Get The App

ઘડપણ ખાળવામાં કારગર તીવ્ર ગંધ ધરાવતું લસણ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
ઘડપણ ખાળવામાં કારગર તીવ્ર ગંધ ધરાવતું લસણ 1 - image

ત્વચાની સારસંભાળની વાત આવે ત્યારે લસણનો વિચાર કેટલા જણને આવે? કદાચ આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો જ સ્કીન કેર માટે લસણના ઉપયોગ  વિશે જાણતા હશે. અને તેમાંથી પણ ભાગ્યે જ કોઈ ચામડીના રખોપાં માટે લસણનો પ્રયોગ કરવા રાજી થશે.

વાસ્તવમાં લસણની તીવ્ર ગંધને કારણે કોઈ આ જડીબુટ્ટીનો સમાવેશ સૌંદર્ય નિખારવા માટે નથી કરતું. તમે પણ જો આવું જ વિચારતા હો તો થોભી જાઓ. ત્વચાની કાળજી માટે લસણનો ઉપયોગ હજારો વર્ષથી થતો આવ્યો છે.તજજ્ઞાો કહે છે કે ત્વચાની ઘણી સમસ્યાઓ, ખાસ કરીને ખિલનો સીધો સંબંધ સોજા સાથે હોય છે. ખિલ થવાનું મૂળ કારણ સમજાવતાં તજજ્ઞાો કહે છે કે જ્યારે ત્વચા પરનો મેલ અને વધારાનું તેલ. ચામડીના રોમછિદ્રોને પૂરી દે ત્યારે ચામડીના પડ નીચે બેકટેરિયા જમા થવા લાગે છે. તેમાંના કેટલાંક બેકટેરિયા એવા રસાયણો ઉત્પન્ન કરે છે જેને કારણે સોજો વધે છે. પરંતુ લસણમાં રહેલું એલિસિન નામનું રસાયણ રોગાણુંવિરોધી ગુણો ધરાવે છે જે બેક્ટેરિયાના વિકાસને અવરોધે છે. તેવી જ રીતે ખિલ પેદા કરતાં મુખ્ય બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોકસને હણવામાં લસણ મહત્વનો ભાગ ભજવે છે. લસણમાં ઘા ભરવાનો ગુણ પણ મોજૂદ હોવાથી તે ત્વચા પર પડતાં ડાઘ-ધાબા રોકવા સાથે ખિલ મટાડવામાં પણ સહાયક બને છે. તેમાં રહેલા સેલેનિયમ, ઝિંક, કૉયર, વિટામીન સી અને વિટામીન બી-૬ જેવા તત્વો પણ ત્વચાને લગતી સમસ્યાઓ દૂર કરવામાં ખપ લાગે છે.

તેઓ વધુમાં કહે છે કે લસણમાં એલિસિન વિપૂલ માત્રામાં હોય છે. એલિસિનના એન્ટિફંગલ, એન્ટિએજિંગ ગુણો ચર્મરોગ થતાં અટકાવે છે અને ત્વચા પર કરચલી પડવાની પ્રક્રિયા ધીમી પાડે છે. સાથે સાથે તે શરીરમાં એન્ટિઑક્સિડન્ટનું સ્તર વધારતું હોવાથી ત્વચાને તેનો સીધો લાભ મળે છે. જ્યારે લસણમાં રહેલું સલ્ફર સંક્રમણ રોકવા સાથે સોજા ઘટાડવામાં અને રક્ત પરિભ્રમણ ઝડપી બનાવવામાં મદદ કરતું હોવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે.

ખિલ, ફોલ્લીઓ, ડાઘ-ધાબા દૂર કરવામાં કારગર

લસણમાં રહેલા એલિસિનના એન્ટિફંગલ ગુણો લાંબા સમયથી હેરાન કરતાં ખિલ દૂર કરે છે. તેને માટે લસણની કળીને કૂટીને તેમાંથી રસ કાઢો. હવે તેને ખિલ પર હળવે હાથે લગાડીને પાંચ મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી સાદા પાણી વડે ચહેરો ધોઈ લો. એકાદ દિવસમાં જ ખિલને કારણે આવેલી રતાશ અને સોજામાં ફરક પડતો દેખાશે. સાથે સાથે ચામડી પર તેના ડાઘ પણ નહીં રહે તે છોગામાં.

લસણનો ઉપયોગ કરીને ખિલથી મુક્તિ મેળવવાનો અન્ય સરળ ઉપાય છે લસણ સાથે સફેદ સિરકાનો પ્રયોગ. બેથી ત્રણ કળીના રસમાં એટલો જ સફેદ સિરકો ભેળવીને ખિલ પર લગાવો. સિરકો ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે, જ્યારે લસણ સંક્રમણ સામે લડે છે.

બ્લેકહેડ-વાઇટહેડ દૂર કરે

તૈલીય ત્વચા ધરાવતા લોકોને બ્લેકહેડની સમસ્યા સૌથી વધુ સતાવે છે. આના ઉકેલ માટે લસણની બે-ચાર કળી કૂટીને તેમાં એક મોટો ચમચો ઓટમીલ, બે ટીપાં ટી ટ્રી ઓઈલ અને એક નાની ચમચી લીંબુુનો રસ ભેળવો. આ સામગ્રીને મધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્વચા પર તે હળવા હાથે લગાવીને બે-ત્રણ મિનિટ રહેવા દો. હવે ત્વચાને એક્સફૉલિએટ કરો. છેવટે હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ પ્રયોગ કરવાથી બ્લેકહેડ દૂર કરવામાં મદદ મળશે.

એન્ટિએજિંગ : વધતી જતી વયની નિશાનીઓ ખાળવામાં પણ લસણ એટલું જ કારગર નિવડે છે. તેમાં રહેલું એન્ટિઑક્સિડન્ટ ત્વચામાં બનતા મુક્ત કણો ઘટાડે છે જેથી ચામડી ઢીલી પડવાની પ્રક્રિયા ધીમી પડે છે. જ્યારે તેમાં રહેલું સલ્ફર શરીરમાં કૉલેજન પેદા કરે છે પરિણામે ચામડી કસાયેલી રહે છે. જે છેવટે કરચલીઓ પડતી રોકવામાં સહાય કરે છે. જો તમે નિયમિત રીતે કોઈ ફેસ માસ્કનો ઉપયોગ કરતાં હો તો તેમાં લસણની થોડી કળીઓનો રસ ભેળવી લો. આ પ્રયોગ ત્વચાની યુવાની જાળવી રાખવામાં ખપ લાગશે.

ત્વચાના રોમછિદ્રો ઘટાડે

ઉંમર વધવા સાથે ત્વચાના રોમછિદ્રોમાં પણ વૃધ્ધિ થાય છે. લસણ આ રોમછિદ્રો ઘટાડવાનું કામ સુપેરે કરે છે.

અડધા ટામેટામાં ત્રણથી ચાર કળી લસણ નાખીને મિક્સરમાં પીસી લો. હવે ત્વચા પર આ પેસ્ટનું પાતળું પડ લગાવો. ૨૦ મિનિટ  પછી ચહેરાને હુંફાળા પાણી વડે ધોઈ લો. છેલ્લે ચહેરા પર સહેજ ઠંડા પાણીની છાલક મારો. આમ કરવાથી ખુલી ગયેલા રોમછિદ્રો પાછા પૂરાઈ જશે. લસણ અને ટામેટાં, બંનેમાં પૂરતા પ્રમાણમાં રહેલું એન્ટિઑક્સિડન્ટ ત્વચાને સાફ કરીને રોમછિદ્રો નાના કરે છે. પરિણામે ત્વચા કસાય છે અને ત્વચા પર કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે.

જોકે ત્વચાના રખોપાં માટે લસણનો ઉપયોગ કરવાથી પહેલા કેટલીક કાળજી લેવાની ભલામણ કરવાનું પણ નિષ્ણાતો નથી ચૂકતાં. તેઓ કહે છે કે કેટલાંક લોકોને લસણને કારણે એલર્જિક રીએક્શન આવવાની સંભાવના પણ નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં ચામડી પર લાલ ચકામા ઉપસી આવે અને તેની સાથે ત્યાં સોજા આવી જાય એવું પણ બને. બહેતર છે કે તે જોજોબા તેલ, ગ્રેપ સીડ ઑઈલ કે કોપરેલ તેલમાં ભેળવીને લગાવવામાં આવે.

વધારાની તકેદારીના ભાગરૂપે ત્વચાના કોઈક ભાગમાં પેચ ટેસ્ટ કરી લેવો. જો ત્યાં કોઈ પ્રતિક્રિયા જોવા ન મળે તો નચિંત બનીને ચહેરા પર લસણનો પ્રયોગ કરી શકાય.

- વૈશાલી ઠક્કર