સુંદરતા શોષી લેતી ગરમીનો સામનો .
ઉનાળામાં સ્વાસ્થ્ય અને સૌંદર્યની દ્રષ્ટિએ આપણા શરીરની ખાસ જાળવણી અને સુરક્ષાની જરૂર પડે છે. વધુ પડતી ગરમી અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે. આવી કેટલીક સંભવિત મુશ્કેલીઓ અને તેનાં નિવારણ અહીં જણાવ્યાં છે.
પરસેવાથી મેકઅપ રેલાઈ જતો હોય ત્યારે ક્રીમ, ફાઉન્ડેશન વગેરેનો ઉપયોગ ઉનાળામાં કદી ન કરો. પેસ્ટલ શેડવાળી લિપસ્ટીક અને આછા બ્લશરનો ઉપયોગ જ ઉનાળામાં સારો રહે છે.
ઉનાળામાં મેકઅપનાં ઓછામાં ઓછાં પ્રસાધનોનો ઉપયોગ કરો. તૈલી ત્વચા હોય તેમણે ઉનાળામાં ખૂબ જ સાવચેતી અને સુરક્ષા રાખવાની જરૂર પડે છે.
દિવસમાં ચાર-પાંચ વાર ચહેરો ઠંડા પાણીથી ધુઓ. મેકઅપ કરતાં પહેલાં ચહેરા પર બરાબર બરફ ઘસો. બને ત્યાં સુધી હળવો મેકઅપ કરો. ફાઉન્ડેશન અને ક્રીમને બદલે પાઉડરનો ઉપયોગ કરવો વધારે સારો.
પરસેવાની દુર્ગંધ :- ખૂબ પરસેવો વળે, એ ઉનાળાની સૌથી મોટી સમસ્યા છે. સૌથી વધુ પરસેવો વળવાનાં સ્થાન છે. હથેળીઓ, પગનાં તળિયાં, બગલ, કપાળ અને માથું. ઉનાળામાં શરીરની સ્વચ્છતા તરફ વધુ ધ્યાન આપવું. તે માટે દરરોજ ઓછામાં ઓછું બે વાર ઠંડા પાણીથી સ્નાન કરવું. સારા સાબુનો ઉપયોગ કરવો. નહાતી વખતે બગલની સફાઈનું ખાસ ધ્યાન રાખો. નહાતાં પહેલાં નહાવાના પાણીમાં યૂડીકોલોન કે ડેટોલનાં થોડાં ટીપા નાખો.
નાહ્યા પછી સાફ અને મુલાયમ ટુવાલથી શરીરને સારી રીતે લૂછી પાઉડર લગાવો. પછી મનપસંદ પફર્યુમ કે ડીઓડરન્ટ લગાવવાની પરસેવાની દુર્ગંધ નહીં આવે.
કપડાંની પસંદગી : ઉનાળામાં શરીરને સ્વચ્છ રાખવાની સાથે જ અનુકૂળ કપડાં પહેરવાથી વધુ સહજ અને સ્ફૂર્તિ લાગે છે. અંદર પહેરવાનાં વસ્ત્ર આછાં રંગનાં, સ્વચ્છ અને પરસેવો શોષી લે તેવાં સુતરાઉ હોવાં જોઈએ. આ વસ્ત્રો રોજરોજ ધોઈને સ્વચ્છ રાખવાં.
ઉનાળામાં નાયલોન, સિલ્ક, જોર્જેટ વગેરે કપડાંને બદલે આછા રંગનાં અને પહેરવામાં મુલાયમ હોય તેવાં અને હળવાં સુતરાઉ કપડાંનો ઉપયોગ કરવો. આવાં કપડાં પરસેવો તરત જ શોષી લે છે. વળી, સુતરાઉ કપડાં પહેરવાથી ત્વચાની એલર્જી નથી થતી. સુતરાઉ મોજાં પહેરવાં. જૂતાં-ચંપલના તળિયાં રબરનાં ન રાખશો.
ખીલ : ઉનાળાની ગરમીની સૌથી વધુ અસર ત્વચા પર થાય છે. ઉનાળામાં ચહેરા પર ખીલ થવાની એક સામાન્ય ફરિયાદ છે. એનું કારણ છે. પરસેવાથી ચહેરાની ત્વચા તૈલી થવી અને તેના લીધે ધૂળ જમા થવી. ઉનાળામાં ત્વચા નિયમિત અને સારી રીતે સાફ ન થાય તો ખીલ-ફોલ્લીઓ થવાનાં જ, એટલે ઉનાળો બેસતાં જ ચહેરાની સ્વચ્છતા તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દો. દરરોજ પાંચ-છ વાર ચહેરો સ્વચ્છ, ઠંડા પાણીથી ધુઓ અને મુલાયમ, સુતરાઉ કપડાથી લૂછી નાખો.
ચહેરા પર ખીલ થયાં હોય, તો એક ચમચો ચણાના લોટમાં અડધી ચમચી લીમડાનાં સૂકાં પાનનો પાઉડર, ચપટી હળદર અને બે ચમચા દૂધ ભેળવી તેને ચહેરા પર લગાવો. અર્ધા કલાક પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ નાખો. આ સિવાય ૧/૨ ચમચી સુખડનો પાઉડર, એક ચમચી મુલતાની માટી અને બે ચમચી ગુલાબ જળ મેળવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી અર્ધા કલાક પછી ધોઈ નાખો. નિયમિત પ્રયોગ કરવાથી લાભ થશે.
ઉનાળામાં રૂમાલ સાથે રાખવો જરૂરી છે. પરસેવો લૂછવા રૂમાલની વારંવાર જરૂર પડતી હોવાથી રૂમાલ સુતરાઉ, સ્વચ્છ અને મોટો રાખવો. તે પાણી શોષી લે તેવો હોવો જોઈએ. આખો દિવસ એકનો એક રૂમાલ વારંવાર વાપરવાથી ગંદો થઈ જાય છે. તેથી બે રૂમાલ સાથે રાખવા. રૂમાલને દરરોજ ધોઈ, ઈસ્ત્રી કરી, તેના પર હળવું પરર્ફ્યૂમ છાંટવું. આથી તમે જ્યારે જ્યારે રૂમાલનો ઉપયોગ કરશો, ત્યારે ત્યારે તાજગી અનુભવશો.
ઉનાળામાં વાળમાં પરસેવો વળે, એ સામાન્ય બાબત છે. આ ઋતુમાં વાળની સ્વચ્છતા તરફ વધુ ધ્યાન આપવું પડે છે. જો તમારા વાળ લાંબા હોય તો દરરોજ તેમને ધોવાનું કદાચ ન ફાવે, પરંતુ એકાંતરા દિવસે તો વાળ જરૂર ધોવા. અઠવાડિયામાં એક વાર વાળમાં તેલ નાખી શેમ્પૂથી સારી રીતે ધુઓ.
આ ઋતુમાં લાંબા વાળવાળી મહિલાઓની તકલીફ વધારે હોય છે. કારણ કે લાંબા વાળને છૂટા તો રાખી શકાતા નથી. આખો દિવસ બાંધી રાખેલા વાળને થોડા સમય માટે છૂટા રાખવા. આમ કરવાથી તેમાંનો પરસેવો સુકાઈ જશે. વાળને ધોયા પછી તે સારી રીતે સુકાઈ જાય, પછી જ બાંધો. ટૂંકા વાળ રાખનારાંને આ તકલીફ નડતી નથી. તેથી તેઓ દરરોજ વાળ ધુએ તો સારું. વાળની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો, નહીંતર પરસેવાની ગંદકીથી વાળમાં જૂ થઈ જશે.
આ સિવાય ત્વચાના રંગની જાળવણી પણ ચીવટપૂર્વક કરવી જોઈએ.
ઉનાળામાં આખો દિવસ તમારી ત્વચા સૂર્યના તડકા અને ગરમ લૂના સંપર્કમાં આવવાથી, ત્વચાના રંગની સંભાળ જરૂરી છે. રાત્રે સૂતાં પહેલાં ત્વચાને મોઈશ્ચરાઈઝરથી નિયમિત સાફ કરો.
- ઈશા