ઠંડીની ઋતુમાં બરાબરનો રંગ જમાવ્યો છે. ગુલાબી ઠંડીમાં ત્વચાની ગમે તેટલી કાળજી કરો તોય તે શુષ્ક થઈને ફાટી જવાની. અને ખરબચડી ત્વચા કોને ગમે? લોકો હમણાં બજારમાં મળતાં વિવિધ પ્રકારના મોઈશ્ચરાઈઝર અને ક્રીમનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યાં છે ત્યારે કેટલાંક દેશી નુસખા તેના કરતાં વધુ અકસીર પુરવાર થઈ રહ્યાં છે. ત્વચા નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે....
ઘીનો ઉપયોગ : એક કપ હુંફાળા પાણી અથવા દૂધમાં એક ચમચી ઘી, નાખીને ધીમે ધીમે પી લો. આ પ્રયોગ ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે અને ચામડીને શુષ્ક થતી અટકાવે છે.
મીઠાં ચીકાશવાળા ફળો લો : રોજિંદા આહારમાં ખજૂર, કિશમિશ, અંજીર લેવાનું રાખો. આ મીઠાં અને સહેજ ચીકાશ ધરાવતા ફળો તમારી ત્વચાને મોઈશ્ચર રાખવામાં મદદ કરશે.
દરરોજ તેલ માલિશ કરો : સ્નાન કરવાથી પહેલા દરરોજ કોઈપણ તેલ વડે માલિશ કરો. તેલ માલિશ કર્યા પછી થોડીવારે સ્નાન કરવાથી શરીરમાં રહેલું કુદરતી મોઈશ્ચરાઈઝર જળવાઈ રહે છે અને રૂધિરાભિસરણ સુધરે છે. પરિણામે ત્વચા સુકાતી અટકે છે.
દૂધ અને ઉબટનથી સ્નાન કરો : નિયમિત રીતે ઉપયોગમાં લેવાતા સાબુને બાજુએ મૂકી કાચા દૂધ અથવા ઉબટનતી સ્નાન કરો. તેનાથી ચામડી પ્રાકૃતિક રીતે સ્વચ્છ થશે અને તેને દૂધ, ઉબટનમાં રહેલા પોષક તત્ત્વોનો લાભ પણ મળશે.
પોષક ફેસપેક લગાવો : જેઠીમધ અથવા ઓટ્સના પાવડરમાં કોઈપણ પોષક લોટ ઉમેરો. હવે તેમાં મધ, એલોવેરા જેલ અને દૂધ અને દૂધ ભેળવીને પેસ્ટ બનાવો. આ મિશ્રણ નિયમિત રીતે ચહેરા પર લગાવીને સાદા પાણી વડે ચહેરો ધોઈ લેવાથી પણ ત્વચા સુંવાળી રહેશે.


