જાપાનીઝ બગીચાની વિશેષતા હોય છે, તે ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું અને તમારા મન તથા આંખને શાંતિ આપનારું હોય છે. તમારી પાસે એક એકરનો પ્લોટ હોય કે સો ફીટની અગાશી, જાપાનીઝ બગીચો તમે ક્યાંય પણ ઊભો કરી શકો છો અને તે ખૂબ જ સુંદર દેખાય છે.
આ બગીચાનો મુખ્ય મુદ્દો છે, જે કુદરતમાં બની શકે તેવું હોય નહીં, તેને તમારા બગીચામાં ઊભું કરવાનો પ્રયત્ન કરો નહીં. દા.ત. તમે જંગલમાં ચોરસ આકારનું તળાવ ક્યારેય જોઈ શકો નહીં. એટલે એવું તળાવ તમારે બગીચામાં રાખવું નહીં. તમે ધોધ જેવું વાતાવરણ બનાવી શકો પણ ફુવારો રાખી શકો નહીં.
જાપાનીઝ બગીચાની અન્ય એક ખાસિયત છે, સુમી, એટલે કે દરેક જગ્યાએ સમતુલા જાળવવી. જેમ કે, બે એકરની જમીન ઉપર છ ટનનો પથ્થર કુદરતી રીતે ભવ્ય દેખાય પણ એવડો મોટો પથ્થર સ્વાભાવિક રીતે જ દસ બાય દસના બગીચામાં તો ન જ રાખી શકાય. તેથી, આવા પ્રકારની સમતુલા વિશે સમજવું જરૂરી છે.
જાપાનમાં, તમે કોઈ ગુ્રપમાં સામેલ થાઓ તે વસ્તુને મહત્ત્વની ગણવામાં આવે છે. એ જ રીતે, બગીચામાં પ્રવેશવું તે પણ ખૂબ મહત્ત્વનું છે. જાપાનના બગીચાઓમાં અમુક ભાગો ઢંકાયેલા રાખવામાં આવે છે, જેથી શહેરીકરણની દ્રષ્ટિએ બનાવેલા અમુક બાંધકામો ઢંકાઈ જાય અને તે જગ્યા કુદરતી હોવાનો આભાસ ઊભો થાય. ગેટ, ઊંચોનીચો ટેકરો વગેરે બનાવીને તેવો દેખાવ ઊભો કરી શકાય. જાપાનીઝ ભાષામાં 'મા, શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે. આ ખાલી જગ્યા તમારા બગીચામાં ઠેર ઠેર દેખાય તે જરૂરી છે.
બગીચામાં સમતુલા જળવાવી જોઈએ. તેના માટે એ વાતનું ધ્યાન રાખવું કે કોઈપણ વસ્તુ એકદમ ચઢિયાતી ન હોય. તે તદ્ન કેન્દ્રમાં નહીં પણ ફેલાયેલી જગ્યાઓએ હોય. અને તે ત્રિકોણ આકારે હોવી જોઈએ. જેમ કે, ફૂલોની ગોઠવણી, બોન્સાઈ કે આર્ટ વર્ક હોય, તે ત્રિકોણાકારે દેખાય. તમે કુદરતી રીતે જ ત્રિકોણાકારે ઉગતા છોડ લઈ શકો.
જાપાનીઝ ગાર્ડન ડિઝાઈનરો હંમેશા ખાલી જગ્યાને વસ્તુઓથી ભરી દે છે. જેમ કે ખાલી જગ્યા હોય ત્યાં રેતી નાખે છે કે પછી દિવાલ, જાળી કે વાડથી જગ્યાને વહેંચી નાખે છે. તેને કારણે પ્રાચીન બગીચાને આધુનિક દેખાવ મળે છે. તમે બગીચામાં શાંતિનો ભાવ ઊભો કરવા ધાર્મિક વસ્તુઓ, જેવી કે બુદ્ધની મૂર્તિ, તળાવમાં એકાદ નાનો પથ્થર વગેરે મૂકી શકો. 'મીતાતેહ' શબ્દનો અર્થ થાય છે. જૂની વસ્તુનો નવો ઉપયોગ એટલે કે ફાનસ રાખવા પથ્થરનો ઉપયોગ કે ઘંટીના પડના પથ્થરોનો ઉપયોગ પગ મૂકવા માટે કરવો વગેરે.
બગીચામાંથી પસાર થતો રસ્તો પણ ડિઝાઈનરરૂપે બનાવી શકાય. પગ મૂકવા એક લાંબો પથ્થર અને એ પછી બધા નાના નાના પથ્થર હોય તે રીતે ડિઝાઈન બનાવી શકાય. તેને કારણે બગીચામાં આવનારવ્યક્તિ એક જગ્યાએ સ્થિર ઊભો રહી, આજુબાજુની વસ્તુઓનું નિરીક્ષણ કરી પછી આગળ વધે છે.
પાશ્ચાત્ય બગીચાઓ બનાવતા પહેલાં માસ્ટર પ્લાન બનાવાય છે. તો જાપાનીઝ બગીચાઓ, જે પ્રમાણે ડિઝાઈન બનતી જાય, તેને કુદરતી રીતે અનુસરે છે. પહેલાં કુદરતી વસ્તુઓ પસંદ કરવામાં આવે છે. પછી તેની સમતુલા ક્યાં રાખી શકાય તે જોવામાં આવે છે. તે અન્ય કયા પ્રકારની વસ્તુઓ સાથે મેળ ખાશે તે જોઈ તેની બાજુમાં યોગ્ય વસ્તુ મૂકવામાં આવે છે.
સાત તત્ત્વો :
(૧) પથ્થરોનો ઉપયોગ : ફેન્સ બનાવવા, દીવાલ બનાવવા, રસ્તો બનાવવા કુદરતી પરિસ્થિતિમાં કરવો. તેને એકબીજા ઉપર કળામય રીતે ગોઠવવા. જેમ કે પર્વતની જેમ ગોઠવાયેલા કે બુદ્ધનાં આસન કે પ્રાણીને મળતાં હોય તે રીતે ગોઠવવા.
(૨) સફેદ રેતી : જાપાનમાં સફેદ રેતી અને પાણીને એકબીજાના પર્યાય માનવામાં આવે છે.
(૩) પાણી : જગ્યામાં ભવ્યતા લાવવા પાણીનો ઉપયોગ કરી શકાય અથવા તો જે જગ્યાએ પ્રવેશી શકાય તેવું ન હોય ત્યાં પાણીની વ્યવસ્થા ગોઠવવાથી તે ભવ્ય લાગે છે.
(૪) છોડ : જાપાનીઝ બગીચામાં પાઈન, બામ્બુ અને પ્લમના છોડ ખાસ રખાય છે, જે આશીર્વાદ આપનારા ગણાય છે. જો કે, ભારતના ઉષ્ણતામાનનમાં આ ત્રણે છોડ એકસાથે મળવા મુશ્કેલ છે. પાઈન વૃક્ષ લાંબા આયુષ્યનું, બામ્બુ સ્વસ્થતાનું અને પ્લમ તથા ચેરી ઉત્સાહનું પ્રતીક છે.
(૫) પુલ : બગીચા અને પેઈન્ટીંગ્સમાં પુલનો ઉપયોગ બે રીતે થાય છે. શારીરિક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા અને તાત્વિક રીતે બે દુનિયા વચ્ચેનો એક ખાલીપો, જે ઈશ્વર અને માનવીને જોડવા માટે છે. ત્યાં વપરાય છે. તે વળાંકવાળું, પથ્થરો અથવા લાલ લાખના લાકડામાંથી બનાવી શકાય.
(૬) સ્થાપત્યની વસ્તુઓ : ફાનસ, સ્તૂપ, પથ્થરો, નાનામોટા છોડ, કાપેલા પાઈન છોડ વગેરેને એકબીજા સાથે ભેળવી શકાય.
(૭) દીવાલ અને વાડ : પરંપરાગત રીતે તેનો ઉપયોગ બે જગ્યાને વહેંચવા માટે થાય છે. એ વાતનું ધ્યાન રાખવું કે નક્કર દીવાલ બનાવાય, તે એના પછી રહેલી વસ્તુને ઢાંકી ન દે અને જોવામાં તકલીફ ઊભી કરે નહીં. જો તમે લાકડાની વાડનો ઉપયોગ કરતાં હો તો એવી રીતે કરો કે હવામાન સામે રક્ષણ આપી શકે. મકાનની ઉપરના ભાગમાં અને વરંડા પર વીંગ ફેન્સ બનાવી શકાય, જેથી અંગતતા પણ જળવાઈ રહે અને બગીચાનું દ્રશ્ય પણ દેખાય.
- ઈશિતા


