- મોસમ કટી પ્રદેશ અને નિતંબોનું પ્રદર્શન કરતા જિન્સ- સ્કર્ટ- હૉટ પેન્ટની
મહિલાઓની ફેશન હંમેશા નવા સ્વરૂપમાં છલકે છે. જ્યારે ફેશન નવા સ્વરૂપમાં આવે છે, ત્યારે તે મહિલા દેહના ચોક્કસ ભાગ ઉપર કેન્દ્રીત થયેલી હોય છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે ડ્રેસ ડિઝાઇનરો મહિલાઓની કાયાને એક રમણીય કોયડો માને છે. જેનું રહસ્ય બરકરાર રાખવા માટે શરીરની પૂર્ણ સમૃધ્ધિનું દર્શન એક સાથે કરાવવાને બદલે અત્યંત સંતુલિત રીતે કરાવવું જોઇએ એવી માન્યતા ડ્રેસ ડિઝાઇનરો ધરાવે છે. તેઓ માને છે કે આ સંતુલિતતા એટલી કલ્પનાશીલ હોવી જોઇએ કે જોનારાઓની આંખો ચાર થઇ જાય. સમયે સમયે ક્યારેક સુડોળ જાંઘો, ક્યારેક વક્ષસ્થળ, ક્યારેક હાંસડી, ક્યારેક કાન, ક્યારેક બગલ, ક્યારેક પેટ, ક્યારેક પગનો આગળનો હિસ્સો તથા બિલકુલ સેક્સી ન મનાતા પગના નળ અને ઘુંટી ઉપર પણ ફેશન કેન્દ્રીત થયેલી હોય છે.
હાલમાં વક્ષસ્થળ અને નિતંબ વચ્ચેના હિસ્સાના પ્રદર્શનની ફેશન છે. નીચા બેલ્ટવાળા જીન્સ અને તેના ઉપર પહેરવામાં આવતા નાના ટોપ્સ બેવડું અંગ પ્રદર્શન કરે છે. બેસતાં ઉઠતાં જ્યારે પેન્ટ નીચેની તરફ ખેંચાય છે, ત્યારે બેલ્ટની ઉપરનો નિતંબોની સમૃધ્ધિ સ્પષ્ટ નજરે પડે છે. આથી જ જી સ્ટ્રીંગ અને ટેટુની ફેશનમાં વધારો થયો છે.પેટ અને કમરનું પ્રદર્શન ભારત માટે નવી બાબત નથી. નિતંબના સ્નાયુઓના પ્રદર્શન કરતા વસ્ત્રો બનાવવામાં અગ્રણી મુંબઇની ડિઝાઇનર મનિષા જયસિંહનું પણ માનવું છે કે ભારતની મહિલાઓ હંમેશા શરીરના આગળના હિસ્સા કરતાં પાછળના હિસ્સાના પ્રદર્શનની વધુ સભ્યસ્ત રહી છે. નીચી સાડી પહેરવા ઉપરાંત કેરળની મુંડમવેષ્ટી, આસામમાં પહેરાતી મેખલા ચાદર અને ગુજરાતની ઘાઘરા-ચોળી હંમેશા મહિલાઓ કોઇ પણ પ્રકારના ખચકાટ વિના પહેરતી રહી છે. તેથી જ કદાચ મહિલાઓએ નાના અથવા ટૂંકા ટોપ્સ અને નીચા બેલ્ટવાળા જીન્સની ફેશનને અત્યંત સરળતાપૂર્વક અપનાવી લીધી છે.
એફડીસીઆઇ ફેશન વીક દરમિયાન મનિષા જયસિંહના નિતંબ દર્શન પેન્ટોએ સમીક્ષકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. મનિષા જયસિંહનું માનવું છે કે આ પ્રકારના પેન્ટોનો વધુ એક ફાયદો એ છે કે આવા પેન્ટ પહેરનાર સ્ત્રીઓ ખૂબ પાતળી હોય છે અને તેમના પગનો ઉપરનો ભાગ તથા સમગ્ર શરીર પણ લાંબુ દેખાય છે. સ્ત્રીઓનું પેટ અને કમર એ ઉંચા બેલ્ટવાળા જીન્સથી ઢંકાયેલું રહે તો તેનાથી શરીર ભારેખમ થઇ ગયાનો અહેસાસ થાય છે.
આજે પ્રત્યેક ફેશનેબલ સ્થળોે પાતળા દેખાવા માટેનું રહસ્ય છોકરીઓને સાધ્ય થઇ ગયું છે. આજે દેશના પ્રત્યેક મેટ્રોપોલીટન શહેરોની અનેક કોલેજીયન યુવતીઓને શરીરના પાછલા હિસ્સાના પ્રદર્શન સામે કોઇ જ વાંધો નથી. દક્ષિણ મુંબઇની એક નામાંકિત કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય શ્રેષ્ઠ દફતરીનું કહેવું છે કે જ્યારે તેણે જોયું કે મોટાભાગના ડેનીમ વિક્રેતાઓ પાસે નીચા બેલ્ટવાળી જીન્સ જ ઉપલબ્ધ છે તો તેણે પણ આ પ્રકારના જીન્સ પહેરવાની શરૂઆત કરી દીધી. ૨૨ વર્ષની પૂજા શર્મા પાસે બે પ્રકારના પેન્ટ છે. એક સામાન્ય, દિવસ દરમિયાન પહેરવા જેવી તથા બીજી સાંજે પહેરી શકાય એવી નવી ફેશનની. તે કહે છે કે ''આ નવી ફેશનની પેન્ટને કારણે મારી કમર અને પીઠ દેખાઇ આવે છે. શરૂઆતમાં આવી પેન્ટ પહેરતા મને ખચકાટ થયો હતો. પરંતુ આજે હવે આ ખચકાટ અને ક્ષોભ નાબુદ થયા છે. હવે હું પણ આ નવી ફેશન આત્મસાત કરનાર યુવતીઓની ભીડનો એક હિસ્સો બની ચૂકી છું.''
પેટ અને પીઠ દર્શના શૈલીના જીન્સ પહેરેલી આધુનિક યુવતીઓ આજકાલ મોટા શહેરોના બાર કે પબોના સ્ટૂલ ઉપર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ બાર સ્ટૂલો ઉપર હમણા સુધી માત્ર યુવાનો જ દેખાતા હતા. પરંતુ હવે નીચા બેલ્ટવાળા જીન્સ અને ટૂંકા ટોપ્સ ધારણ કરેલી અનેક યુવતીઓ પણ અહીં કોકટેલના ઘુંટ લેતી જોવા મળે છે. આ સુંદરીઓની એક ચિંતા કાયમી હોય છે કે તે જ્યારે હસે ત્યારે તેનું પેટ ન હલે. આ ઉપરાંત પગ ઉપર પગ ચડાવીને બેસવું એ પણ તેમને માટે ભારે નાજુક બાબત હોય છે. કારણ કે અશ્લિલતા અને ખૂબસુરત અદા વચ્ચે ભેદરેખા અત્યંત પાતળી હોય છે.
ટુંકા ટોપ્સ અને નીચા બેલ્ટવાળા જીન્સની આ ફેશન પશ્ચિમમાંથી આવી છે. આ નવી ફેશનના જીન્સ પેન્ટો 'લો-રાઇડર' અને 'હિપ્સટર'ના નામે ઓળખાય છે. ફેશનની દુનિયાના બેડ બોય તરીકે ઓળખાતા પૂર્વ લંડનના એલેક્ઝાન્ડર મેકક્વીન આ પ્રકારના જીન્સના જનક હોવાનું માનવામાં આવેછે. એલેકઝાન્ડર મેકક્વીન એકવાર વિકલાંગોને પણ રેમ્પ મોડલીંગ માટે લઇ આવ્યા હતા. તેઓ ૯૦ના દાયકામાં આ નીચા બેલ્ટવાળા જીન્સની ફેશન લઇ આવ્યા અને તેને નામ આપ્યું 'બમ્પસ્ટર્સ'. આ સાથે તેમણે એવો દાવો કર્યો હતો કે આ પ્રકારના જીન્સમાં કમર લાંબી દેખાય છે તથા નિતંબો અત્યંત સેક્સી દેખાય છે.
દાયકા પૂર્વે બ્રિટીની સ્પિયર્સ, જેનિફર લોપેઝ અને ચાર્લિઝ થેરૉને પોતાના કસાયેલા શરીરના મધ્યભાગ અને અત્યાર સુધી પ્રદર્શન માટે વર્જિત મનાતા નિતંબોનું પ્રદર્શન શરૂ કરી દીધું. આ ફેશનના પ્રવાહમાં શેરોન સ્ટોન પણ તણાઇ. તેણે ઑસ્કાર એવોર્ડ સમારંભમાં નિતંબોનો થોડો હિસ્સો સ્પષ્ટપણે દેખાય એવો પોશાક ધારણ કર્યો હતો. થોડા જ સમયમાં પરિસ્થિતિ એ આવી કે બજારમાં નિતંબોના હાડકા અને પેડુને ઢાંકી શકે એવા પ્રકારની પેન્ટ શોધવી મુશ્કેલ બની ગઇ.
મનિષા જયસિંહની જેમ અન્ય ડ્રેસ ડિઝાઇનરોએ પણ નવી ફેશનને પોતાની ડિઝાઇનોમાં સમાવિષ્ટ કરી લીધી. ગોવામાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર, ડ્રેસડિઝાઇનર માલિની રામાણી નવા પેન્ટની ડિઝાઇન કરી રહ્યા છે. તેમની આ નવા પેન્ટની ડિઝાઇન બે ઇંચ નીચી છે. આ પ્રકારની પેન્ટની માગ આજકાલ જોરશોરથી વધી રહી છે. રામાણી આ માગને પહોંચી પણ શકતા નથી.
માલિની રામાણી જણાવે છે કે ''આજના યુગમાં લોકો પોતાના શરીર સૌષ્ઠવને જાળવી રાખે છે, ત્યારે તેને દર્શાવવાની તક પણ સાંપડવી જોઇએ ને.'' ભરપૂર અંગ પ્રદર્શન કરાતા વસ્ત્રો ડિઝાઇન કરવા માટે જાણીતા રીના ઢાકાએ પણ નીચા બેલ્ટવાળા પેન્ટ ડિઝાઇન કર્યા છે. તેમણે તેમની આ ડિઝાઇનની પેન્ટોને ગયા ઓગસ્ટ મહિનામાં યોજાયેલા ઇન્ડિયા ફેશન વીકમાં રજૂ કર્યા હતા. તેઓ જણાવે છે કે આજકાલ કમરની નીચે પહેરાતી પેન્ટો જ હૉટ માનવામાં આવે છે. ખાસ કરીને બ્રાઝિલીયન જીન્સ, જેના ઉપર ચાર ઇંચની ઝીપર લગાડવામાં આવેલી હોય છે.
અપર્ણા ચંદ્રા માને છે કે નિતંબ દર્શના જીન્સની લોકપ્રિયતાનું કારણ સેક્સી દેખાવાનું છે. રિબેટ ઉપરાંત આવા જીન્સ તથા પેન્ટને આકર્ષક એપ્લીક વર્ક, થ્રેડવર્ક, મોતી વગેરેથી સજાવવામાં આવે છે. જે ક્લીવેજને જીન્સ સાથે એકાકાર કરી દે છે.
એટલું જ નહીં લેવાઇસની મહિલાઓની સર્વાધિક વેચાતી જીન્સ રેડ ટેબ ૫૬૭ના નામે ઓળખાય છે. જે નીચા બેલ્ટવાળું ડેનીમ જીન્સ છે. અને અનેક શેડ્સમાં આવે છે. આજકાલ લી, લી કૂપર, પેપે અને અન્ય જાણીતી બ્રાન્ડોએ પણ મોંઘી ડિઝાઇનર બ્રાન્ડો ઉપરાંત આ પ્રકારના જીન્સના છૂટક વેચાણ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ પ્રકારના જીન્સ અને પેન્ટની ફેશન અને વેચાણ વ્યાપક બન્યા છે, ત્યારે પેન્ટો અને જીન્સના બેલ્ટ વધુ નીચા જવા લાગ્યા છે. આ પેન્ટો અને જીન્સનો નીચા જવાનો ટ્રેન્ડ ક્યાં જઇને અટકશે એ તો કદાચબ્રિટની સ્પીયર્સ જણાવી શકે.
- એકતા


