ગૌ માતા : નમો નમ: .
- આરોગ્ય સંજીવની
ભારતીય સંસ્કૃતિમા આદિકાળથી ગાયને માતાનું રૂપ માનવામાં આવે છે. ભારતના ઋષિમુનિઓ અને મહર્ષિઓ મનુષ્યના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે ગાયનું પંચગવ્ય કેટલું ઉપકારક છે, તે વર્ષોથી કહેતા આવ્યાં છે. ગાયનું પંચગવ્ય એટલે દૂધ, દહીં, ઘી, છાશ અને છાણ. ગાયમાંથી મળતી આ પાંચેય વસ્તુઓનું મહત્વ પૃથ્વી પરની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ કરતાં જરાપણ ઓછું નથી. છાશને તો દેવતાઓ પણ પૃથ્વી પરનું અમૃત માને છે.
ભારતનો છેલ્લાં ૬૦૦૦ વર્ષનો ઇતિહાસ જોઇશું તો વેદકાળ, રામાયણ અને મહાભારત કાળમાં ગાયોનું ખૂબ જ મહત્ત્વ હતું. ગાયોનાં ઘી દૂધ માનવીને દીર્ઘ નિરોગી આરોગ્ય, બુદ્ધિશક્તિ અને રોગરહિત લાંબુ આયુષ્ય આપનારા છે. આધુનિક યુગના હઠીલા રોગો જેવા કે લોહીનું દબાણ, કબજિયાત, અશક્તિ, અનિંદ્રા, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ વગેરેમાં ગાયનું દૂધ એક માત્ર ઉપાય છે. ગૌ હત્યા બંધ કરવાની ગુજરાતમાં શરૂ થયેલી ઝુંબેશ આ સંજોગોમાં યોગ્ય નહીં, અત્યંત આવશ્યક છે. જે વ્યક્તિ પ્રતિદિન ગૌ મૂત્ર વહેલી સવારે નરણાકોઠે તાજુ જ સેવન કરે છે તેમને નાના-મોટા રોગ ક્યારેય થતા નથી.
આપણા વેદો, પુરાણો અને ગ્રંથોમાં ગાયને સૂર્યની પુત્રી કહેવામાં આવી છે. ગાયની પીઠના ભાગમાં એક વિશિષ્ટ ચક્ર આવેલું હોય છે, જેમાંથી સૂર્યકેતુ નાડી નીકળીને ગાયના સમગ્ર શરીરમાંથી પસાર થાય છે. આ સૂર્યકેતુ નાડી દ્વારા સૂર્યનાં દિવ્યકિરણ કે જેને 'ગો' નામે ઓળખળામાં આવે છે, તે 'ગો' કિરણ ગાયનાં શરીરમાં ગ્રહણ થાય છે. આ સૂર્યકેતુ નાડી સૂર્યનાં આ દિવ્ય કિરણને ગાયના યકૃતમાં (પિત્તાશય) સંગ્રહ થઇ સુવર્ણપિત્ત એટલે ગોરોચન બનાવે છે. સામાન્ય ભાષામાં આ ગોરોચનને આપણે 'ગો-ચંદન' તરીકે પણ ઓળખીએ છીએ. આ ગોરોચનનો રંગ સંપૂર્ણ સોનેરી અને તેનું કદ સોપારી જેવડું હોય છે. ગોરોચન અમૂલ્ય ઔષધ છે. તે શુક્રાણુવર્ધક, નેત્રરોગ, વિષદોષ, ગાંડપણ, કુષ્ઠ અને ગર્ભસ્ત્રાવમા ખૂબ ઉપયોગી છે. આ સુવર્ણપિત્ત (ગોરોચન)નાં કારણે જ ગાયના દૂધ, ઘી, માખણ, દહીં, છાશ, ગોમૂત્ર અને ગોબરમાં પીળાશ હોય છે.
ગાયનું દૂધ ચાંદીના વાસણમાં ઉકાળી દહી બનાવી તે દહીં ગર્ભવતી સ્ત્રીેન આપવાથી તેનું બાળક બુધ્ધિમાન અને સ્વસ્થ જન્મે છે. ગાયના દૂધમાં ગાયનું ઘી નાખીને પીવાથી શક્તિ વધે છે. તથા મળમાર્ગનાં રોગો દૂર થાય છે. ગાયના દૂધમાં ભેંસના દૂધ કરતાં ૧૦ ગણું કેરોટીન વધારો હોવાથી આંખોની જ્યોતિ વધે છે. ગાયના દૂધમાં કાર્બોહાઈડ્રેટસ, ખનીજતત્ત્વો, પ્રોટીન, વિટામિન્સ ભરપૂર હોય છે. જે વ્યક્તિને ઉચ્ચ રક્તદાબ હોય તથા હાયકોલેસ્ટ્રોલ આવતું હોય તેણે મલાઈ કાઢેલું ગાયનું જ દૂધ પીવાનો આગ્રહ રાખવો જોઇએ. આજકાલ કીટનાશકો માટે ઝેરી દવાઓનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. પરંતુ ગાયના દૂધમાંથી બનાવેલી છાશનું નીતર્યું પાણી અને લીમડાનો ઉકાળો અમોઘ કીટનાશક છે.
હિંદુ સંસ્કૃતિમાં દેવ-દેવતાઓ સમક્ષ ચોખ્ખા ગાયના ઘીનો દીવો કરવાનું વિધાન છે. તેનાથી વાતાવરણમા પવિત્રતા જળવાય છે. તથા કોઈ ખરાબ તત્ત્વ આસપાસ રહેતું નથી. ગાયના ઘીનાં દીવાથી વાતાવરણમાં ઓફિસન નામનું તત્ત્વ ભળે છે. ગાયનું ઘી પગનાં તળિયે કાંસાની વાટકીથી ઘસવાથી નિંદર સારી આવે છે, અને શરીરની સમગ્ર ગરમી નીકળી જાય છે. તથા નેત્રોનું તેજ પણ વધે છે. ગાયનાં ઘીનાં ટીપાં નાકમાં નાખવાથી અકાળે સફેદ થયેલાં વાળમાં ઘણો ફાયદો થાય છે, તથા વાળનો જથ્થો પણ વધે છે.
થોડા સમય પહેલાં જ સૌરાષ્ટ્રમાં ગોપાલકો ઉપર એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૫૦૦ ગામનાં ગોપાલક પરિવારોનાં કરાયેલાં સર્વેક્ષણમાં એ તારણ બહાર આવ્યું કે ગૌચરમા ગાયો ચરાવીને જીવનારી પ્રજામાં કોઈ પણ વ્યક્તિને શરીરની અંદરથી રોગોની ઉત્ત્પતિનું પ્રમાણ ખૂબ જ નહિવત હતું, જ્યારે ભેંસનું દૂધ ખાનારી પ્રજાની તુલનાએ ગાયનું દૂધ ખાનારી પ્રજા વધુ શક્તિશાળી, નિરોગી, વધુ પાણીદાર તથા સુડોળ બાંધાની હતી, જ્યારે ભેંસનું દૂધ ખાનારી પ્રજા આળસુ, મેદસ્વી અને અંદરથી ઉત્પન્ન રોગોથી પીડાતી હતી વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો પણ એ પુરવાર થઇ ચૂક્યુ છે કે, અન્ય દૂધ કરતાં ગાયનું દૂધ પોષણ અને બુધ્ધિ ક્ષમતા વધારનાર તથા સાત્ત્વિક હોવાથી વ્યક્તિની નેગેટીવીટી દૂર કરે છે, અને સાત્ત્વિક બુધ્ધિનું નિર્માણ કરે છે. એક પુસ્તકમાં મેં વાંચ્યું હતું કે દેશની સમગ્ર પ્રજાને ગાયનું દૂધ નિયમિત પિવડાવવામાં આવે તો દેશમાંથી ભ્રષ્ટાચાર નિર્મૂળ કરી શકાય છે. આ વાતને સમર્થન આપતી બીજી એક ઘટના અહીં ઉલ્લેખું છું, કે, છતીસગઢનાં નુકસાન પ્રભાવિત આદિવાસી વિસ્તારોમાં યુવાનોને ગાયનું દૂધ પીવડાવવાની શરૂઆત કરી. થોડા સમય બાદ તેમનામાં રહેલી હિંસાત્મક માનસિકતા દૂર થઇ ગઈ હતી.
આજે ગુજરાતમાં સ્વામીનારાયણ મંદિર, જગન્નાથજી મંદિર, ગઢડા, સારંગપુર, અક્ષરધામ, ગુરુકુલ-છારોડી જેવી અનેક ધાર્મિક જગ્યાઓમાં માલધારીઓ અને પશુપાલનમાં શોખીનો ગાયોનો ઉછેર કરી રહ્યા છે, જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે. આજે સમાજમાં હિંદુઓની ધર્મભાવના ગાય સાથે જોડાઈ ગઇ છે. જે આમ તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે. પરંતુ આજમાં અને ગઇકાલમાં ફરક એટલો છે કે, આજે માત્ર ધર્મભાવના સાથે ગાય જોડાયેલી છે. ગાયને આપણે આપણી સમાજ વ્યવસ્થાથી દૂર ધકેલી દીધી છે અને એટલે જ આપણી વિડંબનાઓ શરૂ થયેલ છે.
છેલ્લે એટલું જ કહેવાનું કે, સમાજના અભિન્ન અંગ તરીકે ગાયોને ધર્મભાવનાની સાથે સાથે સમાજવ્યવસ્થામાં પણ સાથે રાખી તેમનાં પંચગવ્ય અમૃતને રોજીંદા જીવનમાં સ્થાન આપીએ, તથા હિંદુ સંસ્કૃતિમાં જેને 'માતા' તુલ્ય ગણવામાં આવેલ છે, તે ગો-માતાના સંવર્ધન માટેના બધા જ પ્રયત્નોમા યતકિંચિત યોગદાન આપીને આપણાં સમાજ, રાજ્ય અને દેશને વિશ્વમાં સૌથી ઊંચા સ્થાન પર લઇ જઇએ.
- જ્હાનવીબેન ભટ્ટ