Get The App

મકર સંક્રાતિ નિમિત્તે દેશની અદ્ભૂત આસ્થાનું પ્રતિક બનતું ગંગાસાગર

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
મકર સંક્રાતિ નિમિત્તે દેશની અદ્ભૂત આસ્થાનું પ્રતિક બનતું ગંગાસાગર 1 - image

ગંગોત્રીમાંથી નીકળી વિવિધ પહાડો, કોતરોમાંથી ઊછળતી કુદતી પોતાના લાંબા ખળભળાટભર્યા નિર્મળ પ્રવાસના માર્ગમાં આવતા સ્થળોને ભીંજવતી, લોકોની પ્યાસને છીપાવતી, તથા પાપીઓના પાપોને પોતાનામાં સમાવી તેમને પુણ્યશાળી બનાવતી ગંગા આખરે સાગરના આલિંગનમાં સમાઇ જાય છે. તે જે સ્થળે સ્વને સાગરમાં સમર્પિત કરે છે એ સ્થળની આજે અહીં ગોઠડી માંડવી છે. કારણ આપણા પુરાણોમાં મકર સંક્રાતિના પવિત્ર પર્વે આ સ્થળની યાત્રાનું અદકેરું મહત્વ હોવાનું જણાવાયું છે.

બંગાળના ઉપસાગરમાં એક નાનકડો દ્વિપ આવેલો છે. ગંગા સાગરના નામે ઓળખાતા આ દ્વિપ ખાતે ગંગા પોતાના સ્વતંત્ર અસ્તિત્વનો ત્યાગ કરી તેને ગંગા સાગરમાં ઓગાળી દે છે. દર વર્ષે મકર સંક્રાતિના પવિત્ર તહેવાર નિમિત્તે આ ગંગાસાગર ખાતે અહીં મોટો માનવ મહેરામણ જામે છે. શ્રધ્ધાળુઓના આ મેળામાં ભારે આનંદોલ્લાસનું વાતાવરણ જોવા મળે છે. ગંગા જ્યાં સમુદ્રમાં સમાઇ જાય છે એ સ્થળ ગંગાસાગર ઉપરાંત સુંદરવન તરીકે પણ ઓળખાય છે.

આપણે દર વર્ષે ૧૪મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવીએ છીએ. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાંથી મકરમાં પ્રવેશ કરે છે. આમ સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં જાય છે. આ સમય આપણા દેશના વિવિધ ભાગોમાં આનંદ ઉલ્લાસ અને ઉજવણીનો હોય છે. દેશના જુદા જુદા પ્રદેશોના લોકો આ તહેવારની પોતપોતાની આગવી રીતે ઉજવણી કરે છે. દા.ત. ઉત્તર પ્રેદશમાં મકર સંક્રાંતિ નિમિત્તે ખીચડીનું દાન કરવાની પ્રથા છે. જ્યારે મહારાષ્ટ્રમાં તલ અને ગોળના લાડુના દાનની પ્રથા છે. ઉપરાંત મિત્રો, પડોશીઓ,સ્નેહીઓમાં તલ-ગોળના લાડુ વહેંચી 'તીલ-ગુડ ધ્યાની ગોડ ગોડ બોલા' એવા વાક્યના ઉચ્ચારણ સાથે એકબીજા પ્રત્યે શુભેચ્છા પાઠવવામાં આવે છે. ગુજરાતમાં પણ આ તહેવાર પ્રસંગે વિવિધ ચીજ-વસ્તુઓના દાનની પ્રથા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત તો એ છે કે, આ પવિત્ર તહેવાર નિમિત્તે દર બાર વર્ષે એકવાર અલ્લાહબાદ ખાતે કુંભ મેળાનું આયોજન પણ થાય છે.

ગંગા જ્યાં સાગરમાં સમાઇ જાયછે. એ સ્થળને  સાગર દ્વિપ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ક્ષેત્ર સુંદરવન તરીકે પણ ઓળખાય છે. મકર સંક્રાંતિના દિવસે અહીં દેશભરના લાખો લોકો ઉમટે છે. અને પવિત્ર સ્નાન કરે છે.

પૌરાણીક માન્યતા અનુસાર કપિલ મુનીએ મુક્તિ મેળવવા માટે આ દ્વિપ ઉપર જ ધ્યાન ધરવાનું પસંદ કર્યું હતું. તેમના આશિર્વાદને પગલે ગંગાએ રાજા સાગરના પાપ ધોયા હતા. દેવરાજ ઇન્દ્રના 'અશ્વમેઘ યજ્ઞા'ના અશ્વને આંતરવાનો પ્રયાસ રાજા સાગરે કરતા રાજા સાગરે તેમના ૬૦ હજાર પુત્રો ખોવાપડયા હતાં.

મકર સંક્રાતિના રોજ યોજાતો ગંગા સાગર મેળો એ ભારતમાં શ્રધ્ધાળુઓનું સૌથી મોટું વાર્ષિક ભાવમિલન ગણવામાં આવે છે. દેશના ખૂણે-ખૂણેથી અહીં આ મેળામાં ભાગ લેવા લગભગ ૧૦ લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડે છે.

ગંગાસાગર સુધી પહોંચવાનો પ્રવાસ અત્યંત કઠીન છે. અહીં જવા માટે સૌ પ્રથમ કોલકત્તા જવુ ંપડે છે. કોલકત્તાથી સુંદરવન કે ગંગાસાગર ખાતે પહોંચવા પૂર્વે એક મોટી નદી પાર કર્યા પછી પણ ૩૦ કિ.મી.નો પ્રવાસ બસ અથવા પગપાળા કરવો પડે છે. યાત્રાળુઓને લઇ જતી હોડીઓ અને બસોમાંથી સતત 'કપિલ મુની કી જય', 'કપિલ મુનિ કી જય'ના ઘોષ સતત પડઘાયા કરે છે. એક અન્ય માહિતી અનુસાર આ સ્થળ પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બરથી ૬૪ કિ.મી.ના અંતરે આવેલું છે. પુરુષો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો એમ તમામ વર્ગ અને વય જૂથના યાત્રાળુઓ અહી ંપવિત્ર સ્નાન માટે ઉમટે છે. અધુરામાં પૂરૃં વિદેશી પર્યટકો પોતાની સાથે વિડિયો કેમેરા સાથે આ સ્થળે મોટા પ્રમાણમાં જોવા મળે છે. પર્યટનની સાથે સાથે ભારતના લોકોમાં આ સ્થળ માટે પ્રવર્તતા મહત્વને સમજવાની ઉત્સુકતાના ભાગરૂપે વિદેશીઓ આ સ્થળે મોટા પ્રમાણમાં અહીં આવે છે. કેટલાક વિદેશી પર્યટકો તો ભારતીય યાત્રાળુઓની જેમ ગંગા સાગરના પવિત્ર સ્નાનનો પણ લ્હાવો લે છે.

ગંગા સાગરના પવિત્ર સ્નાન ઉપરાંત અહીં કપિલ મુનીના મંદિરમાં દર્શન કરવાનું પણ ભારે મહત્વ છે. આ સિવાય આ મેળા નિમિત્તે અહીં ઉભા થતા સંખ્યાબંધ હંગામી પવિત્ર સ્થાનકોમાં દર્શન કરવામાં પણ યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળે છે. જે જગ્યાએ બેસીને કપિલ મુનીએ ધ્યાન ધર્યું હતું એ બેઠક માટે એક મિલેનિયમ અગાઉ સમુદ્રમાં તણાઇ ગઇ હોવાનું અહીં માનવામાં આવે છે. આ ઉપરાંત ૧૯૬૧ની સાલ સુધી અહીં એક લાકડાનું મંદિર અત્યંત જીર્ણશીર્ણ હાલતમાં હતું. 

આ મંદિર ૪૦૦ વર્ષ પૂર્વે બાંધવામાં આવ્યું હતું એવી માન્યતા શ્રદ્ધાળુઓમાં પ્રવર્તે છે. ત્યાર બાદ વધુ ત્રણ મંદિરો અહીં બાંધવામાં આવ્યા હતા, જે નાશ પામ્યા છે. હાલનું મંદિર ૧૯૭૪માં બાંધવામાં આવ્યું છે. જે સમુદ્રથી ઘણુ ંજ દૂર બાંધવામાં આવ્યું છે. પણ દૂરથી તેના ગુંબજને જોઇ શકાય છે. મેળાના દિવસે આ મંદિરને આકર્ષક રોશનીથી સજાવવામાં આવે છે.

આ મેળાની યાત્રાએ આવતા યાત્રાળુઓ મકર સંક્રાંતિના એક-બે દિવસ અગાઉ જ અહીં આવી પહોંચે છે. તથા પવિત્ર સ્નાન માટેની ઘડી ક્યારે આવે તેની રાહમાં હોય છે. એક તરફ નાખી નજર ન પહોંચે નહીં એટલો પ્રચંડ ઉદધી (સમુદ્ર) જ્યારે બીજી તરફ પવિત્ર સ્નાન માટે ઉમટેલા યાત્રાળુઓનો માનવ સમુદ્ર એ દ્રશ્ય ખરેખર અદભૂત ભાસે છે. મધરાત બાદ ટૂંક સમયમાં એટલે કે સૂર્યોદયના સમય પૂર્વે સમગ્ર ગંગા સાગર દ્વિપ જાગ્રત થઇ જાય છે  ટૂંકમાં કહીએ તો મધરાત બાદ આપણે જેને બ્રહ્મ મૂહર્તનો સમય કહીએ છીએ ત્યારથી જ શ્રધ્ધાળુઓના પવિત્ર સ્નાન અને અન્ય પવિત્ર કાર્યોની શરૂઆત થઇ જાય છે.

સૂર્યોદય બાદ અથવા બ્રહ્મ મૂર્હતમાં પવિત્ર સ્નાન બાદ યાત્રાળુઓ ' કપિલ મુની કી જય' એવા ઘોષ સાથે મંદિરમાં દર્શન કરવા આગળ વધે છે. જ્યાં કેટલાક બ્રાહ્મણો-પૂજારીઓ સંસ્કૃત શ્લોકો અને સ્તોત્ર રચનાઓનું ગાન કરતાં હોય છે. જ્યારે કેટલાક પંડાઓ શ્રધ્ધાળુ યાત્રાળુઓ પાસેથી દાન-દક્ષિણા એકઠી કરવામાં વ્યસ્ત અને મસ્ત હોય છે.

કેટલાક યાત્રાળુઓ અહીં મંદિરમાં પૂજા-અર્ચના અને દર્શન વિધી પૂર્ણ કર્યા બાદ અહીંના પૂજારીઓની સહાયતાથી 'ગોદાન' તથા 'વૈતરણી' જેવી વિધીઓ અને અન્ય દાન વિધીઓ કરાવે છે. સ્થાનિક રહેવાસીઓ યાત્રાળુઓની 'ગોદાન' માટેની વિધીને માટે ગાયો ભાડેથી લઇ આવે છે. ગંગા સાગરની યાત્રાનું મહત્વ એટલું વિષદ છે કે તેના માટે કહેવાય છે,

' બાકી તીરથ બાર બાર

ગંગા સાગર એક બાર'

ઉક્ત કહેવતનો ભાવાર્થ એ છે કે અન્ય કોઇ પણ તીર્થ ધામોની મુલાકાત વાંરવાર લઇ શકાય છે તેમાં કોઇ મર્યાદાનો સવાલ નથી. પરંતુ ગંગા સાગર ટાપુની યાત્રા અને એ પણ મકર સંક્રાંતિના પવિત્ર પર્વે તમે જીવનમાં એક જ વાર કરી શકો છો. આમ છતાં આ યાત્રા બધા જ લોકો કરી શકતા નથી એવી પણ એક માન્યતા પ્રવર્તે છે. ગંગા સાગર ખાતે આ પર્વેે ખાસ મેળાનું આયોજન પણ થાય છે અને તેનું મહત્વ પણ અદ્ભૂત છે. અહીંની મકર સંક્રાંતિના રોજની યાત્રાનો મહિમા તો અપાર છે. 

- અમલા