કરી શકશો કે તમને કઈ ફ્રેમ સૌથી વધારે સારી લાગે છે.
સામાન્ય ધારણાથી પ્રતિકૂળ ગોળ ચહેરા પર ગોળ ફ્રેમ પહેરવાથી ચહેરો ચપટો કે વધારે ગોળ, ફૂલેલો લાગે છે. આથી ફ્રેમની પસંદગી વખતે ચહેરો થોડો લાંબો દેખાય તેવી ફ્રેમ પસંદ કરવી જોઈએ. લાંબા ચહેરાવાળી વ્યક્તિએ એવી ફ્રેમ લેવી જોઈએ, જે ચહેરાને ગોળ બતાવે, સૌંદર્ય વિશેષજ્ઞાના મતાનુસાર અંડાકાર ચહેરો દરેક રીતે ઉત્તમ છે. તેના પર દરેક આકારની ફ્રેમ શોભી ઊઠે છે.
લેન્સ : બીજી મુખ્ય વસ્તુ છે, લેન્સનો પ્રકાર અને તેની ગુણવત્તા સારા લેન્સ માટે આંખોના નંબર, કેન્દ્ર, ધરી (એક્સિસ) અને કીકીથી કેન્દ્રના અંતરનું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતોની કમ્પ્યુટર દ્વારા ઉચિત તપાસ કરાવવી જોઈએ. લેન્સની વક્રતા આખા લેન્સમાં એકસમાન હોવી જોઈએ, જેનાથી દરેક વસ્તુનું પ્રતિબિંબ બરાબર પડે. પરિણામે વસ્તુ વાંકીચૂકી કે ત્રાંસી નહીં, પરંતુ જેવી હોય તેવી જ નજરે પડે છે.
લેન્સની ગુણવત્તા પારખવાનો સરળ ઉપાય એ છે કે ચશ્માને બંને હાથે પકડીને સીધી ઊભી રેખાની આગળ ફેરવો. જો રેખા એવી જ દેખાય તો માની લેવું કે લેન્સ બરાબર છે.
આજકાલ પ્લાસ્ટિક અને કાચ, બંને પ્રકારના લેન્સ પ્રચલનમાં છે. જો કે બંનેથી સાફ દેખાય છે. પણ પ્લાસ્ટિક લેન્સ વજનમાં હલકા અને વધારે આરામદાયક હોવાને લીધે વધુ પ્રચલિત છે.
લેન્સના રંગની પસંદગીમાં પણ સમજદારીથી કામ લેવું. એવા રંગના જ લેન્સ પહેરો, જે આંખોેને શીતળતા તથા કોમળતાનો અનુભવ કરાવે અને વધારે પડતા પ્રકાશથી બચાવે, આજકાલ ડેક રોયલ ૪૦ ગ્રે ટોેન, ભૂરો, લીલો તથા સ્મોક રંગ સૌથી વધારે પ્રચલિત છે, પરંતુ તમારી ત્વચાના રંગનોે ખ્યાલ પણ રાખવો જરૂરી છે. સામાન્ય રીતે ન્યુટ્રલ ગ્રે લેન્સથી સૌથી વધારે સારું દેખાય છે.
હલકા કાચ કે આછા રંગના ચશ્મા પહેરવાથી આંખોને વધારે નુકસાન થાય છે. આવા ચશ્માંથી આંખો પર વધારે જોર પડે છે. તેનાથી આંખોમાં પાણી આવવા લાગે છે તથા માથા અને કાનપટ્ટીમાં પીડા થવા લાગે છે.
ડાર્ક ગ્લાસીસમાં મુખ્યત્વે ૩ પ્રકારનાં ગ્લાસનો ઉપયોગ થાય છે :
૧. સાધારણ રંગીન લેન્સ.
૨. ફોટોક્રોમેટિક લેન્સ : આવા લેન્સ પ્રકાશમાં ઘેરા અને અંધારામાં આપોઆપ આછા રંગના થઈ જાય છે.
૩. રેજીલેન્સ : આ ઉચ્ચ કોટિના લેન્સ હાનિકારક કિરણોથી આંખોને સુરક્ષિત રાખે છે. તે વજનમાં હળવા હોય છે. અને તેમના પર ઉઝરડા કે બીજા કોઈ નિશાન પડતાં નથી. અન્ય લેન્સ કરતાં તે વધારે મજબૂત અને ટકાઉ હોય છે. તે ફોટોક્રોમેટિક કરતાં વધારે પાતળા હોય છે અને પરાવર્તિત પ્રકાશ પ્રતિરોધી પણ હોય છે. ક્યારેય પૈસા બચાવવાની લાલચમાં સસ્તાં કે હલકાં પ્રકારનાં ચશ્માં ન ખરીદશો. ચશ્માની ગુણવત્તાની ઉપેક્ષા આંખો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો :
* ક્યારેય રાતના સમયે અને ધૂંધળા પ્રકાશમાં ગોગલ્સ કે ડાર્ક ગ્લાસીસ ન પહેરશો.
* રાત્રે કાર ચલાવતી વખતે અન્ય વાહનોના પ્રકાશથી બચવા માટે ગોગલ્સ ન પહેરો.
* ચશ્માંનો ઉપયોગ કરવામાં ન આવતો હોય, તે સમયે તેમને કેસમાં જ રાખો.
* લેન્સની ધૂળ સ્વચ્છ, મુલાયમ કપડાથી જ સાફ કરો.
* લેન્સ પર પડેલા તેલ કે આંગળીઓના ડાઘ સાફ કરવા માટે લેન્સ ક્લિન્ઝર ઉપયોગ કરી શકાય.
* જો ચશ્માંને ટેબલ પર મૂકવા હોય, તો તેમની ડાંડલીઓ એવી રીતે વાળીને મૂકો કે ગ્લાસ ઉપરની તરફ રહે.
* ચશ્માને કાઢતી વખતે બંને હાથે પકડીને સાવધાનીથી કાઢો. એક ડાંડલી પકડીને કે ધ્યાન રાખ્યા વિના ચશ્માં કાઢવાથી તે વાંકાચૂંકા થઈ શકે છે.
* ફેશનેબલ દેખાવા ચશ્માને ક્યારેય માથા પર ન ભરાવશો. તેનાથી તેની ડાંડલીઓ ઢીલી પડી જાય છે.
* ક્યારેય જાડા કપડા, જેવા કે ઊનના વસ્ત્ર કે ડેનિમથી ગ્લાસ સાફ કરવાનો પ્રયત્ન ન કરશો.
* ક્યારેય ગ્લાસ પર જામેલી ધૂળ કે માટીને નખથી ખોેતરીને દૂર કરવાની કોશિશ ન કરશો.
* ચશ્માને દરરોજ સાફ કરો તે માટે ૧-૨ સેકંડ માટે તેમને પાણીની નીચે પકડી રાખી, પછી સ્વચ્છ કપડાથી લૂછી નાખો.
* નંબરવાળા ચશ્માં પહેરતાં હોય, તેઓએ નંબરવાળાં સનગ્લાસીસ બનાવરાવવા જોઈએ. જેમની આંખોે નબળી ન હોય, તેઓએ પણ આંખની તપાસ કરાવી ડાર્ક ગ્લાસીસ બનાવડાવવા જોઈએ.
કોન્ટેક્ટ લેન્સ પહેરતાં હોય, તેઓ માટે ઝીરો નંબરના સનગ્લાસીસ યોગ્ય રહેશે.
જો તમે વિશેષજ્ઞાની સલાહ લઈ સનગ્લાસીસ ખરીદશો અને ઉપર જણાવેલ બાબતોનો ખ્યાલ કરશો, તો સનગ્લાસીસ કે ગોગલ્સ આરામદાયક રહેશે અને તમારા સૌંદર્યમાં વધારો પણ કરશે.
ગોગલ્સ માત્ર ફેશન માટે જ નહીં, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્ત્વનાં છે. સારા ચશ્મા પહેરવાથી તમારા આત્મવિશ્વાસમાં વૃધ્ધિ થાય છે.
ગોગલ્સ પહેરતી વખતે આંખોનો આછો મેકઅપ કરવો અને તેની સાથે મેળ ખાય એવા રંગની લિપસ્ટિક લગાવવી. વ્યક્તિત્ત્વ નિખારનાં સાધનોમાં ચશ્મા જ સર્વપ્રથમ અન્યનું ધ્યાન આકર્ષિત કરે છે.