બંધકોશનો પાકો બંદોબસ્ત કરતો ખોરાક
આપણાં દેશમાં શરદી-ઉધરસ બાદ સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા કબજિયાત છે એવું તાજેતરના એક મેડિકલ સર્વેમાં જાણવા મળ્યું છે. કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત દરેક ઉંમરના લોકોને નડે છે. જાણીને નવાઈ લાગે કે દેશમાં દર પાંચમી વ્યક્તિને કબજિયાત રહે છે. આયુર્વેદમાં બંધકોશ અને મળાવરોધ કબજિયાતના પર્યાયવાચી શબ્દો છે. જેને બંધ કોશની તકલીફ રહેતી હોય એ વ્યક્તિને અવારનવાર જાજરૂર જવું પડે છે અને એને મળત્યાગ કરવી વખતે પણ બહુ ત્રાસ થાય છે.
કબજિયાત આટલી સામાન્ય સમસ્યા હોવા છતાં લોકોને એ વિશે વાત કરવામાં સંકોચ થાય છે. અરે, ડોક્ટરને પણ કેટલાંક તો એ વિશે કંઈ કહેતા નથી. સવારે પેટ સાફ ન આવે તો આપણો આખો દિવસ બગડે છે. પેટ ફુલેલુ અને ભારેભારે લાગે છે. ગેસથી પેટમાં દુખાવો પણ થાય છે. મોટાભાગે ખોટો ખોરાક કબજિયાત કે બંધકોશ નોતરે છે. જીભના ચટાકાથી પ્રેરાઈને આપણે ખોરાકમાં પચે નહિ એવા ખાદ્ય પદાર્થો સામે કરીએ છીએ. આજના ઇન્સ્ટન્ટ ફુડના જમાનામાં તો એ એક આમ વાત બની ગઈ છે.
એક વાત સમજી લો કે કબજિયાતમાંથી છુટકારો મેળવવો હોય તો આપણાં આહારમાં ચોકસાઈ રાખવી બહુ જરૂરી છે. સ્વાદિષ્ટ પણ પોષણ વિનાની વાનગીઓ પેટમાં પધરાવ્યા કરીએ તો બંધકોશમાંથી કદી બહાર ન આવી શકીએ એટલે શું શું ખાવાપીવાથી કબજિયાત થાય એ પહેલા જાણી લઈએ અને એનાથી દૂર રહીએ :
૧. કૉફી : આજના યુવા વર્ગમાં ચા કરતા કૉફિ પીવાનું ચલણ વધુ છે. મોંઘીદાટ કૉફિ શોપમાં જવાને કેટલાંક સ્ટેટસ સિમ્બોલ ગણે છે. સવારના ગરમાગરમ કડક કૉફિ પીએ આખા શરીરમાં સ્ફુર્તિ અને તાજગી વર્તાય, પરંતુ એનું વધુ પડતું સેવન કબજિયાતનું કારણ બને છે. વારંવાર કૉફિ પીવાથી એમાં રહેલું કૅફિન શરીરમાંથી પાણી શોષી લે છે. બૉડી ડિહાઇડ્રેટ થઈ જાય છે અને મળ આંતરડામાંથી ઝડપથી પસાર થાય એ માટે પાચનતંત્રને પૂરતું પાણી મળવું આવશ્યક છે એટલે બંધકોશથી બચવા કાં તો કૉફિ ઓછી પીવો અથવા દિવસમાં ૧૦થી ૧૨ ગ્લાસ પાણી પીતા રહો.
૨. સફેદ ચોખા : વ્હાઈટ રાઇસ (સફેદ ચોખા) એક પ્રોસેસ કરેલું અનાજ છે, જેનાથી કબજિયાત થઈ સકે એટલે માટે કે ચોખાના પ્રોસેસિંગમાં એના ફોતરા અને અંકુર નીકળી જાય છે. ફોતરામાં ડાયેટરી ફાયબર (પાચનમાં મદદરૂપ થતા રેસાં) હોય છે, જે ખોરાક પચ્યા બાદ મળને ઘટ્ટ બનાવી એના વિસર્જનમાં મદદરૂપ થાય છે. વ્હાઈટ રાઈસ માપમાં ખાઈએ તો એનાથી કબજિયાત થવાની સંભાવના ઓછી રહે છે, પરંતુ રોજ સવાર-સાંજ ભાત ખાવાની આદત હોય તો વ્હાઈટ રાઈસને બદલે બ્રાઉન રાઇસને પ્રાધાન્ય આપવામાં શાણપણ છે એટલા માટે બ્રાઉન રાઈસમાં વધુ પોષક તત્વો હોય છે.
૩. ફાસ્ટ ફુડ્સ : આજે ઘર-ઘરમાં પિઝા અને બર્ગર ખવાય છે. બાળકો અને યુવાનો પિઝા પાર્ટી કરવાનું બહાનું જ શોધતા હોય છે. સ્વાદનો ચસકો લેવા આવા ફાસ્ટ ફુડ્સ એક માત્ર વિકલ્પ બની ગયા છે, પરંતુ ફાસ્ટ ફુડ્સ ખાઈને આપણે કબજિયાતને આમંત્રણ આપીએ છીએ એટલા માટે કે મોટાભાગે ફાસ્ટ ફુડ્સમાં ભરપુર ફેટ અને મીઠું હોય છે અને ફાયબરના નામે મોટુ મીંડુ એટલે એ બંધકોશ નોતરે છે કારણ કે એ ખાવાથી મોટા આંતરડાને ખોરાક પચાવી આગળ વધારવા પૂરતા પોષક તત્વો નથી મળતા એટલે ફાસ્ટ ફુડ્સ ખાવા પર અંકુશ રાખવો જરૂરી છે.
૪. કાચા કેળા : આપણાં ઉંધિયામાં કાચા કેળા અચુક પડે છે અને ઘણાંને કાચા કેળાનું શાક કે ભજિયા બહુ ભાવે છે, પરંતુ એ કબજિયાતનું કારણ બને છે. કેળા પાક્યા ન હોય અને એની છાલ લીલીછમ હોય ત્યારે એમાં સ્ટાર્ચ (કાંજી, આર) વિપુલ પ્રમાણમાં હાજર હોય છે, જે કોન્સ્ટિપેશનનું કારણ બને છે એટલે હમેશાં પીળા પાકેલા કેળાં જ ખાવા. એમાં ઘણાં પોષક તત્વો અને ફાયબર હોવાથી એ પેટ સાફ લાવવામાં મદદ કરે છે.
૫. રિફાઈન્ડ ફ્લોર (મેંદો) : આપણાં મોર્નિંગ બ્રેકફાસ્ટમાં બ્રેડ અને બિસ્કિટ એક મસ્ટ આઈટમ બની ગયા છે. મોટાભાગના બ્રેડ અને બિસ્કિટ્સમાં મેંદો વપરાય છે અને ઘઉંમાંથી મેંદો બને છે ત્યારે એમાંથી વિટામિન બી, ડાયેટરી ફાયબર અને આયર્ન જેવા પોષક તત્વો નીકળી જાય છે. એટલા માટે મેંદાની વસ્તુઓ પચવામાં બહુ ભારે ગણાય છે અને એ કબજિયાત કરે છે એટલે બ્રેકફાસ્ટમાં ડાયેટરી ફાયબર ધરાવતી હોલ ગ્રેન્સની આઇટમ્સ સામેલ કરો.
૬. ડેરી ઉત્પાદનો : તમને જાણીને આશ્ચર્ય થશે કે દૂધ અને ચીઝ જેવા ડેરી ઉત્પાદનો લેવાથી પણ બંધકોશ થાય છે. દૂધના ઉત્પાદનોમાં જે પ્રોટિન્સ હોય છે એ પાચનતંત્રમાં ખોરાકની મૂવમેન્ટ સાવ ધીમી પાડી કબજિયાતનું કારણ બને છે એટલે જ વેગન ડાયટનો આગ્રહ રાખનારાઓ ડેરી પ્રોડક્ટસથી દૂર ભાગે છે.
૭. રેડ મીટ : માંસાહારીઓને રેડ મિટ્સની વાનગીઓ બહુ ભાવે છે. એમાં પુષ્કળ આયર્ન હોય છે, પણ ખોરાકમાં વધુ પડતું આયર્ન લેવાથી મળ એકદમ કઠણ થઈ જાય છે અને એનો ઝટ ત્યાગ નથી થતો. વળી, રેડ મિટ્સમાં નામપુરતું પણ ફાયબર ન હોવાથી એ કબજિયાત કરે છે. ફાયબરથી ઝાડો બંધાય છે અને મુલાયમ બને છે. પરિણામે મળત્યાગ સહેલી પ્રક્રિયા બની જાય છે. ડોક્ટરો એટલે જ નોન-વેજ ખાનારાઓને રેડ મિટ્સ સાથે પુષ્કળ ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપે છે.
૮. આલ્કોહલ : સૌથી છેલ્લો પણ મોટો વિલન છે આલ્કોહલ. વધુ પડતા શરાબના સેવનથી શરીરમાં આલ્કોહલ જાય છે, જે દેહમાં ડિહાઈડ્રેશન નોતરે છે. દારૂ પીવાથી વારંવાર પેશાબ લાગે છે અને પેશાબ વાટે શરીરમાંથી ઘણું બધુ પ્રવાહી બહાર ફેંકાય છે. એને લીધે કાયમ કબજિયાત રહે છે. પેટમાંથી ખોરાક આંતરડામાં જાય ત્યારે પુરતા પ્રવાહી વિના એ પચતો નથી અને આંતરડામાં જાય ત્યારે પુરતા પ્રવાહી વિના એ પચતો નથી અને આંતરડામાં જ ભરાઈ રહે છે.
- રમેશ દવે