સંધિવાના લક્ષણ જણાતા સત્વરે એનો ઈલાજ કરાવો
આજે વયની સાઠીમાં પ્રવેશનાર વ્યક્તિ માટે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારી થવી સામાન્ય બાબત છે એમ સંધિવા થવો પણ કોમન છે. આર્થરાઇટિસ એક હઠીલો રોગ છે, જે શરીરના હાડકાંના સાંધા વધતી ઉંમરે ઘસાઈ જાય છે. સંધિવા જે અવયવમાં થાય છે એમાં સોજો આવી જાય છે અને દર્દીને ખૂબ દુખાવો રહે છે. ગુજરાતીમાં સામાન્યપણે લોકો માત્ર વા શબ્દ વાપરે છે. વામાં શરીરમાં નબળાઈ આવી જતા દર્દીને બીજી વ્યાધિઓ થવાનો પણ ભય રહે છે એટલે વાના પ્રાથમિક ચિહ્નો દેખાતા તરત જ એનો ઈલાજ શરૃ કરી દેવો જોઈએ. સંધિવાના કેટલાંક બેસિક લક્ષણો છે, જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ઓળખી શકે છે.
વાનું સૌથી પહેલું લક્ષણ છે દુખાવો. જો કોઈને સૂતી વખતે અથવા હાલચાલ કરવા દરમિયાન શરીરમાં દુખાવો થાય તો એ સંધિવા હોઈ શકે છે. શરીરના કોઈ એક ચોક્કસ અંગમાં અથવા જુદા જુદા ઘણાં અવયવોમાં વાનો દુખાવો થતો હોય છે.
બીજુ, સૌથી કોમન ચિહ્ન છે સોજો. શરીરના જે ભાગમાં સંધિવા થયો હોય એ થોડો લાલ અને સોજેલો લાગે છે. જો આ સોજો લાંબો સમય રહે તો એ ચિંતાનો વિષય છે. એ સંજોગોમાં માથું મારવાને બદલે ડોક્ટર પાસે એનો ઇલાજ કરાવવો જોઈએ.
અક્કડપણું એ આર્થરાઈટીસનું એક લાક્ષણિક ચિહ્ન છે. એની બિલકુલ ઉપેક્ષા ન થવી જોઈએ.
તમે સવારે પથારીમાંથી બેઠા થાવ, ઓફિસમાં કામ કરતા હો કે પછી ઘરકામમાં પરોવાયા હોવ અથવા ડ્રાઈવિંગ કરતા હો ત્યારે તમને શરીર અક્કડ લાગે તો એ સંધિવાને કારણે હોઈ શકે છે.
એક બીજું સામાન્ય લક્ષણ જાણી લો. તમને ખુરશીમાંથી ઊભા થતા, બરાબર બેસતી વખતે કે પછી કોઈ વસ્તુ ઊંચકતી વખતે તકલીફ પડે તો ચેતી જજો. એ વાની નિશાની છે.
હાડકાંના સાંધામાં જો આકસ્મિક દુખાવો થાય અને એ શારીરિક પ્રવૃત્તિ વખતે વધી જાય તો એ સંધિવા હોઈ શકે છે.
સતત થાક લાગવાને કારણે કોઈ વ્યક્તિ પોતાનું રોજિંદુ કામકાજ પણ ન કરી શકે અથવા રાતે સારી ઉંઘ લીધા પછી પણ કોઈ કામે ન વળગી શકે તો એ સુદ્ધા સંધિવાની નિશાની હોઈ શકે છે.
સામાન્યપણે, આપણું શરીર દરેક વ્યાધિના ચિહ્નો બનાવી આપણને ચેતવી દે છે. શરીર સંધિવાના સિગ્નલ્સ પણ આપી દે છે. એ જોયાં પછી દરેકે વહેલાસર ચેતી જઈ વાનો ઈલાજ કરાવવો જોઈએ. સમયસર ઉપાય કરીને પાછળથી થતી અનેક બીજી તકલીફો અને પીડાથી બચી શકાય છે.