દાવત : વિવિધ આચાર અને ચટણીઓ
ટમેટાનું અથાણું
સામગ્રી :
૫૦૦ ગ્રામ ટમાટર, ૧ ટુકડો આદુ, ૪ લીલા મરચાં, ૧ કપ સાકર, ૧ ચમચો લાલ મરચું, ૨ મધ્યમ કાંદા, ૬ કળી લસણ, ૧/૨ કપ વિનેગર (સફેદ), ૨ ચમચા દ્રાક્ષ, પ્રમાણસર મીઠું.
રીત :
ઊકળતા પાણીમાં ગેસ બંધ કરી, ટમેટા મૂકવા. પાંચ મિનિટ પછી બહાર કાઢી, છાલ કાઢી, બારીક કરવા, લસણ ખાંડવું, કાંદા બારીક કરવા, આદું ખાંડવુ, એક વાસણમાં બધું ભેગુ કરી ગરમ મૂકવું. ઊકળે પછી ઘટ્ટ થાય ત્યારે નીચે ઉતારી ઠંડુ થવા દેવું. બોટલમાં ભરી ફ્રીજમાં રાખવું.
કારેલાનું પંજાબી અથાણુ
સામગ્રી :
૬ તાજાં લાંબા કારેલા, ૧ ચમચો કલોંજી, ૧ ચમચો મેથી, રાઈનું તેલ પ્રમાણસર, પ્રમાણસર મીઠું, ૧ ચમચો લાલ મરચું, ૧ ચમચી વરિયાળી, પ્રમાણસર હળદર.
કારેલાંની છાલ ધળડીને કાઢવી. મીઠું લગાડી એક કલાક રાખવા. પાણીથી ધોઈ નાખવા. નાના ગોળાકારમાં કાપવા. તડકામાં એક દિવસ રાખવા, કલોંજી, મેથી અને વરિયાળી ખાંડવા. કારેલામાં ભેળવવા. બરણીમાં મૂકી, મીઠું લાલ મરચું અને હળધર નાખવા. રાઈનું તેલ ડૂબતું નાંખી ઢાંકીને રાખવું. ત્રણ દિવસ પછી ઉપયોગમાં લેવું.
સફરજનની ચટણી
સામગ્રી :
૧ કિલો સફરજન, ૧૦૦ ગ્રામ કિસમિસ, ૩/૪ કપ વિનેગર, ૩ ટુકડા તજ, ૧ ટુકડો આદુ, ૨૫૦ ગ્રામ કાંદા, ૫૦૦ ગ્રામ બ્રાઉન સાકર, પ્રમાણસર મીઠું, પ્રમામસર લાલ મરચું, ૧/૨ ચમચી રાઈ.
રીત :
સફરજન અને કાંદા છોલવા. બંનેના ટુકડા કરવા. કિસમિસ નાખી સૂપના સંચાની મોટી જાળીથી છીણવા. તૈયાર કરેલો માવો. સાકર, વિનેગર મીઠું અને તજના ટુકડા ભેગા કરી, એક પહોળા વાસણમાં મૂકી, ગેસ પર મૂકવું. આદુ અને રાઈ પાતળા કપડામાં બાંધી તેમાં મૂકવા. મધ્યમ તાપે ઉકાળવું. ઘટ્ટ થવા આવે ત્યારે નીચે ઉતારી, કપડાની પોટલી કાઢી લેવી. મરચું નાખી ઉપયોગમાં લેવી.
કેરીનો મુરબ્બો
સામગ્રી :
૨ કિલો રાજાપુરી કાચી કેરી, કેરી છીણવા માટે મુરબ્બાની છીણી (તૈયાર મળે છે) ૨ કિલો સાકર, ૧ ચમચી કેસરનો ભૂકો, ૨૦ ઈલાયચી અધકચરી ખાંડવી, ૧ લીટર પાણી, ૨ ચમચા દૂધ.
રીત :
કેરીની છાલ જાડી કાઢવી, લીલો ભાગ રાખવો નહીં, પાણીમાં દસ મિનિટ રાખવી. મુરબ્બાની છીણીથી લાંબી છીણ છીણવી.
સાકર અને પાણી ભેગા કરી, હલાવી, ગરમ કરવા મૂકવું. ટોપ મોટો લેવો, પાણી ઉકળે પછી દૂધ નાખવું. ઉપર કાળાશ પડતો ભાગ આવે તે ઝારાથી કાઢી લેવો. એકતારી ચાસણી થાય ત્યારે છીણ નાખવી. કેસર દૂધમાં લસોટી નાખવું. ચાસણી ત્રણ તારની (ગોળી પડતી) થાય ત્યારે નીચે ઉતારી , ઈલાયચી નાંઍખી, હલાવવું, ઠંડો પડે પછી બરણીમાં ભરવો.
રાજાપુરીને બદલે દેશી કેરી વાપરો તો સાકર ૩ કિલો લેવી. કેરીની છાલ પાતળી હશે તો છીણ ખેંચાઈ જશે.
લીંબુ -ખજૂરનું અથાણું
સામગ્રી :
૧૨ મધ્યમ કદના લીંબુ, ૧૫ ખજૂર, ખજૂર પાણીથી ધોઈ વાપરવું, ૧ કપ મીઠું, ૧/૨ કપ લાલ મરચું, ૧/૨ કપ સફેદ વિનેગર, ૧ કપ સાકર
ખજૂર પાણીથી ધોઈ વાપરવું
રીત : લીંબુને ધોઈ વચમાંથી ચાર કટકા કાપવા, મીઠું ભરી ત્રણ દિવસ બરણીમાં રાખવું. નિતારી બાજુ પર રાખવા. ખજૂરમાંથી બિયા કાઢવા, લીંબુ અને ખજૂર બારીક સમારવા. સાકર અને વિનેગર હલાવી, ધીમા તાપે મૂકી, સાકર ઓગાળવી . મરચું નાખવું. ખજૂરના ટુકડા નાખી, દસ મિનિટ મધ્યમ તાપે રાખવું. નીચે ઉતારી, લીંબુના ટુકડા નાંખી હલાવવું, ઠંડુ પડે પછી બરણીમાં ભરી થોડા દિવસ પછી વાપરવું.
કેરી અને દ્રાક્ષનું અથાણું
સામગ્રી :
૩ રાજાપુરી મધ્યમ કદની કેરી, ૨૦૦ગ્રામ દ્રાક્ષ, ૧૦૦ ગ્રામ કાજુ ્ને બદામના ટુકડા, ૬ કળી લસણ, ૧ ટુકડો આદુ, ૧/૨ કપ સફેદ વિનેગર, ૮લાલ મરચાં, ૧/૨ કપ સાકર, પ્રમાણસર મીઠું.
રીત : કેરીની છાલ કાઢી છીણવી. લસણ, આદુ ્ને લાલ મરચાં વાટી પેસ્ટ બનાવવી. જરા વિનેગર નાખી વાટવું. વિનેગર અને સાકર ધીમા તાપે ઓગાળવું. મીઠું નાખવું. પેસ્ટ નાખવી.ખમણેલી કેરી, દ્રાક્ષ, કાજુ અને બદામના ટુકડા નાખવા. મધ્યમ તાપે પાંચમિનિટ રાખવું. ઠંડુ પડે પછી બોટલમાં ભરવું.
ખજૂર અને કાજુનું અથાણું
સામગ્રી :
૫૦૦ ગ્રામ ખજૂર, ૨૫૦ ગ્રામ સાકર, ૧ કપ સફેદ વિનેગર, ૧ ચમચો મીઠું, ૧ ટુકડો આદું કાતરીને સમારવું, ૬ કળી ખાંડેલું લસણ, ૧ ચમચો લાલ મરચું, ૧/૨ કપ કાજુના ટુકડા, ૧/૨ કપ કાળી દ્રાક્ષ, ૧/૨ કપ પાણી
રીત :
ખજૂરના ઠળિયા કાઢવા. તેના વચમાંથી બે ટુકડા કરવા, સાકરમાં ૧/૨ કપ પાણી નાંખી, ઓગાળી, ગરમ કરવા મૂકવું. વિનેગર, મીઠું, આદુ, લસણ અને મરચું નાખવા. મધ્યમતાપે પાંચ મિનિટ ઉકાળવું. ખજૂર, ખાજુ અને દ્રાક્ષના ટુકડા નાંખવા. દસ મિનિટ મધ્યમ તાપે રાખવું. ઠડુ કરી ફ્રિજમાં રાખવું. આઠ દિવસ ફ્રીજમાં રાખી શકાશે. ખજૂર અને દ્રાક્ષ ધોઈને વાપરવા.