- લીલી અને તાજી ભાજીઓમાં લોેહતત્ત્વ, ક્ષારો તથા ક્લોરોફિલ નામનું 'લીલુ' તત્ત્વ રહેલું હોય છે. જે પ્રબળ જંતુનાશક હોય છે. અને તેનાથી દાંતનો સડો નાશ પામે છે. વળી ભાજીના ક્ષારો લોહીની અમ્લતાને ઘટાડે છે કે તેનું નિયમન કરે છે. ડાયાબીટીસના દર્દી માટે પણ મેથીની ભાજી ગુણકારી ગણાઈ છે.
રોજ મેથી ખાવાથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે એટલું જ નહીં પણ જેનાથી હૃદયરોગ થાય છે એ કોલેસ્ટ્રોલના પ્રમાણમાં પણ ઘટાડો કરે છે. એમ હૈદરાબાદસ્થિત નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ન્યુટ્રિશન (એનઆઈએન) ના વિજ્ઞાાનીઓએ કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે.
બે વર્ષ અગાઉ મેથીના ગુણકારી લાભોની જાણ કરનાર એનઆઈએનના વિજ્ઞાાનીઓએ હવે સાબિત કર્યું છે કે ઈન્સ્યુલિન પર આધાર રાખતા ટાઈપ-વન ડાયાબિટીસના દરદીઓ માટે પણ મેથી અસરકારક છે.
મેથી લોહીમાંના ગ્લુકોઝના પ્રમાણને નીચું લાવે છે અને મૂત્રમાં ગ્લુકોઝના પ્રમાણને ૬૪ ટકા જેટલું ઘટાડે છે. દસ દિવસમાં જ મેથી તેનો આ પ્રભાવ બતાવે છે એમ આ અભ્યાસ કરનારા નવ વિજ્ઞાાનીઓમાંના એક ડૉ.ટી.સી. રઘુરામે કહ્યું હતું.
ભારતમાં ઘેર ઘેર મસાલા તરીકે વપરાતી મેથી કરિયાણાની કોઈપણ દુકાનેથી ઉપલબ્ધ થઈ શકે છે. તેનો સ્વાદ કડવો છે પરંતુ તેના સ્વાદને ફેરવી શકાય અથવા અન્ય મસાલા જોડે મેળવીને તેની કડવાશ ઓછી કરી શકાય.
એનઆઈએને પ્રયોગો દરમિયાન કડવાશરહિત મેથીને રોટલી જોડે મેળવી દઈને દરદીઓને ભોજન દરમિયાન આપી હતી.
મેથીને ભાત, દાળ, શાક કે ચટણીમાં ઉમેરી શકાય અથવા તેના લોટને પાણી કે છાશમાં ભેળવીને ભોજનની ૧૫ મિનિટ અગાઉ લઈ શકાય એમ ડોક્ટરે કહ્યું હતું.
રોજ કેટલા પ્રમાણમાં મેથી લેવી જોઈએ તેનો આધાર ડાયાબિટીસના પ્રમાણ પર રહેલો છે. મેથી લેવાનું આ પ્રમાણ ૨૫થી લઈને ૧૦૦ ગ્રામ સુધીનું હોઈ શકે.
શરૂઆતમાં ભોજન સમયે સવાર-સાંજ બે ટેબલસ્પૂન મેથી લઈ શકાય.
સાથે સાથે ડોક્ટરે એ બાબતથી વાકેફ કર્યા કે મેથી ફક્ત પૂરક ઉપચાર પધ્ધતિ છે. ભોજનમાં તેના ઉમેરાથી ડાયાબિટીસના દરદીએ લેવી જોઈતી દવાની જરૂરિયાત ઘટાડે છે. લોહીમાં સાકરનું પ્રમાણ હોય ત્યાં સુધી મેથી લેવાનું ચાલુ રાખવું જોઈએ. તેની એકમાત્ર આડઅસર પેટમાં વાયુ થવાની છે જે આપમેળે શમી જાય છે.
એનઆઈએનનો અભ્યાસ દર્શાવે છે કે મેથી સિરમ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં ડ્રિગ્લિસેરાઈડ્સના સ્તરને અંકુશમાં રાખે છે. આ બે પદાર્થો હૃદયરોગના હુમલાના જોખમને વધારે છે.
વારંવાર પેશાબ જવાની ફરિયાદનો પણ મેથી લેવાથી અંત આવે છે એમ ડોક્ટરે કહ્યું હતું.
મેથી વધુ પ્રમાણમાં લેવાય ત્યારે જ તેની અસર વર્તાય છે. હાલમાં બજારમાં વેચાઈ રહેલી દવામાં મેથીનું પ્રમાણ ખૂબ ઓછું છે.
એનઆઈએને મેથીયુક્ત ૨૫ વાનગીઓ તૈયાર કરી છે જેમાંથી ૧૩ નમૂનારૂપ ચકાસણીમાં સ્વીકાર્ય માલૂમ પડી છે.
ડાયાબિટીસના દરદીઓ આસાનીથી તૈયાર કરી શકે એવી મેથીની કેટલીક વાનગીઓ વિશેની પુસ્તિકા ડાયાબિટીસ એન્ડ ડાયેટનું પ્રકાશન એનઆઈએન ટૂંક સમયમાં જ કરશે.
ચોમાસું આવ્યું એટલે મેથીની ભાજી જાણે કે ખુશીથી બજારમાં આવી ગઈ. વરસાદમાં કુદરતી રીતે જ મેથીના ગોટા, થેપલા કે શક્કરપારા જેવા નાસ્તા ખાવાનું મન થાય. આપણને એમ જ થાય કે મેથીની ભાજીનું કંઈક ખાઈએ, ભલે પછી તે મેથી રીંગણનું શાક પણ કેમ ના હોય? કુદરત પણ ઠંડીમાં મેથીમાં કડવાશ ઘટાડે છે અને એક અનેરો સ્વાદ આપે છે. ગુજરાતમાં મેથીની ભાજી ખરેખર લોકપ્રિય છે એ આનંદની વાત છે ઉંધિયા જેવી વાનગીમાં ખાસ મેથીના મૂઠિયા નાંખવામાં આવે છે, અને ઉંધિયુ ખાતા બધા જ એકાદ મૂઠિયું પોતાના ભાગમાં આવે એવું શોેધતા હોય છે. મેથીના મૂઠિયા ખાવાથી પાપડીથી થતો વાયુપ્રકોપ કપાઈ જાય છે. અગર તો, થતો નથી. આમ મેથીનો ગુણ પણ જાણીતો છે. અંગ્રેજીમાં તેને ફેન્યુગ્રી ખીહેયિીી કહે છે.
લીલી અને તાજી ભાજીઓમાં લોેહતત્ત્વ, ક્ષારો તથા ક્લોરોફિલ નામનું 'લીલુ' તત્ત્વ રહેલું હોય છે. જે પ્રબળ જંતુનાશક હોય છે. અને તેનાથી દાંતનો સડો નાશ પામે છે. વળી ભાજીના ક્ષારો લોહીની અમ્લતાને ઘટાડે છે કે તેનું નિયમન કરે છે. ડાયાબીટીસના દર્દી માટે પણ મેથીની ભાજી ગુણકારી ગણાઈ છે. જેઓને જરા કડવો સ્વાદ ગમતો કે ફાવતો હોય તેમને આ ભાજીની વાનગીઓ ખાવી ખૂબ જ ગમે છે. માંદગીબાદ, ભૂખ મરી ગઈ હોય તેવે ટાણે પણ મેથીની ભાજી ભૂખ ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે, અને પાચન સુધારવામાં તથા બંધકોષ દૂર કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત યકૃત (લીવર) અને બરોળને કાર્યરત બનાવે છે. તેનામાં મૂત્રલ ગુણ પણ છે.
મેથીની ભાજીને એટલે કે મેથીને પૂર્વ યુરોપ અને ઈથીઓપિયાની મૂળ વતની માનવામાં આવે છે. હિંદના વાયવ્ય ભાગમાં પણ મેથી કુદરતી અવસ્થામાં ઊગતી દેખાય છે. મેથીના ફૂલ સુંદર હોય છે, અને તેનો રંગ સફેદ હોય છે. અમુક પ્રકારની મેથીના ફૂલ પીળા રંગના હોય છે. મેથી એ ઠંડી મોસમનો પાક છે તથા સાધારણ હિમ પડે તો પણ સહી શકે છે. મોટી મેથીની ભાજી જે મૂળ સાથે જ મળે છે તે વાપરવામાં સારી પડે છે, જેથી કરકર ન આવે, અને તે જરા ઓછી કડવી હોય છે. મેથીના પાન તથા કુમળી ડાંડી જ સામાન્ય રીતે વપરાય છે.
મેથીની ભાજીના પાન તથા કુમળી ઉપલી ડાંડીમાંથી સારા પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોેસ્ફરસ, લોહ તથા સારું એવું વિટામીન એ મળે છે. આમ તો તેમાંથી બધા જ પોષણમૂલ્યો વત્તા ઓછા પ્રમાણમાં મળે છે. તે ઉપરાંત તેના વૈદ્યકીય ગુણો તો ખરા જ. માટે નાના મોટા સૌએ મેથીની ભાજી જરૂરથી ખાવી જોઈએ.
કેટલીક લોકપ્રિય વાનગીઓ અત્રે આપી છે.
મેથીની ભાજીના ગોટા :
સામગ્રી : ૭૦ ગ્રામ ચણાનોલોટ, ૩૦ ગ્રામ ઘઉંનો કરકરો અગર ચાલુ લોટ, ૪૦ ગ્રામ. મેથીની ભાજી (થોડી વધારે ઓછી કરી શકાય. ઠીક લાગે તેમ)
૧/૨ બરાબર પાકેલું કેળું છુંદેલું, ૩૦ ગ્રામ દહીં, (જરાક ખાટું), મીઠું સ્વાદ પ્રમાણે, વાટેલા આદુ-મરચાં સ્વાદ પ્રમાણે, ૧/૨ ટી.સ્પૂન ધાણાજીરું, ૧/૨ ટી.સ્પૂન હળદર, ૧ ટી.સ્પૂન તેલ. (મોણ માટે) તથા તળવાનું તેલ.
રીત : મેથીની ભાજી ઝીણી સમારી, બે ત્રણવાર ધોઈને નીતારવી. ઘઉંના લોટમાં તેલ (એક ચમચી) નાંખી મોઈ લેવો.પછી ચણાનો લોટ ઘઉંના લોટમાં બધો જ મસાલો, દહીં તથા ભાજી નાખી સરસ મિક્સ કરી લેવું. ખીરું જરા ગોટા પડે તેવું જાડું રાખવું. તેલ ગરમ થયે મધ્યમ તાપે ગોટા તળી લેવા. આવા ગોટા ગરમ કે ઠંડા પણ સરસ લાગે છે.
મેથીની ભાજીનો હાંડવો
સામગ્રી : ૧૦૦ ગ્રામ હાંડવાનો લોેટ (દાળ-ચોખાનો), ૧૦૦ ગ્રામ મેથીની ભાજી-મોટી સમારેલી અગર આખા પત્તા, ૪૦ ગ્રામ ગોળ (આશરે સ્વાદ પ્રમાણે), ૨૦ ગ્રામ દહીં, ૨ ટી.સ્પૂન તલ, ૧ ટી.સ્પૂન રાઈ,૧/૮ ટી.સ્પૂન હીંગ, ૧ ટી.સ્પૂન હળદર, ૩૦ ગ્રામ ચણાની દાળ પલાળેલી અધકચરી વાટેલી, ૧.ટી.સ્પૂન તેલ, ૧/૨ ટી.સ્પૂન રાઈ, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત : હાંડવાનો લોટ અને ચણાની દાણ (વાટેલી) દહીં તથા થોડું પાણી નાંખી ૮ થી ૧૦ કલાક પલાળી રાખવો. આથો સરસ આવી જાય પછી મેથીની ભાજી તથા અન્ય મસાલો નાંખવો. સરસ મીક્સ કરવું અને તેલ લગાડેલ હાંડવાના પાત્રમાં મુકવું. વઘાર માટે તેલ ગરમ થાય એટલે રાઈ નાંખવી એ તતડે એટલે હીંગ નાંખવી, પછી તલ નાંખવા અને ઢાંકી દઈ ગેસ બંધ કરી દેવો. આ વઘાર હાંડવાના ખીરા પર રેડી લેવો. પણ હાંડવાનું પાત્ર ગેસ પર અગર ઓવનમાં જે પ્રમાણે હાંડવો કરતા હોય તેમ મૂકવું. ઉપરથી જોઈએ તેવો લાલ અગર જરા ઘેરા રંગનો પોપડો થઈ જાય ત્યારે ઉતારી લેવો. અંદરથી બરાબર ચઢી ગયો છે કે નહીં તે ચપ્પુ નાંખી (ચોંટે નહીં) જોઈ લેવું. વચ્ચેથી કે એમ જરા કાચો લાગે તો છેક ધીમા તાપે થોડીવાર રહેવા દેવો.
મેથીની ભાજીનો ગેંગો
સામગ્રી : ૧૦ ગ્રામ ચણાનો લોટ, ૫૦ ગ્રામ મેથીની ભાજી કાપેલી, ૧ ડૂંગળી, ૧ ટમેટું, ૨૦ થી ૨૫ ગ્રામ. લીલંું લસણ પણ વપરાય.
મીઠું, મરચું અને હળદર સ્વાદ પ્રમાણે ૩૦ ગ્રામ ગોળ (સ્વાદ પ્રમાણે) ૫૦ ગ્રામ છાશ (૨૫ ગ્રામ દહીં), ૧ ટી.સ્પૂન ઘી, ૧/૨ ટી.સ્પૂન રાઈ.
રીત : મેથીની ભાજી નિતારીને ધોઈ લેવી. છાશમાં ચણાનો લોટ ઓગાળી લેવો. ડુંગળી ટામેટું ઝીણા સમારી લેવા. ઘીનો વઘાર મૂકી રાઈ નાંખવી. રાઈ તતડે એટલે ડૂંગળી જરા સાંતળવી. પછી ટામેટું નાંખવું. જરા હલાવતા રહેવું. પછી છાશમાં ઓગળેલો લોટ તથા ભાજી અને અન્ય મસાલા નાખી દેવા. ધીમા તાપે હલાવતાં રહેવું જરૂરી પાણી નાંખવું, જેથી ભાજી વગેરે ચડી પણ જાય અને ખીરું જાડું પણ રહે.
થોેડીવારમાં ભાજી ચઢી જશે એટલે ઉતારી ગરમ સર્વ કરવું. જાડા રસાવાળા શાકની માફક આ વાનગી ઘણા બધા સાથે ખાઈ શકાય છે. (રોટલા, ભાખરી વગેરે)
- નયના


