Get The App

અષાઢસ્ય પ્રથમા દિવસે : સચરાચરના શ્રુંગારનો ઉત્સવ

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
અષાઢસ્ય પ્રથમા દિવસે : સચરાચરના શ્રુંગારનો ઉત્સવ 1 - image


- રિલેશનના રિ-લેસન - રવિ ઇલા ભટ્ટ

- અષાઢનાં પહેલા જ દિવસે પહેલા જ વરસાદમાં દક્ષિણ ભારતમાં રામગીરી પર્વત ઉપર એક વર્ષનો પત્નીના વિરહનો શાપ કે પછી સજા ભોગવતો યક્ષ વ્યાકુળ થઈ જાય છે. આજના સમયમાં ક્લાઉડમાં મેસેજ, ફોટો અને વીડિયો શેરિંગના જમાનામાં પણ યક્ષ દ્વારા વાદળ પાસે મોકલવામાં આવેલો સંદેશો એટલો જ રોમાંચક અને યાદગિરિઓથી ભરેલો છે.  

અષાઢ મહિનો શરૂ થયે આમ તો ઘણાં દિવસ પસાર થઈ ગયા છે. વરસાદની યુવાની એટલે અષાઢ. હવા, પાણી, વાદળ, વાતાવરણ, માણસ, મન, અને સચરાચરમાં ફૂટતી સંવેદનાનો ધોધ એટલે અષાઢ. આવા આ અષાઢનો માહોલ ધીમે ધીમે જામતો જાય છે. ચારેતરફ વરસાદી વાતારવણ આનંદ અને હરખની હેલીઓ વરસાવતું જાય છે. સજીવ સૃષ્ટિનું મન મોર બનીને થનગાટ કરી રહ્યું છે. મોસમ જામતી જાય છે અને દિવાનગી આવતી જાય છે. કેટકેટલાય જુવાનીયાઓના હૈયે તો એક જ વાત રમતી હશે કે, બસ કોઈ પ્રિયપાત્રનો સાથ મળી જાય. આ લાગણીઓ ખરેખર વરસાદમાં જ ઉભરાતી હોય છે. બાકીની ગમે તે સિઝન હોય પણ મનમાં જે આનંદના શેરડા ફૂટે તે ચોમાસું જ હોય. બહાર વરસાદ અને અંતરમાં કોઈનો સાદ સાથે ઉભરી આવે ત્યારે જીવતર તરબતર લાગતું હોય છે. આ એક જ સિઝન એવી છે જેમાં વરસાદ સિવાય માણસ હોય કે અબોલ પશુઓ તેમની લાગણીઓ પણ મન મૂકીને વરસી પડતી હોય છે. 

આપણે ત્યાં ચોમાસાનું વર્ણન ખોટી રીતે અને ખોટા પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવ્યું છે. આપણે ત્યાં રજૂ થતી ફિલ્મો, સિરિયલો, વેબ સિરીઝ કે પછી અન્ય કન્ટેન્ટમાં વરસાદ એટલે માત્રને માત્ર શારીરિક ચેષ્ટાઓની ઋતુ. આ એક કુદરતનો ક્રમ છે પણ માત્ર આ જ ક્રમ છે તેવું ચિતરવું ખરેખર યોગ્ય નથી. આ ઋતુમાં કામજ્વર પ્રગટે તે સ્વાભાવિક છે પણ માત્ર કામજ્વરમાં જ વિજાતિય પાત્રો રચ્યાપચ્ચા રહે કે માત્ર શારીરિક ચેષ્ટાઓ જ થયા કરે તે બતાવવું થોડું વધારે પડતું હાસ્યાસ્પદ અને કંટાળાજનક પણ છે. હકિકતે જો ખરેખર ચોમાસાને માણવું હોય તો શ્રુંગાર રસને જાણવો પડે. તેને ચોક્કસ સ્તરે માણવો પડે તો તેનો ખરો આનંદ છે. ભારતીય સાહિત્ય તરફ નજર કરીએ તો ખ્યાલ આવે કે કવિઓ બારે મેઘ ખાંગા થાય તેમ શૃંગાર રસ ઉપર વરસ્યા હતા. ઈરોટિક અને સેન્સ્યુઅલ, સિડક્ટિવ અને સેક્સિઝમથી ભરેલું સાહિત્ય ભારતમાં જ રચાયું હતું. તેમાંય જો વાત્સ્યાયનનું કામસૂત્ર તો આખેઆખો કામજીવનો દરિયો છે. સાહિત્યમાં સેન્સ્યુઆલિટીની વાત કરીએ તો કવિ કાલિદાસના સર્જનો તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમાંય વરસાદી માહોલમાં મેઘદૂતમને કેમ ભુલી જવાય.

આપણું સંસ્કૃત સાહિત્ય આવા સર્જનોથી ભરેલું પડયું છે. અષાઢી માહોલમાં થતાં વરસાદ અને વાસનાનું કોમ્બિનેશન, સેક્સ અને સાવનનું કોમ્બિનેશન કે પછી વિરહ અને વ્યાકુળતાનું કોમ્બિનેશન શોધવા જઈએ તો મેઘદૂતમ્ જ મળે. પહેલાં વરસાદ બાદ જેમ પછી પર્વત ઉપરથી નાના નાના ઝરણા વહેતા તળેટીમાં આવે તેમ આ રચનામાં અનેક સ્થળે શૃંગારીક ભાવ વહેતો જોવા મળે છે. વિરહની વેદના વચ્ચે પણ જીવાયેલી જિંદગીના રોમાન્સને ઉજાગર કરતો આ પ્લોટ આખે આખી ફિલ્મ અને વેબસિરિઝ બનાવાય તેવો સબ્જેક્ટ છે.

અષાઢનાં પહેલા જ દિવસે પહેલા જ વરસાદમાં દક્ષિણ ભારતમાં રામગીરી પર્વત ઉપર એક વર્ષનો પત્નીના વિરહનો શાપ કે પછી સજા ભોગવતો યક્ષ વ્યાકુળ થઈ જાય છે. આજના સમયમાં ક્લાઉડમાં મેસેજ, ફોટો અને વીડિયો શેરિંગના જમાનામાં પણ યક્ષ દ્વારા વાદળ પાસે મોકલવામાં આવેલો સંદેશો એટલો જ રોમાંચક અને યાદગિરિઓથી ભરેલો છે. વિરહના આઠ મહિના જ્યાં ત્યાં પસાર થઈ ગયા પણ જેવી વરસાદની ઋતુ આવી કે યક્ષની અંદર રહેલો પતિ, પ્રેમી, પુરુષ જાગી ઉઠયો. પોતાની પ્રિય પત્ની સાથેના સહવાસને યાદ કરીને તે વધારે નિ:સાસા નાખે છે. આવા વિરહ વચ્ચે તે વરસાદથી છલોછલ ભેલા મેઘને પોતાનો દૂત બનાવીને મોકલે છે. ભારતીય શૃંગાર વૈભવ જો સંસ્કૃતિના બદલે ખરેખર સાહિત્યના નામે વિદેશમાં લખાયો હોત તો આજે તેની ગણના બેસ્ટ સેલરમાં થતી હોત. કાલિદાસના વંશજોને ત્યાં આજે પણ ટંકશાળ પડતી હોત.

વ્યક્તિમાં કામાગ્ની પ્રજ્વલિત થાય ત્યારે તે કેટલો વ્યાકુળ હોય છે તે યક્ષને જોઈને જ સમજી શકાય છે. અહીંયા કાલિદાસે વરસાદને નેત્રવિલાસ ગણાવ્યો હતો. વરસાદ દરમિયાન થતી વીજળીના કારણે સ્ત્રીઓ વારંવાર ગભરાઈને નેત્રો બંધ કરે છે અને ખોલે છે તેથી વરસાદ નેત્રવિલાસનું પાત્ર બને છે. આમ્રકુટ પર્વત ઉપર વરસાદી વાદળો જ્યારે સ્થિર થશે અને જે ગોળાઈનું સર્જન થશે તે પૃથ્વીના સ્તન જેવી હશે. વેત્રવતી નદીની જ્યારે ઉપમા આપવામાં આવે છે ત્યારે કવિ કહે છે કે, સ્ત્રી અને પુરુષ જ્યારે ચુંબન કરવામાં સરાબોળ હોય છે ત્યારે જે આવાજ ઉત્પન્ન થાય છે કે આ નદીના જળનો છે. 

યક્ષ આ દરમિયાન મેઘને વિદિશા નગરીમાં થોડો આરામ કરવા કહે છે. યક્ષ કહે છે કે, આવા ઉત્તેજક માહોલમાં નગરના યુવાનો પોતાની ઉત્તેજના શાંત કરવા વડીલોથી છુપાઈને પર્વત અને જંગલોમાં આવેલી ગુફાઓમાં ગણિકાઓ અને પ્રેમિકાઓ સાથે સહવાસ માણતા હશે. આ દરમિયાન તેમના શરીર ઘસાવાથી અને પ્રસ્વેદના બિંદુઓથી તેમના શરીર ઉપર લગાવેલું ચંદન વધુ સુગંધિત થઈને હવામાં પ્રસરશે. અહીંયા સ્ત્રીઓને પણ જે કામજ્વર ઉપડે છે તેને શબ્દો કે લખાણો થકી નહીં પણ ઉપમાઓ થકી લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. સ્ત્રીઓ પોતાના કપડાંને રમાડવા કે પછી નાભી દર્શન કરાવવું કે પછી વરસાદમાં પલળેલા વાળને સહેજ ઝાટકો આપીને પોતાના પ્રિયતમને ચહેરાને ભીંજવી દેવા જેવી ચેષ્ટાઓ થકી આમંત્રણ આપતી હોય છે.  નદી અને વરસાદમાં નહાતી સ્ત્રીનું પણ એકદમ ઈરોટિક વર્ણન કાલિદાસે કર્યું છે. અત્યારની પેઢીને તો બેવોચમાં દરિયા કિનારે ફરતી લાલ કોસ્ચ્યુમવાળી માનુનીઓ કે પછી બોલિવૂડની ફિલ્મોમાં ટૂ પીસ બિકિનીમાં શાવર બેથ કે પછી સ્વિમિંગપૂલ અથવા તો દરિયામાંથી બહાર નીકળતી હિરોઈનો જ ખબર છે. તેના કરતાં પણ વધારે ઈરોટિક સ્થિતિ કાલિદાસે વર્ષો પહેલાં કલ્પી હતી. નદીને વરસાદમાં પલળેલી સ્ત્રીની ઉપમા આપી છે. નદીના પટને તેની કાયા અને પ્રવાહને તેના વસ્ત્રોની ઉપમા અપાઈ છે. નદીના શ્વેત અને ટેકરાવાળા પટને તેના ઉન્નત નિતંબોની સાથે સરખાવાયા છે. વરસાદી માહોલમાં કામજ્વરથી પિડાતી સુંદરી જ્યારે પોતાના ભીના વસ્ત્રોને ઢીલા મૂકીને છતાં પોતાના હાથથી પકડી રાખીને પોતાના પ્રિયતમને આકર્ષે છે તેવી રીતે નદીને રજૂ કરાઈ છે. 

યક્ષ આ વર્ણનો સાથે પોતાની પ્રિયતમા જ્યાં છે તે અલકાનગરી સુધી પહોંચી જાય છે. અહીંયા જે અલકાનગરીનું વર્ણન કરે છે તે અદ્વિતિય છે. વરસાદી માહોલમાં કામોત્તેજક પુરુષો અને સ્ત્રીઓ પોતાની હવેલીઓ ઉપર આવેલી અગાસીઓમાં રતિક્રિડામાં પ્રવૃત્ત થઈ જાય છે. અહીંયા ફોરપ્લેનું જે વર્ણન છે તે પોર્નોગ્રાફિના રવાડે ચડેલી પેઢીને ક્યારેય સમજાય તેમ નથી. તેમાં લખે છે કે, પોતાની પ્રિયતમાઓ અને રૂપાંગનાઓને લઈને મદિરાપાન કરી રહ્યા છે. તે ઉપરાંત સ્ત્રીઓના વિવિધ વળાંકો ઉપર તેમના હાથ ફરી રહ્યા છે. સ્પર્શસુખથી ઉત્તેજીત આ માનુનીઓના વસ્ત્રો આ સહજ મસ્તીમાં શરીર ઉપરની પકડ ગુમાવી રહ્યા છે. પુરુષો મદિરાના નશામાં હોવા છતાં ધીમે ધીમે વસ્ત્રો શરીરથી અલગ કરતા જાય છે. વારંવાર ચુંબન કરવાથી બંનેના હોઠ બિંબફળ જેવા લાલ થઈ ગયા છે. આ દરમિયાન અગાસીના થાંભલા ઉપર લગાવેલા રત્નો અને કાચના કારણે દીવાની ચમક આ સ્ત્રીઓના શરીર ઉપર રેલાય છે. સ્ત્રીઓ તેનાથી શરમાઈ જાય છે. 

કાલિદાસની આ કલ્પના હતા જે આપણા આધુનિક ઈમેજનીશનને પણ પાની કમ ચાય જેવી કરી નાખે છે. અશ્લિલતા, ઉત્તેજના અને શૃંગાર વચ્ચે જે પાતળી ભેદરેખા છે તે આ છે. યક્ષ અહીંયા પોતાની પ્રિયતમા એવી પદ્મીનીનું વર્ણન કરે છે. મેઘને તે સમજાવે છે કે, તું મારી પત્નીને કેવી રીતે ઓળખીશ. પોતાની પત્નીનું તે વર્ણન કરતા કહે છે કે, શિયાળામાં પ્રેમની હુંફ અને ઊનાળામાં શિતળતા આપતું એવું તેનું સુડોળ શરીર છે. નાજુક નમણી મારી નાર બહુ ઊંચી કે બહુ નીચી નથી. ફુલની કળી જેવા તેના હોઠ છે અને તેમાં માણેક જેવા ચમકતા દાંત છે. તેની અત્યંત પાતળી કમર અને તેમાં ઉંડી અને ગોળ નાભી છે. તેનાથી ઉપર ઉંચા વિશાળ 'કુંભ' જેવા વક્ષ: સ્થળ છે. ઉન્નત ઉરોજોના ભારને લીધે કમર સ્હેજ નમી ગઈ હશે. તે ઉપરાંત ઘાટીલા વર્તુળાકાર નિતંબોના વજનને લીધે મલપતી ચાલે ચાલતી એ સ્ત્રી મારી પ્રિયતમા હશે. તેનાથી પણ આગળ વધતે તે કહે છે કે, અત્યારે તો મારા વિરહમાં તેની કમનીય કાયા સુકાઈ ગઈ હશે. વિખારેયલા વાળ, રડી રડીને લાલ થઈ ગયેલી આંખો, સતત નિ:સાસા નાખવાના કારણે વ્યથિત વદન વગેરેના કારણે તું એને ઓળખી નહીં શકું. તે વીણા વગાડતી હશે પણ તેના સૂર યોગ્ય નહીં હોય.

વરસાદ તો વરસાદ છે તેનું કામ જ વરસવાનું છે. લાગણી હોય તો ભીંજાવાય અને ન હોય તો પલળી જવાય તેવો સાદો નિયમ છે. સંબંધોનું પણ એવું જ છે. જેવી સંવેદનાઓ સાદ કરવા માંડે કે લાગણીઓ ધમધોકાર અને મન મૂકીને વરસી પડતી હોય છે. આવી લાગણીઓ, માગણીઓ અને ઈચ્છાઓ આપણને થતી રહે અને પ્રિયજન વરસાદ બનીને ભીંજવતુ રહે તેવી કામના. આપણી આ જ લાગણીઓને શ્યામ ઠાકોરના શબ્દો દ્વારા કાવ્યમય થઈને ભીંજવીએ...

'શુષ્ક છું પલળી જવું છે વાત કર વરસાદને

ક્યાંક પણ ઊગી જવું છે વાત કર વરસાદને'

Tags :