હમણાં ડાળે ડાળે વસંત મહોરી છે, વૃક્ષો વિવિધરંગી ફૂલોથી શોભી રહ્યાં છે ત્યારે ફેશન ડિઝાઈનરો પણ ઋતુને અનુસરીને પોશાક તેમ જ સાડીઓને પુષ્પોની પ્રિન્ટથી શણગારી રહ્યાં છે. તેમની તૈયાર કરેલી આ ડિઝાઈનો બૉલીવૂડની સેલિબ્રિટીઓના ખૂબસુરત શરીર પર શોભી રહી છે.
થોડા સમય પહેલા જ અભિનેત્રી પ્રિયંકાએ તેના ભાઈના વિવાહમાં અત્યાકર્ષક ફ્લોરલ ગાઉન પહેરીને વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. કોર્સેટ પેટર્નમાં ડિઝાઈન કરેલા આ ગાઉનમાં પ્રિયંકા બિલકુલ પરી જેવી લાગી રહી હતી.
ફેશન ડિઝાઈનરો કહે છે કે ફ્લોરલ પ્રિન્ટ અને કુસુમોનું ભરતકામ ફેશનેબલ મહિલાઓથી લઈને સામાન્ય યુવતીઓમાં હમેશાંથી પ્રિય રહ્યું છે અને કાયમ રહેશે. સુંદર રીતે ભરતકામ કરેલા રંગબેરંગી પુષ્પો પર નજર નાખતાં એવું લાગે જાણે તમે આંખો ઠારતા કોઈ ઉદ્યાનને નિહાળી રહ્યાં છે. અને જ્યારે આવા મટિરિયલમાંથી લહંગા, સલવાર-કુરતા-દુપટ્ટા, સાડી ડિઝાઈન કરવામાં આવે ત્યારે તે જે તે પામેલાના સૌંદર્યને નિખારે તેમાં શંકાને સ્થાન ન હોઈ શકે. સ્વાભાવિક રીતે જ ફૂલોની ડિઝાઈનવાળા પોશાક અને સાડીઓ લગ્ન સાથે સંકળાયેલા હલ્દી, સંગીત અને વિવાહ સુધ્ધાંમાં આ ડિઝાઈન પ્રિય થઈ પડી છે.
તાજેતરમાં પિતરાઈ બહેનો સોનમ કપૂર અને જાન્હ્વી કપૂરે અલગ અલગ પ્રસંગે ફ્લોરલ ડ્રેસિંગ કર્યું હતું. સોનમ કપૂર આંતરરાષ્ટ્રીય સ્તરે ફેશનિસ્ટ તરીકે જાણીતી છે તો જાન્હવી પણ ફેશન બાબતે કાચી પડે એવી નથી. સોનમ કપૂરે ફ્લોરલ મટિરિયલમાંથી ડિઝાઈન કરેલો ઘૂંટી સુધીની લંબાઈના કુરતા-ખુંલતા પાયજામા અને દુપટ્ટો ધરાવતો સુટ પહેર્યોં હતો. ક્રીમ કલરના બેકગ્રાઉન્ડમાં લાલ-ગુલાબી ફૂલો અને પાંદડાની ડિઝાઈન સાથે કુરતા-પાયજામા અને દુપટ્ટાના કિનારે લગાવેલી ગોલ્ડન બોર્ડર ગજબની સુંદર લાગી રહી હતી. સ્માર્ટ સોનમે ડ્રેસ પર ફોકસ કરવા ગળામાં કોઈ ઘરેણું નહોતું પહેર્યું. જ્યારે આખા કાન ઢંકાઈ જાય એવા ઝૂમખાં પહેરીને વિશેષ આકર્ષણ પેદા કર્યું હતું. આ પરિધાન સાથે તેના પગમાં ફૂલોની ડિઝાઈનવાળી ફ્લેટ જૂતી સોનમના આકર્ષણમાં ઉમેરો કરી રહી હતી.
બીજી તરફ જાન્હ્વી કપૂરે સફેદ પારદર્શક સાડીમાં રંગબેરંગી ફૂલોની એમ્બ્રોઇડરી કરેલી સાડી પહેરી હતી. આખી બાંય સહિત સંપૂર્ણપણે ભરતકામ કરેલા બ્લાઉઝ સાથે માત્ર બોર્ડર પર એમ્બ્રોઇડરી કરેલી સાડી ભવ્ય ભાસતી હતી. સાડી એકદમ પારદર્શક હોવાથી બ્લાઉઝમાં ભરતકામ કરેલી ફૂલોની ડિઝાઈન ઉડીને આંખે વળગતી હતી.
આ લુક અત્યંત સોબર હોવાથી જાન્હવીએ ગળામાં મોતીનું ચોકર અને કાનમાં ઝૂમખાં પહેર્યાં હતાં.
આલિયા ભટ્ટ ભાગ્યે જ સાડીમાં જોવા મળે છે. પરંતુ તાજેતરમાં એક લગ્ન સમારોહમાં આલિયા ભટ્ટે બ્રાઈટ યેલો કલરની પુષ્પોની એમ્બ્રોઇડરી કરેલી પારદર્શક સાડી પહેરીને અનોખી સ્ટાઈલ પ્રદર્શિત કરી હતી. તેણે ગળામાં ગ્રીન પેન્ડન્ટવાળું મોતીનું ચોકર પહેર્યું હતું જે તેના ડીપ નેક-સ્લીવલેસ બ્લાઉઝ સાથે પરફેક્ટ લાગતું હતું.
ટૂંકમાં એમ કહી શકાય કે પ્રકૃતિ આપણા પરિધાનનો મહત્વનો ભાગ રહી છે અને હમેશાં રહેશે.
- વૈશાલી ઠક્કર


