આંખના સોજા અને બળતરાનો ઈલાજ બહુ ઈઝી છે
ઉનાળો બેસી ગયો છે. આ વખતનો ઉનાળો બહુ આકરો બની રહેવાની આગાહી છે. ધોમધખતા ઉનાળામાં આંખ બળવી બહુ સામાન્ય બાબત છે. આ ઉપરાંત વાયુ પ્રદુષણ પણ આપણા ચક્ષુઓ માટે હાનિકારક છે. તમે દિલ્હી, મુંબઈ કે અમદાવાદમાં ઘરમાં હો કે બહાર, હવામાં ભળેલું પ્રદુષણ તમારી દ્રષ્ટિ તે જાતજાતની મુશ્કેલીઓમાં મૂકી શકે છે. આપણી આંખમાં અને ખાસ કરીને કોર્નિયા (પારદર્શક નેત્રપટલ)માં ઘણી બધી બારિક નસો હોય છે, જેમને વાયુ પ્રદુષકો બહુ સહેલાઈથી અસર કરે છે. આંખની સુરક્ષા માટે એક સાવ પાતળી ટિયર ફિલ્મ હોવાથી પ્રદુષણ નેત્રોમાં આસાનીથી બળતરા જેવો સંતાપ ઊભો કરી શકે છે. સૌપ્રથમ પ્રદુષણથી આંખમાં કેવા પ્રોબ્લેજમ્સ ઊભા થાય છે એ જોઈએ : એર પોલ્યુશનને કારણે આંખો લાલ થઈ જાય છે, પાણી ટપકે છે અને ખંજવાળ આવે છે. એ ઉપરાંત જોવામાં મુશ્કેલી પડે છે, નેત્રોમાં કન્જન્ટિવાઇટીસ જેવી કન્ડિશન્સ સર્જાય છે અને આંખ સુકી લાગે છે, દ્રષ્ટિમાં વિક્ષેપ પડે અને રંગો વચ્ચેનો તફાવત જાણી નથી શકાતો. સૌથી વધુ તકલીફ તો પોલ્યુશનને કારણે આંખમાં આવતા સોજા અને ખંજવાળથી પડે છે.
જો કે આ બધુ જાણ્યા પછી ગભરાઈ જવાની જરૂર નથી એટલા માટે કે પ્રદુષણને કારણે આંખમાં અનુભવાતા અસુખથી છુટકારો મેળવવો આસાન છે. આ રહી એની કેટલીક ટિપ્સ :
૧. ચોખ્ખા કપડાંના ટુકડા ઠંડા પાણીમાં બોળી આંખ પર રાખો. એને કારણે આંખનો સોજો ઓછો થશે અને બળતરા પણ સમી જશે. ઠંડકને કારણે રક્તવાહિનીઓ સંકોચાવાથી સોજો ઘટશે અને તત્કાળ રાહત અનુભવાશે.
૨. શરીરના બીજા અંગોની જેમ નેત્રોને પણ જરૂર પડે સ્નાન કરાવવું જોઈએ એટલા માટે કે આંખને એકદમ ચોખ્ખા જળમાં ડુબાડી રાખવાથી પ્રદુષકો બહાર નીકળી જાય છે અને ઇરિટેશનથી રિલિફ મળે છે. પ્રદુષણથી આંખમાં અસુખ ઊભુ થાય ત્યારે પ્રદુષકોને બહાર ફગાવી ચક્ષુને નિરોગી રાખવાની આ બહુ હાથવગી અને ઉપયોગી મેથડ છે.
૩. દેહના બીજા અવયવોની જેમ પુષ્કળ પાણી પીવાની આદત આપણી દ્રષ્ટિના પણ હિતમાં છે. પાણી પીવાથી આંખમાં ભિનાશ જળવાઈ રહે છે અને એ આંખમાંથી પ્રદુષકોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાથી આંસુનું ઉત્પાદન સહેલાઈથી થયા કરે છે, જે દ્રષ્ટિના લુબ્રિકેશન (ઊજવાની પ્રક્રિયા) અને આંખને પર્યાવરણના કચરાથી બચાવવા માટે અતિ આવશ્યક છે.
૪. આજે દેશમાં મોટાભાગના લોકો રોજના ઓછામાં ઓછા સરેરાશ છથી આઠ કલાક મોબાઈલ, લેપટોપ કે ટીવીના સ્ક્રિન સામે ગાળે છે. એને અંગ્રેજીમાં સ્ક્રિન ટાઈમ કહેવાય છે. જેનો સ્ક્રિન ટાઈમ જેટલો વધુ હોય એટલો એની આંખ પર વધુ સ્ટ્રેસ આવે. ખાસ કરીને પ્રદુષિત વાતાવરણમાં એ જોખમી બની જાય છે. એનો પણ ઉપાય છે. સ્ક્રિન ટાઈમમાંથી રેગ્યુલર બ્રેક્સ લેવાનો નિયમ બનાવો અને દૂરની વસ્તુ પર દ્રષ્ટિ એકાગ્ર (ફોકસ) કરો. એને લીધે નેત્રના સ્નાયુઓ રિલેક્સ થશે અને આંખ પરની તાણ ઘટશે. આ મેથડથી આંખને વધુ આરામ મળશે અને ડિજિટલ ઉપકરણોને કારણે દ્રષ્ટિ પર આવતું રિસ્ક ઘટાડી શકાશે.
૫. ગોગલ્સ એટલે કે સનગ્લાસિસ પહેરવાથી માત્ર ફેસની શોભા નથી વધતી, આંખને સુરક્ષા પણ મળે છે એટલે બહાર જાવ ત્યારે સનગ્લાસિસ પહેરવાની ટેવ પાડો. સનગ્લાસિસ તમારી આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉપરાંત બહારની હવામાં ભળી ગયેલા પ્રદુષકોથી પણ બચાવશે.
- રમેશ દવે
આંખની માવજત માટે બીજુ શું કરી શકાય?
લેખમાં અગાઉ ચર્ચાયેલા મુદ્દા આંખની બળતરા, સોજા જેવી તકલીફોનો ઝડપી ઈલાજ છે. એ સિવાય આંખના જતન માટે અમુક બાબતોને સહેલાઈથી અનુસરી શકાય છે જેમ કે :
૧. ચક્ષુને ચોળવાનું રહેવા દો :
આંખમાં ખંજવાળ આવવી અને બળતરા થતી અટકાવવા નેત્રોને જોરજોરથી ચોળવાનું ખાળવું જરૂરી છે. ચોળવાથી આંખમાં બેક્ટિરિયા અને બીજા ઉદ્દીપકો પ્રવેશશે અને એને પગલે આંખમાં સોજો અને લાલાશ આવતા તમે અસુખ અનુભવશો એટલે કોઈ પ્રકારનું અસુખ ઊભું ન થાય એ માટે આંખ ચોળવાને બદલે એને હળવેકથી ધોવાનું રાખો.
૨. હેલ્ધી ફુડ ખાવાનું રાખો :
આપણાં રોજિંદા ડાયટમાં આય-હેલ્ધી ફુડ્સ સામેલ કરવાથી નેત્રોને એની કામગીરીમાં મેક્સિમમ સપોર્ટ કરે એવા પોષક તત્ત્વો મળી રહેશે એટલે ખાનપાનમાં વિટામિન એ, સી અને ઈ ઉપરાંત લ્યુટિન અને ઝેકસાનથિન જેવા એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર ફુડ ઉમેરો. કેરી, પપૈયા, ગાજર અને લીલા પાનવાળા શાકમાં આ પોષક તત્ત્વો સારા એવા પ્રમાણમાં મળી રહે છે. એ ખાવાથી આંખો સ્વસ્થ રહે છે અને દ્રષ્ટિની ખામીઓનું રિસ્ક નિવારી શકાય છે.
૩. આય માસ્ક પહેરો :
કોઈને પોતાની ફરજના ભાગરૂપે લાંબા સમય સુધી સ્ક્રિન સામે બેસવું પડતું હોય તો એ આય માસ્ક પહેરી રિલેક્સ રહી શકે છે. આય માસ્ક થાકી ગયેલી આંખને શાતા આપવા ઉપરાંત એનો સોજો પણ ઘટાડે છે. ઈન શોર્ટ, નેત્રો પરનો સ્ટ્રેન નિવારી એમને રિલેક્સ રાખવા માટે આય માસ્ક બહુ ઉપયોગી બની રહે છે.