Get The App

બાળકોને સમજાવો દાદા-દાદી અને નાના-નાનીનું અદકેરું મહત્ત્વ

Updated: Jul 29th, 2024

GS TEAM


Google News
Google News
બાળકોને સમજાવો દાદા-દાદી અને નાના-નાનીનું અદકેરું મહત્ત્વ 1 - image


- બાળકોને જીવનમાં દાદા-દાદી અને નાના-નાનીનો સાથ મળવો તેમના બાળપણને સંપૂર્ણ બનાવે છે કેમ કે એ જ પરિવાર તેમનામાં સંસ્કારની ઇંટ આરોપે છે. બાળકોના વિકાસમાં તેમની ભૂમિકા ઘણી મોટી હોય છે. ગ્રાન્ડ પેરન્ટ્સની બાળકો માટેની ઉપયોગીતા ધ્યાનમાં રાખીને જ અમેરિકા સહિત ઘણાં દેશોમાં 'ગ્રાન્ડ પેરન્ટ્સ ડે' મનાવવામાં આવે છે. 

બાળકો માટે પહેલી શાળા તો તેમનું ઘર હોય છે. ઘરના સભ્યો પાસેથી બાળકો સંસ્કાર અને વ્યવહાર શીખે છે. દાદા-દાદી અથવા નાના-નાનીનો સાથ બાળકો માટે અત્યંત સુખદ હોય છે. તેઓ બાળકોને માત્ર પ્રેમ જ નથી કરતાં, પણ રમત-રમતમાં તેમને જીવનની સારી અને સાચી શીખ પણ આપી દે છે. બાળકો પણ તેમના દાદા-દાદી અને નાના-નાની સાથે ખૂબ જ આરામથી અને ખુશીથી રહે છે. તેમને દાદા-દાદીનો સહવાસ ગમતો હોય છે. માતા-પિતા બાળકો પર ગુસ્સે પણ થાય છે અને દાદા-દાદી તો પ્રેમથી તેમની બધી વાત મનાવી પણ લે છે અને બાળકો અત્યંત સહજતાથી માની પણ લે છે. આથી જ તેઓ તેમના સૌથી વ્હાલા દોસ્ત બની જાય છે.

ઘરના વડીલો અને વૃધ્ધો પણ બાળકોમાં પોતાનું બાળપણ શોધીને તેમની સાથે સમય વ્યતિત કરવાનું વધુ પસંદ કરે છે. એવી એક કહેવત પણ છે ને કે વ્યાજ હંમેશા મૂડી કરતાં વધુ વ્હાલું હોય છે. આમેય દાદા-દાદી જીવનમાં ઘણું બધુ જોઈ અને સમજી ચુક્યા હોય છે, જેને કારણે તેઓ મુશ્કેલ બાબતનો ઉકેલ પણ ઘણીવાર પોતાના અનુભવથી ચપટી વગાડતા શોધી કાઢે છે. બાળકો પણ તેમના પાસેથી ઘણી બાબતો શીખે છે. દોડતી જિંદગીમાં જ્યારે માતા-પિતા પોતાની નોકરી માટે ભાગતા ફરતા હોય છે એવી પરિસ્થિતિમાં દાદા-દાદી સાથે બાળકો શાંત રહેવાનું શીખી જાય છે. દાદા-દાદી અને નાના-નાની જ તેમને પોતાની માતૃભાષા શીખવે છે. રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવી તેમને ધર્મ સાથે જોડે છે.

બાળકોને ભગવાન પાસે હાથ જોડવાનું, મોટી વ્યક્તિનું સન્માન કરવું, નાનાને પ્રેમ કરવો એ બધુ તો તેઓ મોટા થાય ત્યાં સુધીમાં શીખી જાય છે. આવી પરિસ્થિતિમાં બાળકો માટે દાદા-દાદીનો સાથ ખૂબ જ જરૂરી હોય છે. તેઓ પોતાની પરંપરા અને સંસ્કૃતિ અંગે દાદા-દાદી અને નાના-નાની પાસે જ શીખે છે. કેટલાંય સર્વેક્ષણો પરથી એવી વાત જાણવા મળી છે કે દાદા-દાદી અને નાના-નાનીનો સાથ મળતાં બાળકોમાં ધૈર્ય વધે છે. આટલું જ નહીં, બાળકો મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યામાં પણ ડરતા નથી. સંયુક્ત પરિવારમાં રહેતા બાળકોની તુલના વધુ જિદ્દી અને ગુસ્સો ધરાવતા હોય છે.

બાળકોને જીવનમાં દાદા-દાદી અને નાના-નાનીનો સાથ મળવો તેમના બાળપણને સંપૂર્ણ બનાવે છે કેમ કે એ જ પરિવાર તેમનામાં સંસ્કારની ઇંટ આરોપે છે. બાળકોના વિકાસમાં તેમની ભૂમિકા ઘણી મોટી હોય છે. ગ્રાન્ડ પેરન્ટ્સની બાળકો માટેની ઉપયોગીતા ધ્યાનમાં રાખીને જ અમેરિકા સહિત ઘણાં દેશોમાં 'ગ્રાન્ડ પેરન્ટ્સ ડે' મનાવવામાં આવે છે. આ રીતે તેઓ બાળકોના દાદા-દાદી અથવા નાના-નાનીને તેમની નિકટ લાવે છે.

આ સંદર્ભે ત્રીસ વર્ષની પ્રિયંકા જણાવે છે કે 'દાદીની મારા જીવનમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા છે. પિતાની નોકરી શહેરમાં હોવાને કારણે મારી માતા તેમની સાથે રહેવા લાગી અને મને દાદીની પાસે તેમને મદદ કરવા માટે મુકવામાં આવી. મારી દાદીએ મને શાળાનું શિક્ષણ ઉપરાંત ઘરકામ પણ શીખવ્યું. આજે જ્યારે હું મારા અભ્યાસ માટે બીજા દેશમાં એકલી રહું છું તો મને કોઈ કામ કરવામાં વાંધો નથી આવતો. હું તો બાળપણથી જ મારી દાદીને બા કહેતી હતી. દાદીએ મને ઘણું બધુ શીખવ્યું છે. હું ક્યારેય તેમને છોડીને રહી નહોતી શકી. વર્ષ ૨૦૦૩માં તેમને હાર્ટ એટેક આવ્યો અને તેણે આ દુનિયામાંથી વિદાય લીધી. તેમના નિધનથી મને ઘણો આઘાત લાગ્યો. હું મારી દાદીને જરાય ભૂલી નથી શકી. દાદીના અવસાને મને શીખવ્યું કે તમારે તમારી જિંદગીમાં પ્રિય લોકોની યાદી ઘણી લાંબી રાખવી જોઈએ કેમ કે કોઈ એકના મોતથી તમને ધક્કો લાગે તો તમે જીવવા લાયક નથી રહેતા.'

આ વાત માત્ર પ્રિયંકાની જ નથી. ઘણા બધા એવા બાળકો છે જેને કેટલાંક સમય પછી દાદા-દાદીથી અલગ રહેવું પડે તો તેઓ તાણમાં સરી પડે છે.

૩૫ વર્ષીય શીખા બે બાળકોની માતા છે. તેણે પોતાનો અનુભવ જણાવતા કહ્યું, 'મારો મોટો દિકરો તો બે વર્ષનો હતો ત્યારથી જ મારા સાસુ-સસરા પાસે રહેતો હતો. એકવાર અચાનક મમ્મી-પપ્પાને કેટલોક સમય માટે ગામમાં જવું પડયું તો મારા પુત્રએ તો મારા માટે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ સર્જી દીધી. તેણે ખાવા-પીવાનું છોડી દીધું હતું અને બીજા બાળકો સાથે રમતો પણ નહોતો. મારા માટે તો તેને સંભાળવો મુશ્કેલ બની ગયો હતો. નોકરી, ઘર અને બાળકો - ત્રણ જવાબદારી વચ્ચે તો હું ફસી ગઈ હતી. મારો દિકરો તો તેમને યાદ કરીને રાતે રડવા લાગતો હતો. તમે સાંભળીને હસી પડશો, પણ મારો પુત્ર ભગવાન પાસે હાથ જોડીને વિનંતી કરતો હતો કે મારા દાદા-દાદીને જલદ્દીથી મારી પાસે મોકલી દો. વીડિયો-કોલ પર પણ તેમને જોઈને એ રડવા લાગતો અને બોલતો, તમે પણ જલદી ઘરે આવી જાવ. મેં મારી મુશ્કેલીઓ પાડોશની વૃધ્ધ આન્ટીને જણાવી તો તેમણે મને સુઝાવ આપવાની સાથે મને એક સારી વાત પણ કહી, જેને હું તમારી સાથે શૅર કરવા ઇચ્છું છું. તેમણે કહ્યું કે બેટા, જીવનમાં કોઈનોય કોઈ ભરોસો નથી હોતો. બાળકને એવી કો ઈ આદત ન લગાવવી જોઈએ કે તેના વિના એ રહી નહીં શકે. તમે લોકોએ બાળકને દાદા પર એટલો બધો નિર્ભર કરી દીધો હતો કે તે તેમના વિના રહી જ નથી શકતો. બાળકને બધા સાથે રહેવાની આદત હોવી જોઈએ. આજુબાજુના લોકો સાથે પણ સંબંધ કેળવવો જોઈએ. સમય હંમેશા એકસરખો નથી રહેતો. બાળકોનું મન બહુ કિંમતી હોય છે. તેમની ભાવનાને પણ ઠેસ પહોંચે છે. તેમના કોમળ મનમાં આ વાત પણ આવી શકે છે કે મમ્મી-પપ્પાએ તો દાદા-દાદીને નહીં ભગાવ્યા હોય ને?'

આન્ટીએ જણાવ્યું કે તું મુશ્કેલીમાં ન પડ. તારા બાળકને મારા પાસે કેટલાંક કલાકો માટે મોકલી આપ. હું તેને મારા પૌત્ર-પૌત્રીઓ સાથે જમાડીશ. આ પછી શીખાએ તેના પુત્રને આન્ટી પાસે મોકલવાનું શરૂ કર્યું. કેટલાંક દિવસ તે રડતો હતો, પણ ધીરે ધીરે તેનું મન લાગવા લાગ્યું અને તે ખુશ રહેવા લાગ્યો.

(૧) જે બાળકોની દાદા-દાદી કે નાના-નાની બીજા શહેરમાં રહેતા હોય. તેઓ સરળતાથી તેને નથી મળી શકતા. તેઓ તેમના આડોશ-પડોશના લોકો સાથે રમે, કુદે તેમની સાથે ઉઠવા-બેસવાનું શરૂ કરે.

(૨) પોતાની સોસાયટીના વૃધ્ધ લોકોની એક કોમ્યુનિટી બનાવો અને બાળકોને તેમની સાથે રમવા-કુદવા માટે પરિવારજનો પ્રેરિત કરે.

(૩) માતાપિતાને જોઈએ કે તેઓ સંબંધીઓ સાથે બાળકોને મેળવે અને તેમને સંબંધોનું મહત્ત્વ સમજાવે.

(૪) બાળકોને અઠવાડિયમાં એક દિવસ વૃધ્ધ સંબંધીઓ સાથે એકલા મંદિરમાં જવા દે.

(૫) પાર્કમાં રમવા માટે મોકલો.

દાદા-દાદીના અવસાન અંગે બાળકોને કેવી રીતે જણાવવું

બાળકોને સીધી રીતે જ જણાવે કે 'મારે તને ખૂબ જ દુ:ખદ વાત જણાવવી છે. દાદાજી છેલ્લા કેટલાંક સમયથી ઘણાં બિમાર હતા અને હવે તેમનું નિધન થઈ ગયું છે. બાળકોને જણાવો કે જન્મ લેવાની જેમ જ મરવું પણ જીવન-ચક્રનો એક હિસ્સો છે.'

- ભૂપેન્દ્ર પટેલ

Tags :