મોડર્ન માનુનીઓની પહેલી પસંદ ફેશનેબલ વસ્ત્રો
સાડી આજે પણ મહિલાઓની પ્રથમ પસંદગી રહી છે, પાંચ, સાડા પાંચ કે સાડા છ મીટરની આ સાડી મહિલા કે યુવતી એવી ચીવટ અને અદાથી પહેરે છે કે તેનું આખું વ્યક્તિત્વ જ બદલાઈ જાય છે. સુંદરતા એવી નીખરે છે કે તેને જોનારા દંગ રહી જાય.
સાડીમાં ચાલતી લેટેસ્ટ ફેશન અંગે અમદાવાદના ભરતભાઈ શાહે જણાવ્યું કે, ''સાડી પર વર્ક કરાવવાનો આ જમાનો છે. દરેક મહિલા વર્ક કરેલી સાડી જ માંગે છે. એમાં પણ આ હેન્ડવર્કની માંગતો વધુ ઊંચી છે. કુંદનવર્ક, પર્લવર્ક, સ્નોવર્ક, ભલે કોઈ પણ પ્રકારનું હોય, જોઈએ માત્ર વર્ક .....
ગુજરાતમાં વાર-તહેવારો કે કોઈ ખાસ પ્રસંગે સાડી જ પેહરવામાં આવતી હોય છે. જ્યોર્જેટ અને શિફોન સાડીની આજકાલ ખૂબ ડિમાન્ડ છે. જ્યોર્જેટની ડબલ કલર કે સિંગલ લાઈટ કલરની સાડી મેચિંગ અથવા કોન્ટ્રાસ વર્કની સુંદરતાથી આપોઆપ જ નીખરી ઉઠે છે. જ્યોર્જેટ અને શિફોન સાડીમાં ડાર્ક કલર પણ ચાલે છે અને લાઈટ ડબલકલરની પણ વધુ ડિમાન્ડ છે.''
સિલ્કની અનાખી અદા
સિલ્ક સાડીમાં પણ લાઈટ અને ડાર્ક બંને રંગોની માંગ હોય છે. તેમાં પણ પ્લેન સિલ્ક સાડીની માંગ લગભગ નહીંવત હોય છે. સિલ્ક સાડી ઉપર ભરતકામ બાદલા, આભલા, ટીલડી વર્ક, ગોેટાપત્તી, વિવિંગબોર્ડર, બુટ્ટીવર્ક, બોેર્ડરવર્કની માંગ વધારે છે. ખરેખર સિલ્ક સાડીમાં નારીનું રૂપ તેની અનોખી અદામાં પ્રદર્શિત થતું હોય છે.
બિનભારતીયોની પસંદગી તો સિલ્ક અને શિફોન સાડી જ હોય છે. સિલ્ક સાડીમાં પેસ્ટલ કલર ઉપરાંત લાઈટ કલરની માંગ વધુ છે.
બંધેજ કહો કે બાંધણી, એ કોેટનની હોય કે શિફોનની, સિલ્ક હોય કે ક્રેપ, હંમેશા બજારમાં તેની માંગ રહે છે. તેની ફેશન ક્યારેય જૂની થતી નથી. કારણ કે બાંધણીનો ચાહકવર્ગ તેની ખૂબી અને વિશેષતાઓ જાણે છે. બાંધણી બનાવવામાં કાપડને ચોેક્કસ પ્રકારનાં ડાઈંગમાં બાંધીને રાખવામાં આવે છે. તેનો પ્રોસેસ ખૂબ લાંબો અને કાળજી માંગી લે છે. સિલ્કની બાંધણીની કિંમત ઘણી ઊંચી હોય છે અને અમુક વર્ગ જ આવી બાંધણીની વધુ ડિમાન્ડ કરે છે. બિનભારતીયોમાં પણ બાંધણીની માંગ વધુ રહે છે. સિલ્ક, ક્રેપ, શિફોન, જ્યોર્જેટ કોઈપણ પ્રકારની બાંધણી સાડી કે સલવાર-કમીઝ હોય પણ યુવતીઓના વોર્ડરોબમાં ચોક્કસ તમે તેને સ્થાન મળતું જ હોય છે. તેના વિના વોર્ડરોબની શોભા ગણાય ખરી?
યુવતીઓની પસંદગી
સાડીનો વિકલ્પ છે સલવાર -કમીઝ. આજની યુવતીઓની તે પસંદગી છે. સલવાર-કમીઝ એ એવો પહેરવેશ છે જે શરીરને ઢાંકે પણ છે અને સમગ્રવ્યક્તિત્વને નિખારે છે, સજાવે છે.
આજકાલની યુવતીઓમાં સલવાર-કમીઝનું ચલણ વધુ હોવા અંગે ભરતભાઈએ જણાવ્યું કે, ''આજની જનરેશન સમગ્ર વિશ્વમાં બદલાઈ રહેલા પ્રવાહો, નવી ફેશનોથી સારી રીતે પરિચિત છે. એમને કશું જ કહેવાની કે બતાવવાની જરૂર પડતી નથી કે માર્ગદર્શનની પણ જરૂર નથી. તેઓ પોતાની પસંદગીમાં બિલકુલ સ્પષ્ટ છે.
આજની યુવતીઓ ફિટિંગની બાબતમાં પણ વધુ સજાગ છે. સલવાર-કમીઝમાં ફિટિંગવાળા સ્ટાઈલિશ લુક ધરાવતા વસ્ત્રો વધુ પસંદ કરે છે. પાર્ટી, ગરબામાં ચણિયાચોળીનું ચલણ વધારે છે. લાચા, શરારા, ટ્રેડિશનલ ફંક્શન દરમિયાન અને ક્યારેક કોઈક પ્રસંગે જોવા મળે છે.''
છેલ્લા દાયકા દરમિયાન લોકો ફેશન પ્રત્યે વધુ સભાન બન્યા છે. આ પરિસ્થિતિમાં બુટિક તેમની સમસ્યાનું સમાધાન છે. તેમની પસંદગી મુજબનાં વસ્ત્રો તેમને મળી રહે છે. આજકાલ બુટિકની સંખ્યામાં થઈ રહેલો વધારો એ આ વાતની સાબિતી આપે છે.
આજકાલ યુવતીઓમાં કેવા પ્રકારની ફેશન પ્રચલિત છે એ અંગે વિરલ શાહે જણાવ્યું કે, ''ડ્રેસિસમાં યુવતીઓમાં શોર્ટ ટોપ, કુરતી, પેરેલેલ, સ્પેગેટી ટાઈપ, બેકલેસ પટ્ટીવાળા ડ્રેસનું ચલણ વધારે છે. વેસ્ટર્ન ડ્રેસિસમાં જીન્સ ઉપર ટોપ વધુ ચાલે છે. કોલેજિયન યુવતીઓ સામાન્ય રીતે લોંગ ડ્રેસ પસંદ નથી કરતી, પરંતુ મહિલાઓ લોંગ ડ્રેસિસ પહેરતી હોય છે.
આજકાલના તમામ પ્રકારના ડ્રેસિંસમાં વર્કવાળા ડ્રેસનું ચલણ વધારે છે. હેન્ડવર્ક ટીકી વર્ક ઉપરાંત જરદોશી અને કુંદનવર્ક વધુ ચાલે છે. ઓફિસમાં કામ કરતી વર્કિંગ મહિલાઓ પ્રિન્ટેડ બોટમ, પ્લેનડ્રેસ અને મોતીવર્કવાળા દુપટ્ટા વધુ પસંદ કરે છે.''
લેટેસ્ટ ફેશન
રાજીવ પટેલના જણાવ્યાનુસાર, ''છેલ્લા એક વર્ષથી યુવતીઓ અને મહિલાઓમાં પારસી વર્કની માંગ ઘણી છે તે સિવાય યુવતીઓમાં કુરતી, ઈટાલિયન ક્રેપ લાઈટવર્કની કુરતી જેમ કે કાંથા, રેશમ વર્ક, ટીકી વર્ક, એન્ટિક જરદોશીની કુદરતી વધુ ચાલે છે.
યુવતીઓની ડિમાન્ડ અને ફેશન ડિઝાઈનરોની ફેશન સલવાર-કમીઝથી કાંઈ થોડી અટકે છે? ટ્રાઉઝરમાં લિનન અને કોટન, લાઈક્રા જીન્સ, શોેર્ટ કેપ્રી અને લોંગ સ્કર્ટ તેમ જ શોેર્ટ સ્કર્ટ વધુ ચાલે છે. લોંગ સ્કર્ટ પરિણીત મહિલાઓ કે ૩૦ વર્ષની વયમર્યાદા વટાવી ચૂકેલી યુવતીઓની પ્રથમ પસંદ છે.''
સ્કર્ટની ફેશન ફરી આવી છે
થોડાં ઘણાં પરિવર્તન સાથે સ્કર્ટની ફેશન ફરી પાછી આવી છે. તેમાં ફ્લેર અને ફીલ્સ સ્ટેટ અને 'એ' લાઈન બંનેની ફેશન છે. ફિશકટ ઓછાં ચાલે છે. સાઉથ કોેટનની બોર્ડર ધરાવતાં સ્કર્ટની વધુ માંગ છે. સ્લીમ બોડી ધરાવતી ફેશનેબલ મહિલાઓ સ્કર્ટ વધુ પસંદ કરે છે.
સદાબહાર પસંદ છે જીન્સ
જો થોડો વેસ્ટર્ન દેખાવ પસંદ હોય તો યુવતીઓની સદાબહાર પસંદ છે. જીન્સ, તેમાં પેચવાળા, એમ્બ્રોડરી, ફેન્સી બૂટકટ વધુ ચાલે છે. જીન્સમાં દરેક પ્રકારના કલર ચાલે છે. જીન્સ ઉપર શર્ટ? ના રે ના. આજકાલ તો યુવતીઓ જીન્સ ઉપર પહેરે છે લોંગ સ્લીવની શોર્ટ કુરતી લોંગ કુરતીની માંગ નથી.
જીન્સ હોય કે લેટેસ્ટ સલવાર-કમીઝ, ફેશનેબલ લુક માટે પોચો પહેરી લો. તમારી પર્સનાલિટી બદલાઈ જશે. તમને તમારી જાત વિશે આશ્ચર્ય થશે. પોચામાં પણ વિવિધતા જોવા મળે છે. વર્કવાળા, દોરીવાળા, લાઈટ કલરના કે ડાર્ક જેવા માંગો તેવા મળી જશે. આ લેટેસ્ટ ફેશન છે અને ફેશનેબલ યુવતીઓની પ્રથમ ડિમાન્ડ પણ છે.''
સાડી છે સદાબહાર
નવી સિરિયલ કે ફિલ્મ આવતાંની સાથે જ તે પ્રકારની સાડીની માંગમાં વધારો થઈ જાય છે. મહિલાઓ સાડી વધુ પસંદ કરે છે.
આજકાલ ચોલીવાળી સાડીની વધુ માંગ છે. જેમાં બે બ્લાઉઝ હોય છે. એક સાદો બ્લાઉઝ અને બીજા રેડી ચોલી બ્લાઉઝ.
ચોલીની ફેશન અંગે તેમને જણાવ્યું કે, ચોલીમાં 'એ' લાઈન, ફિશકટ વધુ ચાલે છે. ચોલીની ઉપર વર્ક તો જોઈએ જ. તેમાં પણ વિવિધતા જોવા મળે છે. હેન્ડવર્ક, મોતીવર્ક અને સીકવન્સ વર્કની માંગ વદુ છે.
ચોલીમાં ડબલ કલરની ફેશન છે જેમાં પિરોજી, પેસ્ટલ અને ઈંગ્લિશ કલર વધુ ચાલે છે.
ગુજરાતીમાં જણાવીએ તો કસબી કલાકારીને કસબ કહેવાય છે વારસાગત હાથવણાટનું કામ કરતા અમદાવાદના ગોરધનભાઈ પટેલે જણાવ્યું કે પોતાની શાળ ઉપર તાણા અને વાણા સાથે ખેલ ખેલીને કપડાનું કામ શીખતાં શીખતાં સુંદર એવી સાડી આસાવલીનું કામ પણ પોતાની શાળ ઉપર શીખ્યા છે. તેને અમદાવાદી સાડી પણ કહેવાય છે. આજે અવ્વલનંબર ગણાતી આસાવલી સાડી અને ટ્રેડિશનલ સાડીઓનું કલેક્શન પોતાનાં શોેરૂમમાં રાખે છે.
ટ્રેડિશનલ કલેક્શનમાં ગઢવાલ, કાંચીપુરમ, વિશ્વકર્મા, બનારસી, પાટણનું પટોળું, બાંધણી અને હેન્ડવર્કની બધી જ સાડીઓનું કલેક્શન એમના શોેરૂમમાં ઉપલબ્ધ છે.
- નીલા