For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

યુવતીઓ રૂપેરી પડદે કારકિર્દી બનાવવા કોસ્મેટિક સર્જરી કરાવતાં અચકાતી નથી

Updated: Sep 18th, 2023


વિદેશોમાં હોલીવૂડની અભિનેત્રીઓ તેમની કારકિર્દી જમાવવા માટે અનેક પ્રકારના નુસખાં  અજમાવે છે. સોશ્યલ મિડિયા સ્માર્ટ ફોનમાં સમાઇ ગયું હોવાથી ભારતીય યુવતીઓ પણ આ પ્રકારની ચાલાકીઓ પ્રમાણમાં વહેલી અજમાવતી થઇ જાય છે. ભારતમાં નવી પેઢીની યુવતીઓ કોઇપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા નીકળે ત્યારે તેની તકો કેટલી છે તેનો તેને અંદાજ હોય છે. આજના  જમાનામાં હિરો-હિરોઇન બનવું હોય તો મુંબઇની ગાડી પકડી લઇ બોલીવૂડમાં પહોંચી સંઘર્ષ કરવાથી કારકિર્દી બનાવી શકાય એવું શક્ય રહ્યું નથી. આજે તો નાના શહેરોમાં પણ નવી પેઢી ટીવી શોની ગળાંકાપ સ્પર્ધા જોઇ મોટી થઇ હોવાથી તેમને આ ક્ષેત્રમાં શું જોખમ લેવું પડશે તેની સમજ હોય છે. 

આ સંજોગોમાં રોડે કોલેજ નામની પંજાબી ફિલ્મની હિરોઇન બની ચૂકેલી મનપ્રીત ડોલી નામની ૨૩ વર્ષની યુવતીની કહાણી રસપ્રદ બની રહે તેમ છે. કપૂરથલા ગામની પંજાબી કૂડી માટે કારકિર્દીનો આ માર્ગ સરળ નહોતો. પહેલાં તો ગામની રૂઢિચુસ્ત પરંપરાઓમાં જકડાયેલાં પરિવારને તેણે સમજાવવો પડયો કે  પ્રોફેશનલ એક્ટિંગ કરવી હોય તો આ જ સમય છે જો તે ભણીગણીને પછી કારકિર્દી બનાવવા જશે તો મેળ નહીં પડે. બીજી વાત એ ગળે ઉતારવી પડી કે તેણે એક્ટિંગના અનેક એવોર્ડ મેળવ્યા હોવા છતાં ફિલ્મ ઉદ્યોગમાં તમારો ચહેરો તમારો પાસપોર્ટ ગણાય. પહેલાં કેમેરા સામે ઉભાં રહેવાની તક મળે તો તે પછી અભિનયના અજવાળાં પાથરવા મળે. પણ કેમેરા સામે ઉભાં રહેવાની તક જોઇતી હોય તો ચહેરો કેમેરા ફ્રેન્ડલી હોવો જોઇએ. મનપ્રીત કહે છે મને એ સમજાવતાં નાકે દમ આવી ગયો કે મારો ચહેરો સુડોળ હોવો જોઇએ એ મારું મિથ્યાભિમાન નથી પણ આજની જરૂરિયાત છે. મારો ચહેરો સ્ક્રિન માટે વધારે મોટો હતો. આથી મારે થોડો ઘાટ અને આકાર બદલવાની જરૂર હતી. હું આ સર્જરી કરાવતાં જરાય પણ અચકાઇ નહોતી કેમ કે મારે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ મેળવવો જ હતો. મને ખબર હતી કે બાદમાં  તો મારી પ્રતિભાના જોરે હું મારું સ્થાન બનાવી જ લઇશ. 

ડોલીની આદર્શ નિકોલ કિડમેન આ પ્રકારની સર્જરી કરાવી ચૂકી હોઇ ડોલી આ બધી બાબતોથી વાકેફ હતી. મોટાભાગના હોલિવૂડ રસિયાઓનો મત હતો કે કિડમેને તેના ચહેરામાં ઇન્જેકશન દ્વારા ફેટ ઉમેરી અથવા તેની જોલાઇન એટલે હડપચીનો આકાર બદલાવ્યો તે પછી તે તરોતાજા દેખાય છે અને વધતી વય છતાં તેની ત્વચા કુમાશભરી લાગે છે. આમ, ડોલીએ પણ ગાલ, હડપચી અને ચિબૂક માટે ફિલર ઇન્જેકશન લેવાનું નક્કી કરી લીધું હતું. ડોલી નવી પેઢીની યુવતી છે જે જિંદગીમાં કોઇ તક ઝડપવા માટે જરૂરી પગલું ભરતાં ડરતી નથી. તેઓ પોતાના દેખાવને સુધારવા માટે અને તેમના વ્યક્તિત્વને નિખારવા માટે આ પ્રકારની સર્જરી કરાવે ત્યારે તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. તેમને ખબર હોય છે  કે આ પ્રકારની સર્જરીથી તેમનો ચહેરો બદલાઇ જવાનો નથી પણ તેમના દેખાવની  સારી બાબતો ઉડીને આંખે વળગશે. 

ડોલીએ તેની કારકિર્દી માટે સંપૂર્ણ રૂપાંતર કરવાનું નક્કી કર્યું હોઇ તેણે વજન ઘટાડયું, ગળ્યું અને તળેલું ખાવાનું બંધ કરી દઇ માત્ર ઘરે રાંધેલું રેસાંયુક્ત, શાકભાજી અને પ્રોટીનસભર ભોજન  જ કરવાનું રાખ્યું. માર્ગદર્શન પ્રમાણે કાર્ડિયો અને વજન ઉંચકવાની તાલીમ જેવી કસરતો કરવા માંડી. આ ઉપરાંત પાતળાં દેખાવા માટે તેણે ઘોડેસવારી અને તરવાનું પણ શીખી. આનાથી  તેની કરોડરજ્જુ સીધી રહેવા માંડી અને તેની છટા નીખરી. ડોલી કહે છે આ બધી પ્રવૃત્તિઓને કારણે મારી ઉર્જામાં વધારો થયો અને મારા આત્મવિશ્વાસમાં પણ વધારો થયો. મને મુખ્ય ભૂમિકાઓ માટે પસંદ કરવામાં આવતી હતી પણ મારો ચહેરો સ્ક્રિન માટે ભારે જણાતોે હતો.  

ડોલીએ તેની લાઇનમાં લોકોને મળી થોડું સંશોધન કરી જાણી લીધું કે તેના ચહેરાને અંડાકાર બનાવવામાં આવે તો તે કેમેરા સામે સરસ લાગશે. ડોલી કહે છે મને એ પણ જાણવા મળ્યું કે આ પ્રક્રિયા ઉલટાવી શકાય છે. આ કામમાં થોડી મિનિટોનો જ સમય લાગે છે અને ઇન્જેક્શન લેવામાં જેટલી પડે એટલી જ તકલીફ પડે છે.  ડોલીએ સર્જરી કરાવ્યા બાદ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે, મને થોડા કલાક માટે ચહેરો નીચો ન કરવા જણાવાયું હતું. હું ઝડપથી સાજી થઇ અને  થોડા સમયમાં તો પરિણામ પણ દેખાવા માંડયુ આકર્ષક દેહયષ્ટિ મેળવવા માટે ઉતાવળે નહિ પણ લાંબા સમય સુધી એકધારી કસરત કરવી જરૂરી છે એવી સલાહ અભિનેત્રી આપે છે. આનાથી ત્વચા તેજસ્વી અને ટાઈટ રહેશે.

સમીરા પણ નાનપણમાં જાડી જ હતી. સમજણી થયા પછી તે વજન ઘટાડવા ઈચ્છતી હતી પણ તેને પોતાની કાયાના વળાંકો ગુમાવવા  નહોતા.  તે રૂપેરી પડદે સુકલકડી નહિ પણ આકર્ષક દેખાવા ઈચ્છતી હતી. આથી તેના ફિટનેસ રુટીનમાં કાર્ડિયો, યોગ, પાવરયોગા અને સ્વિમીંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વળી તે એકસાથે પેટ ભરીને ખાતી નહિ પણ દિવસ દરમિયાન છ વખત થોડું થોડું ખાતી હતી. કાર્ડિયો અને સ્વિમીંગથી તેનું વજન ઘટતું હતું. યોગ અને  પાવર યોગથી તેની મોહકતા જળવાઈ રહેતી અને કોઈ પણ પ્રકારના બંધન વગર તે બધું જ થોડું થોડું ખાતી હતી.

વર્ક આઉટનો આધાર વર્તમાન શારીરીક સ્થિતિ પર પણ અવલંબં છે જે યુવતી સ્થૂળ હોય તેણે વધુ પડતું વજન ઘટાડી સરેરાશ બીએમઆઈ સુધી પહોંચવાનું હોય છે. આ માટે  દોડવા કે તરવા જેવી કાર્ડિયો કસરત  સારું પરિણામ  આપે છે. 

આ ઉપરાંત નેગેટીવ કેલેરીની અસર  કરે તેવો આહાર લેવો જોઈએ. એટલે કે તમે રોજ જેટલી કેલેરી બાળો તેના કરતાં ઓછી કેલેરી તમારા ભોેજનમાં હોવી જોઈએ. ટૂંકમાં એમ કહી શકાય કે ખાવાનુ પ્રમાણ ઘટાડવાનું હોય છે. પરંતુ આ સહેલી વાત નથી. કારણ કે જ્યારે ખાવાનું નથી હોતું ત્યારે ભૂખ વધારે લાગે છે. ડાયેટિશિયનોના મતે શરીરને નવા ફૂડ રૂટિનની ટેવ પડતાં ૪૮ કલાક થાય છે. એટલે શરૂઆતના બે દિવસ ખૂબ જ વસમા જાય છે. પછી ધીમે ધીમે આદત પડતી જાય છે.

પ્રશિક્ષકો પીઠ, નિતંબ, ખભા અને પગ પર રહેલી ચરબીને ધ્યાનમાં રાખી ડાયેટ, વેઈટ ટ્રેનીંગ અને મસલ્સ ડેવલપમેન્ટની કસરતનો પ્લાન બનાવે છે. વધુ પડતાં વેઈટ ટ્રેનીંગથી શરીર અક્કડ બની જાય છે. એટલે મહિલાઓને માત્ર ૧૫-૨૦ મિનિટ જ વેઈટ ટ્રેનીંગ કરવાની સલાહ આપવામાં આવે છે. અને યોગ તથા પાઈલેટ્સ પણ ૧૫ મિનિટ માટે જ કરવાનું કહેવામાં આવે છે.

પાતળી માનુનીઓએ કાયા પુષ્ટ કરવી હોય તો બ્રેડ, કેળા, દૂધ, સુકોમેવો જેવા કાર્બોહાઈડ્રેટ અને પ્રોેટીનયુક્ત પદાર્થોમાંથી દરરોજ ૨૫૦ થી ૩૦૦ જેટલી કેલેરી મળે તે રીતનું ડાયેટ નક્કી કરવું જોઈએ. આ ઉપરાંત ૧૦ મિનિટની કાર્ડિયો ટ્રેનીંગ તથા સ્કવેટ્સ, યોગ, પાઈલેટ્સ અને પેટની કસરત  કરવાનું સૂચન કરવામાં આવે છે.

આકર્ષક ફિગર માટે જાણીતી અભિનેત્રી કિમ શર્મા કહે છે કે ડાયેટીંગ નિરાશાજનક બાબત છે. આથી પૌષ્ટિક ખોરાક લઈ નિયમિત કસરત કરી શરીરને ફિટ એન્ડ ફાઈન  રાખો. હું મારી મરજી મુજબ બધું જ ખાઉં છું પણ ઓછી માત્રામાં. હું દિવસ દરમિયાન છ વખત ખાઉં છું અને ખાતી વખતે સમયને ધ્યાનમાં રાખું છું. રાતના આઠ વાગ્યા પછી કાર્બોહાઈડ્રેટ લેતી નથી.  સવારના હું પૌષ્ટિક નાસ્તો કરું છું જેથી દિવસભર શક્તિ જળવાઈ રહે. હું વજન ઘટાડવા નહિ પણ શારીરીક વળાંકો જાળવવા કસરત કરું છું. 

- નયના

Gujarat
Worldcup 2023
English
Magazines