દાવત : ઝરમર વરસાદમાં ગરમાગરમ વાનગીઓની મિજબાની
લીલા વટાણાની કચોરી
સામગ્રી :
૨૫૦ ગ્રામ લીલવા અથવા લીલા ફોલેલા વટાણા, ૧૫૦ ગ્રામ લીલા વઢવાણી મરચાં, એક ટેબલ સ્પૂન લીલું ખમણેલું કોપરું, બે ટેબલ સ્પૂન લીલા સુધારેલા ઝીણાં ધાણાભાજી, એક ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧ ટી સ્પૂન તલ, સ્વાદ પ્રમાણે મીઠું, અર્ધા લીંબુનો રસ, ૧ ટી સ્પૂન ખાંડ, ૧ નાની વાટકી મેંદો અથવા ઘઉંનો લોટ, તળવા તથા મોણ માટે તેલ.
રીત :
સૌપ્રથમ લીલવાને અથવા વટાણાને મિક્સીમાં વાટો. પેણીમાં એક નાનો ચમચો તેલ મૂકી માવાને વઘારવું. ચપટી સોડા નાખો. મીઠું નાખી લીલવાનાં માવાને ચઢવા દેવું. બરાબર ચઢી જાય પછી ઠંડુ પડે એટલે લીંબુ, ખાંડ, આદું-મરચાં, તલ, કોપરું, ધાણા નાખી હલાવવું. લીલાં મરચાંને ધોઇ કોરાં કરવા. ચપ્પુથી કાપો પાડી બી કાઢી નાખવા. પછી લીલવાનો માવો મરચાંમાં ભરવો.
મેંદામાં અથવા ઘઉંના લોટમાં તેલનું મોણ અને ચપટી મીઠું નાખી લોટ બાંધવો. લોટને બરાબર કેળવવો. નાના લૂઆ કરી પાતળી પૂરી વણવી. એકદમ પાતળી ન વણવી. મરચાંને ફરતે પૂરી વીટાળવી અને ઉપર નીચેથી લોટ કાઢી નાખવો. આ રીતે બધી જ મરચાંની કચોરી કરવી અને ગરમ તેલમાં તળવી. લીલા ધાણાની ચટણી સાથે પીરસવી.
નોંધ : આ જ રીતે લોટની જગ્યાએ બટેટાનો માવો વાપરી શકાય. ૨૫૦ ગ્રામ બટેટાને બાફી-છોલી એકદમ કોરા કરવા. તેમાં એક ટેબલ સ્પૂન આરાલોટ અથવા ચોખાનો લોટ અને ચપટી મીઠું નાખી પેટિસ જેવો લોટ કરવો. હથેળી તેલવાળી કરી બટેટાનો લૂઓ થાપવો. મરચાંને વચ્ચે મૂકી બરાબર બટેટાના માવાને મરચાંની આજુબાજુ લગાડવો. ઉપર નીચેથી માવો કાઢી નાખવો. આ રીતે મરચાંની પેટિસ પણ થઇ શકે છે. પછી ગરમ તેલમાં તળવી. આ વાનગીમાં તજ-લવિંગની ભૂકી કે ગરમ મસાલો વાપરવાનો નથી.
મકાઇની ત્રિકોણ પૂરી
સામગ્રી :
બે વાટકી મકાઇનો લોટ, એક વાટકી આરારૂટ અથવા ઘઉંનો લોટ, એક ચમચી મીઠું, એક ચમચી મરચું, બે ચમચી અજમો, એક ચમચો તેલ મોણ માટે, તળવા માટે જરૂરી તેલ.
રીત : બંને લોટને ભેગાં કરી, ચાળીને એમાં મીઠું, અજમો અને મોણ નાખી કઠણ લોટ બાંધો. પોલીથિનની મદદથી મોટો પાતળો રોટલો વણો. ચપ્પુથી એના ત્રિકોણાકારમાં ટુકડા કાપી નાખો. તેલ ગરમ કરી એમાં બધા ત્રિકોણ સોનેરી રંગે તળી નાખો. ચા કે કોફી સાથે ગરમાગરમ ત્રિકોણ પૂરી પેશ કરો. આ ત્રિકોણ પૂરી પૌષ્ટિક હોવાની સાથે-સાથે સ્વાદિષ્ટ પણ હોય છે.
ચણાની દાળના પનીર રોલ
સામગ્રી :
એક કપ ચણાની દાળ, ૧/૨ કપ પનીરની છીણ, એક ચમચી મીઠું, ૨-૩ સમારેલાં લીલાં મરચાં, થોડી સમારેલી કોથમીર, ૩-૪ સ્લાઇસ બ્રેડ, તળવા માટે તેલ.
સજાવટ માટે - સોસ, મૂળાની છીણ, ટામેટાં, લીલાં મરચાં, કોથમીર.
રીત : ચણાની દાળને આખી રાત પલાળી રાખો. સવારે તેને મિક્સિમાં બારીક ક્રશ કરી લો. તેમાં પનીર, પલાળેલાં બ્રેડનો માવો, મીઠું, સમારેલા લીલાં મરચાં, કોથમીર નાખી બરાબર મિક્સ કરો.
તેલ ગરમ કરી તેમાં આ મિશ્રણના રોલ બનાવી તળી લો. સોસ અને સેલડથી સજાવીને પીરસો.
તુવેરદાણાનાં ઢોકળાં
સામગ્રી :
૧ કિલો તુવેરના છોલેલા દાણા, ૨ કિલો ચોખાનો લોટ, ૫૦ ગ્રામ તલ, ૧ લિટર શેરડીનો રસ (જો ન મળે તો પાણીમાં ગોળ નાંખવો), ૧ કપ દૂધ, આદું-મરચાં, હળદર, મીઠું.
રીત :
તુવેરના દાણાને બાફવા. શેરડીનો રસ ગરમ કરવો. ઉપરની છારી કાઢી લેવી અથવા એટલું પાણી મૂકી ગોળ નાખી ઉકાળવું. વાટેલા આદું-મરચાં, મીઠું, હળદર નાખવા. બાફેલા દાણાને લોટમાં ભેળવી દઇ ઉકળતા રસમાં ઓરી દેવું. એક કપ દૂધ નાખી ઉપર ઢાંકણ ઢાંકવું. હલાવતા રહેવું. ચોંટવા દેવું નહિ. થોડીવારમાં ચડી જાય એટલે ગોળાવાળી તળી લેવા અથવા માટીના પાટિયામાં (પહોળા મોંઢાની માટલી) તેલ મૂકી ઉછાળીને લસણ, કોથમીરની ચટણી સાથે ખાવા. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
મગની દાળની ચટણી
સામગ્રી : ૨૦૦ ગ્રામ મગની દાળ, ૧ ડુંગળી, ૧/૨ ચમચી રાઇ, ૧/૩ ચમચી મીઠું, ૧/૩ ચમચી મરચું, બે ચમચા સરસિયું, ૨૦૦ ગ્રામ આમલીનો રસ, થોડાં બારીક સમારેલાં કોથમીર અને લીલાં મરચાં, ચપટી હિંગ.
રીત : મગની દાળ સાફ કરી ચોખ્ખા પાણીમાં અગાઉથી પલાળી રાખો. આમલીને પણ પાણીમાં પલાળી દો.
હવે પલળેલી દાળને ચાળણીમાં કાઢી દાળમાંનું બધું પાણી નિતારી લો. એક ચમચો સરસિયું ગરમ કરી તેમાં હિંગ નાખીને દાળ નાખી શેકો.
બારીક સમારેલી ડુંગળીને પણ તેની સાથે શેકીને મીઠું, મરચું નાખી દો. બધું બરાબર મિક્સ કરો. પછી આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો.
આ ઠંડા મિશ્રણને મિક્સીમાં કાઢો. તેમાં આમલીનું પાણી રેડી બારીક ચટણી તૈયાર કરો. હવે વધારાનું સરસિયું ગરમ કરી તેમાં રાઇ તડતડાવો. લીલાં મરચાં અને કોથમીર નાખી ચટણી પર વઘાર કરો.
ચોખાના લાડુ
સામગ્રી :
૨૫૦ ગ્રામ ચોખાનો લોટ, ૨૫૦ ગ્રામ ખાંડ, એક વાટકી તલ, ૧ વાટકી મિક્સ સૂકો મેવો, ૧ ચમચી સૂંઠ, બે ચમચા દેશી ઘી. બનાવવામાં લાગતો સમય ૨૦ મિનિટ.
પહેલાં ચોખાના લોટ અને તલને કડાઇમાં થોડું ઘી ગરમ કરી જુદા જુદા શેકી લો. ખાંડની ચાસણી બનાવો. એમાં શેકેલો લોટ, તલ, મેવો, સૂંઠ નાખી બરાબર હલાવો. હવે હથેળી પર ઘી લગાડી સહેજ ચીકણી કરો અને એ મિશ્રણના લાડુ વાળી લો. સ્વાદિષ્ટ સ્વીટ લાડુ તૈયાર.
મિક્સ પનીર ફાડાં
સામગ્રી :
૧૫૦ ગ્રામ ઘઉંના ફાડા, ૧૫૦ ગ્રામ ચણાની દાળ, ૧૫૦ ગ્રામ પનીર, ૧/૩ ચમચી મીઠું, ૧/૩ ચમચી મરી, એક ચમચો ઘી અથવા તેલ, ૧ ચમચો બારીક સમારેલી કોથમીર.
રીત : ચણાની દાળને સાફ કરી પાણીમાં પલાળી રાખો. પનીરના નાના નાના ટુકડા કરી તળી નાખો. કૂકરમાં તેલને ગરમ કરી તેમાં સાફ કરેલા ઘઉંના ફાડા શેકો. ફાડા શેકાઇ જવાની સુગંધ આવવા લાગે ત્યારે તેમાં ચણાની પલળેલી દાળ નાખીને શેકો. પછી પૂરતું પાણી રેડી મીઠું, મરી ભેળવીને કૂકરનું ઢાંકણું ઢાંકી દો. ત્રણ-ચાર સીટી થયા પછી આંચ બંધ કરી દઇ, કૂકરનો વાલ્વ ખોલી નાખો. તે પછી ચમચાથી હલાવીને ફાડામાં પનીરના ટુકડા નાખીને હલાવો.
મગની દાળની તલવડી
સામગ્રી :
૧૦૦ ગ્રામ મગની દાળ, ૧ ચમચો અજમો, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી ખાવાનો સોડા, ૫૦ ગ્રામ સફેદ તલ, ૫૦ ગ્રામ કોથમીર, ૧ લીંબુ, ૨ લીલાં મરચાં, ૧ ચમચી મીઠું, તળવા માટે તેલ.રીત : આખી રાત પલાળી રાખેલી મગની દાળને સવારે મિક્સીમાં ક્રશ કરો. ક્રશ કરતી વખતે જ તેમાં મીઠું, તલ, ખાવાનો સોડા અને અજમો ભેળવી દો. નાની વડીઓ બનાવી તડકે સૂકવો. સુકાઇ જાય ત્યારે એને તેલમાં તળી કોથમીરની ચટણી કે સોસ સાથે પીરસો. ચટણી બનાવવાની રીત : કોથમીર સમારી તેને ધોઇને મિક્સીમાં ક્રશ કરો. લીલાં મરચાં પણ સાથે જ નાખી દેવાં. તે પછી તેમાં લીંબુ નિચોવી મીઠું ભેળવી તલવડી સાથે ખાવ.
- હિમાની