Get The App

દીકરીને આપો જીવન ઉપયોગી માર્ગદર્શન

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
દીકરીને આપો જીવન ઉપયોગી માર્ગદર્શન 1 - image

- ચિંતાજનક  કે વિવાદાસ્પદ વાતાવરણમાં શાંત રહેવું : ગુસ્સે થયેલી  કે ઉશ્કેરાયલી વ્યક્તિની અવગણના કરવી :  આત્મ સન્માન સૌથી મહત્વનું છે : હકારાત્મક વાણી- વર્તન ધરાવતી વ્યક્તિ સાથે મિત્રતા કે સંબંધ રાખવો

સરગમ  શર્મા (નામ કાલ્પનિક છે) દસમા(એસ.એસ.સી.) ધોરણમાં ભણે છે.   શાંત, સરળ, નમ્ર  સ્વભાવની  સરગમ ભણવામાં તેજસ્વી  હતી. સાથોસાથ સંગીત, નાટક વગેરેમાં પણ સક્રિય હિસ્સો લેતી. એટલે  સરગમ શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, વર્ગની ફ્રેન્ડ્ઝમાં બહુ પ્રિય હતી.  જોકે સરગમના આટલા બધા સદગુણોથી તેના જ વર્ગની કામિની શાહ( નામ કાલ્પનિક છે)   જરાય ખુશ નહોતી. 

કામિની શાહને સરગમની ભારોભાર ઇર્ષ્યા  થતી.  કામિની એક કે બીજા બહાને સરગમ સાથે સ્પર્ધા કરવાનો દેખાવ કરતી અને પછી તેની જ સાથે ઉગ્ર ચર્ચા કરતી. સરગમને એલફેલ શબ્દો કહીને તેનું અપમાન કરતી.  જોકે સંસ્કારી સરગમ કોઇ જ જવાબ ન આપતી. સદાય શાંત રહેતી. 

એક દિવસ તો કામિનીએ હદ કરી દીધી. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરગમની પસંદગી થઇ. કામિનીની પસંદગી ન થઇ. બસ,  કામિની  જબરી છંછેડાઇ  અને આખા વર્ગ સામે  ટીચર સાથે ઉગ્ર ચર્ચા કરી. સાથોસાથ સરગમ પર પણ ગંદા આક્ષેપ કર્યા.  જોકે   સરગમે વળતો કોઇ જ જવાબ  ન આપ્યો.  

ટીચરે કામિની શાહના આવા ગેરવર્તનની ગંભીર નોંધ લઇને  કામિની શાહનાં માતાપિતાને  પત્ર લખીને સ્કૂલમાં બોલાવ્યાં. ટીચરે જે કાંઇ બન્યું તેની બધી વિગત  આખા વર્ગ સમક્ષ કામિનીનાં માતા પિતાને કહી.સાથોસાથ  કામીનીનું એડમિશન પણ  શાળામાંથી રદ કરવાની ચેતવણી આપી.   

પોતાની દીકરીના આવા દુર્વ્યવહારથી  કામિની શાહનાં મમ્મી -પાપાને ભારે દુ:ખ થયું. તેમણે ટીચરની માફી માગી. સાથોસાથ સરગમને પણ સોરી કહ્યું.  ઉપરાંત, પોતાની પુત્રી કામિનીને કડક શબ્દો સાથે ઉપયોગી  સલાહ પણ આપી. ટીચરની અને સરગમની બંનેની જાહેરમાં માફી માગવા કહ્યું. હવે કામીનીને પણ પોતાના ઇર્ષાળુ   સ્વભાવની ભૂલ સમજાઇ. કામિની  શાહે  રડતાં રડતાં  ટીચરની અને સરગમની માફી માગી. 

આ ઘટનાનો અર્થ એ છે કે જીવનમાં  સભ્યતા, નમ્રતા, શાંત-સરળ સ્વભાવ વગેરે   ઉજળા સંસ્કારબહુ મહત્વના બની રહે છે.  કોઇ વ્યક્તિ ગેરવર્તન કરે, આક્ષેપ કરે, બધાની હાજરીમાં નીચા દેખાડવાનો પ્રયાસ કરે તો તેવી પરિસ્થિતિમાં  શાંત રહેવું  બહુ કારગત નિવડે છે. ઉગ્રતા સામે શાંતિ કે મૌન ભારે અસરકારક શસ્ત્ર પુરવાર થાય છે. 

સાચી વાત છે. આજના સાયન્સ અને ટેકનોલોજીના આધુનિક યુગમાં  દરેક ક્ષેત્રમાં જબરી સ્પર્ધા છે. શાળાના વિદ્યાર્થીથી લઇને નોકરી -વ્યવસાયનાં  ક્ષેત્રમાં   સ્પર્ધાની અસર છે. એકબીજાંથી આગળ વધી જવાની સ્પર્ધાની અસર શારીરિક - માનસિક આરોગ્ય પર થાય તે સ્વાભાવિક છે. 

આવા ચિંતાજનક વાતાવરણમાં શાંત રહેવું, ગુસ્સે થયેલી  કે ઉશ્કેરાયલી વ્યક્તિની અવગણના કરવી, તેને વળતો  જવાબ ન  આપવો કે મોબાઇલ પર કોઇ   સંદેશો પણ  ન પાઠવવો વધુ વ્યવહારુ બની રહે.  ક્યારેેક  શાળામાં  કે કોલેજમાં, નોકરી -વ્યવસાયના સ્થળે, પ્રવાસ-પર્યટન  દરમિયાન બહુ નાની અમથી વાત કે મુદ્દા પર  ઉગ્ર ચર્ચા  થાય અને તેમાંથી  ફાટી નીકળે  ક્રોધનો  જ્વાળામુખી. પરિણામે ન થવાનું થઇ જવાનું જોખમ પણ રહે. 

નિષ્ણાત અને  અનુભવી મનોવિજ્ઞાાનીઓ કહે  છે, આ બધી બાબતો તમારી વ્હાલી દીકરી માટે બહુ ઉપયોગી બની રહેશે.  પુત્રી ભણતી હોય તો અને નોકરી -વ્યવસાય કરતી હોય  તો   શિસ્ત, સંયમ, સભ્યતા, આત્મ સન્માન,  નાણાંકીય રીતે આત્મ નિર્ભરતા,  સવતંત્ર નિર્ણયશક્તિ, ઉજળી કામગીરી  વગેરે પાસાં બહુ  મહત્વનાં બની રહે   છે.    આ રહી જીવન ઉપયોગી  સલાહ અને માર્ગદર્શન   

-  તમારી દીકરીને પાસે બેસાડીને  પ્રેમથી સમજાવો કે  જો બેટા, તારા અભ્યાસ અને નોકરીના સ્થળે બધાં સાથે પ્રેમ, સહકારથી રહેવું. કોઇ વ્યક્તિ સાથે ઉગ્ર ચર્ચા કે વાદ-વિવાદ ન કરવો. આમ છતાં આત્મ સન્માન સૌથી મહત્વનું છે. આપણે  આપણું પોતાનું સન્માન નહીં જાળવીએ તો બીજી કોઇ વ્યક્તિ પણ આપણું સન્માન નહીં કરે. વળી, બીજી કોઇ વ્યક્તિ માટે આપણા પોતાના સંસ્કાર અને વ્યક્તિત્વ સાથે  ક્યારેય સમાધાન ન કરવું.

- તમારી પુત્રી નોકરી -વ્યવસાય કરતી હોય તો તેને સમજાવો કે બેટા, તારા પગાર કે આવકમાંથી અમુક હિસ્સો તારી પોતાની પાસે રાખ. આજથી જ બચત કરવાનું શરૂ કર. સાથોસાથ, અન્ય કોઇ ક્ષેત્રમાં રોકાણ  પણ કર.  ભવિષ્યમાં તારાં લગ્ન થાય અથવા તું તારો પોતાનો વ્યવસાય શરૂ કરે ત્યારે આ બચત બહુ ઉપયોગી બની રહેશે. ભણેલી અને પરણેલી દીકરી માટે નાણાંકીય નિર્ભરતા બહુ મહત્વની છે.

- શાળામાં સાથે ભણતાં બધાં વિદ્યાર્થી -વિદ્યાર્થિનીઓ કે નોકરીના સ્થળે સહ કર્મચારીઓ, કાંઇ બધાં સારાં , સંસ્કારી નથી હોતાં. અમુક લોકો જબરાં સ્વાર્થી હોય છે. આવાં સ્વાર્થી લોકોને બરાબર ઓળખવાં.વળી, આવાં ગણતરીબાજ લોકો કોઇ સાથે વફાદાર નથી હોતાં. એટલે ઘણી બધી નહીં પણ બે -ત્રણ ફ્રેન્ડઝ રાખવી. બહેનપણી સંસ્કારી અને સમજદાર હશે તો તેની સાથેનો સંબંધ જીવનભર રહેશે.વળી, જીવનના પડકારરૂપ કે મુશ્કેલ સંજોગોમાં આવી ફ્રેન્ડઝ મદદરૂપ બનશે. 

- અભ્યાસ, નોકરી, લગ્ન  જીવન વગેરે વિવિધ તબક્કે પડકારરૂપ, મુશ્કેલ, ચિંતાજનક, આઘાતજનક ઘટનાઓ બનશે. આવા સંજોગોમાં  ઉશ્કેરાટ, ઉતાવળ, હતાશા,  ખોટા કે  ખરાબ નિર્ણયથી   આપણી સમસ્યામાં વધારો થાય. આવા મુંઝવણભર્યા તબક્કે  શાંતિ, સમજદારી, ખાસ ફ્રેન્ડ સાથે ચર્ચા કે સલાહ વગેરે  બહુ જ રાહતરૂપ બને. 

- હકારાત્મક વિચાર - વર્તન ધરાવતી, જીવનમાં ઉજળી  સફળતા મેળવવા મોટાં સપનાં નિહાળતી વ્યક્તિ સાથે સંબંધ રાખવો હિતાવહ છે. આવી વ્યક્તિઓ  આપણા માટે પ્રેરણારૂપ બની રહે. સાથોસાથ તેમની સલાહથી  અને પ્રેરણાથી  આપણા જીવનને  સાચી દિશા મળે. 

- આપણા વેદકાલીન ઋષિઓએ આરોગ્યને ધનરૂપી સંપદા કહી છે. એટલે કે શારીરિક અને માનસિક તંદુરસ્તી લીલીછમ રાખવી. શરીરને ભગવાનનું પરમ પવિત્ર મંદિર સમજવું. શુદ્ધ -પૌષ્ટિક આહાર,યોગ-ધ્યાન, પૂરતી ઉંંઘથી તન-મનમાં તાજગી અને ચેતનાના ફુવારા ઉડે. 

- ચારિત્ર્ય માનવીના જીવનનો અરીસો છે. અરીસો સ્વચ્છ હોય તો માનવીનો ચહેરો પણ સ્વચ્છ દેખાય, પણ અરીસામાં ડાઘ હોય  કે તે ઝાંખો હોય તો વ્યક્તિનો ચહેરો પણ ઝાંખો દેખાય. બરાબર આ જ રીતે ચારીત્ર્ય નામનો આયનો સાફ હોય તો આપણું જીવન પણ શુદ્ધ રહે. નહીં તો નહીં.   એટલે આપણું ચારિત્ર્ય સદાય શુદ્ધ રાખવું. આજના આધુનિક યુગમાં માનવી પાસે લખલૂટ પૈસો અને સુવિધા છે પણ  શુદ્ધ ચારિત્ર્ય અને ઉજળા વિચારો નથી. 

- ક્યારેક  મૌન બહુ મોટું અને મહત્વનું શસ્ત્ર સાબિત થાય છે. ઘણા સંજોગોમાં શબ્દો કરતાં મૌનની અસર વધુ ઘેરી હોય  છે.   એટલે જ તો  દરેક વખત સામી વ્યક્તિને વળતો જવાબ આપવો જરૂરી નથી હોતું.  બીજીબાજુ ક્યારે - કેવા સંજોગોમાં મૌન રહેવું અને ક્યારે પોતાની વાત કે મુદ્દો ભારપૂર્વક રજૂ કરવો તે બાબત પણ એટલી જ મહત્વની છે. 

અમુક પરિસ્થિતિ એવી હોય છે જ્યાં મૌનનો અર્થ કાયરતા થતો હોય છે. એટલે કે કેટલાક સંજોગોમાં વ્યક્તિએ પોતાની વાત, મુદ્દો, નારાજી, સત્ય પૂરી  શક્તિથી રજૂ  કરવું. ખાસ કરીને  આ સોનરી શીખામણ દીકરી માટે દીવાદાંડી સમાન બની રહે  છે. 

- જીવન સત્ય,નીતિ, પ્રામાણિકતાથી ઉજળું બનાવવું. આજના આધુનિક યુગમાં માનવી પાસે અમીરી વૈભવ હશે  પણ સમાજમાં અમીરી વૈભવ નહીં, સત્ય, નીતિ, પ્રામાણિકતાનું પૂજન થાય છે.  સાથોસાથ જીવનમાં મહેનતનો કોઇ જ વિકલ્પ નથી.  શુદ્ધ સંકલ્પ સાથેની મહેનતનું ફળ સોના જેવું હોય છે. વિશ્વની મહાન   હસ્તિઓની   ઝળહળતી  સફળતામાં    તેમની અથાગ મહેનત, લગન, શુદ્ધ ઇરાદાનું યોગદાન હોેય છે.   

- જગદીશચંદ્ર  ભટ્ટ