- પોશાકને અનુરૂપ એક્સેસરી પહેરી દેખાઓ આકર્ષક
દિવાળી એટલે સરસ મઝાના તૈયાર થઇને મહાલવાનો તહેવાર. હિન્દુઓના આ સૌથી મોટા પર્વમાં વસ્ત્રાભૂષણો, ખાણીપીણી, ફટાકડાં ઇત્યાદિનો મહિમા હોય. પરંતુ વધતી જતી મોંઘવારીમાં મધ્યમ વર્ગના લોકો આ તહેવારની ઉજવણી શી રીતે કરવી તેની ચિંતામાં પડી જાય. ખાણીપીણીમાં કરકસર કરવાનું ઠીક ન લાગે. તેથી સાજશણગારમાં થોડી કસર કરવી પડે. જોકે આવું થાય ત્યારે મહિલાઓ થોડી નારાજ થઇ જાય. તેમના સરસ રીતે તૈયાર થઇને મહાલવાના શમણાં પર પાણી ફરી વળે. પરંતું ફેશન નિષ્ણાતો કહે છે કે જરુરી નથી કે તમે પુષ્કળ ખર્ચ કરીને જ સાજશણગાર કરી શકો. જો તમે થોડી હોંશિયારીથી કામ લો તો સાવ નજીવા ખર્ચમાં પણ સુંદર દેખાઇ શકો. એટલું જ નહીં, લોકોની પ્રશંસા પણ મેળવી શકો. ઓછા ખર્ચે તૈયાર શી રીતે થવું તેના વિશે માહિતી આપતાં તેઓ કહે છે કે....,
આજે બજારમાં કંઇકેટલીય જાતના ચાંદલા મળે છે. તમે તમારા શણગારમાં ચાંદલાને કેન્દ્ર સ્થાને રાખો. તમારા કપાળના, ચહેરાના આકાર તેમ જ તમારા પરિધાનના રંગને ધ્યાનમાં રાખીનેે ચાંદલાની પસંદગી કરો. જોકે તહેવામાં સોનેરી, રૂપેરી તેમ જ તમારા પોશઆકના રંગની ેબિંદી વધુ ઊચિત ગણાશે. જો તમારું ભાલ વિશાળ હોય તો તમે મોટો ચાંદલો લગાવો. પણ જો તમારું કપાળ માનું હોય તો નાનો ચાંદલો લગાવો. મોટા કપાળ પર લાંબો ડિઝાઇનર ચાંદલો પણ સરસ લાગશે. પણ તે વધારે પડતો મોટો ન હોવો જોઇએ. નહીં તો તે ટી.વી. સિરિયલની વેમ્પ જેવો લાગશે.
માથે ટીકો પહેરવાથી તમારો દેખાવ એકદમ બદલાઇ જશે. તમારા શ્રૃંગારને આકર્ષક બનાવવા માથે ટીકો પહેરો. આજે બજારમાં નાના-મોટા બંને પ્રકારના કપાળ પર શોભે એવા ઘણાં ટીકા મળે છે. તમે તમારા ભાલ પર જચે એવો ટીકો ખરીદી લો. જો તમે નવો ટીકો ખરીદવા ન ઇચ્છતા હો તો તમારી પાસે ગળાના ચેનમાં પહેરવા માટેના પેન્ડન્ટ પડયાં હોય તો તેને પણ માથા પર પહેરી શકો છો. જેમને ચેનમાં ટીકો ન પહેરવો હોય તેઓ ટીકા અથવા પેન્ડન્ટને કાળા દોરામાં પરોવીને પણ પહેરી શકે છે. શરત માત્ર એટલી કે એ દોરો દેખાવો ન જોઇએ. જો તમે ટીકો દોરામાં પરોવીનેં પહેરો તો એવી હેરસ્ટાઇલ કરો કે જેમાં માત્ર ટીકો જ દેખાય. તેની સાથે પરોવેલો દોરો નહીં. તેઓ વધુમાં કહે છે કે જો તમારો પોશાક હળવા રંગનો હોય તો કુંદનનો કલરફુલ ટીકો ખૂબ સુંદર લાગશે. અલબત્ત, યુવાન કન્યાઓ પોતાના રંગબેરંગી ચણિયા-ચોળી કે અનારકલી ડ્રેસ સાથે પણ કુંદનનો ટીકો પહેરી શકે.
બંગડી, કડાં કે બ્રેસલેટ્સ પણ તમારા શણગારના મહત્વના અંગ બની શકે. ખઆસ કરીને પરંપરાગત ડિઝાઇનના, શિફોન કે સિલ્કની સાડી સાથે સરસ મઝઆની બંગડીઓ પહેરો. આ બંગડીઓના રંગ તમારી સાડીના રંગોને મેચ થતા હોય એ રીતે પસંદ કરો.જોકે તે એટલી બધી રંગબેરંગી ન હોવી જોઇએ કે તમારી સાડીના રંગો તેની સામે ઝાંખા લાગે. વાસ્તવમાં તહેવારો દરમિયાન ગોલ્ડન જ્વેલરી વધુ સારી લાગે છે. તેથી સોનાની અથવા સોનેરી બંગડીઓ વધુ પહેરો. જો તમે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેરવાના હો તો તેની સાથે બ્રેસલેટ પણ સરસ લાગશે. ચાહે તે ડાયમંડનું હોય કે પછી તેમાં રંગીન રત્નો જડેલા હોય. જો તમે ઝાઝી બંગડીઓ પહેરવા ન માગતા હો તો એક એક કડું જ પહેરો. અથવા એક હાથમાં મોટું કડું અને એક હાથમાં ઘડિયાળ પહેરો.
ગળાનો હાર અને કાનના ઝુમખાં તરત જ આકર્ષણ પેદા કરે છે. તેથી તમારા પરિધાનને ધ્યાનમાં રાખીને નેકલેસ પહેરો. જો તમે પરંપરાગત સાડી કે અનારકલી પહેરો તો તેની સાથે ગળામાં મોટો હાર પહેરો. અથવા મોટા પેન્ડન્ટની ડિઝાઇનવાળો નાનો હાર ધારણ કરો. પરંતુ ઇન્ડો-વેસ્ટર્ન પોશાક સાથે આધુનિક ડિઝાઇનનું નેકલેસ પહેરો. તેમાં તમે મોતીની લાંબી-ટૂંકી માળા કે હીરાનું પેન્ડન્ટ જડેલું નાનું ચેન પણ પહેરી શકો. તેવી જ રીતે પરંપરાગત પોશાક સાથે ડુલ કે ઝુમખાં સરસ દેખાશે. જ્યારે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ સાથે હીરાની નાની બુટ્ટી કે પછી લાંબા લટકણિયા બંને સારા લાગશે. માત્ર એટલું યાદ રાખો કે નેકલેસ મોટો હોય તો બુટ્ટી પ્રમાણમાં નાની પહેરવી.
જો તમને ઝાઝા દાગીના પહેરવાનું ન ગમતું હોય તો સ્ટેટમેન્ટ રિંગ પહેરો. તમારા પોશાકને અનુરૂપ મોટો નગ જડેલી સોનેરી કે રૂપેરી વીંટી એકદમ નોખી તરી આવશે. હા, મોટી અચૂક હોવી જોઇએ. તમે ચાહો તો મોટા નગ ફરતે હીરા જડેલી વીંટી પણ પહેરી શકો. સાડી કે અનારકલી સાથે પોંચો પણ સરસ લાગશે. વીંટીમાં જડેલો નગ તમારા ડ્રેસને મેચ થાય એવો હોવો જોઇએ.
આજની તારેીખમાં તમને જ્વેલરી વોચમાં પણ પુષ્કળ વિવિધતા મળી રહેશે. પરંપરાગત પરિધાન સાથે સરસ મઝાનું જ્વેલરી વોચ પણ પહેરી શકાય. જેવેલરી વોચમાં ગોલ્ડન તેમ જ ડાયમંડ જડેલા ઘડિયાળ સુંદર લાગે છે. તેવી જ રીતે રંગબેરંગી રત્નોથી ડિઝાઇન કરેલા ઘડિયાળ પણ અત્યંત આકર્ષક દેખાય છે. તમે તમારી પસંદગી મુજબનું ઘડિયાળ પહેરીને નોખા તરી આવી શકો છો.
ટૂંકમાં એમ કહી શકાય કે શણગાર સજવામાં એક્સેસરીઝ મહત્વનો ભાગ ભજવે છે. તેથી ઝાઝો ખર્ચ કર્યા વિના પણ તમે દિવાળીના દિવસોમાં આકર્ષક દેખાઇ શકો છો.


