- પારંપારિક ડિઝાઇનની માંગમાં વધારો
મહાભારત કાળથી આપણે ત્યાં ચણિયાચોળીનું ચલણ હોવાનું જાણવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણએ નાનપણમાં રાધા અને ગોપીઓ જ્યારે જમુના જળમાં નહાવા ગઇ હતી ત્યારે તેમના ચણિયા-ચોળીને છૂપાવી દીધા હતા. તે સમયથી તે આજ સુધી આ ચણિયાચોળી સ્ત્રીઓમાં પ્રિય છે. હજી આજે પણ ગુજરાત, કચ્છ અને રાજસ્થાનના ગામડાની ગોરીઓ ચણિયાચોળી જ પહેરે છે અને શહેરની આધુનિક યૌવનાઓ પણ નવરાત્રિના નવ દિવસ ચણિયાચોળી પહેરીને ગરબે ઘુમવા નીકળી પડે છે. ગરબે ઘુમતી ગોરીઓને ગોળ ફરવામાં ઘેરદાર ચણિયા ખૂબ જ ઉપયોગી થાય છે.
ચણિયાચોળી પહેરવાની શરૂઆત કચ્છ, ગુજરાત અને રાજસ્થાનમાંથી થઇ હતી અને તે ઉત્તરભારત તથા પશ્ચિમમાં પણ એટલા જ પ્રખ્યાત છે. જ્યારે દક્ષિણ ભારતમાં તે 'પાવાડે' તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે સુતરાઉ, સિલ્ક, ખાદી, સીફોન, ઓરગન્ઝા, સાટીન કોટન, રો-સિલ્ક અને બ્રોકેડના ચણિયાચોળી બને છે. પણ નવરાત્રિ માટે તો ખાસ સુતરાઉના પરંપરાગત ઘેરા રંગના ભાતીગળ ડિઝાઇનના ચણિયાચોળી જ ચાલે છે. સિલ્ક, સાટીન અને બ્રોકેડના ચણિયાચોળી શુભપ્રસંગે શોભે છે.
શુભ પ્રસંગે અને નવરાત્રિમાં પહેરાતા ચણિયાચોળીમાં કપડું અને ભરતકામમાં ઘણો ફરક હોય છે. જેમ કે લગ્ન પ્રસંગના ચણિયાચોળીમાં ઝરદોસી ભરત ભરવામાં આવે છે તથા બોક્સ કે સિક્વન્સ જડવામાં આવે છે. જ્યારે નવરાત્રિના ચણિયાચોળી આભલા, કાચ, કોડી તથા મોતી ભરવામાં આવે છે. તે જ પ્રમાણે બંનેની બનાવટમાં પણ ફરક હોય છે. શુભપ્રસંગોએ પહેરવામાં આવતા ચણિયાચોળીમાં ખૂબ જ ભારે મોતી અને હીરાજડિત ભરતકામ કરવામાં આવે છે.
મોટેભાગે ચણિયાચોળીના ઘાઘરા સિંગલ અમ્બ્રેલાના હોય છે. પણ તેને વધુ ેરદાર બનાવવા આ વખતે ડબલ ઘેરના ચણિયા બનાવવામાં આવ્યા છે. મોટેભાગે નવરાત્રિમાં પરંપરાગત, લાલ, લીલા, ભૂરા રંગના ચણિયાચોળીનું ચલણ વધારે હોય છે. પણ આ વર્ષે આ ટ્રેક બદલાયો છે અને બધા જ હળવા રંગ જેમ કે- લાઇટ બ્લુ, પીંક, આછો બદામી, જેવા રંગોનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તે ઉપરાંત ડબલ અમ્બ્રેલાના ઘેરદાર ચણિયા પાછળ આધુનિક યુવતી દિવાની બની છે. ચણિયા ઉપર હાથેથી ભરત ભરવામાં આવે છે, પેચ મૂકાય છે. આભલા, કોડી તથા સીક્વન્સ પણ ભરવામાં આવે છે.
''જેટલો મોટો ઘેર તેટલું ચણિયાનું વજન વધારે હોય છે. એટલે ડબલ ઘેરના ચણિયામાં ભરતકામ કે પેચવર્ક ઓછું અને છૂટું છવાયું જોવા મળે છે, તેમ છતાં ચણિયામાં કચ્છી ભરત દેશી ભરતની બુટ્ટીઓ તથા તેમાં ઘુઘરીઓ અને આભલા જડવામાં આવે છે. તે ઉપરાંત આ વર્ષે લેસબોર્ડરમાં મોતી, ટીક્કી અને સળી પણ ભરવામાં આવે છે.ચણિયા સાથેની ચોળી એટલે કે બ્લાઉઝ કમરની લંબાઇ સુધીનું હોય છે. ઘણી યુવતીઓને પરંપરાગત શૈલી પ્રમાણેના ખુલ્લી પીઠની કસવાળી ચોળીઓ ગમે છે. અને તે હંમેશા નીતનવી ડિઝાઇનની ચોળીઓની શોધમાં જ હોય છે. તેમના માટે પણ આ વર્ષે ચોળીમાં ઘણી નવી ફેશન આવી છે. ટીનએજર દિકરી અને થર્ટીપ્લસની તેની માતા બંને પહેરી શકે તેવી ચોળીઓ પણ બનાવવામાં આવી છે. તેમાં બંને પડખામાં નીચે કપડું રાખીને ઉપર કસ બાંધવામાં આવે છે. શરીરના માપ પ્રમાણે આ કસ બાંધવાથી બ્લાઉસ નાનું મોટું થઇ શકે છે.
નવલી નવરાત્રિની આગોતરી તૈયારી કરનાર યુવતીઓને માટે બનતા આ ચણિયાચોળી બસો રૂપિયાથી લઇને બે હજાર રૂપિયા સુધીના મળે છે. સામાન્ય ભરતના સસ્તા ચણિયા ચોળીની રેન્જ તો ચારસો રૂપિયાથી શરૂ થાય છે. તેમાં ચોળી ભરતથી ભરચક હોય છે જ્યારે ચણિયામાં ખૂબ જ ઓછું ભરત હોય છે. જેમ જેમ કિંમત વધારે તેમ તેમ ચણિયાચોળીમાં ભરતકામ વધી જાય છે તથા આભલા, બીડસ અને સીક્વન્સથી ભરચક ચણિયો દેખાય છે.
નવરાત્રિ માટેના ચણિયાચોળી તૈયાર કરવાનું કામકાજ લગભગ માર્ચ- એપ્રિલ મહિનાથી શરૂ થઇ જાય છે. અને મોટેભાગે કચ્છ, ગુજરાત અને રાજસ્થઆનનાં ગામડાઓમાં આ કામ કરવામાં આવે છે. ચણિયાચોળી ઉપર ભરતકામ કરનાર કલાકારો પેઢી દર પેઢીથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કેટલાક ચણિયા હેન્ડ બ્લોક પ્રિન્ટના હોય છે. તેના ઉપર પેચ, આભલા અને હવે સીક્વન્સ ભરવામાં આવે છે.
ચણિયા-ચોળીની સાથે ઓઢણી પણ મહત્ત્વની છે. પ્રિન્ટેડ, પ્લેન અથવા એમ્બ્રોઇડરીવાળી ઓઢણી ચણિયાચોળીથી મેળ ખાતા રંગની અથવા કોન્ટ્રાસ્ટ રંગમાં હોય છે. જે પ્રમાણેનું ભરતકામ ચણિયાચોળી પર હોય છે. તે જ પ્રકારે ઓઢણી પણ બોર્ડર ઉપર તથા વચ્ચે પેચ અને આભલા તથા સીક્વન્સ પણ ભરવામાં આવે છે. ચણિયાચોળીની સાથે ઓઢણી માથા ઉપર ઓઢવામાં આવે છે.
છેલ્લા એક દાયકામાં ચણિયાચોળી રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ પ્રસિધ્ધ થઇ ગયા છે. ચણિયાચોળીની માયા દરિયાપાર થઇને અમેરિકા, બ્રિટન, મોરેશિયસ, કેનેડા, ફીઝી, દુબઇ, દક્ષિણ આફ્રિકા, સિંગાપુર, નૈરોબી અને જાપાન પહોંચી જાય છે.આજે આપણા દેશમાં બનતા કુલ ચણિયાચોળીમાંથી ૬૦ ટકા ચણિયાચોળી વિદેશોમાં મોકલવામાં આવે છે. ઉત્પાદકો દર અઠવાડિયે લગભગ ૨થી ૩ ડિઝાઇન તૈયાર કરે છે અને ચોક્કસ સમયે ૫૦૦ ડિઝાઇન તૈયાર થાય છે.
ભારતમાંથી મોટેભાગે બ્રિટનમાં ચણિયા-ચોળી મોકલવામાં આવેછે, ભારતના લગભગ બધા જ પ્રાંતમાં ચણિયાચોળી મળે છે. અને ઘણા ઉત્પાદકો બહુ ઓછા પણ એકદમ અનોખા ચણિયાચોળી રાખે છે. જ્યારે અન્ય કેટલાક વેપારીઓ એકજ ડિઝાઇનના વિવિધ નમૂના રાખે છે.
ગુજરાત, કચ્છ કે રાજસ્થાનના ગ્રામીણ કારીગરો પહેલા કપડા ઉપર ભરત ભરે છે પછી તેને ચણિયા અને ચોળીના સ્વરૂપે સીવવામાં આવે છે. આ ભરતકામમાં આપણી પરંપરાગત ભાતીગળ રચનાનો પડઘો પડે છે. ત્રણે રાજ્યની એમ્બ્રોઇડરીમાં આપણને તે પ્રાંતની લોકસંસ્કૃતિના દર્શન થાય છે જેમ કે કચ્છના કારીગરો વધારે પડતી ભૌમિતીક ડિઝાઇન બનાવે છે. જ્યારે ઘણા કારીગરો બ્લોક પ્રિન્ટની ડિઝાઇન પણ બનાવે છે. પ્રત્યેક કલાકાર પોતાની કલ્પના અનુસાર ડિઝાઇન બનાવી તેને વિવિધ રંગથી ભરે છે. તથા તેને અનોખો ઉઠાવ આપવા આભલા, સીક્વન્સ, કાચ તથા કોડી ભરે છે. ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના લગભગ ૫૦૦ જેટલા કારીગરો ચણિયાચોળીના ઉત્પાદનમાં જોડાયેલા છે. અને સીત્તેર ટકા જેટલું કામ હાથેથી થાય છે. પ્રત્યેક કારીગર પોતાના કામને ઉત્કૃષ્ટ અને સુંદર દેખાડવા માટે જાતજાતની કલ્પનાઓ કરે છે અને તે પ્રમાણે ભરત ભરે છે. તે જ પ્રમાણે ચણિયા-ચોળીમાં ૨૫ જાતની વિવિધ વસ્તુઓ ભરી શકાય છે અને તેથી જ તેનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. અઠવાડિયામાં વધારેને વધારે ત્રણ સેટ બનાવી શકાય છે. જ્યારે તેના સ્થાને સલવાર-કમીઝના લગભગ ૫૦ જેટલા સેટ બનાવી શકાય છે. કચ્છમાં વસતા ઘણા આદિવાસી કુટુંબો આ પ્રકારના ભરતકામમાં પારંગત હોય છે.
હવે ફેશન ડિઝાઇનરો પણ આ પ્રકારના ચણિયાચોળી બનાવતા થયા છે પણ હજી તેમણે સુતરાઉ ચણિયાચોળીનું ઉત્પાદન ખૂબ જ નાના પાયે શરૂ કર્યું છે. પણ તેમણે શુભ પ્રસંગોએ પહેરનારા ચણિયાચોળીને ફીશ કટ, જરદોશી કામથી ભરપૂર અને વિવિધ બીડ્સ, સીક્વન્સ અને હીરા ભરેલા બનાવ્યા છે.
ઘેરદાર ચણિયો અને ભરતભરેલી કસદાર ચોળીની નીચે પગમાં ભરત ભરેલી મોજડીઓ ખૂબ જ આકર્ષક દેખાય છે. ભરતભરેલા ચણિયાચોળી પહેરેલી ગોરી જ્યારે નવરાત્રિમાં દાંડિયાની રમઝટ બોલાવે ત્યારે તેનો ઘેરદાર ઘુમતો ચણિયો જોઇને ખરેખર ભલભલાને ઝુમવાનું મન થઇ જાય છે.


