બાળકનો જન્મ થાય એટલે કુટુંબમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે. ખાસ કરીને બાળકના મા-બાપના આનંદનો પાર નથી હોતો. તેઓ પોતાના શિશુની સુખાકારી માટે બધુ કરી છુટે છે. નવજાત શિશુ બોલી નથી શકતું એટલે એ રડીને જ પોતાને જે કહેવું હોય એ કહી શકે છે. કુદરતનો કરિશ્મા જુઓ કે નાનકડા બાળકની રડવાની રીતપરથી જ એની માતા પારખી જાય છે કે એ ભૂખ્યું છે કે એને નીંદર આવે છે અથવા એનું ડાયપર ભીનું થઈ ગયું છે.
ભુલકું રડે તો એમાં સામાન્યપણે કશું બીવા જેવું હોતું નથી. પરંતુ એ સામાન્ય કરતા વધુ રડે તો એના મમ્મી-પપ્પા વિચારમાં પડી જાય છે. શિશુનું રડવું લાંબુ ચાલે તો એનો અર્થ એવો થાય કે કોઈક કારણસર એ અસુખ અનુભવી રહ્યું. અથવા તો એ માંદુ છે એટલે મા-બાપ તરત બાળકને શાંત કરવાના પ્રયાસમાં લાગી જાય છે. મોટાભાગે એને ચુપ કરવા ગ્રાઈપ વોટરના થોડાં ટીપા પીવરાવાય છે. એટલે નવજાત બાળકના પેરેન્ટસે એ જાણી લેવું જરૂરી છે કે ગ્રાઈપ વોટર શું છે અને એ બાળકને પીવડાવવું કેટલું સુરક્ષિત છે.
ગ્રાઈપ વોટર શેમાંથી બને છે?
નાનું બાળક એકધારું લાંબો વખત રડતું રહે તો એનું સૌથી સામાન્ય કારણ એના પેટમાં તકલીફ હોવાનું મનાય છે. બાળરોગ નિષ્ણાતો પણ કહે છે કે શિશુ પેટમાં ભરાયેલો ગેસ છોડી નથી શકતું એટલે અસુખ અનુભવે છે. એટલે એ સંજોગોમાં મા-બાપ મોટાભાગે બાળકને એક ચમચો ગ્રાઈપ વોટર પીવડાવી દે છે. હવે રામબાણ ઈલાજ મનાતું ગ્રાઈપ વોટર હકીકતમાં શું છે? એ દેશી ઓસડિયાનું મિશ્રણ છે, જેમાં તજ, વરિયાળી, યષ્ટિમધુ, કેમોમાઈલ અને લેમન બામ વગેરે વપરાય છે. આ બેસિક સામગ્રી છે અને એનો કાઢો બનાવવા એમાં ખાંડ અને આલ્કોહલ પણ ઉમેરાય છે. બજારમાં જુદી જુદી ઘણી બ્રાંડના ગ્રાઈપ વોટર મળે છે. એમાં કાઢો બનાવવા મૂળ ઓસડિયાનું પ્રમાણ થોડુક જુદુ હોઈ શકે, પણ એનું બેસિક કમ્પોજિશન તો એક જ હોવાનું.
જોવાનું એ છે કે મા-બાપ પોતાના શિશુની દરેક તકલીફનો ઈલાજ ગ્રાઈપ વોટર હોવાનું સૈકાઓથી માનતા આવ્યા છે. પરંતુ એ હકીકતમાં બાળકો માટે સેફ નથી. ખાસ કરીને એક વરસથી નાના બાળકને ગ્રાઈપ વોટર પીવડાવવું જરાય સુરક્ષિત નથી એટલે અહીં એ જાણી લેવું જરૂરી છે કે ગ્રાઈપ વોટર પીવડાવાથી બાળકને કઈ-કઈ આડઅસર થઈ શકે.
અનહેલ્ધી ગ્રાઈપ વોટર : કેમિસ્ટ પાસે જુદી જુદી કંપનીના ગ્રાઈપ વોટર્સ મળે છે પણ એ બધા બાળકો માટે સેફ નથી હોતા. ઘણાં ગ્રાઈપ વોટર્સમાં આલ્કોહલ ઉપરાંત આર્ટિફિશિયલ કલર્સ અને ફ્લેવર્સ વપરાય છે. એટલે ભૂલકાઓને એ પીવડાવવામાં જરાય શાણપણ નથી. એટલે પેરેન્ટસે ગ્રાઈપ વોટર ખરીદતી વખતે જ એની બોટલ પર લખેલી કન્ટેન્ટ્સ વાંચી લેવી જોઈએ. એમ કરીને તેઓ પોતાના બાળકને અસુરક્ષિત ગ્રાઈપ વોટર પીવડાવવામાંથી બચી શકે છે.
એલર્જિક રિકેક્સન : તમે જો નાનકડા બાળકને પહેલી વાર ગ્રાઈપ વોટર પીવડાવતા હો તો તમારે વધારે સાવચેત રહેવું પડે. એ પીવડાવ્યા બાદ શિશુને જુદા જુદા પ્રકારની એલર્જી થઈ શકે એટલે મા-બાપે એકદમ સચેત રહી કોઈ પણ પ્રકારના અસાધારણ સંજોગ માટે તૈયાર રહેવું પડે. જરાક પણ બાળકમાં કાંઈક અસામાન્ય લાગે તો શક્ય એટલા વહેલા પિડીયાટ્રિશ્યનનો સંપર્ક કરવો જોઈએ. ગ્રાઈપ વોટરથી થતી એલર્જીના સૌથી સામાન્ય ચિન્હોમાં આંખમાં પાણી આવવા, ચળ ઉપડવી અને શરીર પર લાલ ચાઠાં ઉપસવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. એટલે જ પહેલીવાર બાળકને થોડાક ટીપાથી વધુ ગ્રાઈપ વોટર ન પીવડાવવું જોઈએ. એથી બાળકને કદાચ એલર્જી થાય તો પણ એનું સ્વરૂપ નાનામાં નાનું હશે. પરિણામે તમે દોડાદોડીમાંથી બચી શકશો.
ખાવાના સોડા સૌથી ખતરનાક : માર્કેટમાં વેચાતા અમુક પ્રકારના ગ્રાઈપ વોટર્સમાં સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાના સોડા સારી એવી માત્રામાં હોય છે. ખાવાના સોડા બાળકના પેટમાં વધુ પડતું ક્ષારત્વ પેદા કરે છે જેને કારણે એના શરીરમાં પ્રવાહીનું વિસર્જન ખોરવાઈ જાય છે. પરિણામે બાળક વધુ અસુખ અનુભવે છે અને બીમાર પડી જાય છે.
દમનો હુમલો : જો બાળકને કોઈ પણ પ્રકારનો અસ્થમા હોય તો બાળકને ગ્રાઈપ વોટર પીવડાવવાથી લાતને બદલે નુકસાન વધુ થઈ શકે છે. દમની તકલીફ ધરાવતા બાળકને ગ્રાઈપ વોટર પીવડાવતા વેંત એને શિળસ નીકળશે અને એનો શ્વાસ ફુલવા માંડશે. અમુક કેસમાં બાળકના શ્વાસોચ્છ્વાસની ક્રિયા સામાન્ય કરતા ધીમી પડી જાય છે. અમુક શિશુઓની જીભ અને હોંઠ પર થોડો સોજો પણ આવી જાય છે.
ઈનશોર્ટ, પેરેન્ટસે ગ્રાઈપ વોટરના ઉપયોગમાં બહુ સાવચેતી વર્તવી આવશ્યક છે.
- રમેશ દવે


