- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- તહેવારો તો પહેલાં જેવા જ છે પણ આપણે બદલાઈ ગયા છીએ. આપણામાં રહેલો ઉત્સાહ, ઉમળકો અને તહેવારને માણવાની ફિતરત હવે બદલાઈ ગઈ છે. ઉપજાવી કાઢેલા સ્ટ્રેસ અને બીઝી લાઈફના નામે જીવનના સાચા આનંદથી આપણે દૂર થતા જઈએ છીએ.
ઉત્તરાયણ આંગણે આવીને ઊભી રહી ગઈ છે. લોકો જેની આતુરતાથી રાહ જોતા હતા તે તહેવાર આવી ગયો છે. આમ તો લોકો દર વર્ષે દરેક તહેવારી આતુરતાથી રાહ જોતા હોય છે પણ જ્યારે તહેવાર નજીક આવે ત્યારે તેના સેલિબ્રેશનમાં એ આતુરતા, ઉમળકો કે પછી સ્પંદનો જોવા મળતા નથી. માણસો ધીમે ધીમે બોદા થવા લાગ્યા છે. અત્યારની જે પેઢી મોબાઈલના રવાડે ચડી છે અને તહેવારોની સાચી મજા ગુમાવવા લાગી છે તેમાં સૌથી મોટો ફાળો મા-બાપ તરીકે નિષ્ફળ નીવડેલી મિલેનિયલ પ્રજાનો છે. પોતાના બાળપણમાં અથાગ આનંદ કરનારી, અદ્વિતિય તોફાન કરનારી, દરેક તહેવારનો અનેરા આનંદની ઉજવનારી પ્રજાને હવે પોતાના સંતાનોને તહેવારો કરાવવામાં રસ જ રહ્યો નથી. રજા પડે એટલે ફરવા ભાગી જવાનું પ્રિફર કરનારી આ પ્રજા તેમના બાળપણમાં શું કરતી હતી તે ક્યારેય યાદ કરતી નથી. માત્ર સંતાનોને સમજાવા બેસે ત્યારે ફિશિયારીઓ મારતી સલાહ આપશે કે અમે નાના હતા ત્યારે ફલાણું કરતા, ઢીંકણું કરતા, પડતા-આખડતા બધું જ કરતા. હવે તમારા આ સંવેદનો, સ્પંદનો કે પછી કહેવાતી સેન્સિટિવિટી હૃદયમાંથી નીકળીને સીધી દાંતમાં સમાઈ ગઈ.
આજકાલ દર બીજી વ્યક્તિ એવું જ બોલતી હશે કે યાર દિવાળી જેવું લાગતું નથી, યાર આ તો હોળી જેવું કંઈ છે જ નહીં... નવરાત્રીમાં પહેલા જેવી મજા જ નથી. ઉત્તરાયણમાં ખાસ હવે કોઈ પતંગ ચગાવતા જ નથી. આ તમામ લોકોને સૌથી પહેલાં તો દેશવટો આપી દેવો જોઈએ ક્યાં તો શક્ય હોય તો પૃથ્વીથી જ દૂર મંગળ ઉપર મુકી આવવા જોઈએ જ્યાં તે નોકરી-ધંધા કુટી ખાય અને નિરસ જિંદગી જીવીને ત્યાં જ ગુજરી જાય. તહેવારની પોતાની મજા હોતી જ નથી. તમે તેને કેવી રીતે ઉજવો છો, કોની સાથે ઉજવો અને ક્યાં ઉજવો છો તેની મજા છે.
ઉત્તરાયણની જ વાત કરીએ તો તેમાં કેટલું મોટું પરિવર્તન આવી ગયું છે. આજની પેઢી જે ઉત્તરાયણ કરે છે અને આપણે તથા તેની પહેલાની પેઢી જે ઉત્તરાયણ કરતી હતી તેમાં કેટલો મોટો તફવાત છે. અમદાવાદમાં પણ આપણે તો મોટો તફાવત કરી નાખ્યો છે. હવે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ એવા બે ભાગ કરી નાખ્યા છે. નદીની પેલી બાજુ રહેવા જનારા લોકો પોતાને વિકસિત, એટિકેટ્સ ધરાવતા, શ્રીમંત અને કદાચ થોડા હાઈલી ક્વોલિફાઈડ અને સોફેસ્ટિકેટેડ સોસાયટીમાં રહેનારા માનતા થયા છે. બીજી તરફ પૂર્વ અમદાવાદ એટલે પોળ કલ્ચર, પોલ્યુશન, ટ્રાફિક જામ, ચોરી-લૂંટફાટ, મેનર્સ વગરની પ્રજા જેવા માની લીધેલા અને ધારી લીધેલા દુષણો બની ગયા છે. બાકી ખરેખર જોઈએ તો આજે પણ પૂર્વ વિસ્તાર અમદાવાદના ધબકારને સાચવીને બેઠું છે. પૂર્વના વિસ્તારોમાં આજે પણ તહેવારોની સંવેદના છે જે પશ્ચિમીકરણના રંગે રંગાયેલા કહેવાતા વિકસિત વિસ્તારોમાં વસતા લોકોના દાંતમાં અને મગજમાં સેન્સિટિવિટીના નામે અટવાઈ ગઈ છે.
અમદાવાદની જ વાત કરીએ તો દિવાળી પૂરી થતાની સાથે જ શહેરમાં દોરી રંગનારા ઉસ્તાદો અડિંગો જમાવવા માંડતા હતા. ઘણા લોકો અને વેપારીઓ આ ઉસ્તાદો પાસે પહોંચીને દોરી ઘસાવવાની, દોરી પીવડાવવાની અને બીજી પદ્ધતિઓ દ્વારા ઉત્તરાયણ માટે દોરી તૈયાર કરાવતા હતા. ખાસ કરીને યુપી, બિહાર, એમથી ઘણા દોરીના જાણકારો પેઢીઓથી અમદાવાદ આવીને વેપાર કરતા હતા. બે-અઢી મહિના સુધી તેઓ પરિવાર સાથે આવી જતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં દોરી ઘસવાનું કામ કરતા.
જે લોકો અત્યારે ૪૦ ઉપર પહોંચી ગયા છે તેઓ માત્ર કિશોરાવસ્થા કે યુવાનીના દિવસો યાદ કરે તો પણ ખ્યાલ આવશે કે ઉત્તરાયણનો શું ઉમંગ હતો. બધા મિત્રો કે પછી પરિવારજનો ભેગા થતા. ડિસેમ્બરના એન્ડમાં વિવિધ જગ્યાઓએ દોરીના ટેલર લેવા જતા, દોરી ચેક કરતા, કેટલાક લોકો પાસે દોરીના તાર ગણવાની આવડત હોતી અને તેમને સાથે રાખીને અથવા તો તેમની સાથે જ જવાનું તેવું નક્કી કરતા. દોરીના પણ વિવિધ પ્રકારના બજાર ભરાતા હોય છે. જૂના અમદાવાદમાં જઈએ તો તોલમાપ ઉપર મળતી દોરી આવે. તે સિવાય બ્રાન્ડેડ કંપનીઓના દોરીના કોન આવે. એક હજારવારથી શરૂ કરીને પાંચ હજારવાર સુધીના કોન આવે.
આ કોન લઈને પછી દોરી રંગનારા પાસે જવાનું. ગુલાબ રંગની, લાલ રંગની, સફેદ રંગની, કાળા રંગની દોરી રંગાવવામાં આવતી. તેમાંય ગુલાબી રંગની દોરી યુનિવર્સલ હતી. મોટાભાગના લોકો તે રંગ પસંદ કરતા. હવે જે દોરી પીવડાવતા તેઓ એક વ્હીલ જેવા ગોળાકાર ઉપર દોરી વિંટતા. તેને સરેશ, ગુંદર, સાબુદાણા, કાચનો પાઉડર, કલર અને બીજી કેટલીક વસ્તુઓના એક લિક્વિડમાંથી પસાર કરતા અને વિંટતા જતા. બીજી તરફ જે લોકો દોરી ઘસાવીને તૈયાર કરતા તેના કારીગરો અલગ હતા. તેઓ કણકી જેવા ચોખા, સાબુદાણા, સરેશ, કાચ અને કલરનો જાડો લોટ બાંધતા હોય તેવી લુગદી બનાવતા અને તેને દોરી ઉપર બે-ચાર વખત ઘસતા. તેના દ્વારા સફેદ દોરી રંગીન થઈ જતી. આ સિવાય મારામાં કાચ વધારે નાખજો. પાંચ-સાત પેચ તો કપાવા જ જોઈએ. એવી બધી વાતો કરીને પોતાની જ જાતને પોરો ચડાવતા.
દોરીનું કામ પૂરું થઈ જાય ત્યારબાદ બીજો તબક્કો આવે પતંગ લેવાનો. જાન્યુઆરીની શરૂઆત થાય એટલે પતંગ બજારમાં ગરમાવો આવતો જાય. શિયાળીની આ રાતોમાં પણ આનંદ, ઉત્સાહ અને ઉજવણીના આશાવાદનો ગરમાવો ફેલાતો જતો હતો. રાયપુર, ટંકશાળ, દિલ્હી દરવાજા જેવા વિસ્તારોમાં જ્યાં પતંગ અને દોરીનું બજાર ભરાય છે ત્યાં લોકો પહોંચી જતા. પતંગની પસંદગી માટે પણ ખાસ લોકો સાથે રાખવામાં આવતા. પતંગની કમાન, કાગળ, તેનું ફિનિશિંગ જોઈને પતંગનું પરિક્ષણ કરાતું અને ત્યારબાદ ખરીદીનો નિર્ણય કરાતો. પતંગના પણ કેટલા બધા પ્રકાર આવતા હતા અને બધા જ પ્રકાર લગભગ મોઢે યાદ જ હોય. આ બધા વચ્ચે દિવાળી પતે એટલે દર શનિ-રવિમાં ધાબે ચડીને પતંગ ચગાવવાની મજા તો શરૂ કરી જ દેવાઈ હોય. તેમાંય ડિસેમ્બરનો અંત આવતા સુધીમાં તો દર શનિ-રવિએ સાંજે ઉત્તરાયણના પ્રિ સેલિબ્રેશન જેવું લાગવા માંડતું હતું.
આ ઉપરાંત બોર, જામફળ, ચિકી, શેરડી વગેરેની લેહજત અલગ. ડિસેમ્બરના મધ્યભાગથી મોટાભાગના ઘરમાં સિંગની, તલની ચિકી બનવા લાગતી. મમરાના અને ગોળના લાડુ બનતા. બોર, જામફળ અને શેરડી તો શિયાળુ ફળ તરીકે મજાથી ખવાતા જ હોય પણ ધાબે બેસીને તેને ખાવીનો આનંદ અલગ હોય. તેમાંય ઉંધિયું અને જલેબીની લહેજત માણવાની. સવારના નાસ્તાથી શરૂ કરીને રાતના જમવાના સુધી બધો જ કાર્યક્રમ ધાબે જ થતો હતો. એકાદ-બે પતંગ ઓછા ચગાવ્યાનો અફસોસ પણ વ્યક્ત થતો હતો. રાત પડે એટલે સફેદ પતંગ ચગાવવાનો સિલસિલો પણ અદભૂત હતો.
આજે જિંદગીની કહેવાતી વ્યસ્તતા વચ્ચે નિરસતા વ્યાપી ગઈ છે. આજે કોઈની પાસે સમય નથી કે ધાબે ચડીને આંટાફેરા કરે. આજે તો છોકરા જીદ કરે ત્યારે એકાદ રવિવારે ઘરની નજીકની કોઈ દુકાનમાંથી એકાદ-બે ફિરકી લેવાની, કિન્ના બાંધેલા બે-પાંચ કોડી પતંગ લઈ લેવાના. નિરસતાની શાલ ઓઢીને બે દિવસ ફરતા રહેવાનું અને યાર હવે પહેલાં જેવા તહેવારો રહ્યા નથી તેવા વાક્યો બોલતા રહેવાના. મજાની વાત એ છે કે, વિકસિત થયેલી પ્રજા જે પશ્ચિમમાં આળોટે છે તે ઉત્તરાણય માટે કોટ વિસ્તારમાં મકાનો ભાડે લેતી થઈ છે. જો કે આ તહેવાર માટે નહીં પણ સ્ટેટસ સિમ્બોલ માટે કરાઈ રહ્યું છે. સવારના બ્રેકફાસ્ટથી શરૂ કરીને ડિનર સુધીના બે દિવસના પેકેજ ઉપર ધાબુ ભાડે લઈ લેવાનું. તેમાં દારૂ અને તેની સાથેની વ્યવસ્થા જાતે કરવાની. આજે મોટાભાગે ધાબાઓ ઉપર દારૂની રેલમછેલ ચાલતી હોય છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં દારૂબંદી છે છતાં હોમડિલિવરી સરળતાથી થાય છે. ઉત્તરાયણમાં મોટાભાગના ધાબામાં રાત્રે આવી જગજાહેર છતાં ગુપ્ત પાર્ટીઓ ચાલતી જ હોય છે.
જે લોકોને તહેવાર ઉજવવો નથી અથવા તો હવે ધાબા ઉપર મજા નથી આવતી, તડકો વધારે હોય છે, આવી ગરમીમાં ક્યાં ધાબે જવાનું, મજા નથી આવતા જેવા બહાના કાઢે છે તેઓ ખરેખર દરેક તહેવારને આ રીતે નિરસ બનાવી રહ્યા છે. તહેવારો તો પહેલાં જેવા જ છે પણ આપણે બદલાઈ ગયા છીએ. આપણામાં રહેલો ઉત્સાહ, ઉમળકો અને તહેવારને માણવાની ફિતરત હવે બદલાઈ ગઈ છે. ઉપજાવી કાઢેલા સ્ટ્રેસ અને બીઝી લાઈફના નામે જીવનના સાચા આનંદથી આપણે દૂર થતા જઈએ છીએ.


