Get The App

ગર્લ કોડ : મૂક સંકેતો, મજબૂત સંબંધ અને દૈનિક સુરક્ષા કાર્યો

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
ગર્લ કોડ : મૂક સંકેતો, મજબૂત સંબંધ અને દૈનિક સુરક્ષા કાર્યો 1 - image

મહિલાઓની મિત્રતા વચ્ચે એક વણકહી ભાષા પ્રચલિત હોય છે, જેને ભાગ્યેજ સ્પષ્ટતાની જરૂર પડે છે, અને છતાં ઊંડાણપૂર્વક સમજી શકાય છે. ગર્લકોડ તરીકે ઓળખાતી આ ભાષાના કોઈ લેખિત નિયમો નથી હોતા, પણ તે સહિયારા અનુભવો, સજાગતા અને સહાનુભૂતિ દ્વારા ઘડાયેલ સાહજિક વર્તનનો સંગ્રહ હોય છે. આ નાના છતાં શક્તિશાળી હાવ-ભાવ, પછી તે નજીકના મિત્રો વચ્ચે હોય કે સંપૂર્ણપણે અજાણ મહિલાઓ વચ્ચે હોય, તે રોજિંદી પરિસ્થિતિઓમાં સલામતી અને એકતાની ભાવના સર્જે છે. ચિંતા વ્યક્ત કરતી હળવી નજરથી લઈને રક્ષણના મૂક કાર્યો સુધી, ગર્લ કોડ વિશ્વભરની મહિલાઓમાં પ્રચલિત સામૂહિક સમજદારીનો પડઘો છે. તે સામાજિક જોડાણથી આગળ વધીને સૌમ્ય છતાં અસરકારક સહાયતા પ્રણાલી તરીકે વિકસી છે. શબ્દો જ્યારે ઓછા પડે તેવી પળોમાં આ કૃત્યો ઘણુ કહી જાય છે, વિશ્વાસ, સતર્કતા અને દેખભાળની ભાવના મજબૂત બનાવે છે. સાથે મળીને તે પરિચિત તેમજ અજાણ્યા બંને પ્રકારના સ્થળે આત્મવિશ્વાસ મજબૂત બનાવતું તેમજ આત્મીયતાની ભાવના જગાડતું અદ્રશ્ય પણ વિશ્વસનીય નેટવર્ક રચે છે.

ગર્લકોડની વ્યાખ્યા કરતા પાંચ વણલેખિત નિયમો વિશે વિચાર કરીએ:

૧. જાહેર વોશરૂમમાં સહાયતા : જાહેર વોશરૂમ અરીસામાં સેલ્ફી અને મેક-અપથી વધુ છે. તે સ્વસ્થતા આપતી જગ્યા પણ છે. જ્યારે કોઈ યુવતી અહીં તણાવમાં અથવા અસ્વસ્થ થઈને પ્રવેશે છે ત્યારે અહીંનું વાતાવરણ બદલાઈ જાય છે. કોઈને કોઈ તેના હાલચાલ પૂછશે, કોઈ સથવારો આપશે. અજાણી વ્યક્તિઓ પણ તાત્કાલિક સમર્થન માટે આગળ આવી જાય છે. થોડી પળો માટે આ જગ્યા રક્ષણાત્મક અને સકારાત્મક બની જાય છે.

૨. કાર્યક્રમ પૂર્વેની તપાસ ટીમ : કોઈપણ પાર્ટી, ટ્રિપ અથવા મીટિંગમાં જવા અગાઉ ઘણીવાર છોકરીઓ એકત્ર થઈને ફટાફટ તપાસ કરી લે છે. કોણ પ્રસંગમાં હાજરી આપવાનું છે, ક્યાં બની રહ્યો છે અને તે સુરક્ષિત છે કે કેમ તેની તપાસ કરી લે છે. તેઓ સ્ક્રીનશોટ શેર કરે છે, વિગતોની ચર્ચા કરે છે અને કેવી રીતે તેઓ આવશે અને જશે તેની યોજના પણ બનાવી લે છે. આ કવાયતનો હેતુ સાવધાન બનવાનો અને તૈયાર રહેવાનો છે. આવું સાથે મળીને કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને જોખમ ઘટે છે.

૩. કોઈપણ સ્પષ્ટતા વિના લાઈવ લોકેશન શેર કરવા : ગર્લ  કોડની આદતો પૈકી સૌથી પ્રચલિત છે લાઈવ લોકેશન શેર કરવું. સામાન્યપણે તેની સાથે કોઈ લાંબોલચક સંદેશ જોડેલો નથી હોતો. આ નાનકડા કૃત્યનો હેતુ છે તમારા સ્થળની અન્યોને જાણકારી આપવી, સાવધાની ખાતર. એનાથી ખાતરી થાય છે કે કોઈને તમારી પરવા છે. કોઈપણ નાટકીય શબ્દોની જરૂર વિના 'હું તમારી સાથે છું' તે કહેવાની આ રીત છે.

૪. કંઈક ખોટું બનવાની અગમચેતી : ઘણી સ્ત્રીઓને કંઈક ખોટું બનશે તેની તીવ્ર અગમચેતી થતી હોય છે. સ્વર, શારીરિક ભાષા અથવા વાતાવરણમાં ફેરફાર અસ્વસ્થતાનો સંકેત આપે છે. ગર્લ કોડમાં આવા સંકેતો પ્રત્યે ધ્યાન આપવાનું સામેલ હોય છે. જ્યારે કોઈ મિત્રને અસ્વસ્થતા અનુભવાતી હોય ત્યારે અન્યો ઝડપથી પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. આવી સજાગતા સમસ્યા ગંભીર બને તે પહેલાજ તેને ડામી દે છે.

૫. સદા કાર્યરત સંરક્ષણ પ્રણાલી : મહિલા મિત્રતામાં કાયમ સુરક્ષાનું એક મૂક સ્તર હોય છે. કાર તરફ સાથે જવું, મિત્ર ઘરે આવે ત્યાં સુધી રાહ જોવી અથવા યોજનાઓ બની ગયા પછી તેની ચકાસણી કરવી સામાન્ય આદતો છે. એની જાહેરમાં ચર્ચા નથી થતી, પણ તેનું સતત પાલન થતું હોય છે. આ એવી સુરક્ષા પ્રણાલી છે જે દેખભાળ અને સહિયારા અનુભવ પર ઘડાયેલી છે.

આખરે ગર્લ કોડ નિયમો બાબતે ઓછો અને સાહજિક સહાનુભૂતિ તેમજ પારસ્પરિક જવાબદારી વિશે છે. તે ગૌણ બાબતોમાં પ્રદર્શિત થાય છે, જેવા કે કહ્યું ન હોય તો પણ મળવા આવવું, અનિશ્ચિત પરિસ્થિતિમાં સતર્ક રહેવું અથવા કોઈને અસહાયતાની લાગણી થાય તો તેમને એકલવાયુ ન લાગે તેની ખાતરી કરાવવી. આ વર્તન સામાન્ય લાગી શકે, પણ સંયુક્ત રીતે તે એક શક્તિશાળી સુરક્ષા જાળુ રચે છે જેના પર મહિલાઓ દૈનિક ધોરણે આધાર રાખી શકે.

ગર્લ કોડને વિશિષ્ટ બનાવનારી બાબત છે તેની સાર્વભૌમિકતા. તે વય,પૃષ્ઠભૂમિ અને ઓળખાણની સીમાઓથી પણ પર છે. તેમાં સમુદાય અને સતર્કતાનું મહત્વ સમાવિષ્ટ છે જેનાથી સાબિત થાય છે કે ક્યારેક સૌથી પ્રભાવશાળી સમર્થન મોટા દેખાડાથી નહિ પણ સાતત્યભરી અને વિચારપ્રેરક હાજરીથી મળે છે.

ગર્લ કોડ સરળ પણ શક્તિશાળી છે. તે એકબીજા માટે હાજર રહેવા, એકબીજાની વાતો ધ્યાનથી સાંભળવા અને એકબીજાની સુરક્ષા કરવા બાબતે છે. આ નાનકડા કાર્યો હમેંશા નજરમાં નથી આવતા, પણ તેનાથી એક સ્ત્રી રોજિંદા જીવનમાં કેટલી સુરક્ષિત મહેસૂસ કરે છે એમાં બહુ મોટો ફરક પડે છે.

- ઉમેશ ઠક્કર