Get The App

આસ્થા, અનુભવ અને અજમાયશ .

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
આસ્થા, અનુભવ અને અજમાયશ                                  . 1 - image


- ઈશ્વરનું માણસ સાથેનું જોડાણ અદ્વિતિય અને અગોચર છે. આપણે જેટલા ડિમાન્ડિંગ રહીશું તેટલા જ આપણે પેન્ડિંગ રહીશું. જેટલા આપણે ગ્રેટિટયૂડ સાથે, આપણને જે મળ્યું છે તે સ્વીકારીને આભારની ભાવના સાથે જીવીશું અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કરીશું તેટલા જ વધારે સુખી રહીશું. 

તમે ઈશ્વરમાં માનો છો કે નહીં. આપણને કોઈ આવો સવાલ કરે તો સ્વાભાવિક જવાબ હોય કે હું માનું છું. ઈશ્વર પ્રત્યેની આસ્થા દરેક વ્યક્તિને હોય અને તેના માટે વ્યક્તિ પોતપોતાની રીતે કંઈક ને કંઈક કરતો હોય છે. આપણી ભક્તિ, આપણા પ્રયાસ અને તેનું પરિણામ એ માણસ અને ઈશ્વર સાથે જોડાણનું અદ્વિતિય અંગ છે. માણસ જ્યારે કંઈક ઈચ્છે અને તેને પામવાના તેના પામર પ્રયાસ નિષ્ફળ જાય, તેને થાય કે હવે કંઈખ ખુટે છે, કંઈક અધુરું રહે છે ત્યારે તે ઈશ્વરને શરણે જાય છે. સમગ્ર સૃષ્ટીનું સંચાલન કરનારી આ તાકાત દરેકની પોતાના કર્મ પ્રમાણે અને ક્ષમતા પ્રમાણે તેનું ફળ આપતી રહે છે. મહત્ત્વનું છે કે, આપણે આ મેળવ્યા પછી તેની પાસે કેટલા જોડાયેલા રહીએ છીએ. 

માણસ અને ઈશ્વરનો સંબંધ આ કળયુગમાં બદલાઈ ગયો છે. અહીંયા પણ આપવા અને લેવાથી વૃત્તિ થઈ ગઈ છે. આપણે પહેલાં માગવા જવાનું અને જો એ આપે તો તેનું વળતર આપવા જવાનું. જો આપણું ધારેલું ન થાય તો ઘણી વખત તો ઈશ્વર બદલી કાઢવા સુધી પણ આપણે પહોંચી જતા હોઈએ છીએ. આવો વ્યવહાર આપણી આસ્થા કે શ્રદ્ધા નહીં પણ વ્યવસ્થા કહી શકાય. આપણે ધારેલું બધું જ જો મળી જતું હોય તો પછી ઈશ્વરની જરૂર જ શું છે દુનિયામાં. ઘણી બાબતો એવી છે જે આપણને લાગે છે કે, આપણી જરૂર છે પણ આપનારને ખબર છે કે તેને જરૂર નથી અથવા તો આ વ્યક્તિ તેના માટે યોગ્ય નથી તેથી જ તેને આપતો નથી. ઈશ્વર આ બધું જ પોતાની રીતે ગોઠવીને ચલાવે છે. તેના કારણે જ આપણે સતત તેની પાસે જઈએ છીએ. 

ઈશ્વર પાસે જવું એ માત્ર ડિમાન્ડ એન્ડ સપ્લાયનું જ કારણ ન હોવું જોઈએ. તેની પાસે જઈને, તેની સામે બેસીને, બે હાથ જોડીને તેણે જે આપ્યું છે તેનો આભાર પણ માનવો જોઈએ. આ આભાર માનવાની વૃત્તિ જ આપણી આસ્થા અને શ્રદ્ધાની પરાકાષ્ઠા છે. માણસ નાનો હોય કે મોટો, ગરીબ હોય કે ધનપતિ દરેક પોતપોતાની રીતે ઈશ્વરમાં માને છે, તેની આરાધના કરે છે અને તેની સાથે જોડાયેલા રહેવાના પ્રયાસ કરે છે. માણસ જ્યારે આ પ્રયાસથી થોડો ઉપર જાય ત્યારે તેની આસ્થા વધારે ફળીભૂત થતી હોય છે. 

હાલમાં આપણે જોઈએ છીએ કે, ચારેકોર અનંત અંબાણીની પદયાત્રાની ચર્ચા છે. તેના સમાચાર, રિલ્સ, વીડિયો અને બધું જ ચાલી રહ્યું છે. પ્રારંભિક દ્રષ્ટિએ જોઈએ તો લાગે કે, ધનકુબેરના છોકરાનો આ પબ્લિસિટી સ્ટંટ છે પણ હકિકતે આ સ્ટંટ નહીં પણ વ્યક્તિ તરીકે ઈશ્વર સાથે જોડાયેલા રહેવાનું નેક્સ્ટ લેવલનું સ્ટેન્ડ છે. યુવા પેઢી કે જેઓ આસ્તિકતા અને નાસ્તિકતા વચ્ચે ઝુલ્યા કરે છે તેવી પેઢીની વ્યક્તિ તરીકે ઈશ્વરમાં સતત આસ્થા દાખવવા ફર્યા કરવું સરળ નથી. અનંત અંબાણી ૧૭૦ કિ.મી ચાલીને દ્વારકાધિશના દર્શને જાય છે તો તે બીજા કરોડો રૂપિયા માગવા નથી જતા. ઈશ્વરે તેમને જે આપ્યું છે તે સામાન્ય માણસની કલ્પના કરતા પણ અનેકગણું વધારે છે. સ્વાભાવિક સવાલ થાય કે, કશું જોઈતું નથી તો આ પદયાત્રા શેના માટે કરી રહ્યા છે.  

આ પદયાત્રા પોતાની આસ્થાને નેક્સ્ટ લેવલે એટલે કે ગ્રેટિટયૂડ લેવલે લઈ જવા માટે કરવામાં આવી છે. હજાર હાથવાળો, જગતનો નાથ જેને આપણે કહીએ છીએ તે દ્વારકાધિશ દરેકને આપતો જ રહે છે. આ કૃષ્ણ કનૈયા પાસે આભાર માનવા કેટલા જાય છે. દિકરો પાસ થઈ જશે તો સુખડી ધરાવીશ, નવી ગાડી લાવીશું એટલે પહેલાં નાથદ્વારા દર્શન કરવા જઈશું. દીકરીનું સારું ઠેકાણું મળી જશે તો ડાકોરમાં ધજા ચડાવીશું. આવી અનેક માનતાઓ આપણે માનતા હોઈએ છીએ. કરુણતા તો એવી છે કે, મારા ઘરે દીકરો જન્મશે તો હું અંબાજીમાં ધજા ચડાવીશ અને કુંવારિકાઓને ભોજન કરાવીશ જેવી વિચિત્ર બાધા પણ આપણે રાખતા હોઈએ છીએ. વસ્તુના આ વ્યવહાર વચ્ચે અનંત પોતાના વ્હાલપના વ્યવહાર માટે નીકળ્યા છે. 

કુબેર જેવો વૈભવ છે, પાણી માગો ત્યાં દૂધ પિરસાય તેવી વ્યવસ્થા છે છતાં આ વ્યક્તિ અનેક શારીરિક તકલિફો વચ્ચે ચાલતા દ્વારકા જાય છે. દરરોજ રાત્રે આઠ કલાક ચાલે છે અને ચાલવા દરમિયાન ભજન, કિર્તન અને ધૂન બોલાવતો જાય છે. તે માત્ર દ્વારકા જ જાય છે તેવું નથી. મુંબઈમાં પણ ઘણા મંદિરો છે જેમાં અનંત અંબાણી નિયમિત જાય છે. આ સિવાય ભારતના તમામ મોટા દેવસ્થાનોમાં અવારનવાર તે શીશ નમાવવા અને દાનધરમ કરવા માટે જાય છે. ઈશ્વરે જ બધું આપ્યું છે અને તેને જ બધું પાછું આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અનંત અંબાણીને જે શારીરિક તકલિફો છે તેની સરખામણી અન્ય કોઈ સેલેબ, સ્ટારકિડ કે પછી ધનકૂબેરના સંતાનો સાથે કરીએ તો તેને ઘરની બહાર પણ ન જવા દે. તેના માટે લખલૂટ ખર્ચ કરીને સુવિધાઓ ઊભી કરે પણ અહીંય આ વ્યક્તિ બધું છોડીને માત્ર કાળિયા ઠાકરનો આભાર માનવા નિકળ્યો છે. આ ત્રણ દાયકાની જિંદગીમાં તે જે આપ્યું તે અદ્વિતિય, અદભૂત અને ઉત્તમ છે. સ્વર્ગના સુખથી કશુંય ઉતરતું નથી પણ મારા જીવનમાં એક અભાવ છે આશીર્વાદનો અને તે ઈશ્વરને સન્મુખ જઈને જ મળે છે. બસ આ આશીર્વાદ અને ચેતનાની અનુભુતી માટે તે પદયાત્રાએ નીકળ્યો છે. 

માત્ર અનંતની વાત નથી. આપણે અનેક વખત વિરાટ કોહલીને પણ સાધુ-સંતો પાસે, ગુરુદ્વારામાં, મંદિરોમાં માથું ટેકાવતો અને શીશ નમાવતો જોયો છે. યંગ જનરેશન જેનું આંધળું અનુકરણ કરવા સજ્જ છે તેવા આ સેલેબ્સ પોતાની જાતને સફળ અને શિખર ઉપર રાખ્યા બાદ પણ સાહજિક રાખે છે. તેઓ જાણે છે કે, માત્ર મહેનતથી બધું જ મળી જતું નથી. મહેનત બાદ મળતી નિષ્ફળતાને જો સફળતામાં ફેરવવી હશે તો તેના માટે ઈશ્વરનું શરણ જ જરૂરી છે. પોતાની આસ્થાની આ અજમાયશ જ વ્યક્તિને મંદિરો અને દેવસ્થાનો સુધી લઈ જતી હોય છે. 

અનંત અને વિરાટ કોહલીની વાત જવા દઈએ તો પણ બોલિવૂડમાં એક સફળ કોરિયોગ્રાફર, ડાયરેક્ટર, પ્રોડયુસર છે રેમો ડિસુઝા. આ ગુજરાતી છોકરો ઘર છોડીને મુંબઈની માયાનગરીમાં સમાઈ ગયો પણ તેણે પોતાના સંઘર્ષની સાથે સાથે શ્રદ્ધાને પણ ટકાવી રાખ્યા. તાજેતરમાં જ તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતં્ કે, ગણપતિ બાપા સાથે મારો અદ્વિતિય સંબંધ છે. પોતાની દરેક ફિલ્મો, પોતાના દરેક શોમાં તે ભગવાન ગણેશની આરાધના કરતું ગીત લાવે જ છે. ગણપતિની હાજરીથી તેનું બધું જ ઈષ્ટ થતું હોવાનું અને તમામ વિઘ્નો દૂર રહેતા હોવાનું માનવું છે. એક ક્રિશ્ચિયન છોકરો જે હીરો થવા માટે ઘર છોડીને ઘરેથી નીકળી જાય અને બીજા ધર્મ કે સંપ્રદાયના ઈશ્વરમાં માનતો થઈ જાય જે અત્યારની અસહિષ્ણુ પ્રજા માટે કદાચ જોખમી હોઈ શકે પણ નિરાકાર તાકાત અને કુદરતમાં માનતી વ્યક્તિ માટે સાહજિક છે. 

ઈશ્વરનું માણસ સાથેનું જોડાણ અદ્વિતિય અને અગોચર છે. આપણે જેટલા ડિમાન્ડિંગ રહીશું તેટલા જ આપણે પેન્ડિંગ રહીશું. જેટલા આપણે ગ્રેટિટયૂડ સાથે, આપણને જે મળ્યું છે તે સ્વીકારીને આભારની ભાવના સાથે જીવીશું અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કરીશું તેટલા જ વધારે સુખી રહીશું. આપણે જો સરખામણીઓ કરીને સુખી થવા માટે ઈશ્વરના શરણે જઈશું તો કશું જ મળવાનું નથી. કદાચ મળી જશે તો પણ સંતોષ મળવાનો નથી. વ્યક્તિ જે મળ્યું છે તે માણીને ઈશ્વરને શરણે જશે ત્યારે જ તેની આસ્થાની સાચી અજમાયશ થશે. આ અનુભવ ખરેખર દિવ્ય અને અવિસ્મરણીય હોય છે. ઈશ્વરના આંગણે પહોંચીને પગરખાં અને અભરખાં ઉતારીને અંદર જઈશું તો તેનો આનંદ અને અનુભૂતિ કંઈક અલગ જ રહેશે.

Tags :