Get The App

ફૂટ સ્પા : નવા જમાનાનાં લગ્નસરાંની પગચંપી પરંપરા

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
ફૂટ સ્પા : નવા જમાનાનાં લગ્નસરાંની પગચંપી પરંપરા 1 - image

- લગ્નની તૈયારીની ભાગદોડથી પગમાં  થાક લાગે  :  રાસ-ગરબાથી પગમાં મચકોડ આવે :  લગ્નની વિધિમાં   લાંબા સમય સુધી બેસવાથી પગમાં પીડા થાય :  ફૂટ સ્પા એટલે કે પગની માલીશથી રક્તપરિભ્રમણ વધે : શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે : તન-મનમાં સ્ફૂર્તિ --તરવરાટનો અનુભવ થાય  

ભારતમાં શિયાળાની મનગમતી મોસમ છલકી રહી છે. શિયાળો એટલે લગ્નની મોસમ પણ ખરી. શિયાળાના ઠંડા ઠંડા કૂલ કૂલ માહોલમાં લગ્નનો આનંદ ઉત્સવ ઉજવાતો હોય છે. હવે તો નવા અને આધુનિક યુગમાં તો લગ્ન વિધિ જાણે કે કોઇ મોટો  ઝાકમઝોળ    સમારોહ  હોય તેમ જાતજાતની રીત રસમો અને આયોજન થઇ રહ્યાં છે. 

લગ્નની શુભ વિધિ અગાઉ નવ દંપતિ તેમના જીવનના મજેદાર પ્રસંગોને નાટય રૂપાંતર આપીને  સંગીતમય રીતે આખા  પરિવાર સમક્ષ રજૂ કરે છે. ફોટો સેશન કરે છે. ઘણા સમૃદ્ધ કુટુંબો તો   સંગીત સમારોહ, રમતગમત સ્પર્ધા, નૃત્ય સમારોહ વગેરેનું પણ આયોજન કરે છે. ગુજરાતી પરિવારો તો ગરબા અને દાંડિયા રસનું અચૂક આયોજન કરે છે.

હવે  લગ્ન સમારોહ દરમિયાન ફૂટ સ્પા નામની નવી પરંપરા શરૂ થઇ છે. ફૂટ સ્પા એટલે સરળ રીતે સમજીએ તો પગચંપી અથવા તો પગની માલીશ. લગ્ન વિધિ પહેલાં વર -વધુ એમ બંને પક્ષની  મહિલાઓ અને બાળકો બંને હાથમાં  અને પગની પાની પર મહેંદી મૂકે છે. મહેંદીની આકર્ષક ડિઝાઇનથી હાથની જાણે કે રોનક ખીલી ઉઠે  છે. કંઇક   આ જ રીતે   હવે   ફૂટ સ્પા એટલે કે    ખાસ પ્રકારની   ટીમ બંને પક્ષની મહિલાઓને  અને  પુરુષોને   પગનાં તળિયાં, પાની, અંગૂઠાની માલીશ કરે  છે. ફૂટ સ્પા બાદ વ્યક્તિના તન-મનમાં સ્ફૂર્તિ   અને તરવરાટનો અનુભવ થાય છે.  

 ફૂટ  સ્પાની નવી ફેશન કહો કે નવી પરંપરા, વાત જાણે કે એમ     છે કે લગ્ન દરમિયાન વર-વધુનાં માતાપિતા   સહિત  ભાઇ,બહેન,કાકા, કાકી,મામા,મામી  વગેરે અત્યંત વ્યસ્ત હોય છે. લગ્ન સમારોહ માટેની જરૂરી  બધી ચીજ -વસ્તુઓ લાવવા, સગાં-સંબંધીઓને  ચા -નાસ્તો, ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં જબરી   દોડાદોડી   થતી હોય   છે. સરવાળે બધાં થાકીને લોથપોથ થઇ જાય. ખાસ કરીને ઘણાંને પગમાં દુ:ખાવો  થતો હોય છે. પરિણામે ઘણાં લોકો લગ્નનો આનંદ માણી શકતાં નથી.   

ઉપરાંત, એક દિવસ ડાન્સ કે રાસ-ગરબા હોય. વરઘોડિયાં સહિત બધાં જુવાનિયાંએ  આકર્ષક અને રંગબેરંગી ભરત ભરેલાં વસ્ત્રો પહેર્યાં હોય. નવ વધુ માટે તો ખાસ પ્રકારના આકર્ષક -રંગીન લહેંગા સહિત અન્ય વસ્ત્રો તૈયાર થયાં હોય  છે. જોકે આવાં વસ્ત્રો ભારેખમ પણ હોવાથી ચાલવામાં અને રાસ-ગરબામાં થાક લાગે.  પગ દુ:ખે. 

ત્યારબાદ  લગ્નની શુભ  વિધિ લગભગ ચાર-પાંચ કલાક સુધી ચાલે. વર -વહુ  બંનેે અગ્નિ દેવની સાક્ષીએ  ગોર મહારાજ દ્વારા થતી પવિત્ર -શુભ વિધિ કરે.  ચોરીના ચાર ફેરા   ફરે.  કહેવાનો અર્થ એ  છે કે મહેંદી, રાસ-ગરબા, લગ્ન વિધિ દરમિયાન પગને ઘણો બધો થાક લાગે. કોઇક  યુવતીના પગની નસ દુ:ખવા  લાગે. પગ લપસી જાય.મચકોડાઇ જાય વગેરે જેવી સમસ્યા થતી હોય છે. આમ પણ શહેરની છોકરીઓ તો હાઇ હિલ્સ(ઉંચી એડી)નાં ચપ્પલ કે સેન્ડલ પહેરતી હોવાથી તેને પગની એક કે બીજી સમસ્યા થતી હોય છે.  

  ફૂટ સ્પા એટલે કે પગની માલીશ કે પગચંપી થાય એટલે આ બધી સમસ્યા થાય જ નહીં. બંને પરિવારનાં સભ્યો તાજાંમાજાં રહે. બધી રીતરસમોમાં ઉત્સાહભેર હિસ્સો લઇ શકે.   ડાન્સ અને રાસ-ગરબાનો અને જાતજાતની રમતનો  ભરપૂર આનંદ માણી શકે. 

   ફૂટ સ્પાની ટીમ   લગ્નના સ્થળે આવીને ફૂટ  સ્પા સ્ટેશન  ગોઠવે. ટેબલ ,ખુરશી, પગ રાખવાનાં સ્ટેન્ડ્ઝ,  રંગબેરંગી  ફૂલ વગેરે.  ટીમમાં યુવતીઓ હોય. ટીમની યુવતીઓ  ફૂટ સ્પાની ખાસ  તાલીમબદ્ધ હોય છે. ટીમ   પાસે   વિવિધ   પ્રકારની    આયુર્વેદિક  જડીબુટ્ટીઓનું  અને ઔષધિઓનું તેલ અને મલમ હોય છે.  અમુક મેડિકલ કંપનીઓનું  સ્પ્રે અને ક્રીમ  પણ હોય. સાથોસાથ, આધુનિક ટેકનોલોજીનાં ઉપકરણો પણ હોય છે. 

 નિષ્ણાત  અને અનુભવી  આયુર્વેદાચાર્યોના કહેવા મુજબ   આયુર્વેદિક જડીબુટ્ટીઓના  તેલ અને મલમની માલીશથી પગની નસોમાં રક્તપરિભ્રમણ વધે. એટલે કે પગના તમામ હિસ્સામાં લોહીનો પ્રવાહ   ઝડપી બને. રક્તપ્રવાહ સક્રિય થવાથી પગ સહિત આખા શરીરમાં તાજગી -સ્ફૂર્તિનો અનુભવ થાય.

 આખા શરીરને  ઓક્સિજન(પ્રાણવાયુ) મળે.  પરિણામે   પગનો થાક કે કળતર દૂર થાય. પગની એડી, કાંડું, સાથળ, ગોઠણ વગેરે હિસ્સામાં હળવાશ અનુભવાય. માનસિક થાક દૂર થઇને હાશકારો અનુભવાય. ગાઢ નિદ્રા આવે.  શરીરની રોગપ્રતિકારશક્તિ વધે. શરીરમાંનાં ઝેરી તત્વો દૂર થાય. શરીર શુદ્ધિ થાય.પગની અને આખા શરીરની ચામડી ચમકીલી બને. 

મહત્વની બાબત તો એ છે કે ફૂટ સ્પાની ટીમનાં  સભ્યો  મસાજ કે માલીશ દરમિયાન પગના તળિયાના અમુક ખાસ પોઇન્ટ્સ પર હળવું દબાણ આપે છે. તેની સીધી અસર મગજનાં વિવિધ કેન્દ્રામાં થાય. પરિણામે પગ સહિત આખા શરીરનું સમતુલન વધુ સારું અને શિસ્તબદ્ધ થાય છે. 

 - જગદીશચંદ્ર  ભટ્ટ