Get The App

ઘરમાં હરતી ફરતી અને સૌને રંજાડતી માખી

Updated: Oct 5th, 2020

GS TEAM

Google News
Google News
ઘરમાં હરતી ફરતી અને સૌને રંજાડતી માખી 1 - image


ચોમાસામાં અને ખાસ કરીને ભાદરવા માસમાં માખીઓનો શહેેરોમાં તેમ જ ગામડાંઓમાં ભારે ઉપદ્રવ થાય છે. કેટલાક લોકો માખીઓના આ ઋતુમાં વધી જતાં પ્રમાણ માટે  ગંદકીને જવાબદાર ગણે છે જ્યારે ઘરડા લોકો દિલાસો આપે છે કે શ્રાધ્ધ પછી માખીઓનું પ્રમાણ ઘટી જશે.  ગમે તેમ પણ નાનકડી માખીઓ રોગચાળો વધારવામાં અને સામાન્ય માનવીની પરેશાનીઓ વધારવામાં મોટો ફાળો આપે છે.

ચેપી રોગ ફેલાવનાર માખી એ મોટેરાંઓ કહે છે તેમ છપરપગાંની નાતની છે. આમ કહેવાનું કારણ એ છે કે છપરપગાં જીવડાંની જેમ માખીઓની જીવનલીલા પણ પહેલાં ઈંડુ પછી ઈયળ અન કોશેટોના રૂપાંતરમાંથી માખી સ્વરૂપ પ્રાપ્ત કરવું એવી હોય છે.

ચોમાસામાં ભારે ત્રાસ

ઉનાળાની ગરમીમાં માખીઓનો આટલો બધો ત્રાસ જણાતો નથી. કારણ કે સખત ગરમી તે સહન કરી શકતી નથી. માંડ બે -ત્રણ  મહિનાનું આયુષ્ય ભોગવનાર માખીઓ હજારો ઈંડા મૂકતી હોય છે. ઉનાળાની ગરમીમાં  સૂકી ધરતીના કારણે તેના ઈંડા સેવાઈને બહાર આવતાં નથી. જેવો વરસાદ પડવાનો શરૂ  થાય એટલે ગરમ ધરતીમાં બાફ વધી જાય છે તેના કારણે ઉકરડા, ગમાણો અને ગંદી જગ્યાએ તેમ જ મળમૂત્રના ઢગલા સડવા લાગે છે. એ સડાના કારણે બદબૂ ફેલાવા લાગે છે. બચી ગયેલી માખીઓએએ આવા ગંદા સ્થળો પાંચસોથી હજાર જેટલા પીળાશ પડતાં, લંબગોળ ઈંડા મૂક્યા હોય તે કહોવાટથી છૂટેલા બાફ વડે સેવાય છે. આવી રીતે માખીના ઈંડા સેવાયા પછી વીસ-પચ્ચીસ દિવસમાં તો માખીઓના ધાડેધાડાં આપણી આજુબાજુ બણબણતાં જોવા મળે છે. ચોમાસામાં માખીઓનો ઉપદ્રવ વધી જવાનું આજ કારણ છે. ઈંડામાંથી થઈને માખી થતા ચાર-પાંચ દિવસ જ લાગે છે. કુદરત પોતે પણ માખીઓના વધતા જતા ઉપદ્રવને રોકવા માટે અને પ્રાકૃતિક સમતુલા જાળવવા માટે પ્રયત્નશીલ હોય છે. નાના જીવો પર નભતા પંખીઓ, કરોળિયાઓ, કાચંડાઓ, ગરોળીઓ વગેરે હજારો માખીઓનું ભક્ષણ કરી જઈને તેમની વધતી જતી વસતિનું પ્રમાણ ઘટાડે છે? કેટલીયે માખીઓ આકસ્મિક મરણ પામે છે.

નાક વિનાની  માખી

વિશાળ આંખો ધરાવતી માખી ઘણું જોઈ શકે છે. મીઠાશ  કે ગળપણની ગંધ પારખી શકે છે. પરંતુ તેને કરડવા માટે દાંત કે મચ્છરની જેમ માણસનું લોહી ચૂસવા માટેની સૂંઢ નથી હોતી. તેને જડબાં પણ નથી હોતાં. અલબત્ત તેના માથા નીચે એક સૂંઢ હોય છે. જેમાંથી તે ખાંડ, ગોળ, મીઠાઈ  વગેરે કઠણ પદાર્થો ઉપર લાળ પાડીને તેને ભીંજવે છે અને પછી ગળપણના પ્રવાહી ચૂસે છે. ગળપણની ગંધ તે પારખી શકે છે. પરંતુ સુંઘવા માટે તેને નાક પણ નથી હોતું. પાછળના પગ જ માખી માટે નાકની ગરજ સારે છે. મીઠાશ ઉપરાંત તે ગંદકીની પણ ભારે શોખીન હોય છે. ઢીલું છાણ, ઉલટી, ગળફા, લીંટ અને વિષ્ટા ઉપર   બેસીને પણ તે ગંદા પદાર્થ આરોેગે છે.

જે માખીઓ ગંદકીમાંથી પોષણ મેળવે છે  તે વાદળી ઝાંયવાળી હોય છે અને સામાન્ય માખી કરતાં શરીરમાં સહેજ મોટી હોય છે. બીજી ભૂખરાં રંગની માખી ઘરના રસોડામાં બણબણતી આજકાલ સર્વત્ર જોવા મળે છે. ભોજન સુંઘવા માટે માખીએ 'એન્ટેના' જેવા તેના પગ પર આધાર રાખવો પડે છે. ભોેજન ચાખવાનું કામ પણ માખીના પગ જ  કરે છે. તેના પગની અણીઓ પર સ્વાદ નળી હોય છે. માખીના શરીર નીચે એક નળી જેવી સંરચના હોય છે, જે 'રોસ્ટ્રમ' તરીકે ઓળખાય છે. તેના વડે તે ભોજન - રસ ચૂસે છે. ગંદકીની શોેખીન માખીની હગાર (અધાર) માં પણ રોગના જંતુઓ હોય છે. તેના પગમાં ગાદી જેવું હોવાથી તે ઉંધા માથે છત પર પણ બેસી શકે છે.

 માખીના માથા પર કુદરતે બે એન્ટેના જેવા અવયવો લગાડેલાં હોય છે. હવાના પ્રવાહની દિશા બદલાય કે તરત સાવચેત થઈને માખી પોતાના ઉડ્ડયનને બદલી નાખે છે. નર માખીના  માથાની વચ્ચે અને માદા માખીના માથાના ભાગની બંને બાજુ આંખો હોવાથી તે ભયની આગાહી સહેલાઈથી પારખી શકે છે. માખીના શરીરમાંના એન્ટેના જ તેને સૂંઘવામાં પણ ઉપયોગી નીવડે છે.

હઠીલી અને નિર્ભય

ખાઉધરી અને નીડર ગણાતી માખી ગમે તેવો ભય હોવા છતાં પાછી ફરી ફરીને જ્યાંથી તેને ઉડાડી મૂકવામાં આવી હોય ત્યાં જ આવીને બેસે એવી હઠીલી હોય છે. સ્વચ્છતાની દુશ્મન અને પોતાના રૂંવાટીવાળા પગ તથા શરીર પરના ઝીણાવાળ દ્વારા રોગના જંતુઓ પાથરી જતી માખી ભારે સ્ફૂર્તિલી હોય છે. હજી તો તેને થપ્પડ મારવા તમે હાથ ઉપાડો તે પહેલાં તો તે ઊડી જાય છે.

 માખીને  જોવા માટે મળેલી બે આંખોમાંની દરેક આંખ ૪૦૦૦ લેન્સ ભેગા કરીને બનાવેલી હોય તેવી હોય છે. (એના શરીરમાં હાડકાં નથી હોતાં) એક સેકન્ડમાં તે ૨૦૦ થી વધુ દ્રશ્યો નિહાળી શકે છે. જ્યારે માનવીનું મગજ એક સેકન્ડમાં ફક્ત ૨૪ દ્રશ્યો ઝીલી શકે છે.

કોઈ માણસ સાવ નવરો બેઠો હોય તો એવું કહેવાય છે કે, નવરો બેઠો માખી મારે છે. પરંતુ માખીઓ મારવાનું એટલું સરળ કે સહેલું નથી. ડી.ડી.ટી. છાંટવાથી પણ તે નથી મરતી. કારણ કે માખીઓએ ડી.ડી.ટી.નો પણ સામનો કરી શકાય તેવી ક્ષમતા પણ પ્રાપ્ત કરી લીધી હોય છે. રસાયણોની પણ તેના પર ઝાઝી અસર થતી નથી. વિદેશોમાં તો માખીઓને નાબૂદ કરવા માટે અનેકવિધ દવાઓ શોધાઈ છે. છતાં માખી સામેના જંગમાં માનવીનો વિજય થઈ શક્યો નથી.

 ગામડાંઓમાં ગમાણ પાસે અને ઢોરોએ કરેલી ગંદકી પાસે એક પ્રકારની માખી બણબણતી હોય છે, જે મળમાખી કહેવાય છે. આફ્રિકા અને અરબસ્તાનમાં 'ત્સે ત્સે'ના નામથી ઓળખાતી ભયંકર માખી માનવીનું અને પશુનું લોહી ચૂસી લે છે અને રોગનાં  જંતુઓ તેના શરીરમાં દાખલ કરે છે તેથી તે ધીમું મોત પણ પૂરું પાડે છે.

- ઈશિતા

Tags :