Get The App

કપાળ: તમારા વ્યક્તિત્વનો આયનો

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
કપાળ: તમારા વ્યક્તિત્વનો આયનો 1 - image


ચહેરો તમારા વ્યક્તિત્વ દિલનું દર્પણ છે એ વાત સેંકડો વર્ષ પહેલા ઈટલીના પ્રખ્યાત વિદ્વાન ફિનેટા પણ કહી ચૂક્યો છે અને દરેક વ્યક્તિ જાણે છે કે દિલની વાત ચહેરા પર દેખાય જાય છે. પરંતુ ચહેરામાં પણ માત્ર કપાળ જ ભાગ્ય વિશે સૂચવે છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે બાળકનો જન્મ થયા બાદ છઠ્ઠે દિવસે મા વિધાતા તેના કપાળ પર તેનું ભાગ્ય લખે છે. જ્યોતિષશાસ્ત્રીય સામુદ્રિક વિજ્ઞાન અનુસાર વ્યક્તિના ભાગ્યનું એકમાત્ર સૂચક હોય છે તેનું કપાળ એટલે કે ભાલ, લલાટ. આ વાત શરીર વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની દ્દષ્ટિએ પણ સાચી છે કારણ કે આખા શરીર અને ચહેરામાં કપાળ  જ માત્ર એવું  સ્થાન છે, જે માનવ મસ્તિષ્કની સૌથી વધુ નજીક હોય છે. માનવ મગજ પર જે પ્રભાવ પડે છે તે તરત જ કપાળ પર દેખાય છે. ચિંતન, મનન અને યોગ સાધનામાં જ્યારે મનને વશમાં કરીને ધ્યાનમાં મસ્તિષ્ક પર કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે તેનો પ્રભાવ કપાળ પર અને ખાસ તો બંને ભ્રમરોના સંધિ સ્થળ -  ભૃકુટિ પર અનુભવાય છે. તેથી જ ભૃકુટિ પર ત્રીજા નેત્રની સ્થિતિની કલ્પના કરવામાં આવી છે. આ  ત્રીજુ નેત્ર સાધકને  ત્રિકાળદર્શી બનાવે છે અને ક્રોેધની  પ્રચંડતામાં શિવનું ત્રીજુ નેત્ર જે બધું જ ભસ્મ કરી નાખે છે. વસ્તુત : ભૃકુટિ એવુ કેન્દ્ર છે જેને શીતળ રાખવાની સૌથી વધુ જરૂર છે. તેથી જ ચંદન અને કપૂરનું તિલક ત્યાં કરવામાં આવે છે. કપાળના અધ્યયન માટે તેને ત્રણ વર્ગોમાં વિભાજિત  કરવામાં આવ્યું છે - પહોળું કપાળ, સાંકડુ કપાળ અને લંબગોળ કપાળ.

પહોળું  કપાળ

પહેલા વર્ગ એટલે કે પહોળા કપાળવાળા વ્યક્તિઓ જીવન પ્રત્યે હંમેશા સકારાત્મક દ્દષ્ટિકોણ અપનાવે છે. જીવનમાં આવનારી અસાધારણ સમસ્યાઓનું સમાધાન પણ તેઓ સહજતાથી કરે છે. આત્મવિશ્વાસ જલ્દી ડગમગવા નથી દેતા.

તેઓમાં પોતાને કેન્દ્રિત કરવાની ક્ષમતા હોય છે. અને સાથે જ કલ્પનાશક્તિ અને સર્જન ક્ષમતા પણ પૂર્ણરૂપે વિકસિત હોય છે. આવા લોકો બીજાનું મનોવિજ્ઞાન સારી રીતે જાણી શકે છે. પણ ક્યારેક ક્યારેક તેમની ઉદારતા અને ખુલ્લાં વિચારોને કારણે તેઓ બેદરકાર બની જાય છે. અને પોતે જ પોતાની માટે મુશ્કેલીઓ ઊભી કરી દે છે,  ક્યારેક ક્યારેક તો વધુ પડતા આત્મવિશ્વાસી હોવાને લીધે તેઓ બીજા શું કહેશે એની ચિંતા પણ નથી કરતા. સામાન્ય કપાળ કરતા કપાળ જેટલું વધારે મોટું હોય છે. વ્યક્તિ એટલીજ ગુણી અને પ્રતિભાસંપન્ન હોય છે પણ અસામાન્યરૂપે કપાળ જેટલું મોટું હોય એટલો જ વધારે આત્મવિશ્વાસ વધતો જાય છે અને વ્યક્તિ અહંકારી બનતો જાય છે. આવા લોકો સામાજિક નૈતિકતાને અનુરૂપ થઈને નથી રહી શકતા.

સાંકડુ કપાળ

નાનું અને સાંકડુ કપાળ પહોળા કપાળથી તદ્દન વિપરિત છે. અને એ પ્રમાણે તેના ગુણ પણ અલગ હોય છે. સાંકડા અને નાના કપાળ વાળા લોકો અલ્પ આત્મવિશ્વાસુ અને અંતર્મુખી હોય છે. કોઈપણ યોજના કે કાર્ય કરવા માટે જે સાહસ અને આત્મવિશ્વાસની જરૂર હોય છે, એનો એ લોકોમાં અભાવ હોય છેે. તેથી એ જીવનમાં સફળ નથી થઈ શકતા.  આવા લોકો હંમેશા એ જ વાતને લીધે હેરાન રહેતા હોય છે કે બીજા એના વિશે શું વિચારશે. તેઓ આત્મવિશ્લેષણ જ કર્યા કરે છે અને ક્યારેક તો તેઓ એની સીમા ઓળંગી જાય છે અને માર્ગમાં ભટકી જાય છે. બીજી વ્યક્તિ જ્યાં સુધી તેમને હિંમત ન આપે, પ્રોત્સાહિત ન કરે ત્યાં સુધી તેઓ કોઈપણ સમસ્યાનો સામનો નથી કરી શકતા. મુશ્કેલીના સમયે તેઓને શું કરવું એની સુઝ પડતી નથી. ક્યારેક તો તેઓ વગર વિચાર્યે  જોખમ ઊભું કરી દે છે. આવું તેઓ ત્યારે જ કરે છે જ્યારે તેઓ પોતાનામાં રહેલી હીન-ભાવના પર ક્ષણિક કાબૂ મેળવીને અહ્મની ભાવનાથી ભરાઈ જાય છે. વધુ પડતા નાના કપાળવાળા લોકો બિલ્કુલ આત્મવિશ્વાસહીન હોય છે અને તેઓ કાયર, ભીરુ હોય છે.

આદર્શ કપાળ

અતિ બધી જ જગ્યાએ ખરાબ હોય છે તેથી અતિ પહોળું કપાળ અને અતિ સાંકડું કપાળ બંને સારા નથી મનાતા. સામાન્ય માપનું કપાળ જ આદર્શ ગણવામાં આવે છે. આવી વ્યક્તિઓમાં પોતાની યોજનાઓ ઘડવાની અને તેને પૂરી કરવાની માનસિક ક્ષમતા જોવા મળે છે. અને લગભગ વર્ગાકાર હોય છે. જો કપાળ લંબગોળાકાર હોય તો એ વ્યક્તિ એક આદર્શ  વ્યક્તિ તો હોય જ છે. પરંતુ તેનામાં એટલો આત્મવિશ્વાસ નથી હોતો જેટલો હોવો જોઈએ. તેનું વ્યક્તિત્વ પણ  અસંતુલિત હોય છે.  જો એવાલોકો અંતર્મુખી હોય તો હંમેશા અંતર્મુખી જ રહે છે અને બહિર્મુખી હોય તો હંમેશા બહિર્મુખી જ રહે છે. લંબગોળાકાર કપાળવાળા વ્યક્તિ બહિર્મુખી કરતા અંતર્મુખી વધારે હોય છે. અને તેઓ પોતાની કલ્પનાક્ષમતાનો ઉપયોગ વ્યવહારિકરૂપે કરતા હોય છે. વચ્ચેથી દબાયેલા કપાળવાળા લોકો સ્વાર્થી, ચાલાક, કપટી હોય છે. તેઓ પોતાના મનની વાત મિત્રોને પણ નથી કહેતા, હા તેઓ મિત્રો બનાવવામાં ખૂબ આગળ હોય છે. જોત-જોતામાં અજાણી વ્યક્તિને પણ  મિત્ર બનાવી લે છે. પણ જેટલી ઝડપથી તેમના મિત્રો બને છે એટલી જ ઝડપથી મિત્રતા તૂટી જાય છે.

કપાળ પરની રેખાઓ

કપાળ પર પડતી કરચલીઓ એટલે કે રેખાઓ પણ ઘણું બધું કહી દે છે. સીધી, ઊંડી અને સ્પષ્ટ સમાંતર રેખાઓ સૂચવે છે કે વ્યક્તિ તેની રુચિના ક્ષેત્રમાં કાર્યક્ષમતા ધરાવે છે. આવી રેખાઓ સંખ્યામાં જેટલી વધારે હોય, વ્યક્તિ એટલા જ વધારે ક્ષેત્રોમાં રસ ધરાવે છે.

તૂટક રેખાઓ દર્શાવે છે કે વ્યક્તિની માનસિકતા નિશ્ચિય અને અનિશ્ચય વચ્ચે ઝોલા ખાતી હોય છે. એ કોઈ પણ દ્દઢ નિર્ણય નથી કરી શકતો અને એને લીધે સાચા માર્ગમાં આગળ પણ નથી વધી શકતો. તે અધવચ્ચે જ ભટકી જાય છે.

ભ્રમરો વચ્ચે જો કપાળ પર ઊભી રેખાઓ હોય તો તે સૂચવે છે કે વ્યક્તિ જન્મજાત રીતે પરાલૌકિક શક્તિઓથી સંપન્ન છે અને જો આવી ત્રણ રેખાઓ ત્રિશૂળનો આકાર બનાવતી હોય તો તેવા લોકો અલૌકિક-મનોવૈજ્ઞાનિક અંતદ્દષ્ટિ ધરાવે છે પણ આવી રેખાઓ ભાગ્યે જ કોઈ વિરલા વ્યક્તિના કપાળ પર જોવા મળે છે.

Tags :