શિયાળામાં પગની દરકાર

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
શિયાળામાં પગની દરકાર 1 - image


ઉનાળાના બળબળતા તાપની મોસમ જતી રહી અને હવે શિયાળાની મોસમ આવી ગઈ છે. સમસ્યા પગનું સૌંદર્ય જાળવી રાખવાનું છે, કારણ કે શિયાળામાં શુષ્કતાને કારણે પગ ફાટવા લાગે છે, જેને જોઈને મન ઉદાસ થઈ  જાય છે. પગ ખરબચડા થવા, ચામડી કઠણ થઈ  જવી અને એડી ફાટવી આ મોસમની સામાન્ય પરેશાનીઓ છે.

આ શુષ્કતાથી બચવા માટે તમારે ખાસ સાવચેતી રાખવી પડશે. જો તમે તમારા પગ તરફ પૂરતું ધ્યાન આપશો તો ખાતરી રાખજો કે આ વખતે શિયાળામાં તમારા પગની કોઈ સમસ્યા નહીં થાય.

એડીઓ ફાટવી

શરીરમાં કેલ્શિયમ અને ચીકાશની ઉણપ થવાથી એડીઓ ફાટવા લાગે છે. એડી અને તળિયાંની ત્વચા જાડી હોય છે, તેથી શરીરની અંદર બનતું સીબમ અર્થાત્ કુદરતી તેલ પગનાં તળિયાંની બહારની સપાટી સુધી નથી પહોંચી શકતું. પૌષ્ટિક તત્ત્વ અને ચીકાશ ન મળવાને કારણે જ એડીઓ ખરબચડી જેવી થઈ જાય છે અને ફાટવા લાગે છે.

એડીઓ વધારે ફાટી જવાને કારણે પગમાં બહુ તકલીફ થાય છે. ફાટેલી એડીના ઉપચાર માટે આ રીતે અપનાવો:

૦- દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરો અને તેને ફાટેલી એડી પર સારી રીતે લગાડી લો. થોડા જ દિવસોમાં ફાટેલી એડીઓમાં ફરીથી ચામડી ભરાવા લાગશે.

૦- એડીઓ વધારે ફાટેલી હોય તો મેથિલેટેડ સ્પિરિટમાં કોટનનાં પૂમડાંને પલાળીને ફાટેલી એડી પર મૂકી રાખો. બે મિનિટ પછી કોટનને કાઢી નાખો. ૧૦ મિનિટ પછી ફરીથી મેથિલેટેડ સ્પિરિટમાં પલાળેલાં કોટનને એડીઓ પર મૂકી રાખો. આ ત્રણ-ચાર વખત કરો. આથી ફાટેલી એડી બરાબર થવા લાગશે.

૦- નવશેકા પાણીમાં થોડું શેમ્પૂ, એક ચમચી મીઠો સોડા અને થોડાં ટીપાં ડેટોલનાં નાખીને મિક્સ કરી લો અને તે પાણીમાં પગને ૧૦ મિનિટ સુધી પલાળી રાખો. ત્વચા ફૂલે ત્યારે મેથિલેટેડ સ્પિરિટ લગાડીને એડીઓને પ્યુમિક સ્ટોનથી ઘસીને સાફ કરી લો. તેનાથી એડીની મૃત ત્વચા સાફ થઈ જશે. પછી સાફ રૂમાલથી લૂછીને નવશેકા જેતૂન તેલ કે નાળિયેરના તેલથી માલિશ કરો.

૦- પગને સાફ અને સુંદર બનાવવા માટે અઠવાડિયામાં એકવાર પેડિક્યોર જરૂર કરાવો અથવા બ્યુટિપાર્લરમાં જઈને કરાવો. આથી પગના નખ, એડી અને તળિયાંની સફાઈની સાથે સાથે પગની માલિશ અને કસરત પણ થઈ જાય છે.

૦- સૂતાં પહેલાં પગને સાફ કરીને તેના પર મોઇશ્ચરાઇઝર લોશન લગાડીને સાધારણ માલિશ કરો.

પેડીક્યોર

આ એક સહેલી રીત છે. તેને તમે પોતે ઘરે પણ કરી શકો છો. જો તમારા પગની સ્થિતિ વધારે ખરાબ હોય તો પેડીક્યોર સૌંદર્ય નિષ્ણાત પાસે જ કરાવવું યોગ્ય છે.

સામગ્રી : નાનું ટબ, નવશેકું પાણી, શેમ્પૂ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, નેલપોલિશ, નેલપોલિશ રિમૂવર, નેલકટર, ઓરેન્જ સ્ટિક, ક્યુટિકલ પુશર, નેલ ફાઇલર, પ્યૂમિક, સ્ટોન, કોલ્ડ ક્રીમ, કોટન અને રૂમાલ.

રીત : સૌ પ્રથમ નેલપોલિશ રિમૂવરથી જૂની નેલપોલિશ સાફ કરી લો. નેલકટર અથવા નાની કાતરથી વધેલા અથવા વાંકાચૂંકા નખ કાપી લો. પગના નખ હંમેશાં સીધા જ કાપવા.

૦- નેલ ફાઇલર (કાનસ)થી નખને સુંદર આકાર આપો.

૦- ટબમાં નવશેકું પાણી લઈને તેમાં થોડું શેમ્પૂ અને એક ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખીને હલાવી લો અથવા નવશેકા પાણીમાં ત્રણ ચમચી મીઠું, અડધા લીંબુનો રસ અને એક ચમચી ગુલાબજળ નાખીને મિશ્રણ બનાવો. આમાં પગને ૫-૧૦ મિનિટ સુધી પલાળી રાખો. આથી મૃત ત્વચા પોચી થઈ ફૂલી જાય છે.

૦- ૮-૧૦ મિનિટ પછી પ્યૂમિક સ્ટોનથી તળિયાં અને એડીને ઘસીને મેલ સાફ કરો. પગ મેલ વગરના  થાય ત્યારે સાફ રૂમાલથી લૂછી લો. 

૦- પગના નખ પર ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર લોશન લગાડીને સારી રીતે માલિશ કરો.

૦- માલિશ કર્યા પછી ઓરેન્જ સ્ટિક પર કોટન લગાડીને નખની અંદરનો મેલ સાફ કરી લો.

૦- ક્યુટિકલ પુશરથી નખનાં મૂળની પાસેનો ભાગ અંદરની તરફ ધકેલી દો. આ રીતે નખનો આકાર સારો દેખાશે.

૦-  પગ પર મોઇશ્ચરાઇઝર લોશનથી ૧૦ મિનિટ સુધી માલિશ કરો. આથી પગની ત્વચા મુલાયમ થઈ જશે.

૦- રૂનાં પૂમડાંથી નખ પરની ચીકાશ સાફ કરો અને તમને  મનપસંદ રંગની નેલપોલિશ લગાડો. ઉપરોક્ત  સલાહસૂચનો પર ધ્યાન આપવાથી ઠંડીમાં થરથરતા શિયાળામાં પણ તમે તમારા પગના સૌંદર્યનું રક્ષણ કરી શકો છો.


Google NewsGoogle News