દાવત : પુલાવ, પરોઠાં, કોરમાની જયાફત
નવરત્ન કોરમા
સામગ્રી :
૧ ઝીણી સમારેલી ડુંગળી, ૧ સમારેલું સિમલા મરચું, ૧ વાટકી સમારેલું ફ્લાવર, ૧ ચમચી આદું, ૧ ચમચી લસણ, ૧ ચમચી લીલાં મરચાં, ૧/૨ વાટકી ગાજર, ૧/૨ વાટકી વાલોળ દાણા, ૧/૨ વાટકી કોબીજ, ૧/૨ વાટકી વટાણા, ૧/૨ વાટકી બટાકાં, ૧/૨ વાટકી ટામેટા કેચઅપ, ૧ ચમચી મીઠું, ૧ ચમચી મરચું, ૪ એલચીનો ભૂકો, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૪ વાટકી તાજું ક્રીમ અને ૨ ચમચા તેલ.
સજાવવા માટે : કોથમીર, ૧ ચમચો લીલા નાળિયેરની છીણ.
રીત :
કડાઈમાં તેલ ગરમ મૂકો અને દર બે બે મિનિટના અંતરે અનુક્રમે વાલોળ દાણા, ફ્લાવર, બટાકાં, ડુંગળી, વટાણા, ગાજર, આદું, લસણ, સિમલા મરચાં, કોબીજ અને લીલા મરચાં ઉમેરતાં જાવ અને હલાવતાં જાવ. લીલા મરચાં નાખ્યા પછી બે મિનિટ રહીને એમાં મીઠું, એલચીનો ભૂકો, મરચું ગરમ મસાલો અને કેચઅપ ઉમેરો. બીજી બે-ત્રણ મિનિટ સુધી બધું હલાવતાં જઈને ભેળવો. પીરસતાં પહેલાં ઉપર ક્રીમ પાથરો. તેના પર કોથમીર અને લીલા નાળિયેરની છીણ સજાવો.
અળવી ટીક્કા
સામગ્રી :
૨૫૦ ગ્રામ અળવી (બાફી છાલ ઉતારીને તૈયાર), ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરચું, ૧ ચમચી ચાટ મસાલો, ૧/૨ ચમચી ખાંડેલું ધાણા-જીરું, ૧ ચમચી આમચુર પાઉડર, ૧/૨ ચમચી લીલા મરચાંની ચટણી, ૧ ચમચી આદુની ચટણી, ૨ ચમચી અજમો, ૨ ચમચા તેલ, ૨ ચમચા ચણાનો લોટ, ૧ ચમચી જીરું, ૧/૨ ચમચી હળદર, ૧/૨ વાટકી શેકેલા પાપડનો ભૂકો.
અળવીને બાફીને છાલ ઉતાર્યા પછી એક એક ઈંચના ટુકડા સમારી લો. તેમાં મીઠું, મરચું, ચાટ મસાલા, ખાંડેલું ધાણાજીરું, આમચુર, મરચાં અને આદુંની ચટણી વગેરે નાખી બરાબર ભેળવો અને એક બાજુ મૂકી દો.કડાઈમાં તેલ ગરમ મૂકો. તેમાં ચણાનો લોટ નાખો અને ગુલાબી રંગે શેકો. હવે એમાં અજમો, હળદર અને અળવી ઉમેરો. ૪-૫ મિનિટ સુધી કડાઈમાં તવેથા વડે ઝડપથી હલાવો એટલે બધો મસાલો અળવીના ટુકડા ફરતોં ચોંટી જશે. આદું અને લીલાં મરચાંના ટુકડા તથા પાપડના ભૂકા વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
લચ્છા પરોઠાં
સામગ્રી :
૧ વાટકી ઘઉંનો લોટ,૪ ચમચા ઘી, ૧ ચમચી મીઠું અને ૧/૨ કપ પાણી.
રીત :
લોટમાં મીઠું ભેળવી ચાળણીથી ચાળી લો. તેમાં ઘીનું મોણ નાખી બરાબર મસળો.
પાણી વડે કણક બાંધો. નાના નાના લુઆ પાડી કોરા લોટ વડે એક એક પરોઠાં વણો. દરેક વખતે વણેલા પરોઠાની ઉપરની બાજુ એક એક ચમચી ઘી ચોપડી કોરો લોટ ભભરાવો. હવે બરાબર વચ્ચેથી એક બાજુ કાપ મૂકી એક છેડાથી વાળવાનું શરૂ કરી આખા પરોઠાનું ગોળ ભૂંગળું વાળો. તેને દબાવીને ફરી પાટલી પર મૂકી ફરી પરોઠું વણો અને ફરી ઘી ચોપડી, ઉપર કોરો લોટ ભભરાવી ફરી ગોળ વાળો. બીજી વાર પણ દબાવીને વણો અને તવા પર પહેલીવાર બંને બાજુ પર થોડો થોડો કોરો શેકી લીધા પછી ઘી મૂકી શકો. પીરસતી વખતે સરસ મજાનાં પડ થોડાં થોડાં ઉખેડીને થાળીમાં મૂકો.
રોટી પુલાવ
સામગ્રી : ૧ વાટકી ચોખા, ૧/૪ વાટકી ઝીણાં સમારેલાં ગાજર, ૧/૪ વાટકી વટાણા, ૧ ચમચી જીરું, ૨ લવિંગ, તજના ટુકડા, ૨ મોટા એલચા, ૧ નંગ તમાલ પત્ર, ૧ ચમચો તેલ.
રોટી માટે : ૧ વાટકી મેંદો, ૧ ચમચો ઘી અથવા તેલ, ૧ ચમચી મીઠું.
રીત : ગાજર, વટાણા અને મસાલા થોડા સાંતળીને એમાં ચોખા નાખી બરાબર મિક્સ કરો. હવે બે કપ પાણી નાખી પુલાવ રાંધો. મેંદામાં મીઠું અને ઘીનું મોણ નાખી એની કણક બાંધો. મોટી મોટી રોટલીઓ તૈયાર કરો. દરેક રોટલીની વચ્ચે ભાતનું પૂરણ મૂકીને રોટલી વાળીને છેડાથી બંધ કરી દો. તેલ કે ઘીમા તળો અને ડુંગળી તથા ફુદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.
ગ્રીન પુલાવ
સામગ્રી :
૧ વાટકી ચોખા, ૧ ડુંગળી ઝીણી સમારેલી, ૧ ચમચી જીરું, ૧ ચમચી મીઠું, ૧ વાટકી ઝીણી સમારેલી પાલખની ભાજી, ૧ ચમચો તેલ.
સજાવવા માટે : ૧ ચમચો કોથમીર.
ભાજીને બાફીને મિક્સરમાં ક્રશ કરો. એક તપેલીમાં જીરું અને ડુંગળી સાંતળો. તેમાં અગાઉથી પલાળી રાખેલા ચોખા, મીઠું વગેરે નાખી એક કપ પાણી ઉમેરો. પાણી બધું બળી જાય ત્યાં સુધી રાંધો. ભાત અડધો રાંધેલોને અડધો કાચો રહેવો જોઈએ. હવે તેમાં ક્રશ કરેલી ભાજી નાખી ફરીથી રાંધો. ગરમાગરમ ગ્રીન પુલાવ ઉપર કોથમીર ભભરાવીને સર્વ કરો.
શાહી કબાબ
સામગ્રી :
૧ વાટકી કાળા વટાણા, ૧ ચમચી કોર્નફ્લોર (પાણીમાં પલાળેલો), ૨ ઝીણી સમારેલી ડુંગળી, ૨ ચમચા ઝીણું સમારેલું આદું, ૨ ચમચી લસણ, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી ખાંડેલા એલચા, ૧/૨ ચમચી તજનો ભૂકો, ૧ તમાલપત્ર, ૩-૪ ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ૧/૨ વાટકી કોથમીર (સમારેલી), ૧/૨ ચમચી મરચું, ૧/૨ ચમચી આમચુર, ૧/૨ વાટકી ફુદીનાનાં પાન (ઝીણા સમારેલાં), થોડા કાજુ-દ્રાક્ષના દાણા અને તળવા માટે તેલ.
ડુંગળી, આદું,લસણ અને બીજા મસાલા અડધા અડધા લઈ પાંચ-છ કલાક અગાઉ પાણીમાં પલાળી રાખેલા ચણામાં ભેળવો. પ્રેશર કૂકરમાં અડધો કપ પાણી મૂકી મસાલા સાથેના ચણા પોચા ન થાય ત્યાં સુધી બાફો. પછી કૂકરનું ઢાંકણ ખોલીને પાણી બિલકુલ નિતારી નાખો. એ મસાલા ચણાને ગ્રાઈન્ડરમાં નાખીને સારી રીતે ક્રશ કરો. એમાં બાકીના ડુંગળી, મરચાં,લસણ, કોથમીર વગેરે બધા મસાલા તેમ જ કોર્નફ્લોર ભેળવી દો. ફરી ગ્રાઈન્ડરમાં ફુદીનો, મીઠું અને લીલાં મરચાં પીસી લો. તેમાં કાજુ, દ્રાક્ષ મેળવીને પૂરણ તૈયાર કરો. હવે હાથમાં થોડંું ચણાનું મિશ્રણ લઈ વચ્ચે થોડું પૂરણ મૂકીને ગોળ કચોરી જેવું બનાવી, વચ્ચેથી સહેજ દબાવો અને હળવા હાથે તેલમાં તળી લો.
ડુંગળીના કચુંબર અને સોસ સાથે ગરમ ગરમ પીરસો.
-હિમાની