Get The App

દાવત : વરસતા વરસાદમાં... ગરમાગરમ વાનગીઓની મિજબાની

Updated: Jun 14th, 2021

GS TEAM


Google News
Google News
દાવત : વરસતા વરસાદમાં... ગરમાગરમ વાનગીઓની મિજબાની 1 - image


લીલા વટાણાની કચોરી

સામગ્રી : 

૨૫૦ ગ્રામ લીલવા અથવા લીલા ફોલેલા વટાણા, ૧૫૦ ગ્રામ લીલા વઢવાણી મરચાં, એક ટેબલ સ્પૂન લીલું ખમણેલું કોપરું, બે ટેબલ સ્પૂન લીલા સુધારેલા ઝીણાં ધાણાભાજી, એક ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧ ટી સ્પૂન તલ, સ્વાદ પ્રમાણે મીઠું, અર્ધા લીંબુનો રસ, ૧ ટી સ્પૂન ખાંડ, ૧ નાની વાટકી મેંદો અથવા ઘઉંનો લોટ, તળવા તથા મોણ માટે તેલ.

રીત : 

 સૌપ્રથમ લીલવાને અથવા વટાણાને મિક્સીમાં વાટો. પેણીમાં એક નાનો ચમચો તેલ મૂકી માવાને વઘારવું. ચપટી સોડા નાખો. મીઠું નાખી લીલવાનાં માવાને ચઢવા દેવું. બરાબર ચઢી જાય પછી ઠંડુ પડે એટલે લીંબુ, ખાંડ, આદું-મરચાં, તલ, કોપરું, ધાણા નાખી હલાવવું. લીલાં મરચાંને ધોઇ કોરાં કરવા. ચપ્પુથી કાપો પાડી બી કાઢી નાખવા. પછી લીલવાનો માવો મરચાંમાં ભરવો.

મેંદામાં અથવા ઘઉંના લોટમાં તેલનું મોણ અને ચપટી મીઠું નાખી લોટ બાંધવો. લોટને બરાબર કેળવવો. નાના લૂઆ કરી પાતળી પૂરી વણવી. એકદમ પાતળી ન વણવી. મરચાંને ફરતે પૂરી વીટાળવી અને ઉપર નીચેથી લોટ કાઢી નાખવો. આ રીતે બધી જ મરચાંની કચોરી કરવી અને ગરમ તેલમાં તળવી. લીલા ધાણાની ચટણી સાથે પીરસવી.

નોંધ : આ જ રીતે લોટની જગ્યાએ બટેટાનો માવો વાપરી શકાય. ૨૫૦ ગ્રામ બટેટાને બાફી-છોલી એકદમ કોરા કરવા. તેમાં એક ટેબલ સ્પૂન આરાલોટ અથવા ચોખાનો લોટ અને ચપટી મીઠું નાખી પેટિસ જેવો લોટ કરવો. હથેળી તેલવાળી કરી બટેટાનો લૂઓ થાપવો. મરચાંને વચ્ચે મૂકી બરાબર બટેટાના માવાને મરચાંની આજુબાજુ લગાડવો. ઉપર નીચેથી માવો કાઢી નાખવો. આ રીતે મરચાંની પેટિસ પણ થઇ શકે છે. પછી ગરમ તેલમાં તળવી. આ વાનગીમાં તજ-લવિંગની ભૂકી કે ગરમ મસાલો વાપરવાનો નથી.

મકાઇની ત્રિકોણ પૂરી

સામગ્રી :

બે વાટકી મકાઇનો લોટ, એક વાટકી આરારૂટ અથવા ઘઉંનો લોટ, એક ચમચી મીઠું, એક ચમચી મરચું, બે ચમચી અજમો, એક ચમચો તેલ મોણ માટે, તળવા માટે જરૂરી તેલ.

રીત : બંને લોટને ભેગાં કરી, ચાળીને એમાં મીઠું, અજમો અને મોણ નાખી કઠણ લોટ બાંધો. પોલીથિનની મદદથી મોટો પાતળો રોટલો વણો. ચપ્પુથી એના ત્રિકોણાકારમાં ટુકડા કાપી નાખો. તેલ ગરમ કરી એમાં બધા ત્રિકોણ સોનેરી રંગે તળી નાખો. ચા કે કોફી સાથે ગરમાગરમ ત્રિકોણ પૂરી પેશ કરો. આ ત્રિકોણ પૂરી પૌષ્ટિક હોવાની સાથે-સાથે સ્વાદિષ્ટ પણ હોય છે.

ચોખાના લાડુ

સામગ્રી : 

૨૫૦ ગ્રામ ચોખાનો લોટ, ૨૫૦ ગ્રામ ખાંડ, એક વાટકી તલ, ૧ વાટકી મિક્સ સૂકો મેવો, ૧ ચમચી સૂંઠ, બે ચમચા દેશી ઘી.

બનાવવામાં લાગતો સમય ૨૦ મિનિટ.

રીત : પહેલાં ચોખાના લોટ અને તલને કડાઇમાં થોડું ઘી ગરમ કરી જુદા જુદા શેકી લો. ખાંડની ચાસણી બનાવો. એમાં શેકેલો લોટ, તલ, મેવો, સૂંઠ નાખી બરાબર હલાવો. હવે હથેળી પર ઘી લગાડી સહેજ ચીકણી કરો અને એ મિશ્રણના લાડુ વાળી લો. સ્વાદિષ્ટ સ્વીટ લાડુ તૈયાર.

મગની દાળની ચટણી

સામગ્રી : 

૨૦૦ ગ્રામ મગની દાળ, ૧ ડુંગળી, ૧/૨ ચમચી રાઇ, ૧/૩ ચમચી મીઠું, ૧/૩ ચમચી મરચું, બે ચમચા સરસિયું, ૨૦૦ ગ્રામ આમલીનો રસ, થોડાં બારીક સમારેલાં કોથમીર અને લીલાં મરચાં, ચપટી હિંગ.

રીત : 

મગની દાળ સાફ કરી ચોખ્ખા પાણીમાં અગાઉથી પલાળી રાખો. આમલીને પણ પાણીમાં પલાળી દો. હવે પલળેલી દાળને ચાળણીમાં કાઢી દાળમાંનું બધું પાણી નિતારી લો.  એક ચમચો સરસિયું ગરમ કરી તેમાં હિંગ નાખીને દાળ નાખી શેકો. બારીક સમારેલી ડુંગળીને પણ તેની સાથે શેકીને મીઠું, મરચું નાખી દો. બધું બરાબર મિક્સ કરો. પછી આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો.

આ ઠંડા મિશ્રણને મિક્સીમાં કાઢો. તેમાં આમલીનું પાણી રેડી બારીક ચટણી તૈયાર કરો. હવે વધારાનું સરસિયું ગરમ કરી તેમાં રાઇ તડતડાવો. લીલાં મરચાં અને કોથમીર નાખી ચટણી પર વઘાર કરો. 

મેથી-વટાણા-મરચાંનું શાક

સામગ્રી : 

બે ઝૂડી મેથી, પોણો કિલો વટાણા, ૨૫૦ ગ્રામ ભાવનગરી મરચાં, ૧ વાટકી ચણાનો લોટ, ગરમ મસાલો, મીઠું, હળદર, ધાણાજીરું, તળવા માટે તેલ, વઘાર માટે તેલ.

મેથીની ભાજીને ઝીણી સમારવી. તેમાં ચણાનો લોટ, ગરમ મસાલો તથા સાદો મસાલો નાખવો.

 જરૂરિયાત પ્રમાણે મીઠું ને થોડું મોણ નાખી ભેળવવું. હાથેથી તેની લાંબી પાતળી સેવ બનાવી ગરમ તેલમાં તળવી. બાકીનો લોટ જે વધે તે મેથીવાળા પૂરણને ભાવનગરી મરચામાં એક કાપો પાડીને ભરી દેવો. 

સરખું તેલ મૂકીને વટાણા વઘારવા. પાણી નાખી બધો મસાલો, ગરમ મસાલો ને મીઠું નાખીને ચડવા દેવું.  ઊકળે એટલે તેમાં મરચાં ને મેથીની સેવ નાખી ઉકાળવું. 

પાણી બધું શોષાઇ જાય અને તેલ ઉપર આવી જાય એટલે ઉપર લીંબુ નીચોવી કોથમીર ભભરાવીને પીરસવું.

સ્વીટ થ્રી કોર્નર સેન્ડવીચ

સામગ્રી : 

૧૦૦ ગ્રામ દૂધી, ૧૦૦ ગ્રામ ગાજર, ૨૦૦ ગ્રામ ખાંડ, ૨૦૦ ગ્રામ બટાટા, ૫૦ ગ્રામ આરાલોટ, તળવા માટે તેલ અથવા ઘી, અર્ધો લિટર દૂધ, કેસરી રંગ, લીલો રંગ, ૨૫ ગ્રામ કાજુ, ૨૫ ગ્રામ ચારોળી.

રીત : સૌપ્રથમ દૂધીની છાલ ઉતારી તેને છીણી નાખવી. છીણમાં થોડું પાણી નાખી નીચોવી લેવું. જરાપણ પાણી રહે નહીં તેમ નીચોવવી. હવે એક વાસણમાં દૂધીનું નીચોવેલું છીણ, ૧૦૦ ગ્રામ ખાંડ અને ૦। લિટર દૂધ તેમ જ લીલો રંગ એક ચપટી નાખી ગેસ પર ગરમ કરવા મૂકવું. પૂરણપોળીના માવા જેટલું કઠણ થાય ત્યાં સુધી સતત હલાવ્યા કરવું. પછી તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં અડધી ચમચી ઘી તથા એલચી પાઉડર નાખી હલાવવું. આ જ રીતે દૂધીના પૂરણની જેમ જ ગાજરનું પૂરણ તૈયાર કરવું. તેમાં કેસરી રંગ ચપટી નાખી બરાબર હલાવી બાજુ પર રાખવું. હવે ૨૦૦ ગ્રામ બટાટાને બાફી, છોલી, છૂંદી તેમાં આરાલોટ નાખી મસળી પ્રમાણસર લૂઆ કરી પૂરી વણવી. પૂરી જાડી રાખવા પૂરીનો આકાર ચોરસ રાખવો. આ પ્રમાણે બટાટાના માવાના બધા જ ચોરસ તૈયાર રાખવા. હવે એક ચોરસ લઇ તેના પર દૂધીનું પૂરણ એક ચમચો પાથરવું. તેના ઉપર બીજું ચોરસ મૂકી તે પર ગાજરનું પૂરણ એક ચમચો પાથરવું. તે પર ત્રીજું ચોરસ ઢાંકી આજુબાજુથી કિનારીઓવાળી પેક કરી તેલ અથવા ઘીમાં બદામી તળી લેવા. આ તળેલા ચોરસને સામસામેના ખૂણેથી કાપી ત્રિકોણ કરવા (સેન્ડવીચની જેમ) તે પર કાજુથી સજાવટ કરવી તથા ચારોળી પાથરવી.

તુવેરદાણાનાં ઢોકળાં

સામગ્રી : 

૧ કિલો તુવેરના છોલેલા દાણા, ૨ કિલો ચોખાનો લોટ, ૫૦ ગ્રામ તલ, ૧ લિટર શેરડીનો રસ (જો ન મળે તો પાણીમાં ગોળ નાંખવો), ૧ કપ દૂધ, આદું-મરચાં, હળદર, મીઠું.

તુવેરના દાણાને બાફવા.  શેરડીનો રસ ગરમ કરવો. ઉપરની છારી કાઢી લેવી અથવા એટલું પાણી મૂકી ગોળ નાખી ઉકાળવું. વાટેલા આદું-મરચાં, મીઠું, હળદર નાખવા. બાફેલા દાણાને લોટમાં ભેળવી દઇ ઉકળતા રસમાં ઓરી દેવું.  એક કપ દૂધ નાખી ઉપર ઢાંકણ ઢાંકવું.  હલાવતા રહેવું. ચોંટવા દેવું નહિ.  થોડીવારમાં ચડી જાય એટલે ગોળાવાળી તળી લેવા અથવા માટીના પાટિયામાં (પહોળા મોંઢાની માટલી) તેલ મૂકી ઉછાળીને લસણ, કોથમીરની ચટણી સાથે ખાવા. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

- હિમાની

Tags :