For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફળો સ્વાસ્થ્ય માટે સારા, પરંતુ યોગ્ય રીતે ખાવ તો જ

Updated: May 30th, 2023

Article Content Image

ફળો કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. બાળકથી લઈને મોટેરાં  સુધી બધા માટે એ પોષણનો ખજાનો છે અને અત્યંત જરૂરી ખાદ્યપદાર્થ બની રહે છે. દરરોજ એક કે બે ફળ ખાવાં ખૂબ જ હેલ્ધી આદત માનવામાં આવે છે, પરંતુ એને પણ જ્યારે આપણે ખોટી રીતે ખાઈએ છીએ ત્યારે એ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં, એ ખોટી રીતોને કારણે ફળોમાં રહેલાં કુદરતી તત્ત્વો નાશ પામે છે અને જેટલું પોષણ આપણને મળવું જોઈએ એ ન મળે એવું પણ બને જ્યારે આપણે એને ખોટી રીતે ખાઈએ ત્યારે પાચનક્રિયા નબળી પડે છે અને ચરબીમાં વધારો થાય છે. ખાસ કરીને પેટ પર જામેલી ચરબી પાછળ આ ખોટી આદતો જવાબદાર ગણી શકાય. આજે એક ડાયટ-સ્પેશિયાલિસ્ટ  પાસેથી ફળો ખાવાની કેટલીક ખોટી રીતોને આપણે સમજીએ અને એના બદલે એની સાચી રીતોને અપનાવી લઈએ.

 ખોટી આદત :  રાત્રે ડિઝર્ટમાં ફળો ખાવાં

શા માટે ખોટી ? : ફળોને ઘણા લોકો રાત્રે ખાય છે. જમીને રાત્રે ડિઝર્ટમાં આઈસક્રીમ ખાઓ કે બીજી કોઈ મીઠાઈ ખાઓ એને બદલે ફળો ખાવાનો ઓપ્શન ઘણા લોકોને હેલ્ધી લાગે છે, પરંતુ એ હેલ્ધી ઓપ્શન નથી કારણ કે ફળોમાં જે સાકર રહેલી છે એ હોય છે ફ્રક્ટોઝ. કોઈ પણ પ્રકારની સાકરમાં ઘણી વધારે કેલરી હોય છે, જેનું પાચન કરવું મુશ્કેલ જ છે. રાત્રે વધુ કેલરીવાળો ખોરાક ખાવો ન જોઈએ કારણ કે રાત્રે આપણું પાચન મંદ હોય છે એટલે રાત્રે ક્યારેય કોઈ પણ ફોર્મમાં ફળો ન ખાવાં. હંમેશાં એને દિવસે જ ખાવાં જોઈએ.

સાચી રીત  : સવારે ઊઠીને તરત જ અથવા એક્સરસાઈઝ કર્યા પછી અથવા સ્નેક સમયે એટલે કે સાંજે ૪-૫ વાગ્યે ફળો ખાઈ શકાય છે.

 ખોટી રીત : જમવા સાથે ફળો ખાવાની આદત

શા માટે ખોટી? ગુજરાતીઓમાં આ આદત ખાસ જોવા મળે છે. ખાસ કરીને કેરી કે કેળાં જેવાં ફળો ઘણાં લોકો જમવા સાથે ખાતા હોય છે, પરંતુ આ આદત સાચી નથી. જમવામાં આપણે જે-જે વસ્તુ ખાતા હોઈએ છીએ એ બધી જ વસ્તુઓની પોતાની કેલરી હોય અને એની સાથે-સાથે ફળોની ઊંચી કેલરી એમાં ભળે  એટલે જમવાના અંતે તમે તમારા પેટમાં અઢળક કેલરી પધરાવો છો. 

એકસાથે વધુ કેલરીનો ભરાવો તમારી પાચનક્રિયા માટે સારો નથી. આવું થાય ત્યારે પાચનમાં તકલીફ થાય છે અને ફળોનું સમગ્ર પોષણ શરીરને મળે નહીં અને એની કેલરી વપરાવાને બદલે જમા થતી જાય અને મેદનું સ્વરૂપ લે.

 સાચી રીતઃ ફળોને કોઈ બીજા ખોરાક સાથે ન લેતા. સવારના બ્રેકફાસ્ટ વખતે ખાવ. જ્યૂસ પીવા કરતાં ફળોના કટકા કરીને ખાવા

ફળો સિવાયની બીજી હેલ્ધી વસ્તુઓ

ફળો સિવાય બીજા પણ ઘણા હેલ્ધી ખોરાક છે જેને ખાવાની આપણી રીતો જો ખોટી હોય તો એ હેલ્ધી ખોરાક અનહેલ્ધી બની જાય છે. આ ખોરાક અને એની ખોટી આદતો શું છે એ જાણીએ.

નટ્સ

ખોટી રીત : ડિઝર્ટ સાથે એટલે કે મીઠાઈઓમાં આપણે નટ્સ ભરપૂર નાખીએ છીએ, પરંતુ એને મીઠાઈમાં ન નાખવાં જોઈએ.

સાચી રીત : નટ્સના પૂરા ફાયદા ઉઠાવવા હોય તો એને ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ સાથે ખાવાં જોઈએ. બદામ જેવા નટ્સને ૪-૬ કલાક પલાળીને જ ખાવાં વધુ યોગ્ય છે. 

ઘી

ખોટી રીત : ઘી માટે ઘણાં પ્રકારના ભ્રમ જોવા મળે છે. ઘણાં લોકો વજન વધી જવાના ડરને કારણે  ઘી સંપૂર્ણપણે છોડી જ દે છે. ઘીનો કોઈ પણ ખોરાક તળવા માટે થતો ઉપયોગ ખોટી રીત ગણાય છે. ખાસ કરીને ઘીમાં તળાતી પૂરી કે બાટી કે પરાઠાં શેકવામાં વપરાતું ઘી અનહેલ્ધી ગણી શકાય.

સાચી રીત : દરરોજ યોગ્ય માત્રામાં ઘી તમારા પાચનમાં મદદરૂપ થાય છે, કબજિયાતથી બચાવે છે, સ્કિન અને વાળને સારાં કરે છે, એસિડિટીને દૂર કરે છે, મેમરી વધારે છે. ખાસ કરીને ઘીનો ઉપયોગ કઠોળ અને દાળ વઘારવામાં થવો જોઈએ કારણ કે ઘી આ હેવી ખાદ્ય પદાર્થોનું પાચન સરળ બનાવે છે અને ગેસ, બ્લોટિંગથી બચાવે છે.

શાકભાજી

ખોટી રીત : શાકભાજીને એકદમ ગાળી નાખીએ એ ઠીક નથી એટલે કે એમને વધારે પકવવાં યોગ્ય નથી. વધુ પકવવાથી શાકભાજીમાનાં પોષક તત્ત્વો નાશ પામે છે.

સાચી રીતે :  શાકભાજીને કુકરમાં બાફવા કરતાં કડાઈમાં ચડવાં દેવાં. જે શાકભાજીને સ્ટર ફ્રાય કરી શકાય છે એમને એવાં જ રાખવાં જેમ કે ફ્લાવર, ગાજર, કોબી વગેરે.

મધ

ખોટી રીત : મધનો ઉપયોગ આજકાલ ઘણાં લોકો મીઠાઈ બનાવવા માટે કરે છે જેમાં મીઠાઈ પકવતી વખતે ખાંડની જગ્યાએ મધ નાખવાનું હોય છે. ઘણી ચાઈનીઝ વાનગી જેમ કે નૂડલ્સમાં પણ આજકાલ મધ નાખવાની રીત અપનાવાઈ રહી છે.

સાચી રીત : મધ કુદરતી સ્વીટનર છે. ખાંડ કે ગોળ કરતાં એ વધુ હેલ્ધી છે, પરંતુ આયુર્વેદ અનુસાર મધને ક્યારેય ગરમ કરાય નહીં  એટલે કોઈ વાનગીમાં નાખવું હોય તો પણ વાનગી ગેસ પર હોય ત્યારે નખાય નહીં. ઠંડું જ વાપરવું જોઈએ.

Gujarat