Get The App

લવચીક તન- લવચીક મગજ એટલે સ્વસ્થ શરીર અને તેજ દિમાગ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
લવચીક તન- લવચીક મગજ એટલે સ્વસ્થ શરીર અને તેજ દિમાગ 1 - image

- દેહને ફલેક્સિબલ બનાવતા જિમ સાથે મસ્તિષ્કને પાવરફુલ બનાવતા બ્રેન જિમનો વાયરો

સામાન્ય રીતે કોઈને હજારો અંકોનો હિસાબ કરવાનું કહેવામાં આવે તો તે કેલ્કયુલેટર કે કમ્પ્યુટરની મદદ લે. પળભરમાં તેની પાસે જવાબ તૈયાર હોય. પણ કેલક્યુલેટર કે કમ્પ્યુટરને અડયા વિના કે કાગળ પર ગણતરી માંડયા વગર જ કોઈ પળભરમાં આવા આંકડાનો જવાબ આપી દે તો? હજારો લોકોમાં એકાદ વ્યક્તિ એવી મળી આવે જેને ગણતરી માંડવા કેલ્કયુલેટર કે કાગળ-પેનની જરૂર ન પડે. તેનું મગજ જ કમ્પ્યુટરની ઝડપે ગણતરી માંડી લે. આવી વ્યક્તિ માટે આપણે મોટે ભાગે એમ કહેતા હોઈએ છીએ કે ભગવાને તેને તેજતર્રાર દિમાગની ભેટ આપી છે.

પરંતુ આવા પાવરફુલ મગજ ધરાવતા લોકોએ બીજા લોકોના દિમાગને પણ તેજતર્રાર બનાવવાનું બીડું ઝડપ્યું હોય એમ લાગે છે. તેઓ બ્રેન જિમ ચલાવે છે. અહીં આવતા આઠથી દસ વર્ષના વિદ્યાર્થીઓ પણ હજારોના આંકડા કમ્પ્યુટરની જેમ પળવારમાં ગણી નાખે છે. તેમના મગજ એટલાં લવચીક છે કે તેઓ કોઈપણ વાત અત્યંત ઝડપથી શીખી જાય છે અને તેને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.

આજે આપણને ઠેકઠેકાણે ઉઘડી રહેલા જિમ જોવા મળે છે. આવા જિમમાં શરીરને એકદમ લવચીક બનાવવાની તાલીમ આપવામાં આવે છે. દેહને જેમ વાળવું હોય તેમ વાળી શકાય એટલું લવચીક હોય તો સ્નાયુ અક્કડ થઈ જવાને કારણે થતી પીડામાં ભારે રાહત મળે છે. બલ્કે એમ કહી શકાય કે અક્કડ થઈ ગયેલા સ્નાયુનું દર્દ કોને કહેવાય તે ફલેક્ઝિબલ બોડી ધરાવતા લોકોને ખબર જ નથી હોતી. નિષ્ણાતો કહે છે કે ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં 'ફલેક્સિબિલિટી' સૌથી વધુ બોલાતો શબ્દ છે. મોટા ભાગના ફિટનેસ સેંટરોમાં 'ફલેક્સિબલ બોડી એન્ડ માઈન્ડ' આપવાના વચન આપવામાં આવે છે.

ફલેક્સિબિલિટી એટલે કે લવચીકતાનો અર્થ છે તમે તમારા અંગોને કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડયા વિના ઇલાસ્ટિકની જેમ વાળી શકો. પરંતુ મગજની લવચીકતા એટલે તમારી જરૂરિયાત મુજબ કુશળતાપૂર્વક તમારા મગજનો દોરીસંચાર કરવો.

શારીરિક લવચીકતા મેળવવા પુષ્કળ શક્તિ અને ખાસ પ્રકારના વ્યાયામ, કસરતના સાધનો અને ટ્રેનરની જરૂર રહે છે. જિમમાં કરાવવામાં આવતી કસરતો પાછળ એક ચોક્કસ પ્રકારનું વિજ્ઞાાન છે. નિષ્ણાતો કહે છે કે દરેક વ્યક્તિનું શરીર, તેની સ્નાયુ ખેંચવાની ક્ષમતા જુદી જુદી હોય છે. તેથી જુદાં જુદાં લોકોની વ્યાયામ પદ્ધતિ પણ અલગ અલગ જાતની હોય છે.

ફલેક્સિબિલિટી માટેના વ્યાયામની રીત જે તે વ્યક્તિના પોશ્ચર અને તેની શારીરિક શક્તિ જોઈને નક્કી કરવામાં આવે છે. જો સંબંધિત વ્યક્તિ પૂરતી મજબૂત અને તંદુરસ્ત ન હોય તો તેને કસરત અને ચોક્કસ પ્રકારના પથ્યની સલાહ આપવામાં આવે છે. ત્યાર બાદ તેનામાં પૂરતી શક્તિનો સંચાર થાય, તે મજબૂત અને તંદુરસ્ત બને પછી તેની ફલેક્સિબિલિટી ટ્રેનિંગનો આરંભ થાય છે.

શરૂઆતના તબક્કામાં શરીરને ખેંચવાની સરળ કસરત કરાવવામાં આવે છે. ત્યાર બાદ ધીમે ધીમે મુશ્કેલ વ્યાયામ તરફ આગળ વધવામાં આવે છે. આ પ્રકારની કસરતનો મુખ્ય મંત્ર છે. 'શ્વાસ લો અને શરીરને ખેંચો'. આવા જિમમાં પગ ખેંચવા માટેના સળિયા, રેસિસ્ટન્ટ ટયુબ અને જિમ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધનો એવી રીતે ડિઝાઈન કરવામાં આવે છે જેથી સ્નાયુને ઇજા ન પહોંચે.

આ વ્યાયામમાં યોગનો ઉમેરો પણ કરવામાં આવે છે. મોટા ભાગના યોગમાં શરીરને હળવેથી ખેંચવાનું હોય છે. ૧૨ પ્રકારના પોશ્ચર ધરાવતા 'સૂર્યનમસ્કાર'થી શરીરના અકડાઈ ગયેલા સાંધા ખુલે છે અને સ્નાયુ પણ લવચીક બને છે. એક વખત સ્નાયુ લવચીક બની જાય પછી સઘળી સમસ્યાઓને સરળતાથી હલ કરી શકાય છે. નિષ્ણાતો કહે છે કે શરીરને લવચીક બનાવવા માટે યોગ સૌથી યોગ્ય વ્યાયામ છે. તમે એક વખત યોગાસનો શીખી લો પછી તે ક્યારેય ભૂલી શકાતા નથી. તમે થોડા સમય સુધી યોગાસન કરવામાંથી વિરામ લો તોય તેનો પુન:આરંભ કરો ત્યારે ઝાઝી તકલીફ નથી થતી. એક ફિટનેસ ટ્રેનર જણાવે છે કે હું પાંચ વર્ષ પહેલાં યોગાસનો શીખી હતી, છતાં આજે પણ માત્ર ૧૦ મિનિટના વોર્મ-અપ પછી હું યોગાસન કરી શકું છું.

જે લોકોએ ક્યારેય વ્યાયામ ન કર્યો હોય તે લોકો પણ ફલેક્સિબલ થવા માટેની કસરત ગમે તે ઉંમરમાં કરી શકે છે. અલબત્ત, વધતી જતી વય સાથે સ્નાયુઓની લવચીકતા ઘટતી જાય છે. અકડાઈ ગયેલા સ્નાયુને અચાનક જોરથી ખેંચવામાં આવે તો તે ખેંચાઈ જવાનો અથવા હાડકું તૂટી જવાનો ભય રહે છે. તેથી ટીવીના પડદે કે અન્ય કોઈને અંગો વાળવાની કસરત કરતાં જોઈને તેને અનુસરવાની ભૂલ ન કરવી. આ એક અત્યંત ધીમી અને સ્થિર પ્રક્રિયા છે. ફલેક્સિબિલિટી ઓક્સસાઈઝનો આરંભ માત્ર અને માત્ર નિષ્ણાત ટ્રેનર દ્વારા જ થવો જોઈએ.

એક ટ્રેનર પોતાનો અનુભવ જણાવતાં કહે છે કે હું માત્ર ત્રણ વર્ષનો હતો ત્યારથી કરાટે શીખતો હતો. પાંચ વર્ષની વયમાં મેં નૃત્ય શીખવાનું શરૂ કર્યંુ. મેં અલગ અલગ પ્રકારના ડાન્સની તાલીમ લીધી. અલબત્ત, નાની વયમાં આપણું શરીર લવચીક જ હોય. પંદર વર્ષની વય સુધી હું ડાન્સ કરતો રહ્યો અને ત્યાં સુધી મારું શરીર એકદમ ફલેક્સિબલ રહ્યું. પણ થોડાં વર્ષના અંતરાલ પછી જ્યારે મેં ફરીથી નૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને થોડી મુશ્કેલી થઈ. મારાં સ્નાયુ અક્કડ થઈ ગયા હતા. જોકે થોડાં પ્રયત્ન પછી હું ફરીથી અગાઉની જેમ નૃત્ય કરી શકું છું. નવું નવું ડાન્સ શીખનારાઓ પણ એકાદ-બે મહિનાની તાલીમ પછી લવચીક રીતે નૃત્ય કરી શકે છે. જોકે ઘણાં લોકો તેમની શારીરિક સમસ્યાઓ દૂર કરવા ખાતર જ ફલેક્સિબિલિટી ઇચ્છતા હોય છે. ૩૮ વર્ષીય વર્ષા સવારના પથારીમાંથી ઊઠે ત્યારે તેના શરીરમાં તાજગીના સ્થાને દર્દ હોય. રાતભરમાં અકડાઈ ગયેલા સ્નાયુને કારણે તે વેદના અનુભવતી હોય. થોડા સમય સુધી દવા કર્યા પછી વર્ષાએ વ્યાયામ કરવાનું શરૂ કર્યું. તેનો આ નિર્ણય તેના માટે રાહતદાયક પુરવાર થયો. તેનું દર્દ પીડા ગાયબ થઈ ગયા. હવે તે સવારના ઊઠે ત્યારે તાજીમાજી હોય છે. તેની ફિટનેસ ટ્રેનરે તેને સૌથી પહેલાં તો તેના સ્નાયુને મજબૂત બનાવતી કસરત કરાવી હતી. અને ત્યાર બાદ સ્નાયુને લવચીક બનાવતી. ચાર મહિનાની યોગ્ય તાલીમ પછી તે માત્ર તાજગી જ નથી અનુભવતી, પણ નૃત્ય સુધ્ધાં કરી શકે છે.

મોટા ભાગે ચાળીસી વટાવી ગયેલી માનુનીઓને એમ લાગતું હોય છે કે હવે તેમની જુવાની ઢળી રહી છે. બાળકો મોટાં થઈ ગયા છે. હવે બધું ખતમ થવા બેઠું છે. આવી માનસિકતાને લીધે તેઓ શારીરિક અને માનસિક રીતે સુસ્ત બની જાય છે. તેમનું જીવન જાણે કે નિસ્તેજ થવા લાગે છે. પણ ફલેક્સિબિલિટી એક્સસાઈઝ તેમનામાં ચમત્કારિક ફેરફાર લાવવામાં સહાયક બને છે. તેમનો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો ફરે છે. ૪૩ વર્ષીય સુવર્ણાબેને આ પ્રકારની કસરત શરૂ કરી ત્યાર બાદ તેમના ચહેરા પર અનોખી રોનક જોવા મળે છે. તેઓ કહે છે કે આવું હળવું અને લવચીક શરીર મેળવીને મને લાગે છે, જાણે હું ફરીથી યુવાન બની ગઈ છું.

ફિટનેસ ટ્રેનરો કહે છે કે બેઠાડુ જીવનશૈલીને કારણે લોકોના શરીર સ્થૂળ બની રહ્યાં છે અને સ્નાયુ અક્કડ. પરંતુ આરંભના દોઢેક મહિનાના હળવા વ્યાયામ પછી ફલેક્સિબિલિટી વર્કઆઉટ કરવામાં આવે તો શરીર લવચીક બને છે. આ કસરત અઠવાડિયામાં ત્રણેક વખત, ૪૦ મિનિટ સુધી કરવામાં આવે તોય પૂરતું થઈ રહે છે. તેનાથી મૂડ પણ તાજોમાજો થઈ જાય છે.

કોર્પોરેટ કંપનીઓ તેમના કર્મચારીઓના મગજ ચુસ્ત-ચપળ રાખવા તેમને બ્રેન જિમમાં જોડાવા પ્રોત્સાહિત કરે છે. બ્રેન જિમ એ ૨૭ સરળ વ્યાયામનો સમૂહ છે. તેનાથી વ્યક્તિ પોતાની જરૂરિયાત  મુજબ પોતાના મગજને રિલેક્સ અથવા કાર્યરત કરી શકે છે. તે મગજમાં ઊંડે દટાયેલી સ્મૃતિને ખોદી કાઢવામાં સહાયક બને છે. ફિટનેસ નિષ્ણાતો કહે છે કે સામાન્ય રીતે મગજ આપણા સ્નાયુને હુકમ આપે છે, પણ અમે અહીં મગજને સ્નાયુના માધ્યમથી તાલીમ આપીએ છીએ. નિષ્ણાતો માને છે કે આ વ્યાયામ મગજના બન્ને ભાગને કાર્યર્ત કરે છે. આપણું જમણું મગજ લાંબા સમયની સ્મૃતિ જાળવી રાખે છે. જ્યારે ડાબુ મગજ તર્કબદ્ધ વિચાર કરે છે. આપણા શરીરના ડાબા ભાગને જમણું મગજ કાર્યરત રાખે છે અને જમણા હિસ્સાને ડાબું મગજ. તેથી વર્ષો પૂર્વેની સ્મૃતિને ઉખેળવા જમણા મગજને પ્રોત્સાહિત કરવું પડે છે. જ્યારે કોયડો ઉકેલવા કે બુદ્ધિની ચકાસણી થાય એવું કામ કરવા ડાબા મગજને ઉત્તેજિત કરવું પડે છે.

બ્રેન જિમમાં એવો દાવો કરવામાં આવે છે કે તેઓ માત્ર મગજની કાર્યક્ષમતા નથી વધારતા પણ વિચારવાની ગતિ, લખવા-વાંચવાની ક્ષમતામાં પણ વૃદ્ધિ છે. અમે બાળકોને લખતી વખતે બન્ને હાથનો ઉપયોગ કરવાનું શીખવીએ છીએ. તેમજ વાંચવાની ઝડપ વધારવા માટે તેમની બન્ને આંખોનો અલગ અલગ ઉપયોગ કરવાની તાલીમ આપીએ છીએ. આ રીતે બ્રેન જિમમાં જતા એક ૧૨ વર્ષના બાળકની માતા કહે છે કે મારા પુત્રની ગ્રહણ શક્તિમાં ધરખમ વૃદ્ધિ થઈ છે. તે પરીક્ષાના સમયમાં તેનો સમગ્ર અભ્યાસક્રમ બેથી ત્રણ કલાકમાં પૂરો કરી લે છે. એટલું જ નહીં, તેનું પરીક્ષા પેપર પણ નિર્ધારીત સમયથી પહેલાં પૂરું થઈ જાય છે. તે એક સાથે ઘણાં બધા કામ કરી શકે છે.

મોટી વયના લોકોને પણ બ્રેન જિમ સહાયક બને છે. બ્રેન જિમમાં કરાવવામાં આવતી કસરતથી માનસિક અવરોધો દૂર થાય છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે અને હળવાં બની શકાય છે. લાંબા કલાકો સુધી કમ્પ્યુટર પર કામ કરતા લોકો માટે બ્રેન જિમ આશીર્વાદરૂપ પુરવાર થાય છે. જેમને ડરામણા સ્વપ્ન આવતાં હોય તેમને પણ તેમાંથી મુક્તિ અપાવવામાં બ્રેન જિમની ચોક્કસ પ્રકારની કસરત સહાયક બને છે. વિજ્ઞાાનીઓ માને છે કે આપણું મગજ પ્લાસ્ટિક નહીં, બલ્કે આપણા સ્નાયુ જેવું ઇલાસ્ટિક છે.

મગજને કાર્યરત રાખવા ચોક્કસ પ્રકારનો ખોરાક સહાયક નિવડે છે. જે રીતે શરીરમાં શક્તિનો સંચાર કરવા પૌષ્ટિક આહારની જરૂર પડે છે, તેવી જ રીતે દિમાગને સ્વસ્થ રાખવા પણ પૌષ્ટિક ખોરાક આવશ્યક છે. મગજના મુખ્ય ત્રણ ખોરાક છે. પાણી, ઓક્સિજન (પ્રાણવાયુ) અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર ખોરાક. નિષ્ણાતો કહે છે કે મગજનું પ્રત્યેક કાર્ય ઇલેક્ટ્રિક હોય છે. પાણી આ ઇલેક્ટ્રિસિટીના સંચાલન માટેનું ચાલક બળ છે. એક અભ્યાસ મુજબ મોટા ભાગના લોકો કાયમી ધોરણે ડિહાઈડ્રેટ હોય છે. આનો અર્થ એવો થયો કે તેમનું મગજ તેની ક્ષમતા કરતાં ઘણું ઓછંુ કાર્યરત હોય છે. તબીબો દરરોજ ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવાની ભલામણ કરે છે.

આપણે પેટ ભરીને જમીએ પછી આપણને ઊંઘ આવે છે એનું કારણ એ છે કે મગજને જે પ્રાણવાયુની જરૂર હોય છે તે પાચનક્રિયા તરફ ફંટાઈ જાય છે. પરિણામે દિમાગને પૂરતો પ્રાણવાયુ નથી મળતો. આ કારણે જ તબીબો એક સાથે ભરપેટ ભોજન લેવાને બદલે થોડા થોડા અંતરે થોડું થોડું ખાવાની સલાહ આપે છે.

આપણા મગજની કાર્યક્ષમતા વધારવા આપણા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામીન અને ખનીજ તત્વો હોય તે આવશ્યક છે. મગજમાં ન્યુરોટ્રાન્સમીટર બનાવવામાં પ્રોટીન સહાયક બને છે. કાર્બોહાઈડ્રેટ ટ્રાયપ્ટોફેન શોષવામાં મદદ કરે છે. આપણા મગજના કોષો માયલીન નામના આવરણથી ઢંકાયેલા હોય છે, જે ચરબી અને ઓમેગા-૩ ફેટ્ટી એસિડમાંથી બને છે. આને માટે આપણા ખોરાકમાં ચરબી હોવી પણ જરૂરી છે. બી-કોમ્પ્લેક્સ જેવા વિટામીન અને મેગ્નેશિયમ- મેંગેનિઝ જેવી ધાતુઓ શક્તિ-જોમનો સંચાર કરે છે. વિટમીન એ, સી અને ઈ સ્મૃતિ સંગ્રહવામાં સહાયક બને છે. જ્યારે સોડિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ વિચારવાની પ્રક્રિયાને બળ આપે છે.