Get The App

ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી માતા મહાલક્ષ્મી

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી માતા મહાલક્ષ્મી 1 - image

આસો મહિનામાં નવરાત્રિથી દેવદિવાળી સુધીના તહેવારોમાં ધન અને સંપત્તિની દેવી મહાલક્ષ્મીજીની આરાધના અને પૂજાનો દિવાળીનો દિવસ મહત્ત્વનો મનાય છે. માનવજીવનમાં લક્ષ્મી, સંપત્તિ, ધન, વૈભવ અને ઐશ્વર્ય માટે દોલતનું, ધનનું મહત્ત્વ ઘણું  છે. સમાજનાં આ સર્વ માનવસુખોની અધિષ્ઠાત્રી લક્ષ્મીજીની મોહિની અને નામથી રાય-રંક, સંત-મહંત ભાગ્યે જ કોઈ અજાણ હોઈ શકે? અનાદિકાળથી લક્ષ્મીજી માનવજીવનનાં બધાં જ કર્મક્ષેત્રો પર નિત્ય નિવાસીની બની રહી છે. લક્ષ્મીજીની કૃપા એટલી સહેલી નથી માટે તો દરેક માનવીએ તેને મેળવવા દરેક પ્રકારના પ્રયાસ કરવા પડે છે. આ મહાલક્ષ્મીની કૃપાને સામાન્ય લોકો સમજી શકતા નથી. સુખ-વૈભવની અધિષ્ઠાત્રીની પ્રસન્નતાથી ભવના બધાં દુ:ખો ભાગે છે એવું માનનારા અજ્ઞાાનીઓ લક્ષ્મી ધન પાછળ દોડે છે અને તેની પ્રાપ્તિ ન થતાં નિરાશ બની રહે છે કે અમારા ભાગ્યમાં તો ગરીબી જ લખાઈ છે. લક્ષ્મીજીની કૃપા વિના સૃષ્ટિની સુંદરતા ક્યાંથી સંભવે? પુરાણોમાં ભગવાનનાં ત્રણ સ્વરૂપો કહ્યાં છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણે સ્વરૂપોની આદ્યશક્તિઓ બ્રહ્માણી, વૈષ્ણવી અને રુદ્રાણીના નામે ઓળખાય છે જેમાં વૈષ્ણવી શક્તિ ચિત્ સ્વરૂપિણી છે. સમગ્ર વિશ્વમાં આ દેવી અનંત શક્તિથી વ્યાપ્ત છે એ સત્યનું સમર્થન નીચે આપેલા શ્લોકમાં છે.

તું વૈષ્ણવી શક્તિ મહા વિરાટ

તું વિશ્વની કારણભૂત માયા

રાખ્યું કરી મોહિત વિશ્વ સારું

પ્રસન્ન થયે દેવી તું મુક્તિ આપે.

 લક્ષ્મીપૂજનની પરંપરા

લક્ષ્મીજીની પ્રસન્નતાનો વિચાર માત્ર આવતાં આપણે મુગ્ધ બની જઈએ છીએ. તેના આકર્ષણે જગતના બધા જ વ્યવહારો ચાલે છે અને તેના મોહક સ્વરૂપથી ભલભલા છૂટી શકતા નથી. દીપોત્સવી પર્વના ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાનો પારંપારિક રિવાજ છે. લોકો સ્થિતિ પ્રમાણે સોના, ચાંદીના કે અન્ય ધાતુના સિક્કાને કંકુ લગાડી પૂજા કરે છે. દિવાળીના દિવસે વેપારીઓ વિક્રમ સંવતના નવા વર્ષના વેપારના હિસાબ ખાતાના નવા ચોપડા પર સાથિયા (સ્વસ્તિક) ચીતરી તેના પર લક્ષ્મીજી, ગણપતિજી અને સરસ્વતીજીની છબી મૂકી પૂજા કરે છે અને નવા વર્ષના સોદા-વેપાર- વેચાણનાં મંડાણ કરે છે. લક્ષ્મીજીનો મહિમા અપાર છે. હરિવંશમાં લક્ષ્મીજીને કામદેવની માતા કહી છે. સંપત્તિની આ દેવી મહાલક્ષ્મી, ભગવતી, ત્રિપુરા સુંદરી, હરિપ્રિયા, રમા, હેમા અને વિષ્ણુભાર્યાના નામે શોભે છે. ધન-ધાન્ય, સુખ અને વૈભવની દેવી મહાલક્ષ્મી સત્ સ્વરૂપમાં સરસ્વતીજી, રાજસ સ્વરૂપમાં લક્ષ્મી અને તામસ સ્વરૂપમાં મહાકાલી કહી છે. ચોપડા પૂજન વખતે લક્ષ્મીજી, ગણપતિજી અને સરસ્વતીજીના ચિત્રની છબીની પૂજા કરવામાં આવે છે. આ બંને દેવીઓની કૃપા પામેલો માનવી ભાગ્યે જ જોવા મળે છે. લક્ષ્મીજી સાથે ગણપતિજીની ઉપસ્થિતિનું ગૂઢ રહસ્ય છે. માંગલિક પ્રસંગોએ હજારો વર્ષથી પ્રથમ પૂજા સિદ્ધિ વિનાયક ગણપતિજીની થાય છે કારણ કે આ દેવ બુદ્ધિ, રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે. લક્ષ્મીજી ધન વૈભવનાં દેવી છે અને સરસ્વતીજી તેનું સત્ સ્વરૂપનું રૂપ છે. ગણપતિજી, લક્ષ્મીજીના રક્ષક પણ મનાય છે. આ કારણથી દિવાળીના દિવસે લક્ષ્મીજી, ગણપતિજી અને સરસ્વતીજીની પૂજા એકસાથે થાય છે. ઋગ્વેદમાં મહાલક્ષ્મીને હિરણ્યમથી હરિણીની ઉપમા આવી છે. કલ્યાણ લીલા કરતી જગતની આ અધિષ્ઠાત્રીની કૃપા પામવા આદિકાળના ઋષિઓ, પંડિતોએ સૂચવેલા જ્ઞાાનબોધ આજના કેટલાક શિક્ષિતો અને ધર્મપ્રેમી ભાઈઓ અનુસરીને રોજ સવારે ઊંઘમાંથી ઊઠીને પથારીમાં  જમણા હાથની હથેળીના દર્શન કરીને નીચેના શ્લોક બોલી હાથની આંગળીઓનો આંખે સ્પર્શ કરે છે. શ્લોકના શબ્દો આ પ્રમાણે છે :

કરાગ્રે વસતે લક્ષ્મિ: કર મધ્યે સરસ્વતિ ।

કર મૂલે તુ ગોવિન્દ: પ્રભાતે કરદર્શનમ્ ।।

 દિવાળીના પર્વની લોકકથા

દિવાળીના લક્ષ્મીપૂજનના સંદર્ભમાં એક પૌરાણિક પ્રસંગ છે. એક દિવસ યમુના સ્નાન કરવા જતાં દુર્વાસા મુનિની રસ્તામાં ઇન્દ્ર દેવતાએ પૂજા કરી ત્યારે દુર્વાસાએ કમળ પુષ્પી માળા પ્રસાદરૂપે આપી. તે માળા ઇન્દ્રદેવે તેના હાથીના ગળામાં પહેરાવી, હાથીએ સૂંઢથી આ ફૂલની માળા તોડી નાખી, યમુના સ્નાન કરી પાછા ફરતાં દુર્વાસાએ એ માળાનાં વેરાયેલાં પુષ્પો જોયાં અને ક્રોધે ભરાયા. ઇન્દ્રને શાપ આપ્યો કે તારી રિદ્ધિ-સિદ્ધિ નાશ થઈ જશે. લક્ષ્મીજી તુરત જ તેના પિતા સાગર-સમુદ્ર પાસે ચાલી ગયા. ઇન્દ્ર અને ઇન્દ્રલોકના દેવતાઓએ વિષ્ણુ ભગવાન પાસે જઈ પ્રાર્થના કરી. વિષ્મુ ભગવાને સમુદ્રમંથન કર્યું તે સમયે ૧૪ રત્નો નીકળ્યાં જેમાં લક્ષ્મીજી પણ હતાં. દેવતાઓએ લક્ષ્મીજીની પૂજા કરી અને વિષ્ણુ ભગવાન સાથે પાણીગ્રહણ કરાવ્યું. આ દિવસ આસો વદ અમાસનો હતો. તે દિવસથી પ્રતિવર્ષ આસો વદ અમાસના દિવસે દિવાળી તરીકે ઊજવી લોકો લક્ષ્મીજીની પૂજા કરે છે. દિવાળીના ઉત્સવના દિવસે એક એવી પણ લોકકથા છે કે શ્રીરામચંદ્રજી રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યાનગરીના લોકોએ દીવડા પ્રગટાવી મોટો ઉત્સવ ઉજવ્યો, જે આજનો પારંપારિક દિવાળીનું મોટું પર્વ બની ગયું. એવું પણ કહેવાય છે કે શ્રીકૃષ્ણે નરકાસુર નામનો રાક્ષસ જે પ્રજા તથા ઋષિમુનિઓ પર જુલમ ગુજારતો હતો તેનો સંહાર કરી લોકોને ભયમુક્ત કર્યા તેની ખુશી મનાવવા તે વેળા ઘેરઘેર દીવડા પ્રગટાવી ઉત્સવ મનાવ્યો હતો, જે પ્રતિવર્ષ દિવાળીના પર્વ તરીકે ઉજવાઈ રહ્યો છે. એક માન્યતા એવી છે કે દેવતા અને રાક્ષસોએ અમૃત માટે સમુદ્રમંથન કર્યું ત્યારે લક્ષ્મીજી પ્રગટ થયાં તે દિવસ આસો વદ અમાસનો હતો. તે દિવસે રાત્રે લોકોએ દીવડા પ્રગટાવી લક્ષ્મી દેવીનો જયજયકાર કર્યો. ઐતિહાસિક સમર્થન મુજબ હિન્દુસ્તાન પર પરદેશી શક હુણ જાતિના જંગલી ટોળાઓએ હુમલા કરી ખેદાનમેદાન કરી નાખી લોકોમાં હાહાકાર મચાવી દીધો. 

વિક્રમાદિત્ય નામના રાજકુંવરે શકોને હુણોનો સામનો કરી હરાવી નસાડી મૂક્યા. આ દિવસે વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. લોકોએ ક્રૂર, હુણ-શકોની મુક્તિનો દીવડો પ્રગટાવી આનંદ મનાવ્યો. ક્ષિપ્રા નદીમાં લાખો દીવડા રાત્રે તરતા મૂક્યા. નદીનાં પાણી પર સોનાની જાળ બિછાવાઈ હોય એવું દ્રશ્ય ઊભું થયું હતું.

લક્ષ્મીપૂજનનું ઐતિહાસિક પ્રમાણ

લક્ષ્મી પૂજાનું ઐતિહાસિક સમર્થન પુરાતત્ત્વની મૂર્તિઓ, અવશેષો, શિલાલેખો અને પ્રાચીન સિક્કા પર જોવા મળે છે. સાંચી, ભરહુત, બુદ્ધ ગયામાં ઇસ્વીસનની પ્રથમ સદીના સમયની મૂર્તિઓ મળી આવી છે. અમરાવતીમાં બીજી શતાબ્દીના સમયની તથા અજંટા ઇલોરા, કૌશાંલીમાં ગુપ્તકાલીન શિલ્પો મળી આવ્યાં. આ શિલ્પો પદ્મલક્ષ્મી, ગજલક્ષ્મી, પદ્મણી, પદ્મહસ્તી અને પદ્મનાભપ્રિય નામથી પ્રખ્યાત છે. કૌશાબીમાં મળી આવેલી શૃંગકાલીન લક્ષ્મીજીની મૂર્તિ કમળ પર બિરાજેલા પદ્મવાસીની લક્ષ્મીજીની છે. ગુપ્ત સમયના શિલાલેખોમાં 'શ્રી' અને 'લક્ષ્મી' શબ્દો અંકિત છે. મોગલ બાદશાહોને દીપોત્સવી ઉત્સવનું ખાસ આકર્ષણ હતું.

બાબર આ ઉત્સવ બ્રાહ્મણ પંડિતો પાસે પૂજા કરાવી ગરીબોને દાન આપી ઊજવતા. તેનો રાજકુંવર હુમાયુ તો સોનાના સિક્કા દાનમાં આપતો. એટલું જ નહીં, પરંતુ લક્ષ્મી દેવીની પૂજા બાદ આતશબાજી કરી ૧૦૧ તોપોની સલામી આપતો. બાદશાહ જહાંગીર દિવાળીની રાત્રિએ તાંત્રિક વિદ્યાની સાધના કરતો. નૂરજહાંને આતશબાજીનો ગજબનો શોખ હતો.

દિવાળીના શુભ દિવસે જૈન ધર્મના ૨૮મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીર સ્વામીએ હરિવંશ પુરાણ મુજબ પાવાનગરીમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી તથા સ્વામી રામકૃષ્ણ પરમહંસ દિવાળીના દિવસે પંચભૂતમાં વિલિન થયા  હતા અને ભાગ્યશાળી થયા હતા. રામરાજ્યની આદર્શ દીપાવલીનું વર્ણન શ્રીરામભક્ત તુલસી પોતાની રામાયણમાં અદ્ભુત રીતે વર્ણવ્યું છે. આમ આવું છે મહાલક્ષ્મી માતા અને દિવાળીનું અનન્ય માહાત્મ્ય!

- નીપા