ગ્લેમર ગર્લ્સના શાકાહાર અપનાવવાના સ્વાદિષ્ટ અનુભવો
ભારતીય સ્ત્રીઓ વિદેશી સાથે મેરેજ કરીને માંસાહારી બની ગયાના ઘણાં દાખલા છે. જ્યારે 'દ્રશ્યમ' ફેઈમ એકટ્રેસ શ્રિયા સરનની બાબતમાં એનાથી વિપરિત બન્યું છે. શ્રિયા કોરોનાકાળ દરમિયાન આન્દ્રે કોશ્ચેવ નામના ફોરેનરને પરણ્યા બાદ ચુસ્ત શાકાહારી (વેજિટેરિયન) બની ગઈ છે. હમણાં વર્લ્ડ વેજિટેરિયન ડે નિમિત્તે શ્રિયાએ પોતે અને પોતાના હસબન્ડ આન્દ્રેએ કઈ રીતે ક્રમશ: પ્લાન્ટ બેઝડ ડાયટ (શાકાહાર ખોરાક) અપનાવ્યો અને પછી કઈ રીતે કોવિડ મહામારી દરમિયાન ફુલ્લી વેજિટેરિયન બની ગયા એ વિશે માંડીને વાત કરી હતી. 'અમે બંને આમ તો શરૂઆતથી શાકાહારના પ્રયોગો કરતા હતા. અમે સાથે મેડિટેશન (ધ્યાન) શરૂ કર્યું ત્યારે અમને એવું લાગ્યું કે અમારે થોડા ધીમા પડવાની જરૂર છે. માત્ર જીવનની ગતિમાં નહિ, ડાયટમાં પણ ત્યારે અમે સંપૂર્ણ શાકાહારી બનવાનો નિર્ણય લીધો. આ ઉપરાંત, મારા પર મારી મધરની લોંગ વેજિટેરિયન લાઇફસ્ટાઈલનો પ્રભાવ પણ ખરો,' એમ સાઉથ અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી કહે છે.
કપલે લગ્ન પછી તત્કાળ શાકાહાર નહોતો અપનાવ્યો એ પણ અહીં એક નોંધવા જેવી વાત છે. એ હકીકત કબુલતા શ્રિયા કહે છે, 'અમે મિટ (માંસ) બહુ ખાતા, પરંતુ પછી ધીમે ધીમે અમે માંસાહારના નૈતિક પાસા વિશે વિચારતા થયા. મિટ માટે પ્રાણીઓ સાથે કેવી ક્રુરતા આચરાય છે અને પર્યાવરણ પર એની શું અસર થાય છે અને ખાસ તો આપણું શરીર નોન-વેજ ખાધા પછી કેવી પ્રતિક્રિયા આપે છે એનો વિચાર કર્યો. તમે નહિ માનો પણ અમે બંને વેજિટેરિયન બન્યા બાદ હળવાફૂલ અને વધુ સ્વસ્થ બની ગયાનો અનુભવ કરીએ છીએ. અમારી પાચનક્રિયા પણ સુધરી છે.'
શ્રિયા સરનના જીવનશૈલીમાં આવેલા બદલાવ માટે એક બીજો પ્રસંગ પણ કારણભુત બન્યો. એ વિશે વાત કરતા એકટ્રેસ કહે છે, 'અમે પેરુની એક ટ્રિપ દરમિયાન ગાય અને બકરીના એક ફાર્મમાં રહ્યા. અમે ત્યાર પછી મિટ ખાવાનું છોડી દીધું. બીજુ, મારી પુત્રી રાધાને બકરીના રૂપકડાં બચ્ચા બહુ ગમે છે. માંસાહાર છોડવા અમારા માટે એ પૂરતું હતું. હવે મને મોક મિટ્સ તરફ જોવું પણ નથી ગમતું.'
આજે શ્રિયાના ભોજનમાં વેજિટેબલ્સ અને ફ્રૂટ્સની ભરમાર હોય છે.
શ્રિયાની જેમ બીજી બે જાણીતી એકટર્સ-શ્વેતા ત્રિપાઠી-શર્મા અને રાશિલ ખન્નાએ પણ માંસાહાર છોડીને સંપૂર્ણ શાકાહાર અપનાવ્યો છે. ત્યારથી પોતાના જીવનમાં ઘણી બધી પ્રસન્નતા અને સંતોષ આવી ગયાનું બંનેનું માનવું છે. પહેલા શ્વેતા ત્રિપાઠી શર્માની વાત કરીએ. મસાન અને મિર્ઝાપુર ફેઈમ એકટ્રેસે હજુ ગયા વરસે જ શાકાહારી જીવનશૈલી અપનાવી છે. 'મારી આખી લાઈફમાં નોન-વેજિટેરિયન રહ્યા બાદ વેજિટેરિયન બનવાની મારી પસંદગીથી હું ખૂબ સંતુષ્ટ છું. મને એવું લાગ્યું કે એક તરફ હું પર્યાવરણ જાળવણીની વાત કરું અને બીજી બાજુ, નોન-વેજ આરોગું એ બરાબર નથી. એ એક પ્રકારનો વિરોધાભાસ જ કહેવાય. હવે હું વેજિટેરિયન છું અને મને છોલે-કુલચે બહુ ભાવે છે. ઘણાંને ચિકન ટિક્કા બહુ સ્વાદિષ્ટ લાગે છે, પણ મને એની બિલકુલ ઇચ્છા નથી થતી,' એમ શ્વેતા કહે છે.
એકટ્રેસ માટે ઘરની રસોઈ પહેલી પસંદગી છે અને પ્રવાસ દરમિયાન પણ એ સિમ્પલ વેજિટેરિયન વાનગીઓનો સ્વાદ માણે છે. શ્વેતા જે સિટિમાં જાય ત્યાંનું લોકલ વેજ ફૂડ ચાખવાનું કદી ચુકતી નથી.
શાહિદ કપૂરની વેબ-સીરિઝ 'ફર્ઝી'થી લાઈમલાઈટમાં આવનાર રાશિ ખન્નાનો કિસ્સો શ્વેતાથી સાવ અલગ છે, 'મારા શાકાહારી બનવા પાછળ આધ્યાત્મિક અને શારીરિક કારણો જવાબદાર છે. હું ખાસ તો શાકાહારી તરફ એટલે વળી કે મારે વધુ સારી રીતે ધ્યાન (મેડિટેશન) કરી આધ્યાત્મિક માર્ગમાં થોડું આગળ વધવું હતું. શાકાહાર મને મેન્ટલી ઘણો મદદરૂપ થયો છે. એટલા માટે કે સાત્વિક ફૂડ ખાઈને તમારું બૉડી હળવુફુલ લાગે છે અને તમારા આંતરડા ક્લિન રહે છે. પેટ ચોખ્ખું અને હળવું રહે તો તમારું વધુ સારી રીતે કામ કરે છે. આજે હું ફિઝિટલી અને મેન્ટલી બંને રીતે હળવીફૂલ રહું છું,' એવો સ્વાનુભવ રાશિ વાગોળે છે.
એકટ્રેસ લીલા શાકાભાજીની દીવાની છે, પણ એની ફેવરીટ વેજ વાનગી એની મમ્મીએ રાંધેલા રાજના-ચાવલ છે.
- રમેશ દવે