સ્વાસ્થ્યનો ભોગ લેતાં ફેશનના ફિતુર .
ફેશનેબલ માનુનીઓ માટે પ્રત્યેક ફેશનનું અનુકરણ કરવું જાણે કે ફરિજયાત બની જાય છે. નિયમિત ફેશન કે નવી શરૂ થયેલી ફેશન તે ન અપનાવે ત્યાં સુધી તેને ચેન નથી પડતું. વળી કેટલીક ફેશન કાયમી હોય છે, જે લગભગ બધી લલનાઓ વત્તાઓછા અંશે અપનાવતી જ હોય છે. અને તેમાં કાંઈ ખોટું પણ નથી. હા, કેટલીક ફેશનનો અતિરેક તમારા સ્વાસ્થ્યનો દાટ વાળી શકે છે.
આવી એક કોમન ફેશન એટલે ઊંચી એડીના પગરખાં. આજની તારીખમાં ભાગ્યે જ કોઈ યુવતી હશે જેની પાસે હાઈ હિલ્સ નહીં હોય. પણ નિયમિત રીતે ઊંચા એડીના જોડાં પહેરવાથી ઘુંટી અને હિલના હાડકાને ભારે જફા પહોંચે છે. એટલું જ નહીં, તેનાથી પગ અને પીઠનો દુખાવો પણ થાય છે. જો તમે લાંબા સમય સુધી હાઈ હિલ્સ પહેરો તો આરંભના તબક્કામાં તો તેની કોઈ અસર જોવા નહીં મળે. પણ લાંબા ગાળે તે પીઠ અને નિતંબની પીડા નોંતરશે.
બહેતર છે કે માત્ર પ્રસંગોપાત જ હાઈ હિલ્સ પહેરો. અને જો નિયમિત રીતે પહેરતા હો તો યોગ, બેક સ્ટ્રેચ તેમ જ અન્ય વ્યાયામ પણ નિયમિત રીતે કરો. જેથી પીઠને પહોંચતા નુકસાનથી બચી શકાય.
પ્રત્યેક માનુનીને એકવડા બાંધાનું વરદાન નથી હોતું. કોઈકનું પેટ થોડું મોટું હોય તો કોઈની કમર અને કોઈના નિતંબ. આવી સ્થિતિમાં ફિગરને આકર્ષક દર્શાવવા શેપવેર પહેરવાની ફેશન સામાન્ય બની ગઈ છે. તમે ક્યારેક કોઈ પાર્ટીમાં જતા હો ત્યારે શેપવેર પહેરો તો જુદી વાત છે. બાકી તમારા શરીરના ચોક્કસ ભાગની સ્થૂળતા છુપાવવા રોજેરોજ શેપવેર પહેરવાથી બ્લેડરનો નુકસાન પહોંચે છે, જ્ઞાાનતંતુઓને હાનિ થાય છે અને રક્તમાં ગાંઠ થવાની શક્યતા પણ રહે છે. આથી જો તમે વારંવાર શેપવેર પહેરતા હો તો તે સ્ટ્રેચેબલ મટિરિયલમાંથી બનાવેલા છે કે નહીં તે અચૂક તપાસી લેવું.
છેલ્લા ઘણાં સમયથી મોટી હેન્ડબેગ લેવાનો જાણે કે ધારો બની ગયો છે. ચાહે તે ફેશન માટે હોય કે વધારે સામાન ભરવા. પરંતુ તબીબો તેની સામે લાલબત્તી ધરતાં કહે છે કે નિયમિત રીતે લાર્જર હેન્ડબેગનો ઉપયોગ કરવાથી કરોડરજ્જુને ભારે નુકસાન પહોંચે છે. જે તે માનુનીનું પોશ્ચર બદલાઈ જાય છે. આ પીડાનો અહસાસ લાંબા ગાળે થાય છે.
કાનમાં પહેરવામાં આવતાં વજનદાર લટકણિયા કાનની બૂટ માટે જોખમી બને છે. તેનાથી કાનનું કાણું મોટું થઈ જાય છે જે છેવટે કોસ્મેટિક સર્જરી દ્વારા જ રિપેર કરી શકાય છે.
જે રીતે લાંબા સમય સુધી ઊંચી એડીના પગરખાં પહેરવાં સલાહભર્યાં નથી તેવી જ રીતે નિયમિત રીતે ફિલપફલોપ પહેરવા પણ હિતાવહ નથી. સંખ્યાબંધ રંગોમાં મળતાં ફિલપફલોપ કમ્ફર્ટેબલ હોવા છતાં તેમાં પગને જકડી રાખવા અંગુઠા અને તેના પછીની આંગળીને ખૂબ મહેનત કરવી પડે છે. પરિણામે ઘણાં સ્નાયુઓમાં વેદના થાય છે. વળી તે એકદમ ફલેટ હોવાથી ચાલતી વખતે શોક એબ્ઝર્પશનનું કામ નથી આપતાં. પરિણામે પગના તળિયા, પગ, નિતંબ અને પીઠમાં વેદના થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. તેથી તેનો રોજિંદો ઉપયોગ ટાળવો.
આજની તારીખમાં પેન્ટને ટાઈટ રાખવા જ બેલ્ટ નથી પહેરાતા. બલ્કે તે સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયા છે. સિમ્પલ ડ્રેસ, ચાહે તે પેન્ટ હોય કે ટોપ, આકર્ષક બેલ્ટને લીધે એકસ્ટ્રા ઓર્ડિનરી દેખાય છે. પરંતુ જો તે બહુ ટાઈટ પહેરવામાં આવે તો શ્વાસ લેવામાં તકલીફ થવી, શરીરને પ્રાણવાયુ ઓછો મળવો કે ચક્કર આવવા, ઊલટી થવી જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
સ્કીન ટાઈટ જિન્સ કે ટ્રાઉઝર પહેરવાથી માનુનીના પગનો આકર્ષક આકાર સ્પષ્ટ દેખાય છે. પણ રોજેરોજ આવી પેન્ટ પહેરવાથી તે મજ્જાતંતુને ભારે હાનિ પહોંચાડે છે. આવું જ કાંઈક નિયમિત રીતે અંડરવાયર બ્રા પહેરવાથી પણ થાય છે. તે સ્તન સાથે ઘસાય છે ત્યારે ત્યાંની ત્વચામાં ખંજવાળ આવે છે. આ સિવાય જો ફેબ્રિક ફાટી જાય અને વાયર સીધું ત્વચા પર ઘસાય ત્યારે તે ચામડીને વધુ નુકસાન પહોંચાડે છે. ઘણાં કિસ્સામાં તો સ્તનપાન કરાવતી માતાને દૂધ આવતું બંધ થઈ ગયાનું પણ બન્યું છે. જમીન પર ઘસડાતા ગાઉન દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. અલબત્ત, તે સીધી રીતે જે તે વ્યક્તિને નથી નડતો. પણ ચાલતી વખતે તેમાં પગ ભરાઈને પડી જવાની કે અન્ય કોઈ વ્યક્તિનો તેના ઉપર પગ આવી જાય ત્યારે પડી જવાની ભીતિ રહે છે. તે દરવાજા કે અન્ય કોઈ વસ્તુમાં ભરાઈ જઈ શકે છે.